કોલેજની ડિગ્રી ઉજ્જવળ ભવિષ્યની ખાતરી આપી શકતી નથી – સદનસીબે, બીજા ઘણા વિકલ્પો ખૂલી રહ્યા છે!
આ લેખનું શીર્ષક ટેકનોલોજી યુનિવર્સિટીઝના સંચાલકો, અધ્યાપકો, વાલીઓ અને વિદ્યાર્થીઓ સૌને પોતપોતાની રીતે આંચકો આપનારું છે. પરંતુ આ હકીકત છે. સમગ્ર વિશ્વની મોટી મોટી ટેક કંપનીઓ પોતાની હાયરિંગ પ્રોસેસમાં કોલેજની ડિગ્રી કરતાં ઉમેદવારની સ્કિલ અને શીખવાની ધગશ પર વધુ ભાર આપી રહી છે.
આગળની વાત કરતાં પહેલાં થોડી ગણતરી કરી જુઓ – ૯૩ હજાર ડોલર એટલે લગભગ કેટલા રૂપિયા? ડોલરનો સિત્તેર રૂપિયા જેવો અડસટ્ટે ભાવ ગણીએ તો લગભગ ૬૮ લાખ રૂપિયા થયા. અમેરિકામાં આઇટી સેક્ટરમાં પ્રોજેક્ટ મેનેજર તરીકે કામ કરતી વ્યક્તિ વર્ષે લગભગ આટલું કમાય છે (માસિક પગારની ગણતરી તમે જાતે કરી લો)!
હવે એ જાણો કે ગૂગલે હમણાં આ પ્રોજેક્ટ મેનેજર અને બીજા બે પ્રકારની, તેનાથી સહેજ ઓછો પગાર અપાવતી જોબ્સ માટે સર્ટિફિકેટ કોર્સ ઓફર કરવાની જાહેરાત કરી છે. કોર્સની ફી લગભગ ૩૦૦ ડોલર જેટલી રહેવાની શક્યતા છે અને કોર્સનો સમયગાળો છે છ મહિના! મતલબ કે અંદાજે ફક્ત એકવીસ-બાવીસ હજાર રૂપિયા જેટલા ખર્ચમાં, છ મહિનામાં તમે સારી ટેક કંપનીમાં, તોતિંગ પગાર અાપતી જોબ મેળવવાનું સપનું જોઈ તો શકો જ, તમારામાં દમ હોય તો એ સપનું સાકાર પણ કરી શકો!
ગૂગલે માત્ર છ મહિનાના સર્ટિફિકેટ કોર્સને, કોલેજમાં ચાર વર્ષ ગાળ્યા પછી મળતી ડિગ્રીને સમકક્ષ ગણવાનો ધડાકો કર્યો છે. આવી પહેલ કરનારી કંપની એક માત્ર ગૂગલ નથી. તેની સાથે બીજી સો જેટલી કંપની પણ આ કોર્સિઝને એટલા જ મહત્ત્વના ગણવા તૈયાર છે.
આ કોર્સ ગૂગલે પોતે જ ડિઝાઇન કરેલા છે અને તે કોર્સએરા (coursera.org) નામની સાઇટ પર ઓફર કરવામાં આવશે. આમ તો ગૂગલ આ પ્રકારના આઇટીમાં કારકિર્દીલક્ષી સર્ટિફિકેટ કોર્સિઝ ઘણા સમયથી ઓફર કરે છે, પણ આ વખતે લોકોને આંચકો એ વાતનો લાગ્યો છે કે આ કોર્સ ફક્ત છ મહિનાના છે અને છતાં ગૂગલ અને તેના જેવી બીજી કંપની આ કોર્સનું સર્ટિફિકેટ ધરાવનાર ઉમેદવારને પોતાને ત્યાં નોકરી આપવા માટે ચાર વર્ષની ડિગ્રી ધરાવતા ઉમેદવારની સમકક્ષ ગણશે – એ પણ હાઇ-પેઇંગ, હાઇ-ગ્રોથ પોસ્ટ્સ માટે. એ ખાસ નોંધવા જેવું છે કે આ કોર્સમાં જોડાવા માટે કોઈ પણ પ્રકારનો પૂર્વ અનુભવ પણ જરૂરી નથી.
સ્વાભાવિક છે કે ગૂગલની આ જાહેરાતે શૈક્ષણિક જગતમાં ખાસ્સી હલચલ મચાવી છે.
મોટી મોટી ટેક કંપનીના સ્થાપકો કોલેજ ડ્રોપઆઉટ હોવાથી આ ક્ષેત્રમાં કોલેજની ડિગ્રીના મહત્ત્વ સામે તો પહેલેથી સવાલો છે. શૈક્ષણિક દૃષ્ટિએ ઘણાં ક્ષેત્રો એવાં છે જેમાં ચાર કે છ વર્ષના લાંબા અભ્યાસ વિના વ્યક્તિ એ પ્રોફેશનમાં કારકિર્દી માટે તૈયાર થઈ શકે નહીં, પરંતુ આઇટીનું ક્ષેત્ર સતત, અત્યંત તેજ ગતિએ બદલાતું હોવાથી, તેમાં કોલેજના લાંબા ગાળાના અભ્યાસક્રમો મદદરૂપ થવાને બદલે નડતરરૂપ ગણાવા લાગ્યા છે.
એટલું નક્કી છે કે આ ક્ષેત્રમાં , અને ખરેખર તો બધાં જ ક્ષેત્રમાં, સમય એવો આવી ગયો છે જેમાં માત્ર કોલેજની ડિગ્રી ઉજ્જવળ ભવિષ્યની ખાતરી આપી શકશે નહીં. સાથે મોટું આશ્ર્વાસન એ પણ છે કે અત્યારે ડિગ્રી ઉપરાંત જ્ઞાન મેળવવાના અનેક સ્રોત પણ ઉપલબ્ધ છે – એ પણ ઘેરબેઠાં!
ભારતમાં ટેક એજ્યુકેશનની સ્થિતિ
ભારતમાં લાંબા સમયથી ટેકનોલોજી, ખાસ કરીને ઇન્ફર્મેશન ટેક્નોલોજી ક્ષેત્રના શિક્ષણની, સમયની દૃષ્ટિએ ગુણવત્તા સામે ગંભીર સવાલો ઊઠી રહ્યા છે. વર્ષ ૨૦૧૮માં એક કંપનીએ કરેલા સર્વેમાં તારણ નીકળ્યું હતું કે ભારતના ૯૫ ટકા એન્જિનીયર્સ સોફ્ટવેર ડેવલપમેન્ટ જોબ માટે ફિટ હોતા નથી. એ સમયે ભારતની વિવિધ ટેકનોલોજી યુનિવર્સિટી અને ટેક કંપનીઝના અગ્રણીઓએ આ રિપોર્ટને તદ્દન હસી કાઢ્યો હતો. પરંતુ આગળ જતાં વિવિધ ટેક કંપનીના સીઇઓ અને મેનેજિંગ ડિરેકટર્સે આ તારણોને સમર્થન આપ્યું હતું. અમુકે તો એ હદે કહ્યું કે ટેક કંપની રોબોટિક્સનું પ્રોગ્રામિંગ કરી શકે એવા ઉમેદવાર શોધતી હોય ત્યારે તેમને મેઇનફ્રેમ (બાવા આદમના જમાનાના કમ્પ્યુટર્સ)ની જાણકારી ધરાવતા ઉમેદવાર મળે છે.
અમુક અગ્રણીઓએ કહ્યું હતું કે દેશની ટોચની ૧૦ આઇટી કંપની માત્ર છ ટકા એન્જિનીયરિંગ ગ્રેજ્યુએટને નોકરી આપે છે અને પછી એમની પાસેથી, કંપનીની જરૂરિયાત અનુસાર કામ લેવા માટે પણ કંપનીઓએ પોતાનાં લર્નિંગ એન્ડ ટ્રેનિંગ સેન્ટર્સ ઊભાં કરવાં પડે છે.
૨૦૧૮ પછીના વર્ષે એટલે કે ૨૦૧૯માં થયેલા એક સર્વેમાં પણ બહાર આવ્યું કે દેશમાં માત્ર ૩.૮૪ ટકા એન્જિનીયર્સ સ્ટાર્ટઅપમાં સોફ્ટવેર સંબંધિત જોબ માટે જરૂરી ટેકનિકલ, કોગ્નિટીવ અને લિંગ્વિસ્ટિક સ્કિલ્સ ધરાવે છે (તમે એન્જિનીયરિંગ સ્ટુડન્ટ હો અને ‘કોગ્નિટીવ તથા લિંગ્વિસ્ટિક સ્કિલ’ના સ્પષ્ટ અર્થ જાણતા ન હો તો આ સર્વેનાં તારણો સાચાં માની શકાય!).
અત્યારે દુનિયાભરમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, મશીન લર્નિંગ, ડેટા સાયન્સ અને મોબાઇલ ડેવલપમેન્ટના ક્ષેત્રોમાં ધમધમાટ છે, પરંતુ સર્વેનાં તારણો અનુસાર ભારતના માત્ર ૩ ટકા એન્જિનીયર્સ આ ક્ષેત્રોમાં કામ કરવા માટે જરૂરી નવા સમયની ટેકનોલોજીકલ સ્કિલ્સ ધરાવે છે.
ભારતમાં છેલ્લાં ચાર-પાંચ વર્ષમાં વારંવાર થયેલા સર્વેમાં, ખાસ કરીને આઇટીના ક્ષેત્રે ડિગ્રીધારી સ્ટુડન્ટ્સ ઇન્ડસ્ટ્રીની અપેક્ષામાં ખરા ઊતરતા ન હોવાનું બહાર આવ્યું છે. જૂના અભ્યાસક્રમ ઉપરાંત તેનાં બીજાં ઘણાં કારણો છે.
આ સર્વે અનુસાર માત્ર ૩૬ ટકા સ્ટુડન્ટ્સ તેમના અભ્યાસક્રમ બહારના પ્રોજેક્ટ્સ પર કામ કરે છે. નિષ્ણાતોના મતે આપણી કોલેજોમાં મોટા ભાગે થિયરી પર ફોકસ કરાય છે અને વિવિધ ટેક કન્સેપ્ટની ઇન્ડસ્ટ્રી એપ્લિકેશન વિશે બહુ ઓછી ચર્ચા થાય છે.
ચોક્કસપણે, આવી નિરાશાજનક સ્થિતિનાં વાજબી કારણો હશે જ, પણ આપણી શિક્ષણ વ્યવસ્થા સમય સાથે ચાલવામાં મુશ્કેલી અનુભવે છે એ હકીકત નકારી શકાય તેમ નથી.
વિશ્વની ટેક કંપનીઓનું વલણ
માત્ર ભારતની શિક્ષણ વ્યવસ્થા સમયથી પાછળ છે, એવું નથી. છેલ્લા એકાદ દસકાથી વધુ સમયથી, વિશ્વની ટોચની ટેક કંપની પોતાને ત્યાં નવા ઉમેદવારોને નોકરી માટે પસંદ કરતી વખતે કોલેજ ડિગ્રીનો આગ્રહ રાખતી નથી.
ઓટોમોબાઇલ, ટ્રાન્સપોર્ટેશન, સ્પેસ ટેકનોલોજી વગેરે વિવિધ ક્ષેત્રે ધરમૂળથી પરિવર્તનો લાવી રહેલી ટેસ્લા અને અન્ય કંપનીના સ્થાપક એલન મસ્કે લાંબા સમયથી જાહેર કરી દીધું છે કે ટેસ્લામાં નોકરી કરવા માટે તમારી પાસે કોલેજની ડિગ્રી હોવી જરૂરી નથી.
ગૂગલ, એપલ, આઇબીએમ જેવી જાણીતી ટેક કંપનીમાં કોલેજની ડિગ્રી વિના પણ નોકરી મળી શકે છે. દેખીતું છે કે મેડિકલ, ફાયનાન્સ, મેનેજમેન્ટ વગેરે જેવાં ક્ષેત્રોમાં કોલેજનું ઔપચારિક શિક્ષણ અનિવાર્ય છે પરંતુ એન્જિનીયરિંગ અને તેમાં પણ ખાસ કરીને ઇન્ફર્મેશન ટેકનોલોજીના ક્ષેત્રમાં હવે કોલેજની ડિગ્રી કરતાં જે તે કામ સંબંધિત ટેક સ્કિલ્સ અને પ્રેક્ટિકલ એક્સપિરિયન્સને વધુ મહત્ત્વ આપવામાં આવે છે.
જેમ કે તમે કોલેજમાં કમ્પ્યુટર સાયન્સ ભણ્યા ન હો પણ જાવા, સી++, પાયથન વગેરે જેવી પ્રોગ્રામિંગ લેંગ્વેજમાં ખાસ્સી માસ્ટરી મેળવી લીધી હોય, ડેટા સ્ટ્રકચરિંગ કન્સેપ્ટ તમે બરાબર સમજ્યા હોય, વિવિધ કોડિંગ ચેલેન્જીસમાં તમે ભાગ લીધો હોય કે આપબળે આઇટી પ્રોજેક્ટ્સ ડેવલપ કર્યા હોય તો માત્ર તેના જોર પર તમને ગૂગલ કે એપલમાં પણ નોકરી મળી શકે છે.
ભારતમાં પણ જાણીતી ટેક કંપનીઝ આઇટી સપોર્ટ સેકટરની જોબ માટે એન્જિનીયરિંગ ઉપરાંત અન્ય ક્ષેત્રની ડિગ્રી ધરાવતા ઉમેદવારોને પણ નોકરી આપી દે છે અને પછી નોકરી માટે તૈયાર કરે છે.
ઇન્ટરવ્યુ સમયે માત્ર એ તપાસવા પર વધુ ધ્યાન આપવામાં આવે છે કે ઉમેદવારમાં નવેસરથી શીખવાની કેવીક ક્ષમતા છે. આ પછી ટેક કંપની છએક મહિના સુધી આ નવા રીક્રૂટ્સને સઘન તાલીમ આપે છે અને ઇન્ડસ્ટ્રીની જરૂરિયાતને અનુકૂળ બનાવે છે. બીજા શબ્દોમાં ભારતમાં સ્ટુડન્ટ્સને એમ્પ્લોયેબલ બનાવવાનું કામ કોલેજને બદલે ધીમે ધીમે ઇન્ડસ્ટ્રીના શિરે શિફ્ટ થઈ રહ્યું છે.
એ ખાસ યાદ રાખવા જેવું છે કે આ કંપનીઝ ડિગ્રી પર ભલે બહુ ધ્યાન આપતી ન હોય, નોલેજ તો પહેલી શર્ત છે જ. ડિગ્રી અને નોલેજમાં ફર્ક છે!
ગૂગલે હમણાં શું પહેલ કરી?
આપણે જોયું તેમ ગૂગલ કંપની લાંબા સમયથી કોલેજ ડિગ્રીને વધુ મહત્ત્વ આપતી નથી. ગૂગલ લાંબા સમયથી વિવિધ ઓનલાઇન એજ્યુકેશન પ્લેટફોર્મ્સ પર, અલગ અલગ પ્રકારની ટેકનોલોજીના ટૂંકા ગાળાના એજ્યુકેશનલ પ્રોગ્રામ્સ ઓફર કરે છે. ભારતમાં પણ કોર્સએરા (coursera.org), યુડાસિટી (udacity.com/)વગેરે પ્લેટફોર્મ્સ પર ગૂગલના આ સર્ટિફિકેટ કોર્સ ખાસ્સા પોપ્યુલર છે.
આમાંના કેટલાક ‘નેનો ડિગ્રી’ કોર્સ તરીકે બિલકુલ ફ્રીમાં પણ ઉપલબ્ધ છે.
ગયા મહિને ગૂગલે એક ડગલું આગળ વધીને ‘ગૂગલ કરિયર સર્ટિફિકેટ્સ’ નામે નવા સર્ટિફિકેટ કોર્સની જાહેરાત કરી છે.
અત્યારે આ કોર્સિસ કોરોના મહામારી પછીના સમયમાં અમેરિકાના અર્થતંત્રને ફરી બેઠું કરવાના પ્રયાસો પર કેન્દ્રિત છે. પરંતુ વખત જતાં તેનો વ્યાપ આખા વિશ્વમાં વિસ્તરશે તે નક્કી છે.
વિશ્વની મોટી મોટી કંપની (ટેકનોલોજી અને બીજાં ક્ષેત્રોની પણ) નવા ઉમેદવારો પસંદ કરતી વખતે તેમની ડિગ્રી ઉપરાંત, તેમની નવું શીખવાની તૈયારી અને ક્ષમતા તથા પોતાના ફિલ્ડના કોર્સ બહારના જ્ઞાન પર વધુ ભાર આપવા લાગી છે.
ગૂગલના મતે આ સર્ટિફિકેશન કોર્સની મદદથી સ્ટુડન્ટ્સ કોલેજ ડિગ્રી વિના ‘હાઇ-પેઇંગ, હાઇ-ગ્રોથ જોબફિલ્ડ’ માટે જરૂરી ક્વોલિફિકેશન્સ મેળવી શકશે. ગૂગલના આ નવા કોર્સ ડેટા એનાલિટિક્સ, યૂઝર એક્સપિરિયન્સ ડિઝાઇન અને પ્રોજેકેટ મેનેજમેન્ટને સંબંધિત છે. ગૂગલના મતે આ ત્રણેય ક્ષેત્રમાં અત્યારે અમેરિકન ધોરણો અનુસાર વાર્ષિક અનુક્રમે ૬૬,૦૦૦, ૭૫,૦૦૦ અને ૯૩,૦૦૦ ડોલરનો પગાર મળી શકે છે. કોઈ ડિગ્રી કે અનુભવ વિના આ કોર્સમાં જોડાઈ શકાય છે. કોર્સની મુદ્દત માત્ર છ મહિનાની છે. ગૂગલ આ પ્રકારે આઇટી સપોર્ટ સ્પેશિયાલિસ્ટ માટે કરિયર સર્ટિફિકેટ કોર્સ ઓફર કરે છે અને તેની કુલ ફી ૩૦૦ ડોલર જેટલી છે, એ જોતાં ત્રણ નવા કોર્સની ફી લગભગ એટલી જ હોવાનો અંદાજ છે.
ગૂગલના વાઇસ પ્રેસિડેન્ટે સ્પષ્ટ કર્યા અનુસાર ગૂગલની પોતાની હાયરિંગ પ્રોસેસમાં આ સર્ટિફિકેટ ધરાવતી વ્યક્તિને કોલેજમાં ચાર વર્ષના અભ્યાસ પછી ડિગ્રી મેળવનાર ઉમેદવારની સમકક્ષ ગણવામાં આવશે. ઘણાના મતે, ગૂગલ સિવાયની કંપનીઓ આ સર્ટિફિકેટને વજનદાર ગણશે નહીં, પરંતુ એટલે જ ગૂગલે અન્ય મોટી કંપનીને આ પહેલમાં જોડવાનું શરૂ કર્યું છે અને અત્યારે ગૂગલ ઉપરાંત વોલમાર્ટ, ઇન્ટેલ, ઇન્ફોસિસ, કોગ્નિઝન્ટ જેવી ૧૦૦થી વધુ કંપની તેમાં જોડાઈ ગઈ છે.
સ્ટુડન્ટ પોતે શું કરી શકે?
ભારતમાં એન્જિનીયરિંગ સ્ટુડન્ટ્સની એમ્પ્લોયેબિલિટી અંગેનાં તારણો વાંચીને પોતાની કોલેજ ડિગ્રી માથે પડવાની છે એવા વિચારે નિરાશ થવાની જરૂર નથી. તે જ રીતે, ગૂગલના છ મહિનાના કોર્સ વિશે જાણીને હવે ડિગ્રીની કોઈ જરૂર નથી એમ માનીને હરખાઈ જવાની જરૂર નથી.
આપણે અત્યારે આ બંને અંતિમ છેડા વચ્ચેની સ્થિતિમાં છીએ. મનમાં પાકી ગાંઠ એ વાતની બાંધવાની છે કે માત્ર કોલેજ ડિગ્રીના સહારે ઉજ્જવળ કારકિર્દી ઘડવી હવે શક્ય નથી.
ભારતમાં દર વર્ષે માત્ર એન્જિનીયરિંગના ફિલ્ડમાં લાખો સ્ટુડન્ટ્સ કોલેજની વૈતરણી પાર કરીને વાસ્તવિક ઇન્ડસ્ટ્રીઝમાં ઝંપલાવવા તૈયાર હોય છે. સમગ્ર વિશ્વમાં ટેકનોલોજીનું ક્ષેત્ર જે રીતે અત્યંત તેજ ગતિએ વિસ્તરી રહ્યું છે એ જોતાં આ ક્ષેત્રમાં નોકરીની ક્યારેય ખોટ ઊભી થાય તેમ નથી, પરંતુ કોઈ પણ જાણીતી ટેક કંપની તેને મળેલી સંખ્યાબંધ એપ્લિકેશન્સમાંથી આપણને ઇન્ટરવ્યૂ માટે શા માટે બોલાવે અને પછી શા માટે નોકરી આપે તેનાં કારણો આપણે પોતે જ શોધવાનાં છે અને તૈયાર કરવાનાં છે.
ટેકનોલોજી તેમજ અન્ય તમામ ફિલ્ડના વિદ્યાર્થીઓ માટે અત્યારે નોલેજના જેટલા રિસોર્સિસ ઉપલબ્ધ છે તેટલા અગાઉ ક્યારેય નહોતા.
કોઈ પણ જાણીતી ટેક કંપની તેને મળેલી એપ્લિકેશન્સમાંથી આપણને ઇન્ટરવ્યૂ માટે શા માટે બોલાવે અને પછી શા માટે નોકરી આપે તેનાં કારણો આપણે પોતે જ શોધવાનાં છે અને તૈયાર કરવાનાં છે. એ માટે આપણે અભ્યાસક્રમની બહાર નજર દોડાવવી પડશે.
ઓનલાઇન લર્નિંગને પ્રતાપે વિશ્વસ્તરની જાણીતી યુનિવર્સિટીઝના પ્રોગ્રામ્સનો આપણે બિલકુલ મફતમાં અથવા ઘણી નજીવી કહી શકાય એવી ફી સાથે લાભ લઈ શકીએ છીએ. કોલેજની ડિગ્રીના અભ્યાસની સાથોસાથ આવા કોર્સિસનો લાભ ન લેનાર સ્ટુડન્ટ્સ ભવિષ્યની રેસમાં પાછળ રહી જશે એ નક્કર હકીકત છે. એટલા માટે સ્ટુડન્ટ્સે ‘માસિવ ઓપન ઓનલાઇન કોર્સિઝ’નો કન્સેપ્ટ બરાબર સમજીને તેનો શક્ય એટલો વધુ લાભ લેવો પડશે. ‘સાયબરસફર’ના અગાઉના અંકોમાં આપણે આ ઓપન કોર્સિઝના વિવિધ વિકલ્પો વિશે અવારનવાર વિગતવાર વાત કરી છે.
બિલકુલ ફ્રી કોર્સિઝ વિશે જાણવા માટે mooc.orgથી શરૂઆત કરી શકાય (આવા કોર્સ માત્ર આઇટી પૂરતા સીમિત નથી એ ખાસ ધ્યાને લેવા જેવું છે). આવા કોર્સમાં ઝંપલાવતી વખતે, કોલેજનો પાયાનો અભ્યાસ તમને ચોક્કસ કામે લાગશે. પોતાના અભ્યાસના વિષય ઉપરાંત તેની આજુબાજુના વિષયો વિશે વાંચવું અને જાણવું પણ અનિવાર્ય છે.
એ હંમેશા યાદ રાખવા જેવું છે કે નવા સમયની નોલેજ ઇકોનોમીમાં તમારી ડિગ્રી નહીં, પરંતુ વિષયની સમજ અને ખરી આવડત જ કામ લાગશે.
કોર્સએરા પર ગૂગલના ઓનલાઇન કોર્સકોર્સએરા એક અમેરિકન ઓનલાઇન એજ્યુકેશન ઓફર કરતી સાઇટ છે, જેના પર વિશ્વની ટોચની ૨૦૦ જેટલી યુનિવર્સિટી અને ટેક કંપનીઝ વિવિધ કોર્સ ફ્રી/પેઇડ કોર્સ ઓફર કરે છે. અત્યારે લગભગ સાત કરોડ જેટલા લોકો આ સાઇટ પર વિવિધ કોર્સનો લાભ લે છે. ગૂગલ તેના નવા આઇટી સર્ટિફિકેટ કોર્સ આ સાઇટ પર ઓફર કરવાની છે. અત્યારે કોર્સએરા પર ગૂગલના બે સર્ટિફિકેટ કોર્સ ચાલે છે :
|

