‘આવાઝ કી દુનિયા કે દોસ્તોં…’ વર્ષો પહેલાં રેડિયો પર આ શબ્દો છવાઈ ગયા હતા. હવે આપણો અવાજ ખુદ આપણો દોસ્ત બનવા લાગ્યો છે. જાણો એક દાયકામાં આ ટેક્નોલોજી કેવી બદલાઈ.
ઇન્ટરનેટ પર વર્ષોથી ટેક્સ્ટ અને ઇમેજનો દબદબો રહ્યો છે. વીડિયોમાં વિઝ્યુઅલ અને વોઇસ બંને ખરાં અને વીડિયોનો પ્રભાવ હવે ઇન્ટરનેટ પર જોરદાર વિસ્તરી રહ્યો છે, પણ એકલા વોઇસ કે સાઉન્ડની દિશામાં બહુ પ્રગતિ થઈ નહોતી. આમ થવાનું એક મહત્ત્વનું કારણ છે, સાઉન્ડને ‘સમજવા’માં કમ્પ્યુટર સિસ્ટમ્સને પડતી મુશ્કેલી.
આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સને કારણે કમ્પ્યુટર સિસ્ટમ્સ ટેક્સ્ટ કે ઇમેજ રૂપી ડેટાને ઘણી રીતે જોઈ-તપાસી-સરખાવી શકે છે. એટલે તો ઇન્ટરનેટ પરની અસંખ્ય વેબસાઇટ્સમાંથી આપણને જોઈતી માહિતી સર્ચ એન્જિન આંખના પલકારામાં તારવી શકે છે. પરંતુ પાછલા એક દાયકામાં આ સ્થિતિમાં ગજબના ફેરફાર થયા છે. કમ્પ્યુટર્સ અવાજનો અર્થ પામવા લાગ્યાં એ સાથે ‘વર્ચ્યુઅલ આસિસ્ટન્ટ્સ’એ ધમાલ મચાવી! છેલ્લા દસકામાં આ ટેક્નોલોજી કેવી રીતે વિસ્તરી તેના પર એક નજર ફેરવીએ…
૨૦૧૦ : સિરીની મોબાઇલ એપ આવી, એપલે ખરીદી લીધી
સ્વતંત્ર રીતે કામ કરતા વોઇસ આસિસ્ટન્ટ સિરીની આઇફોનમાં મોબાઈલ એપ તરીકે શરૂઆત થઈ. એપલને એમાં કૌવત દેખાયું અને તેણે કંપનીને ખરીદી લીધી. આઇફોન ફોરએસ સાથે એપલે સિરીનો વોઇસ આસિસ્ટન્ટ તરીકે જે પણ પ્રોડક્ટ સાથે વાપરી શકાય ત્યાં તેનો ઉપયોગ કરવાનું શરૂ કરી દીધું, જે તેના સ્માર્ટ સ્પીકર્સ અને વેરેબલ ટેક્નોલોજી સુધી વિસ્તર્યો. દસ વર્ષમાં સિરીએ ઘણો બદલાવ જોયો, સિરી ક્ષમતા પણ ઘણી વિસ્તરી, પણ એપલે, ગૂગલ કે માઇક્રોસોફ્ટની સરખામણીમાં સિરીમાં થર્ડ પાર્ટી ડેવલપર્સને ખાસ છૂટ આપી નથી. સિરીથી વોઈસ આસિસ્ટન્સનો નવો શરૂ થયો.
૨૦૧૧ : ગૂગલના હોમપેજ પર વોઇસ સર્ચની શરૂઆત
ગૂગલે વર્ષ ૨૦૦૦માં મોબાઇલ ડિવાઇસ પર વોઇસ સર્ચ ટેક્નોલોજીનું ટેસ્ટિંગ કરવાનું શરૂ કરી દીધું હતું, ૨૦૧૧માં નાનકડું એવું માઇક્રોફોન બટન ઉમેર્યું, જેથી વોઇસ સર્ચ કરી શકાય. ગૂગલ જેવા મહાકાય સર્ચ એન્જિનમાં વોઇસ ટેક્નોલોજીનો ઉપયોગ ખૂબ મહત્ત્વનો કહી શકાય. આ વોઇસ સર્ચ ગૂગલ ક્રોમ બ્રાઉઝર પૂરતી જ મર્યાદિત હોવા છતાં જે તે વેબસાઇટ સાથે પોતાના અવાજથી સંવાદ કરવાની વિશાળ તક તેણે ખોલી આપી. ગૂગલ આસિસ્ટન્ટને આવતાં વર્ષો લાગ્યાં પણ તેનાં બીજ વવાઈ ગયાં હતાં. બીજી વેબસાઇટ્સ માટે પણ એ ટેમ્પ્લેટ પ્રમાણે કામ કરવાનો રસ્તો તૈયાર થઈ ગયો હતો.
માઇક્રોસોફ્ટે પોતાની કોર્ટના સિસ્ટમને લોકભોગ્ય બનાવવાને બદલે, તેને બિઝનેસ માટે જ વધુ ઉપયોગી બનાવવા પર ફોકસ કર્યું છે.
૨૦૧૨ : ન્યુઆન્સ કંપની લાવી નિના વોઇસ આસિસ્ટન્ટ
ન્યુઆન્સ નામ આપણા માટે ભલે અજાણ્યું હોય, વોઇસ ટેક્નોલોજીમાં તેનો લાંબા સમયથી દબદબો છે. સિરીને પાવરફુલ બનાવવામાં ન્યુઆન્સનો ફાળો ઘણો મોટો છે. તેણે વિક્સાવેલ નિના (ન્યુઆન્સ ઇન્ટેલિજન્ટ વર્ચ્યુઅલ આસિસ્ટન્ટ) શરૂઆતથી જ વોઇસ આસિસ્ટન્ટ તરીકે આગળ રહ્યું, વોઇસ સોફ્ટવેર એન્જિન્સના સર્જનમાં વર્ષો સુધી મહેનત કરીને કંપનીએ તહલકો મચાવી દીધો. નિના હવે કસ્ટમર્સ સાથે સંવાદ કરવામાં બિઝનેસ કંપનીઓ માટે ડિજિટલ આસિસ્ટન્ટ તરીકેનું કામ કરે છે. ડોક્ટર્સ, પ્રોફેશનલ્સ અને બિઝનેસ એક્ઝિક્યુટિવ્સ જાતે પેપર વર્ક કરવાને બદલે આ નિના પાસે કામ લેવા લાગ્યા. કંપનીએ એટલી સફળતા મેળવી કે હવે તે વાહનોમાં પણ વોઇસ આસિસ્ટન્ટ તરીકે ઉપયોગમાં લઈ શકાય એવી ટેક્નોલોજી વિકસાવવામાં લાગી ગઈ છે.
૨૦૧૩: માઇક્રોસોફ્ટની વોઇસ આસિસ્ટન્ટ કોર્ટનાની એન્ટ્રી
માઇક્રોસોફ્ટની વોઇસ આસિસ્ટન્ટની એન્ટ્રી જોશભેર થઈ. વિન્ડોઝ, એક્સબોક્સ અને માઇક્રોસોફ્ટની બીજી પ્રોડક્ટ્સમાં પણ તેનો ઉપયોગ થયો. બીજી બ્રાન્ડ્સે બનાવેલી પ્રોડક્ટ્સમાં પણ તેનો ઉપયોગ થયો. જોકે આ દાયકાના અંતે કોર્ટનાને ફક્ત બિઝનેસ અને ઉદ્યોગો માટે જ ઉપયોગમાં લઈ શકાય એ રીતે માઇક્રોસોફ્ટે નવું રૂપ આપ્યું. વિશાળ માર્કેટમાં આ ટેક્નોલોજીથી હરીફોને પાછળ નહીં રાખી શકાય એવો નિર્ણય માઇક્રોસોફ્ટ લેશે એવું ૨૦૧૩માં તો કોઈએ કલ્પ્યું પણ નહીં હોય. જોકે હવે કોર્ટના ફક્ત ઓફિસમાં જ બિઝી રહેશે!
૨૦૧૪ : એમેઝોન કંપની લાવી એલેક્સા
એ સમયે ઇ-કોમર્સ અને ક્લાઉડ કમ્પ્યુટિંગમાં એમેઝોનનો ડંકો વાગતો હતો એટલે તેના કન્ઝ્યુમર ટેક્નોલોજી ઊભી કરવાના પ્રયત્નો બહુ નજરે ચડતા નહોતા, પણ ‘લાઇબ્રેરી ઓફ એલેક્ઝાન્ડ્રિયા’ નામના વોઇસ આસિસ્ટન્ટ સાથે સ્માર્ટ સ્પીકર રજૂ કરીને એમેઝોને હલચલ મચાવી દીધી. એલેક્સા વોઇસ આસિસ્ટન્ટ એટલી પોપ્યુલર થઈ કે સિરી અને કોર્ટના કરતાં પણ આગળ નીકળી ગઈ અને ‘કોઈ પણ વોઇસ આસિસ્ટન્ટ એટલે એલેક્સા’ એટલો પ્રભાવ જમાવ્યો. જેમ કોઈ પણ નૂડલ્સ હોય એને બાળકો તો મેગી જ કહે એમ.
સ્માર્ટ સ્પીકર્સ, સ્માર્ટ વોચ કે અન્ય વેરેબલ ગેજેટ્સથી માંડીને કાર સુધીની બધી જ પ્રોડક્ટ્સમાં એલેક્સાનો વપરાશ થાય એ માટે એમેઝોન કંપની આક્રમક મહેનત કરી રહી છે.
હવે તો એલેક્સાનું માર્કેટપ્લેસ પણ વિકસ્ક્યું છે. જુદા જુદા ડેવલપર્સ એલેક્સા પર એક લાખથી વધુ પ્રકારની સેવા આપીને કમાણી કરવા લાગ્યા છે. એલેક્સા સામે હરીફાઈ વધતી જાય છે, પણ આવનારા દાયકામાં પણ તે આગળ તો રહેશે જ.
એમેઝોનના એલેક્સા સામે ગૂગલ હોમ અને ગૂગલ આસિસ્ટન્ટમાં ઘણાં નવાં ફીચર્સ અને ખાસ તો એન્ડ્રોઇડ ફોનમાં તેનો સમાવેશ લોકોને ખાસ આકર્ષે એવો બની રહ્યો.
૨૦૧૫ : સાઉન્ડહાઉન્ડનું હાઉન્ડીફાય પ્લેટફોર્મ માર્કેટમાં આવ્યું
મોટા ભાગે સાઉન્ડહાઉન્ડ એટલે ફક્ત મ્યુઝિક આઇડેન્ટિફિકેશન એપ એમ આપણે માનીએ પણ તેનું હાઉન્ડીફાય પ્લેટફોર્મ એટલું પાવરફુલ છે કે ઘણી કંપનીઓ પોતાનું વોઇસ આસિસ્ટન્ટ બનાવવાની કટાકૂટમાં ન પડતાં હાઉન્ડીફાયની મદદ લે છે અને હાઉન્ડીફાય જે તે કંપનીને તેના નામ સાથેની કંપનીની પોતાની બ્રાન્ડ હોય એ પ્રકારના વોઇસ આસિસ્ટન્ટ બનાવી આપે છે. હાઉન્ડીફાયના આવવા સાથે કંપનીએ રોકેલા ૧૦૦ મિલિયન ડોલરનું વળતર તો મળી ગયું પણ કંપની ખૂબ ઝડપથી વિકસવા લાગી અને વોઇસ ટેક્નોલોજીમાં જબરદસ્ત હરીફાઈની શક્યતા છે એ વાત પણ સાબિત થઈ.
૨૦૧૬ : ગૂગલ હોમ અને ગૂગલ આસિસ્ટન્ટની શરૂઆત
ગૂગલ આસિસ્ટન્ટ એલેક્સાને ટક્કર આપવા માર્કેટમાં આવ્યું અને ગૂગલે આ વખતે પોતાના અગાઉના અનુભવોને ધ્યાનમાં લઈને એવું વોઇસ આસિસ્ટન્ટ બનાવ્યું કે એલેક્સા માટે પડકાર ઊભો થયો. એમેઝોનના એલેક્સા સામે ગૂગલ હોમ અને ગૂગલ આસિસ્ટન્ટમાં ઘણાં નવાં ફીચર્સ અને ખાસ તો એન્ડ્રોઇડ ફોનમાં તેનો સમાવેશ લોકોને ખાસ આકર્ષે એવો બની રહ્યો. ગૂગલ આસિસ્ટન્ટને ઘરેઘરમાં વપરાતું કરવા, રોજબરોજના જીવનમાં અનિવાર્ય બનાવવા પર ગૂગલે ખાસ ભાર આપ્યો છે. ગૂગલે ટ્રાન્સલેશન અને ન્યૂઝ એગ્રિગેશનમાં પણ આ ટેક્નોલોજી વિસ્તારી છે.
વોઇસ આસિસ્ટન્ટનો ઉપયોગ જોરદાર વધ્યો છે તેમ પ્રાઇવસીની ચિંતાઓ પણ સતત વધી છે.
૨૦૧૭ : બાઇડુ અને અલીબાબા લઈને આવે છે વોઇસ આસિસ્ટન્ટ્સ અને સ્માર્ટ સ્પીકર્સ
યુએસની ટેક કંપનીઓ વોઇસ આસિસ્ટન્ટને દુનિયાભરમાં લોકપ્રિય કરવા માટે ખૂબ ખંતથી મહેનત કરવા લાગી પણ ૨૦૧૭માં હરીફાઈ બહુ આકરી બની ચીનની બાઇડુ અને અલીબાબા કંપનીના આગમનથી. આ કંપનીઓ પોતાના જ વોઇસ આસિસ્ટન્ટથી ચાલે તેવાં
સ્માર્ટ સ્પીકર્સ લઈને માર્કેટમાં આવી અને એને જોઈને બીજી એશિયન કંપનીઓ પણ આવી. બાઇડુ અને અલીબાબાની હાજરીએ સાબિત કરી દીધું કે બધે એમેઝોન, ગૂગલ કે એપલ નહીં ચાલે. ચાઇનીઝ વોઇસ આસિસ્ટન્ટ અમેરિકન હરીફો કરતાં ઘણી જુદી રીતે કામ કરે છે. મતલબ કે વોઇસ આસિસ્ટન્ટ અમુક પ્રકારના જ હોવા જોઈએ એવા કોઈ વૈશ્વિક ધારાધોરણ રહ્યા નથી. અલબત્ત, બધી કંપની એકબીજાનાં પોપ્યુલર ફીચર્સની નકલ કરે છે એ પણ ખરું!
૨૦૧૮ : સેમસંગ બિક્સબી ૨.૦નું આગમન
સેમસંગ ૨૦૧૭માં બિક્સબી સાથે વોઇસ આસિસ્ટન્ટ માર્કેટમાં ઊતરી તો ખરી, પણ છ મહિનામાં જ તેને ખ્યાલ આવી ગયો કે આ વર્ઝનને ધરમૂળથી બદલવું પડશે. તે પછી બિક્સબી ૨.૦ લઈને આવી અને તેમાં તેણે ડેવલપર્સને ફેરફારો કરી શકે તેવી
ફ્લેક્સિબિલિટી આપી અને યુઝર્સને પહેલાં કરતાં વધુ વ્યક્તિગત રીતે ઉપયોગ કરી શકે તેવા ફેરફારો કર્યા બનાવ્યું. સેમસંગ બ્રાન્ડ તરીકે ગજબની નામના ધરાવે છે પણ હવેના દાયકામાં જોવાનું રહે કે બિક્સબી બીજા વોઇસ આસિસ્ટન્ટ્સને, ખાસ તો અમેરિકામાં કેવી ટક્કર આપે છે.
૨૦૧૯ : ત્રણ અબજથી વધારે વોઇસ આસિસ્ટન્ટ વપરાશમાં!
વિશ્વની સાત-આઠ અબજની વસતિ સામે, અત્યારે દુનિયામાં ત્રણ અબજથી વધુ વોઇસ આસિસ્ટન્ટ ઉપયોગમાં લેવાઈ રહ્યા છે અને ૨૦૨૩ સુધીમાં સુધીમાં લગભગ આઠ અબજ કરોડથી વધુનો વપરાશ થઈ રહ્યો હશે!
આ આંકડા પરથી ખ્યાલ આવે કે વોઇસ આસિસ્ટન્ટનો ઉપયોગ કેટલો જબરજસ્ત વિસ્તરી રહ્યો છે. સ્માર્ટ ફોન અને સ્માર્ટ સ્પીકર્સનો ઉપયોગ સૌથી કોમન બની ગયો છે પણ હવે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના વધતા પ્રતાપે ટીવી, કાર કે ઓફિસની સાથે સાથે કપડાં પસંદ કરવામાં કે ઘરમાં જમવાનું મેનૂ નક્કી કરવામાં પણ વોઇસ આસિસ્ટન્ટ ખડે પગે હોય તો નવાઈ નહીં. દુનિયા એટલી બદલાઈ ચૂકી છે કે કરિયાણું ઓર્ડર કરવામાં, ઘરની લાઈટ ચાલુ-બંધ કરવામાં કે કાર ચાલુ કરવામાં પણ વોઇસ આસિસ્ટન્ટનો ઉપયોગ થવા લાગ્યો છે.
જોકે આ ટેક્નોલોજીની બીજી બાજુ પણ છે અને એ છે પ્રાઇવસી અને સલામતીનો મુદ્દો.
એ વિશે પણ ગરમાગરમી ચાલે છે, પણ લોકો ટેક્નોલોજીના ઉપયોગની સાથે આ બાબતે પણ જાગરુક છે એટલે આવનારા દાયકામાં વોઇસ આસિસ્ટન્ટના નવા નવા ઉપયોગ જોવા મળશે અને કદાચ એવું બને કે વોઇસ આસિસ્ટન્ટ ઘરનો એક એવો અદૃશ્ય સભ્ય બની જાય, જે ચૂંચા કર્યા વગર આપણાં બધાં કામ કરી નાખે અને સાથોસાથ આપણી જોરદાર જાસૂસી પણ કરે!
(માહિતી આધાર : voicebot.ai, રજુઆત : દામિની દેસાઈ)


