ઇન્ટરનેટ પર આપણે જ્યારે પણ બ્રાઉઝર દ્વારા સર્ફિંગ કરીએ ત્યારે આપણાં દરેક પગલાંનું સતત પગેરું દબાવવામાં આવે છે. જો તમે આવું થવા દેવા ઇચ્છતા ન હો તો એક રસ્તો બાય ડિફોલ્ટ પ્રાઇવેટ મોડમાં બ્રાઉઝિંગ કરવાની સગવડ આપતા બ્રાઉઝરનો ઉપયોગ કરવાનો છે.
આ માટે તમે મોબાઇલમાં ફાયરફોક્સ ફોકસ, ડકડક ગો કે એપિક જેવા બ્રાઉઝરનો ઉપયોગ કરી શકો છો. છેલ્લા બંને બ્રાઉઝર પીસી માટે પણ ઉપલબ્ધ છે.
બીજો એક રસ્તો, ક્રોમ જેવું તમારું કાયમી બ્રાઉઝર હંમેશા ઇનકોગ્નિટો મોડમાં જ ઓપન થાય એવું સેટિંગ કરવાનું છે, અલબત્ત આ રસ્તો પીસીમાં કામ લાગશે.
એ માટે તમારા પીસીમાં ક્રોમ બ્રાઉઝર ઓપન કરો. તેના સેટિંગ્સમાં જઇ મોર ટૂલ્સમાં જાઓ. અહીં ક્રિએટ શોર્ટકટ બટન ક્લિક કરી, ડેસ્કટોપ પર તેનો શોર્ટકટ બનાવી લો. હવે એ શોર્ટકટ પર માઉસથી રાઇટ ક્લિક કરો અને પ્રોપર્ટીઝમાં જાઓ. તેમાં શોર્ટકટ ટેબમાં ટાર્ગેટ માટેના ટેકસ્ટ બોક્સમાં છેલ્લે ’’ -incongnito લખી દો (અવતરણ ચિહ્ન, તેના પછીની સ્પેસ, ડેશ વગેરે બરાબર લખવું પડશે!). હવે ઓકે ઓકે કહી બહાર નીકળી જાઓ. હવે તમે જ્યારે પણ આ શોર્ટકટની મદદથી બ્રાઉઝર ઓપન કરશો ત્યારે તે ઇનકોગ્નિટો મોડમાં ઓપન થશે.

