(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

દુકાનદાર પેમેન્ટ મળ્યાની ખરાઈ કરી શકશે વોઇસ એલર્ટથી

યુપીઆઇ એપથી પેમેન્ટ સ્વીકારતા દુકાનદાર માટે સૌથી મોટી ઝંઝટ, દરેક પેમેન્ટ આવ્યું તેની ખાતરી કરવાની હોય છે. તેની આ ઝંઝટ ઓછી કરે છે પેટીએમનું ‘સાઉન્ડ બોક્સ’.

અત્યારે આપણે કોઈ પણ નાની મોટી દુકાનમાં કંઈ ખરીદી કરીએ એટલે તરત તેને પેમેન્ટ કરવા આપણા સ્માર્ટફોનમાંની કોઈ પણ યુપીઆઈ એપ ઓપન કરીએ. આપણે ખિસ્સામાંથી સ્માર્ટફોન કાઢીએ એટલે દુકાનદાર તેમના કાઉન્ટર પરનાં ત્રણ ચાર ક્યુઆર કોડ સ્ટિકર કે પાટિયાં તરફ આંગળી ચીંધી દેતા હોય છે. આપણે ઇચ્છીએ તે સ્ટિકરની મદદથી પેમેન્ટ કરી શકીએ.

આમાં આપણે માટે તો સુવિધા છે, પણ દુકાનદારને પોતાને માટે અસુવિધા છે.

યુનિફાઇડ પેમેન્ટ ઇન્ટરફેસ (યુપીઆઈ)ને કારણે રકમની ઓનલાઇન લેવડદેવડ હવે ઘણી સહેલી બની ગઈ છે. તેમાં બેન્ક-ટુ -બેન્ક લેવડદેવડ થાય છે અને જુદી જુદી એપ કે સર્વિસ માત્ર મધ્યસ્થી તરીકે કામ કરે છે. યુપીઆઈની સરખામણીમાં મોબાઇલ વોલેટમાં વાત આટલી સહેલી નથી કેમ કે તેમાં આપણે પેટીએમ વોલેટથી પેમેન્ટ કરવું હોય તો દુકાનદાર પાસે પેટીએમ વોલેટમાં જ ખાતું હોવું જરૂરી છે.

યુપીઆઇમાં એવું નથી. આપણે ભીમ એપથી પેમેન્ટ કરવું હોય પરંતુ દુકાનદાર ફોનપે એપનો ઉપયોગ કરી રહ્યા હોય તો પણ આપણે તેને પેમેન્ટ કરી શકીએ.

આ કારણે હવે જુદી જુદી કંપની દુકાનદારને તેમના એકાઉન્ટના ક્યુઆર કોડ સાથે સ્ટિકર કે તેનાં પાટિયાં આપે છે અને આ પાટિયાં પર, તે દુકાનદારનું ખાતું જેમાં હોય તે મુખ્ય એપ ઉપરાંત ભીમ પે, ફોન પે, પેટીએમ, ગૂગલ પે વગેરે વિવિધ યુપીઆઈ એપના લોગો પણ હોય, જેથી આપણે સમજી શકીએ કે આપણે એ ક્યુઆર કોડ સ્કેન કરીને કોઈ પણ યુપીઆઈ એપથી પેમેન્ટ કરી શકીશું.

દુકાનદારે અલગ અલગ યુપીઆઈ એપ્સમાં ખાતાં ખોલાવ્યાં હોય તો તેમના કાઉન્ટર પર આ બધી એપ્સ તરફથી ક્યુઆર કોડ સ્ટિકર કે પાટિયાંના ખડકલો થાય.

હવે દુકાનદાર માટે આમાં રહેલી અસુવિધાની વાત કરીએ. થાય છે એવું કે આપણે તો પેમેન્ટ કર્યા પછી આપણા ફોનના સ્ક્રીન પર આવેલો ‘પેમેન્ટ ડન’નો મેસેજ દુકાનદારને બતાવી દઈએ, પરંતુ આવી રીતે ઘણા લોકો છેતરપિંડી કરતા હોવાને કારણે દુકાનદાર સતત આશંકામાં રહે છે. ઘણા લોકો, દુકાનદાર ગાફેલ હોય તો, અગાઉનું કોઈ પેમેન્ટ થયું હોવાનો સ્ક્રીનશોટ બતાવીને દુકાનેથી ચાલતી પકડતા હોય છે. દુકાનદાર સાંજે હિસાબ કરવા બેસે ત્યારે ખ્યાલ આવે કે તેમણે વેચેલી અમુક વસ્તુ માટે તેમને પેમેન્ટ મળ્યું જ નથી!

જેમ દુકાનદાર માટે સંખ્યાબંધ યુપીઆઈ એપ્સ માથાનો દુઃખાવો છે, તેમ આ બિઝનેસમાં લેનાર અને વેચનાર વચ્ચે મધ્યસ્થી તરીકેનું કામ કરતી યુપીઆઈ એપ્સ પણ હવે તેમની વચ્ચે વધતી હરીફાઈથી તકલીફ અનુભવી રહી છે.

યૂઝર તરીકે આપણી પાસે અનેક વિકલ્પો છે, પરંતુ કોઈ યુપીઆઈ એપે અન્ય એપ્સ કરતાં આગળ કેવી રીતે રહેવું?


આ પ્રશ્નના જવાબ માટે વિવિધ યુપીઆઈ એપ કંપની થોડા થોડા વખતે કંઈક ને કંઈક નવી સર્વિસ શોધી કાઢે છે જેથી દુકાનદાર અને યૂઝર બંને માટે તે ફેવરિટ બની રહે.

આ જ સંદર્ભમાં હમણાં પેટીએમ કંપનીએ ‘પેટીએમ સાઉન્ડ બોક્સ’ નામે એક નવું ડિવાઇસ લોન્ચ કર્યું છે. આ ડિવાઇસને કારણે યૂઝર તરીકે આપણને બહુ મોટો ફેર પડતો નથી પરંતુ દુકાનદાર માટે પેમેન્ટ સ્વીકારવાની આખી વાત બહુ સુવિધાજનક બની જાય છે.

પેટીએમ સાઉન્ડ બોક્સ એક પ્રકારનું ક્યુઆર કોડ સ્ટિકર જ છે, પરંતુ તેમાં ફેર એટલો છે કે આપણે તેને સ્કેન કરીને કોઈ પણ યુપીઆઈ એપથી પેમેન્ટ કરીએ એ પછી દુકાનદારે આપણા ફોન સ્ક્રીન પર ‘પેમેન્ટ ડન’નો મેસેજ જોવાની જરૂર રહેતી નથી કે તેના પોતાના ફોનમાં પણ પેમેન્ટ આવી ગયું હોવાનો મેસેજ શોધવા જવું પડતું નથી.

કાઉન્ટર પર ગ્રાહકોની ભીડ લાગી હોય ત્યારે દરેક પેમેન્ટ માટે, પેમેન્ટ મળ્યું હોવાની ખાતરી આપતો મેસેજ ચકાસવામાં દુકાનદારનો ઘણો સમય વેડફાતો હોય છે. ક્યારેક પેમેન્ટ સફળતાપૂર્વક થયું હોવાનો મેસેજ આવતાં વાર લાગે તો દુકાનદારે ગ્રાહકને ફરજિયાત ઊભા રાખવા પડે છે. પરિણામે બંને વચ્ચે મનદુઃખની સ્થિતિ પણ સર્જાઈ શકે છે. તેના ઉપાય તરીકે જ્યારે આપણે યુપીઆઈ એપથી પેમેન્ટ કરીએ અને પેમેન્ટ સકસેસફૂલ થાય એ સાથે પેલું ડિવાઇસ વોઇસ એલર્ટ આપતાં બોલે છે કે ‘‘રિસિવ્ડ રૂ.…… સકસેસફૂલી!’’

આ ડિવાઇસ સિમકાર્ડની મદદથી ફોરજી કનેક્ટિવિટી સાથે ઇન્ટરનેટ સાથે કનેક્ટેડ રહી શકે છે.

દુકાનદારોએ અત્યારે પેટીએમ સાઉન્ડ બોક્સનો લાભ લેવા માટે વાર્ષિક રૂા. ૬૫૦ની ફી ચૂકવવી પડે છે. આ અગાઉ ફોનપે કંપનીએ કેલક્યુલેટરની અંદર ફોનપેનું પોઇન્ટ ઓફ સેલ મશીન હોય તેવું એક સાધન વિકસાવ્યું હતું પરંતુ એ ખાસ લોકપ્રિય થયું નહીં. પેટીએમ સાઉન્ડ બોક્સ દુકાનદારોની પાયાની તકલીફનો ઉપાય આપતું હોવાથી એ લોકપ્રિય બને તો નવાઈ નહીં.

આજના સમયમાં સ્ટાર્ટઅપ હોય કે ખાસ્સી જામી ગયેલી કંપની, સૌને કંઈક નવું વિચાર્યા વિના ચાલે તેમ નથી!


00

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!