(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

બિઝનેસ નાનો હોય કે મોટો, હવે અનિવાર્ય છે ઓનલાઇન પેમેન્ટ

તમારા કસ્ટમર તમારી સામે જ ન હોય, ત્યારે પણ તેમની પાસેથી ઓનલાઇન પેમેન્ટ સ્વીકારવાના વિવિધ ઉપાયનો લાભ લઈને બિઝનેસ વિસ્તારી શકાય છે – આ કામ સહેલું પણ છે!

જો તમે ભારતમાં બિઝનેસ ચલાવી રહ્યા હો અને તમારા કસ્ટમર્સને ઓનલાઇન પેમેન્ટ કરવાની સુવિધા આપી ન રહ્યા હો તો હવેથી રોજના રૂા. ૫૦૦૦નો ભારે દંડ ભરવાની તૈયારી રાખજો!

આ વાક્ય વાંચીને ચોંકશો નહીં. જો તમારા બિઝનેસને આ વાત લાગુ થતી હશે તો મોટા ભાગે તમારો બિઝનેસ ઓનલાઇન પેમેન્ટ એક્સેપ્ટ કરતો જ હશો અને નહીં કરતો હોય તો પણ તમારી કંપની માટે એવી વ્યવસ્થા કરી આપે એવા ટેક કન્સલ્ટન્ટસની તમે સહેલાઈથી મદદ લઈ શકશો કેમ કે આ જોગવાઈ વર્ષે રૂ. ૫૦ કરોડથી વધુનું ટર્નઓવર ધરાવતા બિઝનેસને લાગુ પડે છે. ભારતના નાણામંત્રીએ ફેબ્રુઆરી ૧, ૨૦૨૦થી અમલી બને તેવી આ જોગવાઈ ગયા વર્ષના બજેટમાં રજૂ કરી હતી હતી.

સરકારને ઓનલાઇન પેમેન્ટને વેગ આપવામાં ઊંડો રસ છે એ આપણે જાણીએ છીએ. ઓનલાઇન પેમેન્ટ સરળ અને સુવિધાપૂર્ણ હોવાથી તે ધીમે ધીમે વેગ પણ પકડી રહ્યું છે. આપણે ઓનલાઇન શોપિંગ કરવું હોય, ટ્રાવેલ માટે ટિકિટ કે હોટેલ બુકિંગ કરવું હોય, મૂવી ટિકિટ્સ ખરીદવી હોય તો ઓનલાઇન પેમેન્ટ કરવાના ઘણા રસ્તા ઉપલબ્ધ થઈ ગયા છે.

પરંતુ પ્રમાણમાં નાનો બિઝનેસ કરતા વેપારીઓને ઓનલાઇન પેમેન્ટ કઈ રીતે સ્વીકારી શકાય એ મુદ્દે ઘણી ગૂંચવણો હોય છે (અલબત્ત, એ જુદી વાત છે કે હવે શહેરોમાં મોટા ભાગની દુકાનો અને પાણીપૂરીના ખૂમચે કે પાનના ગલ્લે પણ ઓનલાઇન પેમેન્ટ કરવાનાં સ્ટિકર દેખાવા લાગ્યાં છે!).

જ્યારે રકમ સ્વીકારવા માગતા વેપારી અને ચૂકવણી કરનાર ગ્રાહક આમનેસામને હોય ત્યારે આવા સ્ટિકરથી ઓનલાઇન પેમેન્ટ એકદમ સહેલું બની ગયું છે, પરંતુ બિઝનેસ જ્યારે પ્રમાણમાં થોડો મોટો હોય ત્યારે પોતાની વેબસાઇટ કે એપ પર (કે તેવી સગવડ વિના પણ) ઓનલાઇન પેમેન્ટ કેવી રીતે સ્વીકારવું એ વિશે બિઝનેસમેનને દ્વિધાઓ રહેતી હોય છે.

ભારતમાં જે ઝડપે ઓનલાઇન પેમેન્ટનો વ્યાપ વધી રહ્યો છે એ જોતાં, તમારા બિઝનેસ માટે આવી રીતે પેમેન્ટ સ્વીકારવું કાયદાકીય રીતે ભલે અનિવાર્ય ન હોય, પણ એ લાભદાયી ચોક્કસ છે. તમારા કસ્ટમર પરંપરાગત રીતે ચેક લખીને મોકલે, તમે બેન્કમાં જમા કરાવો અને પછી ખાતામાં રકમ આવે તેની સરખામણીમાં, ફટાફટ જમા થતી રકમ કયા વેપારીને સારી ન લાગે?!

ડિજિટલ રીતે પેમેન્ટ સ્વીકારવા માટે એનઇએફટી, આરટીજીએસ અને આઇએમપીએસ જેવા રસ્તા તો છે, પણ નવા સમયમાં ગ્રાહકો પોતે ઇચ્છે  છે કે તમે તેમને ડિજિટલ પેમેન્ટની નવી સગવડો આપો.

પેમેન્ટ ગેટવેનો લાભ લો

જો તમારા બિઝનેસની વેબસાઇટ હોય અને તમે તમારી સર્વિસ કે પ્રોડક્ટસ માટે ઓનલાઇન પેમેન્ટ સ્વીકારવા માગતા હો તો પેમેન્ટ ગેટવે લગભગ અનિવાર્ય છે અને એ રસ્તો સહેલો પણ છે.

ભારતમાં હવે સીસીએવન્યુ, ઇન્સ્ટામોજો, પેયુ, પેટીએમ વગેરે જેવી ઘણી કંપની પેમેન્ટ ગેટવેની સુવિધા આપે છે અને સાથે સાથે ફ્રી ઇ-સ્ટોર ઊભી કરવાની પણ સગવડ આપે છે.


ગૂગલપેની બિઝનેસ સર્વિસ તમે તમારી વેબસાઇટ સાથે ઇન્ટીગ્રેટ કરી શકો છો, પણ પેમેન્ટ ગેટવે તેનાથી જરા જુદી વાત છે. પેમેન્ટ ગેટવે આપણા કસ્ટમરને કોઈ એક નહીં, પરંતુ અનેક પદ્ધતિઓ (બેન્ક કાર્ડ્સ, નેટ બેન્કિંગ, મોબાઇલ વોલેટ્સ, યુપીઆઇ વગેરે)માંથી તેમને અનુકૂળ હોય તેવી કોઈ પણ પદ્ધતિથી તમને પેમેન્ટ કરવાની સગવડ આપે છે.

આવા પેમેન્ટ ગેટવે જુદા જુદા કસ્ટમર, તેમની વિવિધ બેન્ક્સ અને સેલર વચ્ચેની ખૂટતી કડીનું કામ કરે છે. બિઝનેસમેન તરીકે તમે આવી કોઈ પણ સર્વિસમાં એકાઉન્ટ ખોલાવી, તમારા દસ્તાવેજો આપીને પેમેન્ટ ગેટવેની સુવિધા મેળવી શકો છો. અગાઉ આ બહુ લાંબી પ્રક્રિયા હતી પણ હવે ખાસ્સી સરળ બની છે અને ઓનલાઇન ડોક્યુમેન્ટ્સ અપલોડ કરીને ઝડપથી પૂરી કરી શકાય છે.

આ પછી, જો તમારી પોતાની વેબસાઇટ હોય અને તેમાં ઇ-સ્ટોર જેવી વ્યવસ્થા તમે ઊભી કરી હોય તો તમારા પેમેન્ટ ગેટવેને તેની સાથે સાંકળી શકાય છે, જેથી તમારી વેબસાઇટ કે સ્ટોરની મુલાકાતે આવતા લોકો એ પેમેન્ટ ગેટવેથી તમને પેમેન્ટ કરી શકે છે.

તમારી વેબસાઇટ પર પેમેન્ટ ગેટવેનો ઉપયોગ કરવા માટે, તમારી સાઇટ સલામત બેન્કિંગ માટે જરૂરી શરતોનું પાલન કરતી હોય તે જરૂરી છે. એમ ન હોય, પણ તમારી સાઇટ પર ફક્ત પેમેન્ટનું બટન હોય અને પેમેન્ટની બધી વિધિ, જે તે પેમેન્ટ ગેટવેના સલામત વેબપેજ પર થાય એવી ગોઠવણ પણ થઈ શકે છે.

જો તમે ફૂલફ્લેજ્ડ ઇ-કોમર્સ સ્ટોર ઊભો કરવા માગતા  હો, વેબ ટેકનોલોજીની બિલકુલ જાણકારી ન ધરાવતા હો કે તમારી પાસે સમયનો અભાવ હોય તો તમારે પ્રોફેશનલ વેબ ડેવલપરની મદદ લેવી જરૂરી બનશે.

પરંતુ જો તમારા બિઝનેસનું બજેટ એકદમ ટાઇટ હોય, ટેકનોલોજીની થોડી સમજ હોય અને સમયની ચિંતા ન હોય તો તમે જાતે પણ તમારો પ્રોપર ઇ-સ્ટોર ઊભો કરી શકો છો.

જો તમારો પોતાનો ઇ-સ્ટોર ન હોય તો મોટા ભાગના પેમેન્ટ ગેટવે હવે ફ્રી ઇ-સ્ટોર ઊભા કરવાની સગવડ આપે છે. તમે તમારી વિવિધ પ્રો઼ડ્કટ્સની ઇમેજ અને તેની વિગતો તેમાં ઉમેરીને ખાસ્સી ઝડપથી પોતાનો ઇ-સ્ટોર ઊભો કરી શકો છો. આવા સ્ટોરમાં જે તે પેમેન્ટ ગેટવે પહેલેથી ઇન્સ્ટોલ્ડ હોવાથી તમારું કામ ઘણું સરળ બને છે.

તમારો ઇ-સ્ટોર ન બનાવવો હોય કે વેબસાઇટ ન હોય તો

જો તમે આખે આખો ઇ-સ્ટોર ઊભો કરવા ન માગતા હો તો  પણ તમે તમારા દૂર બેઠેલા કસ્ટમર્સ પાસેથી, તેમને અનુકૂળ રીતે પેમેન્ટ સ્વીકાર શકો છો. અહીં કસ્ટમરની અનુકૂળતા બહુ મહત્ત્વની વાત છે. તમે તેમને પેટીએમથી પેમેન્ટ કરવા કહો, પણ તેમની પાસે પેટીએમ ન હોય તો?

આવી સ્થિતિમાં પેમેન્ટ ગેટવે કામ લાગે છે. તે ડિજિટલ ઇનવોઇસ બનાવવાની અથવા તમારા એકાઉન્ટની એક સ્માર્ટલિંક જનરેટ કરવાની સગવડ આપે છે.  તમે કસ્ટમરને આ ડિજિટલ ઇનવોઇસ મોકલો તો તમે પહેલેથી નિશ્ચિત કરેલી રકમ કસ્ટમર તેમને અનુકૂળ કોઈ પણ રીતે ચૂકવી શકે છે. સ્માર્ટલિંકના સંજોગમાં તમે કસ્ટમરને જે રકમ કહો તે રકમ નાખીને પેમેન્ટ કરી શકે છે.

પેમેન્ટ ગેટવેઝ લગભગ તમામ બેન્કના ડેબિટ/ક્રેડિટ કાર્ડ, નેટબેંકિંગ, મોબાઇલ વોલેટ્સ, યુનિફાઇડ પેમેન્ટ ઇન્ટરફેસ વગેરે રીતે પેમેન્ટ સ્વીકારી શકે છે. આથી તમારે આ બધી જ વિવિધ રીતે પેમેન્ટ સ્વીકારવાની અલગ અલગ વ્યવસ્થા ઊભી કરવાની જરૂર રહેતી નથી. ફક્ત એક પેમેન્ટ ગેટવેની સુવિધા મેળવીને પોતાના કસ્ટમરને અનેક રીતે પેમેન્ટ કરવાની સરળ સુવિધા આપી શકાય છે.

જો તમે પેમેન્ટ ગેટવે ઊભો કરવા ન ઇચ્છતા હો તો ભીમ, ગૂગલ પે, પેટીએમ વગેરે જેવી વિવિધ યુનિફાઇડ ઇન્ટરફેસ પેમેન્ટ (યુપીઆઇ) આધારિત એપ્સ તમને બિઝનેસ એકાઉન્ટ ક્રિએટ કરવાની સગવડ આપે છે (ગ્રાહક તરીકે આપણને દુકાનોમાં જોવા મળતાં પેમેન્ટ્સ સ્ટિકર્સ આવી વ્યવસ્થાનો જ ભાગ હોય છે). આ રીતે તમે મેળવેલું તમારું ખાસ યુપીઆઈ આઇડી તમારા કસ્ટમર્સની સાથે શેર કરીને તમે તેમની પાસેથી ઓનલાઇન પેમેન્ટ મેળવી શકો છો.

ટૂંકમાં તમારી કંપનીનું ટર્નઓવર ૫૦ કરોડથી ઓછું હોય તો અત્યારે તમારે માટે ઓનલાઇન પેમેન્ટ વ્યવ્સથા ઊભી કરવી ફરજિયાત નથી, પરંતુ ત્યાં પહોંચવાનું લક્ષ્ય સૌની જેમ તમારું પણ હોય તો ઓનલાઇન પેમેન્ટ સ્વીકારવાના રસ્તાઓ બરાબર જાણી લેશો અને તેને અમલમાં મૂકશો તો બિઝનેસમાં પ્રોગ્રેસ ચોક્કસ ઘણો ઝડપી થશે.

બે ઉપયોગી પેમેન્ટ ગેટવે વિશે જાણો

 

સીસી એવેન્યુ

જો તમારો કારોબાર દેશ-વિદેશમાં ફેલાઈ રહ્યો હોય અને તમે તમારી વેબસાઇટ પરથી ભારતીય રૂપિયા ઉપરાંત વિદેશી ચલણમાં પણ રકમ સ્વીકારવા માગતા હો તો સીસીએવન્યુ તમને સૌથી વધુ અનુકૂળ રહેશે.

ભારતમાં વર્ષોથી લોકપ્રિય સીસીએવન્યુ પેમેન્ટ ગેટવેમાં લગભગ તમામ પ્રકારની પદ્ધતિઓ – નેટ બેન્કિંગ, બેન્ક કાર્ડ્સ, મોબાઇલ વોલેટ્સ, યુપીઆઇ એપ્સ વગેરેના ૨૦૦થી વધુ વિકલ્પોની મદદથી પેમેન્ટ સ્વીકારી શકાય છે. સ્પર્ધાને કારણે હવે સીસીએવન્યુમાં સેટઅપ ફી ઝીરો છે અને ટ્રાન્ઝેક્શન પર ચાર્જની શરૂઆત માત્ર બે ટકાથી થાય છે.

સીસીએવન્યુમાં ભારતીય ભાષાઓમાં ચેકઆઉટ પેજ આપવાની સુવિધા પણ મળે છે.

જો તમારી વેબસાઇટ ઓનલાઇન પેમેન્ટ સ્વીકારવાના સલામતી નિયમોનું પાલન કરી શકતી ન હોય તો તમે સીસીએવન્યુમાં જ શોપિંગ કાર્ટ બનાવીને તેની લિંક્સ તમારી વેબસાઇટ પર આપી શકો છો. તમારી વેબસાઇટ જ ન હોય તો સીસીએવન્યુ પર તમે ઓનલાઇન નાની વેબસાઇટ અને શોપિંગ કાર્ટ તૈયાર કરી શકો છો.

તમે સાઇટ/એપમાં પેમેન્ટ ગેટવે તરીકે તથા ઇનવોઇસ મેઇલ કે મેસેજ કરીને પેમેન્ટ સ્વીકારવા માટે પણ સીસીએવન્યુનો ઉપયોગ કરી શકો. તેમાં વિવિધ પ્રકારનાં માર્કેટિંગ ટૂલ્સ પણ મળે છે. જો તમારાં ડોક્યુમેન્ટ્સ બિલકુલ તૈયાર હોય તો કંપનીના દાવા પ્રમાણે ફક્ત એક કલાકમાં તમે તમારું એકાઉન્ટ એક્ટિવેટ કરી શકો છો!


ઇન્સ્ટામોજો

બેંગલૂરુ સ્થિત આ પેમેન્ટ ગેટવે સ્ટાર્ટઅપે છેલ્લા થોડા સમયમાં નવા સમયના પેમેન્ટ ગેટવે તરીકે ખાસ્સું ગજું કાઢ્યું છે.

તેમાં પણ, તમારાં ડોક્યુમેન્ટ્સ તૈયાર હોય તો તમે બહુ ઝડપથી તમારું એક્ટિવેટ કરી શકો છો. કંપનીના દાવા મુજબ, તમારી પાસે મોબાઇલ નંબર અને બેન્ક એકાઉન્ટ હોય તો ફક્ત બે મિનિટમાં તમે એકાઉન્ટ સેટઅપ કરી શકો છો!

ખાસ કરીને ડિજિટલ પ્રોડક્ટસના ઓનલાઇન સેલ અને પેમેન્ટ માટે તથા નાના બિઝનેસ, સ્ટાર્ટ-અપ્સ વગેરેમાં ઇન્સ્ટામોજો વધુ લોકપ્રિય છે. ઇન્સ્ટામોજોમાં અત્યારે કોઈ જ સેટઅપ ફી કે વાર્ષિક એકાઉન્ટ મેઇન્ટેનન્સ ફી નથી. માત્ર દરેક ટ્રાન્ઝેક્શન પર ઓર્ડરની રકમના ૨ ટકા ઉપરાંત ૩ રૂપિયાનો ચાર્જ ચૂકવવાનો થાય છે. તમે ઇચ્છો તો ઇન્સ્ટામોજો પર તમારી ડિજિટલ ફાઇલ્સ હોસ્ટ કરી, તેને સેલ કરીને તેને માટે રકમ સ્વીકારી શકો છો. તે માટે ઓર્ડરની રકમના ૫ ટકા વત્તા ૩ રૂપિયાનો ચાર્જ છે.

તમારી વેબસાઇટ ન હોય તો ઇન્સ્ટામોજોમાં પણ તમે ફ્રી ઓનલાઇન શોપ બનાવી શકો છો.

જો તમારે કસ્ટમર પાસેથી સ્વીકારવાની થતી રકમ બદલાતી રહેતી હોય તો, ઇન્સ્ટામોજો તમને એક પેમેન્ટ લિંક ક્રિએટ કરવાની સગવડ આપે છે, જે તમે તમારા કસ્ટમરને કોઈ પણ રીતે મોકલી શકો છો અને કસ્ટમર તમે કહેલી રકમ તેમાં ભરીને પેમેન્ટ કરી શકે છે.

ઇન્સ્ટામોજોમાં એફિલિએટ એજન્ટ્સ બનાવવાની પણ સગવડ છે, જેથી તમારા એજન્ટ તમારા વતી સેલિંગ કરે તો તમે નક્કી કરેલું તેમનું કમિશન તેમના એકાઉન્ટમાં આપોઆપ જમા થાય છે.

ઇન્સ્ટામોજોમાં દર ત્રીજા દિવસે તમારા એકાઉન્ટમાં તમારી રકમ જમા થાય છે. તેમાં પણ મોટા ભાગની પેમેન્ટ પદ્ધતિ ઉપલબ્ધ છે, એક માત્ર પેટીએમ સિવાય!


નાના બિઝનેસને મોટો બનાવતી સુવિધાઓ!

વેપારી અને ગ્રાહક બંને આમને-સામને હોય ત્યારે તો રોકડને બદલે ડિજિટલ પેમેન્ટ સહેલું છે, પણ જ્યારે વેપારી અને ગ્રાહકનો સીધો સંપર્ક ન હોય ત્યારે ઓનલાઇન પેમેન્ટ સ્વીકારવાની વાત થોડી મુશ્કેલ બને છે.

આ માટેનો સૌથી સહેલો રસ્તો, કોઈ પેમેન્ટ ગેટવેનો ઉપયોગ કરીને દેખાવમાં ખાસ્સો પ્રોફેશનલ લાગે એવો ઇ-સ્ટોર બનાવવાનો છે. જ્યારે પોતાની વેબસાઇટ, નાણાકીય લેવડદેવડ માટે જરૂરી શરતોનું પાલન કરી શકતી ન હોય, ત્યારે આ પ્રકારની સુવિધા ઉપયોગી થઈ શકે છે.


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!