આજના ડિજિટલ યુગમાં, ડિજિટલ ગ્રાફિક્સનું ફિલ્ડ ગજબનું વિકસી રહ્યું છે. તમે એમાં ઝંપલાવવા માગતા હો તો ‘સ્કેચબુક’ નામના એક ફ્રી પ્રોગ્રામ પર હાથ અજમાવવા જેવો છે.
પાછલાં થોડાં વર્ષોમાં આપણા શિક્ષણ તંત્રમાં એક મજાનો ફેરફાર એ થયો છે કે હવે વિદ્યાર્થીઓને પોતાના ખરેખર રસના ક્ષેત્રોમાં આગળ વધવા માટે અનેક તકો મળવા લાગી છે. પહેલાં ગાડરિયા પ્રવાહ માટે કોમર્સ અથવા સાયન્સના જ મુખ્ય વિકલ્પ હતા. તમે આર્ટ્સ લો એટલે શિક્ષક થવાના એ લગભગ નક્કી થઈ જતું!
હવે આ આર્ટ્સનો કન્સેપ્ટ સાચી રીતે વિસ્તર્યો છે. પ્રોડક્ટ કે મટીરિયલ ડિઝાઇનિંગ, કમ્યુનિકેશન ડિઝાઇનિંગ, ગ્રાફિક-વેબ ડિઝાઇનિંગ, એનિમેશન અને વીએફએક્સ, ફેશન ડિઝાઇનિંગ, ઇન્ટરિયર ડિઝાઇનિંગ, આર્કિટેકચર વગેરે જુદા જુદા અનેક કોર્સ હવે ખાસ્સા લોકપ્રિય થતા જાય છે. આ બધા કોર્સ કે ક્ષેત્રના પાયામાં આર્ટ છે.
એમાં પણ કમ્પ્યુટર અને ઇન્ટરનેટ ટેકનોલોજીના ફેલાવા પછી આ બધાં ક્ષેત્રોમાં તેજસ્વી કારકિર્દીની સંભાવનાઓ ઘણી બધી વિસ્તરી છે.
જોકે તમે આ ક્ષેત્રે કારકિર્દી ઘડવા માટે કોઈ સારા ઇન્સ્ટિટ્યૂટમાં આમાંના કોઈ કોર્સમાં એડમિશન લેવા માગતા હો તો એ માટે બે શરતનું પાલન અનિવાર્ય છે છે :
પહેલી શરત છે જબરજસ્ત કલ્પનાશક્તિ.
બીજી શરત છે તમારી કલ્પનાને ડિજિટલ સ્વરૂપ આપવાની શક્તિ.
આ બધાં ક્ષેત્રોમાં કોર્સ ઓફર કરતાં ઇન્સ્ટિટ્યૂટ્સ સામાન્ય રીતે વિદ્યાર્થીમાં આર્ટ કે ઇલસ્ટ્રેશન કરી શકવાની જન્મજાત આવડત હોય એવી અપેક્ષા રાખતાં નથી.
સારાં ઇન્સ્ટિટ્યૂટ ફક્ત એ જુએ છે કે વિદ્યાર્થીમાં આવી આવડત ડેવલપ કરી શકાય તેમ છે કે નહીં. જે વિદ્યાર્થીને કલાની જન્મજાત સોગાત હોય એનો હાથ દેખીતી રીતે ઉપર રહે, પરંતુ આજના સમયમાં વિદ્યાર્થીઓ ધારે તો કલા કસબ વિકસાવી પણ શકે છે.
એ માટે આગળ કહી તે બે શરતોની વચ્ચે એક ત્રીજી શરત આવે છે અને એ છે – આ બધાં ક્ષેત્રોમાં આગળ વધવામાં મદદરૂપ થઈ શકે તેવી સાઇટ્સ, પ્રોગ્રામ્સ અને ટૂલ્સ સતત ફંફોસવાની ટેવ.
જો તમે ડિજિટલ આર્ટ્સમાં થોડા ઊંડા ઉતર્યા હો તો તમે જાણતા હશો કે ગ્રાફિક્સના સામાન્ય રીતે બે પ્રકાર હોય છે – વેકટર અને રાસ્ટર.
કોરલ ડ્રો કે એડોબ ઇલેસ્ટ્રેટર જેવા પ્રોગ્રામમાં વેકટર ડિઝાઇન્સ તૈયાર કરી શકાય, જે મોટા ભાગે રેખા-લાઇન્સ પર આધારિત હોય. જો આવા પ્રોગ્રામમાં કોઈ કંપનીનો લોગો તૈયાર કર્યો હોય અને તેમાં રાસ્ટર ગ્રાફિક એટલે કે ઇમેજનો ઉપયોગ ન કર્યો હોય તો માંડ ટપાલ ટિકિટ જેવડી સાઇઝમાં ડિઝાઇન કરેલા લોગોને આખા બિલબોર્ડ જેટલો એનલાર્જડ કરીએ તો પણ તેના રિઝલ્ટમાં કોઈ ફેર પડે નહીં.
જ્યારે રાસ્ટર ગ્રાફિક્સ માટે ફોટોશોપ જેવા પ્રોગ્રામ ઉપયોગી છે. તેમાં કોઈ પણ ઇમેજના પિક્સેલ્સ એડિટ કરીને અવનવા ગ્રાફિક્સ કે ઇફેક્ટસ સર્જી શકાય છે.
આ તો ગ્રાફિક એડિટિંગની બિલકુલ પાયાની વાત થઈ, પણ આગળ લખ્યાં એ ક્ષેત્રોમાં તમારે કારકિર્દી ઘડવી હોય તો આ બધાં સોફ્ટવેરમાં ખાખાંખોળાં કરવાં પડે.
કોરલ ડ્રો, ઇલસ્ટ્રેટર, ફોટોશોપ વગેરે જાણીતાં નામ છે અને પેઇડ સોફ્ટવેર્સ છે, પણ તમે ઇચ્છો તો ઓટોડેસ્ક સ્કેચબુક (https://sketchbook.com/) નામના એક પ્રોગ્રામ પર હાથ અજમાવી શકો છો. અગાઉ આ પ્રોગ્રામ પણ પેઇડ હતો, પરંતુ હવે તેનો બિલકુલ ફ્રી ઉપયોગ થઈ શકે છે.
આ સોફ્ટવેર પીસી તથા મોબાઇલ ડિવાઇસીસ બંને માટે ઉપલબ્ધ છે. ફ્રી હોવા ઉપરાંત તેની બીજી મોટી ખાસિયત એ છે કે તે ઇલેસ્ટ્રેટર અને ફોટોશોપ જેવા પ્રોગ્રામ્સના મિશ્રણ જેવો છે. આખરે તો તે પણ રાસ્ટર ઇમેજ એડિટર છે, પરંતુ ફોટોશોપમાં ઇમેજ એડિટિંગ પર વધુ ફોકસ છે, જ્યારે સ્કેચબુકમાં ઇલેસ્ટ્રેશન તૈયાર કરવા પર વધુ ફોકસ છે. એટલે તેમાં ડ્રોઇંગ અને પેઇન્ટિંગની મદદથી સહેલાઇથી આર્ટવર્ક તૈયાર કરી શકાય તેવાં સંખ્યાબંધ ટૂલ્સ છે.
ઉપર લખ્યા એમાંના કોઈ પણ ફિલ્ડમાં આગળ વધવાની તમારી ઇચ્છા હોય તો ઓટોડેસ્ક સ્કેચબુક સોફ્ટવેર તમારા પીસીમાં હોવું જોઇએ અને તેની એપ તમારા મોબાઇલમાં હોવી જોઇએ!
સારા આર્ટિસ્ટ, ડિઝાઇનર કે આર્કિટેક્ટ બનવું હોય તો આર્ટ અને ડિઝાઇનની સમજ તો જોઈએ જ, પણ આજના સમયમાં તેના ડિજિટલ સ્વરૂપને પણ આત્મસાત કરવું પડે – સ્કેચબુક એમાં જ તમને મદદરૂપ થશે!

