વાયા વિકિપીડિયા, તમે એક-બે ક્લિકમાં નવું નવું ઘણી જાણી શકો છો.
ઇન્ટરનેટની મજા એ છે કે તેમાં આપણને જે કંઈ જાણવું તે બધું જ મળી શકે છે. એ પણ ઘણી વાર તો ફક્ત એક-બે ક્લિકમાં. ફક્ત એ માટેની સચોટ રીત આપણને ખબર હોવી જોઇએ.
કારણ કે આપણે જે જાણવું હોય તે ગૂગલમાં શોધવા બેસીએ તો એટલી બધી લિંક ઓપન થતી હોય છે કે આપણે એમાં જ ગૂંચવાયેલા રહીએ! ખાસ કરીને કોઈ અજાણ્યા શબ્દ કે ઘટના કે કન્સેપ્ટ વગેરે કંઈ પણ વિશે ફટાફટ, ટૂંકમાં પણ પૂરતી જાણકારી મેળવી લેવી હોય ત્યારે ગૂગલ કામ લાગે નહીં.
આવા સમયે ક્વિક રેફરન્સ માટે આપણે વિકિપીડિયાનું શરણું લેવું પડે.
જેમ કે હૈદ્રાબાદમાં એન્કાઉન્ટર પછી ‘એકસ્ટ્રાજ્યુડિસિયલ’ કિલિંગ શબ્દ તમે ઘણી બધી જગ્યાએ વાંચ્યો હશે. આ શબ્દનો ચોક્કસ અર્થ શો થાય છે એ જાણવાના જુદા જુદા ઘણા રસ્તા છે.
જેમ કે, તમારા સ્માર્ટફોનમાં જે પણ વેબપેજ પર આ શબ્દ વાંચવા મળે તેને જરા લાંબો સમય ક્લિક કરતાં તે શબ્દનું ગૂગલ સર્ચપેજ ઓપન કરી શકાય છે.
જો ફોનમાં વિકિપીડિયાની એપ ઇન્સ્ટોલ કરી હોય તો આ જ રીતે એ શબ્દ વિશે વિકિપીડિયામાં પણ સર્ચ કરી શકાય છે.
પીસીમાં ક્રોમ બ્રાઉઝરમાં આ આખી વાતને જરા વધુ સ્માર્ટ બનાવી શકાય છે.
એ માટે, તમારા ક્રોમ બ્રાઉઝરમાં વેબ સ્ટોરમાં જઇને wikiwand એક્સ્ટેન્શન સર્ચ કરીને તેને ક્રોમ બ્રાઉઝરમાં ઉમેરી દો (જૂના પુરાણાં વિકિપીડિયાને મોર્ડન અને ખરેખર સ્માર્ટ બનાવતી વિકિવેન્ડ સર્વિસ વિશે આપણે જૂન ૨૦૧૫ના અંકમાં વિગતવાર વાત કરી છે).
હવે જ્યારે પણ પીસીમાં બ્રાઉઝિંગ વખતે કોઈ પણ શબ્દ વિશે વધુ જાણવું હોય તો એ શબ્દ પર કંટ્રોલ કી સાથે માઉસ ક્લિક કરશો તો એક પોપઅપ વિન્ડોમાં વિકિપીડિયામાં તેના વિશેના લેખનો ટૂંકો સારાંશ જોવા મળશે!

