(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

મધદરિયે માછીમારોને મદદરૂપ માહિતી પહોંચાડતી ‘જેમિની’ વિશે જાણો

અત્યાર સુધી ભારતના નાના માછીમારો મધદરિયે હોય ત્યારે ભગવાન ભરોસે રહેતા હતા, હવે ‘જેમિની’ સિસ્ટમથી તેમને કિનારેથી મહત્ત્વના સંદેશા મોકલવાનું શક્ય બન્યું છે.


ડૉ. નિમિત્ત કુમાર, વૈજ્ઞાનિક, ઇન્કોઇસ દ્વારા


છેલ્લાં સવાસો વર્ષમાં સંદેશાવ્યવહારની વ્યાખ્યા જેટલી વાર બદલાઇ તેના કરતાં વધુ વખત ‘સાયબર’ શબ્દની વ્યાખ્યા ‘સાયબરસફર’ શરૂ થયાના આઠ વર્ષમાં બદલાઈ એમ કહેવામાં જરાય અતિશયોક્તિ નથી!

વર્ષ ૨૦૦૮માં અખબારની કોલમ તરીકે ‘સાયબરસફર’ની શરૂઆત થઈ અને ચાર વર્ષ પછી મેગેઝિન સ્વરૂપે તેણે નવો અવતાર લીધો ત્યારે મેગેઝિનની ટેગલાઇન ‘‘નવું જાણવા, ઘણું માણવા… માઉસને આપો પાંખો!’’ નક્કી કરી હતી. આ શબ્દો પાછળની મૂળ બિલકુલ ભાવના બદલાઈ નથી, પણ માઉસનું સ્થાન હવે આંગળીના ટેરવાએ લઈ લઈ લીધું છે.

પાછલા એક દાયકામાં ઘણું બધું બદલાયું છે અને એટલે જ, ‘સાયબરસફર’નું મેગેઝિન સ્વરૂપ તેના નવમા વર્ષમાં પ્રવેશી રહ્યું છે ત્યારે અમે વિષયોની પાંખો ફેલાવવાનું નક્કી કર્યું. આના માટે આપણા ગ્રહનો રંગ નિખારતા અને આપણી ઉત્ક્રાંતિથી લઈને સંસ્કૃતિના સંગાથી રહેલા દરિયાથી વધુ સારો વિષય શું હોય?!

આપણે બે ઘડી મોબાઇલમાં સિગ્નલ ન મળે તો બેબાકળા બની જઈએ છીએ, પણ મધદરિયે માછીમાર માટે સંદેશાનો અભાવ જીવન-મૃત્યુનો સવાલ હોય છે. તેમના માટે ભારતીય વૈજ્ઞાનિકો શું કરી રહ્યા છે, આવો જાણીએ.

વળી, યુનાઇટેડ નેશન્સે વર્ષ ૨૦૨૧-૨૦૩૦ના દશકાને ‘ડેકેડ ઓફ ઓશન સાયન્સ ફોર સસ્ટેનેબલ ડેવેલપમેન્ટ’ (ટૂંકમાં, દરિયાઇ દશકો) જાહેર કરેલ છે! આ સંદર્ભે ‘સાયબરસફર’એ ભારતની હૈદરાબાદ સ્થિત દરિયાઇ માહિતી આપતી સંસ્થા ‘ઇન્કોઇસ’ને એક વૈજ્ઞાનિક લેખમાળા, સામાન્ય નાગરિકો સુધી પહોંચાડવા આમંત્રણ આપ્યું.

યોગાનુયોગે ‘સાયબરસફર’ અને ‘ઇન્કોઇસ’નો ‘જન્મદિન’ ફેબ્રુઆરી મહિનામાં આવે છે. એ નિમિત્તે બંને તરફથી વાચકોને આ અંકથી શરૂ થતી નવી લેખમાળા, ભેટરુપે!


વર્ષ ૨૦૧૭, ૧ ડિસેમ્બરની રાત.

૨૫ વરસનો માથેન મેથ્યુ કેરળના એક નાના ગામના ઘૂઘવતા દરિયાકિનારે બેચેનીપૂર્વક આમતેમ આંટા મારી રહ્યો છે. આ સમયે તો બંગાળના અખાતની વાવાઝોડાની ઋતુ પણ પૂરી થઇ જાય ત્યારે આ તો અરબ સાગર! પણ શિવના ત્રીજા નેત્રની જાણે યાદ અપાવતું હોય એવું ‘ઓખી’ (બંગાળી ભાષામાં એનો મતલબ, ‘‘આંખ’’) વાવાઝોડું ગલઢેરાઓના અનુભવને ખોટા પાડી અચાનક શ્રીલંકા પાસે પેદા થયું છે અને તેણે જોતજોતામાં તીવ્રતા પકડી લીધી છે.

હવામાનશાસ્ત્રીઓ દિવસ-રાત ફિશરીઝ, ડિઝાસ્ટર મેનેજમેન્ટ અને એવા અનેક વિભાગો સાથે ફોન-ફેક્સ ધણધણાવીને એક પછી એક બુલેટિન મોકલી રહ્યા છે. આમ છતાં, આ વાવાઝોડું શમે ત્યાર પછી, નેવી-કોસ્ટ ગાર્ડના અનેક સર્ચ એન્ડ રેસ્ક્યુ મિશન છતાં પણ, દોઢસો જેટલા માછીમારો માથેન અને તેના મિત્રો જેટલા ભાગ્યશાળી સાબિત થવાના નથી અને અને કાયમ માટે લાપતા થઈ જવાના છે.


***

ઉપરોક્ત ઘટનાને બે વર્ષ પણ નહોતાં થયાં એટલે જ્યારે વાવાઝોડાની એ આફતનું વર્ણન ગયા નવેમ્બર (૨૦૧૯)માં મુંબઇના એક હોલમાં કરવામાં આવ્યું, ત્યારે માછીમારોથી હકડેઠઠ ભરેલા એ હોલમાં સોપો પડી ગયો.

કોઈ પણ માછીમાર માટે દરિયો આજીવિકાનો આધાર છે, તેમ તેનું જીવન પણ દરિયાને જ ભરોસે હોય છે. હજી હમણાં સુધી, ભારતમાં તો એવી જ સ્થિતિ હતી.

એક સામાન્ય દરિયાખેડુ આજે પણ મોબાઇલ નેટવર્કની રેન્જ (કિનારાથી બહુ બહુ તો ૧૫-૨૦ કિલોમીટર) બહાર જાય એટલે કુદરતને ખોળે અને દરિયાના ભરોસે!

અરબ સાગરમાં ઓખી વાવાઝોડાનો શિકાર બની ગયેલા દોઢસો જેટલા માછીમારોને બચાવી શકાયા હોત, જો એમને સમયસર ચેતવી શકાયા હોત. પરંતુ એ કામ ત્યારે અશક્ય હતું કારણ કે આ માછીમારો મધદરિયે હતા અને તેમના સુધી સંદેશો પહોંચાડવાનું કોઈ સાધન ત્યારે હાથવગું નહોતું.

મધદરિયે સંપર્કનાં સાધન

મધદરિયામાં માછીમારી માટે ગયેલાં કે અન્ય કારણોસર દરિયો ખેડી રહેલાં જહાજોને બે પ્રકારના સંપર્કની જરૂર રહેતી હોય છે, જુદાં જુદાં જહાજો વચ્ચેનું કમ્યુનિકેશન અને જહાજથી કિનારા સાથેનું કમ્યુનિકેશન.

જૂના જમાનમાં દરિયામાં કમ્યુનિકેશન માટે વાવટા ફરકાવવા એ જ એક માત્ર ઉપાય હતો. પછી કટોકટીના સંજોગોમાં મદદ મેળવવા માટે રેડિયો અને મોર્સ કોડનો ઉપયોગ શરૂ થયો.

પછી ટેક્નોલોજી વિકસતી ગઈ અને વીએચએફ રેડિયો, સેટેલાઇટ આધારિત આધુનિક કમ્યુનિકેશન સિસ્ટમ્સ, ડિજિટલ સિલેક્ટિવ કોલિંગ વગેરે પ્રકારની વિવિધ પદ્ધતિઓનો ઉપયોગ વધ્યો.

પરંતુ આ બધું વિકસિત દેશોનાં જહાજોને સુલભ છે, આપણા દેશના નાના માછીમારોની બોટોને નહીં!

એટલે જ, મુંબઈના એ હોલમાં જ્યારે ચુનિંદા વૈજ્ઞાનિકોની હાજરીમાં માત્ર સાબુદાનીના કદનું એક ગેજેટ રજૂ કરવામાં આવ્યું ત્યારે માછીમારોમાં ઉલ્લાસ પ્રસરી ગયો. આ ગેજેટનું નામ છે ‘જેમિની’. આ જેમિની એટલે ‘‘ગગન-એનેબલ્ડ મરિનર્સ ઇન્સ્ટ્રુમેન્ટ ફોર નેવિગેશન એન્ડ ઇન્ફોર્મેશન (G.E.M.I.N.I.)’’.

આ નામમાં ‘ગગન’ શું છે એની વાત આગળ કરી છે.

મુંબઈમાં માછીમારો સાથે યોજાયેલો એ કાર્યક્રમ જેમિની વિશે માછીમારોમાં જાગૃતિ લાવવાના લાંબા પ્રવાસનો એક મહત્ત્વનો પડાવ હતો, એ કાર્યક્રમમાં હાજર લોકો ઇતિહાસનું એક નવું પ્રકરણ આલેખવાના સાક્ષી બની રહ્યા હતા.

‘જેમિની’ એવું તે કેવું સાધન છે અને તેના વિશે જાણ્યા પછી માછીમારોમાં ઉત્સાહ કેમ વ્યાપ્યો તેની માંડીને વાત કરતાં પહેલાં તેના સર્જનના ઇતિહાસ વિશે જાણવું જોઇએ.

જેમિનીનું સર્જન

ભારત સરકારના પૃથ્વી વિજ્ઞાન મંત્રાલય એટલે કે મિનિસ્ટ્રી ઓફ અર્થ સાયન્સની હેઠળ અનેકવિધ સંસ્થાઓ કામ કરે છે. કોઈ સંસ્થા એન્ટાર્કટિક જેવા ધ્રુવપ્રદેશોનો અભ્યાસ કરે છે તો હવામાન ખાતું રોજબરોજની આગાહી કરવા સંબંધિત સેવાઓ આપે છે. આવી એક સંસ્થા જેને દરિયાઇ માહિતી અને સેવાઓ આપવાની જવાબદારી સોંપાઈ છે તે છે ભારતીય રાષ્ટ્રીય મહાસાગર માહિતી સેવા કેન્દ્ર (ઇન્ડિયન નેશનલ સેન્ટર ફોર ઓશન ઇન્ફોર્મેશન સર્વીસિઝ અથવા ટૂંકમાં, ઇન્કોઇસ / INCOIS).

સ્થાપનાના ફક્ત બે દાયકાના સમયગાળામાં વૈજ્ઞાનિકોની ખૂબ જ નાની ટીમ દ્વારા ઇન્કોઇસ, દરિયાખેડુઓ માટે જીભે ચડી ગયેલું નામ છે. દરિયાઇ હવામાનની આગાહી જોઇએ છે કે પછી સુનામીની ચેતવણી? કે પછી માછીમારીના યોગ્ય સ્થળની આગોતરી માહિતી મેળવીને દરિયો ખેડવો છે? પૂછો ઇન્કોઇસને!

એટલે જ ઇન્કોઇસ માટે ઓખી વાવાઝોડાએ ફેંકેલા પડકારને બાથ ભીડવી એ કંઈ નવું કામ નહોતું.

સંસ્થાના ડિરેક્ટર ડો. સતીષ શેનોય કહે છે, ‘‘જેમ ૨૦૦૪ની સુનામી પછી ઇન્કોઇસે બીડું ઝડપી ફકત અઢી વર્ષના ટૂંકા સમયગાળામાં અદ્યતન સુનામી અર્લી-વોર્નિંગ સેન્ટર સ્થાપી દીધું તેમ ઓખીના અનુભવ પછી અમારા વૈજ્ઞાનિકોની ટીમ મચી પડી અને થયું જેમિનીનું સર્જન’’.

આજે ભારતનું આ સુનામી કેન્દ્ર આંતરરાષ્ટ્રીય કક્ષાએ વખણાય છે અને ઇન્ડોનેશિયા-ઓસ્ટ્રેલિયાના સહયોગમાં ઉત્તર હિન્દ મહાસાગરના ૨૫ દેશોને આગોતરી ચેતવણી આપવાની જવાબદારી આ કેન્દ્રને સોંપાઈ છે (તેના પર વિગતે પછી ક્યારેક લેખ મુકીશું).

જેમિનીના સર્જનમાંના પડકાર

મધદરિયે, સામાન્ય નાવડીઓમાં માછીમારી કરી રહેલા માછીમારો સાથે સંપર્કનો વિશ્ર્વાસપાત્ર રસ્તો ઊભો કરવાના શ્રમયજ્ઞમાં બે મોટા પડકાર હતા.

એક, મધદરિયે બોટમાં રહેલા માછીમારો સુધી સંદેશા મોકલવા કેવી રીતે? અને બીજો પડકાર, માછીમાર આ સંદેશા ઝીલી કેવી રીતે શકે?

પહેલા પડકારને પહોંચી વળવામાં સૌથી મોટી ઉપાધી, મધદરિયે મોબાઇલ કે બીજા કોઇ માધ્યમ (દા.ત. VHF રેડિયો)ની રેન્જની હતી.

દરિયામાં કોઈ વિશાળ વાવાઝોડું આકાર લઈ રહ્યું હોય ત્યારે તેનાથી અજાણ માછીમારોને મધદરિયે આ વાવાઝોડા વિશે ચેતવવા કેવી રીતે? એ માટે મોબાઇલ નેટવર્કનો પનો ટૂંકો પડે.

તેનો ઉપાય હતો સેટેલાઇટ/ઉપગ્રહ દ્વારા સંદેશાવ્યવહાર/ક્મ્યુનિકેશન કરવાનો. સેટેલાઈટની રેન્જ/ફૂટપ્રિન્ટને અંતરની કોઈ જ બાધા ન નડે, પણ ભારતની હજારો બોટોને એકસામટા સંદેશા પહોંચાડી શકે તે માટે હાજરાહજૂર સેટેલાઇટ લાવવો ક્યાંથી?

આ તરફ ઇન્કોઈસના વૈજ્ઞાનિકો પણ બેસી રહે તેમ ન હતા. તેમણે ઇસરો, હવામાન ખાતું, નેવી-કોસ્ટ ગાર્ડ એમ જ્યાં શક્ય હોય ત્યાં બધે જ સંપર્ક કરીને કોઈ ઉપાય શોધવાનું ચાલું રાખ્યું.

આ છે જેમિની ડિવાઇસ. તે ગગન સેટેલાઇટ્સ તરફથી સંદેશા મેળવે છે અને પછી બ્લુટૂથ દ્વારા માછીમારના મોબાઇલમાંની એપને પહોંચાડે છે.

બીજી તરફ સિનિયર વૈજ્ઞાનિક અને ગ્રૂપ હેડ ડો. બાલક્રિશ્નન નાયરે પોતાની લેબોરેટરીના ઇલેક્ટ્રોનિક્સ એન્જિનિયર્સને કહી દીધું કે ‘‘તમે માછીમારો તેમને સેટેલાઇટ દ્વારા મોકલવામાં આવતા સંદેશ ઝીલી શકે  તેવા  હાર્ડવેર વિક્સાવવા પર કામ ચાલુ રાખો. આ ડિવાઇસનું કદ હાથમાં સમાઈ જાય એવડું હોવું જોઈએ, વજન અડધા કિલોથી ન વધવું જોઇએ અને પડતર કિંમત દસ હજારથી ઓછી ફરજિયાત!’’

આ વિશે ફોડ પાડતાં તેમણે સમજાવ્યું કે ‘‘ડિઝાઇન સમયે જ જો ભાવબાંધણું ન કરાય તો આખા પ્રોજેક્ટની સફળતા પર પ્રશ્નાર્થ લાગી જાય. આજકાલ સામાન્ય નાગરિકો માટે પણ લો-કોસ્ટ સ્માર્ટફોન ‘સબ ટેન થાઉઝન્ડ’ કેટેગરીમાં પહોંચી ગયા છે એ જોઇને અમને લાગ્યું કે જો જેમિનીની કિંમત દસ હજાર કરતાં ઓછી રહે તો કોઇ પણ સાગરખેડુ તેને ખુશી ખુશી આવકારશે.’’

દરમિયાન, બીજા એક સારા સમાચાર મળ્યા. એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા (એએઆઇ) હસ્તકની, સેટેલાઇટ આધારિત નેવિગેશન માટેની ‘જીપીએસ-એઇડેડ જીઓ ઓગમેન્ટેડ નેવિગેશન (ગગન)’ સેટેલાઇટ સિસ્ટમમાં એક નાની અમથી ચેનલ હાલપૂરતી ફાજલ હોવાનું જાણવા મળ્યું.

નાનીઅમથી એટલા માટે કારણ કે આ ફાજલ ચેનલ માત્ર ૨૫૦ બીટ્સ પ્રતિ સેકન્ડનો ડેટા રેટ જ આપી શકે છે.

અહીંથી આગળ વધતાં પહેલાં સંદેશાઓના પ્રોટોકોલને પણ ટૂંકમાં જાણી લઈએ, જેથી કિનારાથી દૂર માછીમારો સુધી સંદેશાઓ પહોંચાડવા માટે વૈજ્ઞાનિકોએ કેટકેટલું મગજ કસવું પડ્યું એ સમજી શકાય.

દરેક ૨૫૦ બીટ્સના સંદેશામાં પણ ગગન સિસ્ટમ મુજબ પહેલા આઠ બીટ્સ એ ‘સંદેશો અહીં શરૂ થાય છે’ એવી છડી પોકારતો કોડ હોય છે. ત્યાર પછીના ૬ બીટ્સ સંદેશાના પ્રકારને ઓળખવા માટે નિશ્ર્ચિત કરેલા છે. એટલે ખરેખરો સંદેશ ત્યાર પછી શરૂ થાય છે અને તેને ૨૧૨ બીટ્સમાં સમાવી લેવો પડે, કેમ કે સંદેશાના અંતે ૨૪ બીટ્સમાં, સંદેશો પૂરો થયો હોવાનું દર્શાવતો કોડ ફરજિયાત હતો, જેથી બે સંદેશ વચ્ચે ભેળસેળ ન થાય!

આ બધામાં કોઇ જ બાંધછોડ ન ચાલે, નહીં તો સંદેશાઓનો ટ્રાફિક ખોરવાઇ જાય! આજના ગીગાબાઇટના જમાનામાં પણ કેટકેટલું (બાઇટ તો દૂર, બીટ્સના લેવલનું) ઝીણું કાંતવાનું!

ગગન સિસ્ટમ હેઠળ કાર્યરત સેટેલાઇટ્સ ભારતના કિનારાથી ૬૦૦૦ કિલોમીટર સુધીના વિસ્તારમાં સંદેશા મોકલી શકે છે.

ભારત સરકારના વિવિધ મંત્રાલયો વચ્ચે સતત મીટિંગ્સ અને ટેકનિકલ ટીમ્સના સમન્વયથી છેવટે આ ચેનલના જેમિની માટેના ઉપયોગની રૂપરેખા તૈયાર થઈ.

ડિવાઇસ તૈયાર કરતી ટીમને ગગન સિસ્ટમના ટ્રાન્સમીટર અંગેની માહિતી આપી દેવાઇ જ્યારે બીજી ટીમ ડેટા રિલે કરવાના પ્રોટોકોલ બનાવવા મચી પડી.

દરિયાઈ માછીમારી સલાહકારી સેવા કાર્યક્રમના ઇન-ચાર્જ વૈજ્ઞાનિક નાગરાજા કુમાર કહે છે કે ‘‘જમીન પર આપણી પાસે ૧૬૦ કેરેક્ટર સુધી મર્યાદિત મેસેજ મોકલીને કમ્યુનિકેશન કરવા માટે સેલ ટાવર્સ છે. એ જ રીતે આપણી પાસે મર્યાદિત સેટેલાઇટ બેન્ડવિડ્થ છે, પણ આપણે એક જ સમયે હજારો માછીમારીની બોટોને મહત્ત્વની માહિતી પહોંચાડવાની છે. આથી, આથી હાલ પૂરતી આ સેવા વન-વે કમ્યુનિકેશન રાખવાનું નક્કી થયું છે, પરંતુ ભવિષ્યમાં જ્યારે પૂરતી સેટેલાઇટ બેન્ડવિડ્થ મળશે ને ટુ-વે કમ્યુનિકેશન સસ્તું થશે ત્યારે આ  જ સિસ્ટમ ટુ-વે કમ્યુનિકેશન માટે પણ શરૂ કરીશું, જેથી સાગરખેડુઓ પણ હોનારત વખતે પોતાનું લોકેશન મોકલવા જેવી સુવિધાઓ મેળવી શકશે.’’

આમ ‘જેમિની’ બનાવીને ઇન્કોઇસે ટેક્નોલોજી ડેમોન્સ્ટ્રેશનનું મહત્ત્વનું સોપાન સર કરી લીધું છે.

જેમિની ડિવાઇસ કેવી રીતે કામ કરે છે?

એક રીતે જુઓ તો જેમિની ડિવાઇસ આપણા ઘર કે ઓફિસમાં જોવા મળતા રાઉટર જેવું કામ કરે છે. તે સેટેલાઇટ તરફથી મળતા સંદેશા ઝીલે અને પછી તે માછીમારને પહોંચાડે છે.

જેમિની સિસ્ટમ વિક્સાવતી વખતે વૈજ્ઞાનિકોએ બહુ ઝીણવટભરી કાળજીઓ રાખી છે. જેમ કે કિંમત ઓછી રાખવા અને સરળ ઉપયોગ માટે તેમાં કોઈ જ પ્રકારનો સ્ક્રીનનો ઉપયોગ કરવામાં આવ્યો નથી.

તમને થશે કે જો જેમિનીમાં સ્ક્રીન ન હોય તો માછીમાર સંદેશા વાંચે કેવી રીતે? આના ઉપાય તરીકે જેમિનીની પોતાની એન્ડ્રોઇડ એપ બનાવાઇ છે.

જેમિનીની એપ સાગરખેડુને ભારતની દસ ભાષાઓમાં મહત્ત્વના સંદેશા મોકલી શકે છે.  સાથોસાથ તેને લોકેશન સંબંધિત મહત્ત્વની જાણકારી પણ સતત આપે છે.

જેમિની ડિવાઇસ ઉપગ્રહોથી મળતા સંદેશા મેળવી તેમાંના ઇન-બિલ્ટ બ્લુટૂથ વડે સાગરખેડુના મોબાઇલ સાથે કનેક્ટ થાય છે. બ્લુટૂથના ઉપયોગને કારણે બંને ડિવાઇસમાં ઓછામાં ઓછી બેટરી વપરાય છે. જેમિનીને કોઈ પણ મિની-યુએસબી ચાર્જરથી છએક કલાક ચાર્જ કરો એટલે બે દિવસ સુધી નિરાંત!

વળી જેમિનીનું બહારનું આવરણ (આઉટર કેસિંગ) મરીન ગ્રેડનું બનાવાયું છે, જેથી દરિયાની ખારી હવા કે વાછંટથી અંદરના ઇલેક્ટ્રોનિક્સને નુકસાન ન થાય.

જેમિનીની એપમાં દસ ભાષાઓ (અંગ્રેજી, હિંદી, ગુજરાતી, મરાઠી, કન્નડા, મલયાલમ, તમિલ, તેલુગુ, ઓડિયા અને બાંગ્લા) સમાવી લેવાઇ છે. એટલે કે ફક્ત મેક ઇન ઇન્ડિયા જ નહીં પણ વન ઇન્ડિયા, વન એપ!

સાગરખેડુ પોતાની ભાષા જાતે જ પસંદ કરી લે. ટંડેલ બદલાય તો એને ફાવે તે ભાષા પણ આંખના પલકારામાં બદલાય. કોઈ જ નવા ઇન્સ્ટોલેશનની માથાકૂટ નહીં, બાકીનો બધો યૂઝર ડેટા, સેટિંગ્સ અને સંદેશાઓ એમના એમ, પણ જોઇતી ભાષામાં!

લોકેશનનું પણ એવું જ. જેમિનીનું જીપીએસ પોતાનું લોક્શન જાતે જ મેળવી લે છે અને એપની અંદરના મેસેજ આપમેળે તે લોકેશન માટે અપડેટ થઇ જાય છે. જરૂર પડયે સૌથી નજીકનું કિનારાનું સ્થળ પણ (ટૂંકામાં ટૂંકું અંતર સતત માપવામાં આવે છે) આપમેળે બતાવે અને સતત અપડેટ થતું રહે છે.

એક જ ક્લિક કરી તે સ્થાન સુધીનું દિશાસૂચન (નેવિગેશન) પણ ઓટોમેટિક, એટલે કટોકટીના સમયમાં કોઈ પણ ખલાસી એપ વાપરી શકે. દરિયો અનુકૂળ હોય એ સમયે સંભાવિત માછીમારી ક્ષેત્ર (પોટેન્શિયલ ફિશિંગ ઝોન) સુધી જવામાં પણ એ જ સુવિધા. આવતા બે-ત્રણ દિવસમાં દરિયો ક્યાં કેટલો સાનુકૂળ કે પ્રતિકૂળ છે કે કોઈ વાવાઝોડું આકાર લઈ રહ્યું છે કેમ, વાવાઝોડું કઈ દિશામાં જઈ રહ્યું છે વગેરે સંદેશાઓ પણ રોજે રોજ મળે.

આ બધું, માછીમારની બોટ દરિયામાં કિનારાથી ગમે તેટલી દૂર, ક્યાંય પણ હોય તો પણ તેને હાથવગું રહે છે. બધી માહિતી ટેક્સ્ટ સ્વરૂપે કે નક્શા પર જોઈ શકાય છે.એપમાં, ઇન-બિલ્ટ કમ્પાસ (હોકાયંત્ર) અને કટોકટી સંપર્કના નંબર પણ ખરા!

જેમિની સિસ્ટમનો બહુ મહત્ત્વનો વધુ એક ફાયદો ઇંધણની બચતનો છે. સામાન્ય નાગરિકને લાગે કે માછીમારી કરવા જતી બોટો સવારે જઇને સાંજે પાછી આવતી રહેતી હશે, પણ હકીકતમાં, ખાસ કરીને ગુજરાત જેવાં રાજ્યોમાં મોટા ભાગની બોટો દૂરનો દરિયો ખેડવા અઠવાડિયા-દસ દિવસની ખેપ કરતી હોય છે. આવી બોટોને મોબાઇલ નેટવર્ક અને તાજા સમાચાર-ડેટા જોઇતા હોય તો તો ફરી ફરીને કિનારા નજીક આવવું પડે, જેમાં સમય અને ઇંધણનો બગાડ થાય છે. જો જોઈતા સંદેશા મધદરિયે મળી રહે તો જ આ બગાડ અટકાવી શકાય!

જરા વિચારો કે ક્યાં ઇરીડિયમ જેવા મોંઘા સેટેલાઇટ ફોન (આપણામાંથી જેમણે હિમાલય પ્રવાસ ખેડયો હોય તેમણે કદાચ ઉપયોગ કર્યો હોઈ શકે!), જેમાં મિનિટના દરે આકરો ચાર્જ લાગે અને ક્યાં સસ્તું ભાડું અને સિદ્ધપુરની જાત્રા જેવી જેમિની સિસ્ટમ!

વન-વે કમ્યુનિકેશનથી પણ આવડી અમથી એપ જો આટઆટલી સુવિધા અને માહિતીનો સ્ત્રોત બની શકતી હોય તો જ્યારે આવનારા સમયમાં યોગ્ય બેન્ડવિડ્થ ઉપલબ્ધ થશે ત્યારે તો કેટલી બધી વેલ્યુ-એડેડ સેવાઓનો પટારો ખૂલી જશે!

બોટ માલિકો પોતાનું એકાઉન્ટ બનાવી બોટના ખબર મેળવી શકે, માછીમારો બજારભાવની આગોતરી માહિતી મેળવી કિનારે પહોંચતા પહેલાં જ સોદા પાડી શકે, ખરાબ હવામાનમાં બચાવ કામગીરી સચોટ અને ઝડપી બને કારણ કે બોટનું છેલ્લું લોકેશન ખબર હોય, મુંબઇ હુમલા જેવી ઘટનાઓ નિવારી શકાય… ફાયદાઓનો કોઈ અંત જ નહીં! એટલે જ આપણે કહેવું પડે કે માત્ર ‘ડિજિટલ ઇન્ડિયા’ જ નહીં ‘ડિજિટલ ઓશન’ પણ ભારતનું ભાવિ ઘડશે. જય વિજ્ઞાન!

ગગન શું છે?

  • ઇસરો અને એરપોર્ટ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ સંયુક્ત રીતે, જીપીએસ-એઇડેડ જીઓ ઓગમેન્ટેડ નેવિગેશન (ગગન) સિસ્ટમ વિક્સાવી છે. તેનો મૂળ હેતુ, જીપીએસ વ્યવસ્થાને વધુ સચોટ બનાવવાનો છે. ગગન સેટેલાઇટ્સ (હાલમાં કાર્યરત GSAT-8, 10 અને 15) આધારિત આ સિસ્ટમ, ભારતીય એરપોર્ટ્સ ઉપર વિમાનોના ટેક ઓફ-લેન્ડિંગને વધુ સચોટ અને સલામત બનાવે છે.
  • તેમની રેન્જ ભારતના કિનારાથી ૬૦૦૦ કિલોમીટર સુધીની છે, જે ભારતના એક્સ્ક્લુઝિવ ઇકોનોમિક ઝોનને આવરી લે છે. આ ઝોનમાં, માત્ર ભારતીયોને જ આર્થિક પ્રવૃત્તિઓ તેલ-ગેસ શારકામ, માછીમારી વગેરે કરવાનો અધિકાર છે.
  • ગગન સેટેલાઇટ (અને તેથી જેમિની પણ) હેઠળ જીપીએસની સુવિધાથી મળતા લોકેશનની સચોટતા/એક્યુરસી દોઢેક મીટરની આસપાસ છે, જે અફાટ દરિયામાં બહુ જ સારી ગણાય.

રસ પડ્યો? વધુ અહીં વાંચો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!