અત્યારે આપણે ઇન્ટરનેટ પર ફૂડ ડિલિવરી એપ્સમાં કંઈ પણ ઓર્ડર કરીએ કે અન્ય કોઈ સાઇટ પર શોપિંગ કરીને પોતાના બેન્ક કાર્ડથી પેમેન્ટ કરીએ ત્યારે કાર્ડ નેટવર્ક તરફથી આપણી ઓળખ સાબિત કરવા માટે, એ કાર્ડ માટે આપણા રજિસ્ટર્ડ મોબાઇલ પર વન ટાઇમ પાસવર્ડ (ઓટીપી) મોકલવામાં આવે છે.
સલામતી માટે આ વ્યવસ્થા બહુ ઉપયોગી છે પરંતુ તેનાથી ઓનલાઇન ટ્રાન્જેકશન થોડું અગવડભર્યું બને છે. દેખીતું છે કે કાર્ડ નેટવર્કસ અને શોપિંગ સાઇટ્સ માટે આવી અગવડ નુકસાનકારક બની શકે છે.
હવે મળતા સમાચાર અનુસાર વિસા નેટવર્ક ભારતમાં આ ઝંઝટ નિવારવાના પ્રયાસમાં છે. વિશ્વના અન્ય વિકસિત દેશોમાં કાર્ડથી થતું પેમેન્ટ જ્યારે નેટવર્કને શંકાસ્પદ કે જોખમી લાગે ત્યારે જ તેના યૂઝરની ખરાઈ કરવા માટે ઓટીપી જેવી વ્યવસ્થાનો ઉપયોગ કરવામાં આવે છે. આને ‘રિસ્ક બેઝડ પ્રોમપ્ટ’ કહે છે.
અલબત્ત આવી વ્યવસ્થામાં જો આપણું કાર્ડ ચોરાય કે ખોવાય ત્યારે તકલીફ થઈ શકે છે. જો આપણા કાર્ડની મદદથી બીજી વ્યક્તિ ઓનલાઇન શોપિંગ કરે ત્યારે નેટવર્કને એમાં કશું શંકાસ્પદ ન જણાય તો આપણે નુકસાનમાં ઉતરીએ એવું બની શકે છે.
જોકે વિસાની નવી વ્યવસ્થા ભારતનું બેન્કિંગ તંત્ર મંજૂર કરે તો અમલમાં આવશે.

