સામાન્ય રીતે ફોનમાં મોબાઇલ ડેટા ઓન હોય અને વાઇ-ફાઇ પણ ઉપલબ્ધ હોય ત્યારે વાઇ-ફાઇને અગ્રતા આપવામાં આવતી હોય છે. તમે ઇચ્છો તો ફોનમાં એવું સેટિંગ કરી શકો છો જેને કારણે તમે ઘરના કે ઓફિસના વાઇ-ફાઇ નેટવર્ક એરિયામાં દાખલ થાઓ એ સાથે ફોનમાં આપોઆપ વાઇ-ફાઇ કનેક્ટિવિટી ઓન થાય.
આ સુવિધા સામાન્ય રીતે કામની છે, પરંતુ તમે જ્યારે રાતના સમયે મોબાઇલ ડેટા અને વાઇ-ફાઇ બંને ઓફ કરીને શાંતિથી ઊંઘી જવા ઇચ્છતા હો ત્યારે આ સુવિધા નડતરરૂપ બની શકે છે. તમે વાઇ-ફાઇ ઓફ કરીને ઊંઘી જાઓ પરંતુ વાઇ-ફાઇ સિગ્નલ મળતાંવેત ફોન આપોઆપ તેને ફરી ઓન કરી દે! પરિણામે અડધી રાતે પણ ફોનમાં આવતા નોટિફિકેશન તમને ખલેલ પહોંચાડી શકે છે. તમને એન્ડ્રોઇડની આ સુવિધાનો ખ્યાલ ન હોય અને ફોનમાં વાઇ-ફાઇ આપોઆપ ચાલુ થઈ જતું હોય તો વધુ ગૂંચવણ રહે કારણ કે આપણે જાણતા હોઇએ કે આપણે વાઇ-ફાઇ ઓફ કર્યું છે એમ છતાં તે ઓન થઈ જવાથી અકળામણ અને ગૂંચવણ બંને થાય.
તમે ફોનમાં આ સુવિધા ઓન કે ઓફ કરવા માંગતા હો કે પછી ફક્ત તેની સ્થિતિ તપાસવા માગતા હો તો ફોનના સેટિંગ્સમાં નેટવર્ક એન્ડ ઇન્ટરનેટ, તેમાં વાઇ-ફાઇ અને તેમાં વાઇ-ફાઇ પ્રેફરન્સીઝમાં જાઓ. અથવા સીધું જ વાઇ-ફાઇ પ્રેફરન્સીઝ સર્ચ કરી લો. અહીં તમે વાઇ-ફાઇ ઓટોમેટિક કનેક્ટ થાય એ સુવિધા ઓન કે ઓફ કરી શકો છો. એ સાથે અહીં જ તમે ઓપન પબ્લિક નેટવર્ક સાથે ઓટોમેટિકલી કનેક્ટ થવાની સુવિધા પણ મળશે. એ પણ તમે ઇચ્છો તો ઓફ કરી શકો છો.
