આજના સમયમાં તમારા હાલના કે સંભવિત ગ્રાહકોની નજરમાં રહેવા માટે ઈ-મેઇલ માર્કેટિંગ ઘણો સરળ રસ્તો છે.
ડિજિટલ માર્કેટિંગમાં એક સમયે ઈ-મેઇલ માર્કેટિંગનો દબદબો હતો. વચ્ચે થોડા સમય માટે તેના વળતાં પાણી થયાં પરંતુ હવે સ્માર્ટફોનનો ઉપયોગ વધ્યા પછી ફરી ઈ-મેઇલ માર્કેટિંગનું મહત્ત્વ વધ્યું છે કારણ કે ઇન્સ્ટન્ટ મેસેજિંગ સામે પણ ઈ-મેઇલ મજબૂતી સાથે ટકી રહેલ છે.
ડિજિટલ માર્કેટિંગ માટે ગૂગલ અને ફેસબુકના નેટવર્ક (જેમાં ઇન્સ્ટાગ્રામ, મેસેન્જર આવી ગયા), ટવીટર, એસએમએસ, વોટ્સએપ વગેરે અનેક રસ્તા છે, પરંતુ જેની પાસે સ્માર્ટફોન હોય એ ઈ-મેઇલનો ઉપયોગ કરતા હોય એ લગભગ નિશ્ચિત હોવાથી અને ઈ-મેઇલ માર્કેટિંગ ખાસ્સું સસ્તું હોવાથી તેની લોકપ્રિયતા ફરી વધી છે. જો તમે તમારી સર્વિસ કે પ્રોડ્કટસ કે બ્લોગ/વેબસાઇટમાં પ્રમોશન માટે ઈ-મેઇલ માર્કેટિંગનો ઉપયોગ કરતા હો તો તેના કેટલાક પાયાના નિયમ જાણી લો.
માર્કેટિંગ મેેઇલ્સ માત્ર એ જ લોકોને મોકલો જેમને તમારા ઈ-મેઇલ્સ મેળવવામાં રસ હોય. ઈ-મેઇલ માર્કેટિંગની સગવડ આપતી મોટા ભાગની સર્વિસમાં લોકો આપણા ઈ-મેઇલ્સ માટે ઓપ્ટ-ઇન કરી શકે એટલે કે આપણા ઈ-મેઇલ મેળવવામાં રસ બતાવી શકે એવી વ્યવસ્થા હોય છે. એ ઉપરાંત આપણે ઇચ્છીએ તો આપણી પાસે રહેલા ઈ-મેઇલ એડ્રેસીસ એક સાથે એવી સર્વિસમાં અપલોડ કરી શકાય છે, પરંતુ એમ કરવું ટાળવું જોઈએ. આપણો ડેટાબેઝ ક્લિન ન હોય એટલે કે તેમાં લોકોનાં સાચાં ઈ-મેઇલ એડ્રેસીસ ન હોય તો ઈ-મેઇલ્સ બાઉન્સ થશે. ઉપરાંત ધરાર ઈ-મેઇલ મોકલ્યા હશે તો ઘણી વ્યક્તિઓ તેને સ્પામ તરીકે રિપોર્ટ કરી શકશે. સરવાળે આપણા માર્કેટિંગ કેમ્પેઇનને નુકસાન થશે.
તમારા મેઇલ્સમાં હંમેશા તમારી સ્પષ્ટ ઓળખ આપો. દેખીતું છે કે આજના સમયમાં કોઈ પણ સરેરાશ યૂઝર્સ પર ચારે તરફથી ઈ-મેઇલ્સનો મારો થતો હોય છે. એમાં તમારો ઈ-મેઇલ તેમની નજરમાં આવે અને તેને ઓપન કરવામાં આવે એવું ત્યારે જ શક્ય બને જ્યારે તમે ઈ-મેઇલના સબ્જેક્ટમાં તમારી સ્પષ્ટ ઓળખ આપી હોય. ક્લિક કરવા માટે લલચાવતી સબ્જેક્ટ લાઇન કદાચ ટૂંકા ગાળા માટે પરિણામ આપી શકે પણ લાંબા ગાળે એ ઉપયોગી નથી. સબ્જેક્ટ લાઇન એવી જ આપો જેનાથી તમારી ઓળખ સ્પષ્ટ થાય અને તેમાં જે લખ્યું હોય તે તમારા ઈ-મેઇલમાં હોય.
યોગ્ય રીતે ઈ-મેઇલ માર્કેટિંગના ઉપયોગથી ઘણા ઓછા ખર્ચે સારાં પરિણામ મેળવી શકાય છે – ફક્ત ‘યોગ્ય રીતે’ શબ્દો પર ખાસ મૂકવો જરૂરી છે!
તમારા કેમ્પેઇનનાં પરિણામો ચકાસતા રહો. જ્યારે તમે પોતે તમારા બિઝનેસ માટે ઈ-મેઇલ માર્કેટિંગ કરી રહ્યા હો ત્યારે આ બહુ મહત્ત્વનું બની જાય છે. દરેક સારી ઈ-મેઇલ માર્કેટિંગ સર્વિસમાં આપણે મોકલેલા ઈ-મેઇલ્સમાંથી કેટલા ઓપન કરવામાં આવ્યા અને તેમાંની લિન્ક્સ પર કેટલા પ્રમાણમાં ક્લિક કરવામાં આવી તેનું એનાલિટિક્સ મળતું હોય છે. આપણે જુદા જુદા પ્રકારના ઈ-મેઇલ્સ મોકલીને તેનું કેવું પરિણામ મળ્યું તે તપાસીને પોતાના કેમ્પેઇન્સની અસરકારકતા વધારી શકીએ.
મોબાઇલ પર ફોકસ રાખો. આજે ઈ-મેઇલ વધુમાં વધુ મોબાઇલમાં જ ઓપન થતા હોય છે. આથી તમારા મેઇલ્સમાં ઝીણા ફોન્ટ્સવાળી એક આખી ઇમેજ અપલોડ કરી દેવાને બદલે ઈ-મેઇલમાં એડિટેબલ ટેક્સ્ટ અને ઓછી ટેક્સ્ટવાળી ઇમેજનું સંતુલન જાળવશો તો મોબાઇલ પર ઈ-મેઇલ વાંચવા સરળ બનશે. દરેક સારી ઈ-મેઇલ માર્કેટિંગ સર્વિસ ઈ-મેઇલ ડિઝાઇન કરવા માટેનાં સરળ ટૂલ્સ આપતી હોય છે તેનો પૂરો લાભ લેવા જેવો છે.
એટલું ખાસ યાદ રાખો કે તમારા ડેટાબેઝમાં ઢગલાબંધ ઈ-મેઇલ એડ્રેસીસ હોય એટલું પૂરતું નથી. એ દરેક ઈ-મેઇલ એડ્રેસ આખરે કોઈ જીવતી જાગતી વ્યક્તિનું છે. તેને તમારી પ્રોડક્ટ કે સર્વિસમાં કે તેની ઓવરઓલ કેટેગરીમાં રસ હોય તે જરૂરી છે. આથી તમારા ઈ-મેઇલ્સ એવી રીતે ડિઝાઇન કરો કે જેથી લોકો જે ઇચ્છતા હોય તે તેમને મળે. ડિજિટલ માર્કેટિંગનો આ સોનેરી નિયમ છે – આપણે શું કહેવું છે એ નહીં પરંતુ લોકોએ શું જાણવું છે એ સમજીને, તેમને વિવિધ ઓનલાઇન પદ્ધતિઓ દ્વારા એ જણાવવામાં જ ફાયદો છે.
આજના સમયમાં ઘણી બધી ઈ-મેઇલ માર્કેટિંગ સર્વિસ પર વ્યાપક પ્રમાણમાં ફ્રી સર્વિસનો પણ લાભ મળી શકે છે. શરૂઆતમાં તેનો લાભ લીધા પછી જો સારાં પરિણામ મળે તો પેઇડ કેમ્પેઇન્સ તરફ વળી શકાય. આ પ્રકારની લગભગ બધી સર્વિસ ખાસ્સી યૂઝર -ફ્રેન્ડલી બની હોવાથી તમારું બજેટ ટાઇટ હોય, પણ થોડો સમય હોય અને થોડી ટેકનિકલ જાણકારી હોય તો જાતે ઈ-મેઇલ માર્કેટિંગ કરવું સરળ છે. જાતે ન જ ફાવે તો પછી પ્રોફેશનલ્સની મદદ લઈ શકાય!
ઈ-મેઇલ માર્કેટિંગનાં જમા-ઉધાર પાસાં
ડિજિટલ માર્કેટિંગના દરેક પ્રકારનાં પોતપોતાનાં જમા-ઉધારા પાસાં છે. તેથી માત્ર એક પર બધો આધાર રાખવાને બદલે, આપણે પોતાના બજેટ અનુસાર દરેક પદ્ધતિનો વધતા-ઓછા પ્રમાણમાં ઉપયોગ કરવો જરૂરી છે. ઈ-મેઇલ માર્કેટિંગનાં સબળાં-નબળાં પાસાં જોઈએ તો…
- ઈ-મેઇલનો ઉપયોગ બહુ વ્યાપક છે. સોશિયલ મીડિયાનો બહુ મોટા પ્રમાણમાં ઉપયોગ થતો હોવા છતાં, તેના યૂઝર્સ કરતાં ઈ-મેઇલ એકાઉન્ટ ધરાવતા લોકોનું પ્રમાણ વધુ છે.
- તમે સર્ચ બેઝ્ડ એડવર્ટાઇઝિંગનો ઉપયોગ કરતા હો તો તેમાં સફળતાનો બધો આધાર તમારા કીવર્ડ્સ અને બજેટ પર હોય છે. જ્યારે ઈ-મેઇલમાં, તમે જેમને મેઇલ્સ મોકલી રહ્યા છો તેમની સાથે તમારા સંપર્ક અને સંબંધ પર સફળતાનો વધુ આધાર છે.
- ઈ-મેઇલ ડિલિવર થવાનું પ્રમાણ ઘણું વધુ છે. સોશિયલ મીડિયા પર તમે કંઈ પણ પોસ્ટ કરો (ફ્રી કે પેઇડ પ્રમોશન સાથે), ત્યારે તેને કઈ કઈ વ્યક્તિને બતાવવું તે બહુ અટપટી ગણતરીઓના આધારે નક્કી થતું હોય છે. ઈ-મેઇલમાં એવું નથી. તેમાં જો તમે વણનોતર્યા મેઇલ્સ ન મોકલતા હો તો તમે મોકલેલો ઈ-મેઇલ નિશ્ચિત વ્યક્તિને મળવાની ઘણી વધુ શક્યતા છે.
- સોશિયલ મીડિયા કે સર્ચ એન્જિન પરની એડ્સ કાયમી નથી. એ તમે નક્કી કરેલા ગાળા સુધી લોકોને દેખાશે (એ પણ કદાચ!) અને પછી તેમની નજરથી દૂર થઈ જશે. ઈ-મેઇલમાં પણ એ અનેક મેઇલ્સમાં દટાઈ તો જશે, પરંતુ વ્યક્તિ ડિલીટ નહીં કરે ત્યાં સુધી ઈ-મેઇલ સર્વિસમાં પડ્યા રહેશે. એ વ્યક્તિ ગમે ત્યારે તમારી પ્રોડક્ટ, સર્વિસ કે કેટેગરીને સંબંધિત કંઈક પણ પોતાના ઈ-મેઇલ્સમાં સર્ચ કરશે ત્યારે તમારો ઈ-મેઇલ ફરી તેમની નજરમાં આવવાની પૂરી શક્યતા રહેશે.
- ઈ-મેઇલનું એક સૌથી નબળું પાસું એ છે કે આજે જેનો સૌથી વધુ ઉપયોગ થાય છે તે જીમેઇલમાં, માર્કેટિંગ સર્વિસ તરફતા આવતા મેઇલ્સ ‘પ્રમોશન’ ટેબમાં જતા હોય છે, આથી તમે જેને મેઇલ મોકલ્યો હોય તે ક્યારેય તેને જુએ જ નહીં એવું બની શકે છે!
- એટલે જ, તમારા ટાર્ગેટેડ ઓડિયન્સ સાથે લાંબા ગાળાનો, વિશ્વાસભર્યો સંબંધ કેળવ્યા પછી ઈ-મેઇલ માર્કેટિંગ કરશો તો તેના ચોક્કસ સારા ફાયદા મેળવી શકશો.
ઈ-માર્કેટિંગ માટે આ સર્વિસીઝ તપાસી શકાય…


