ટેકનોલોજીના પ્રતાપે ઓફિસમાં કામકાજની પદ્ધતિઓ હવે ધરમૂળથી બદલાઈ ગઈ છે. તમારે ગ્લોબલ ટ્રેન્ડ સાથે ચાલીને ગ્લોબલ એમ્પ્લોઈ કે બિઝનેસમેન બનવું હોય તો જૂની ઘરેડ ભૂલીને નવા સમય મુજબ કામ કરતાં શીખી જવું પડશે.
અગાઉ : ઓફિસમાં સવારના નવથી પાંચ કે છ વાગ્યા સુધી કામ કરી, હાથ ખંખેરીને ઊભા થઈ શકાતું હતું.
આજના સમયમાં : હવે આખું વિશ્વ એક થઈ ગયું હોવાથી દિવસ-રાત ગમે ત્યારે અને ટીમ મેમ્બર્સ કે ક્લાયન્ટ્સ સાથે તેમના સમયની અનુકૂળતા મુજબ કામ કરવું જરૂરી છે.
અગાઉ : કોઈ એક નિશ્ચિત ઓફિસમાં નિશ્ચિત જગ્યાએ બેસીને કામ થઈ શકતું હતું.
આજના સમયમાં : હવે ગમે ત્યાંથી કામ કરી શકાય છે. આ સ્વતંત્રતાની વાત છે, તેમ જવાબદારીની વાત પણ છે.
અગાઉ : કંપની તરફથી જે સાધન મળે તેના પર કામ કરવાનું થતું હતું.
આજના સમયમાં : હવે કોઈ પણ સાધન પર લોગઇન થઇને, ગમે ત્યાંથી, ગમે ત્યારે કામ કરી શકાય છે અને એમ કરતાં આવડવું જરૂરી છે.
અગાઉ : ઉપરી અધિકારીઓ તરફથી જે કહેવામાં આવે એટલું જ કામ કરવાનું થતું હતું.
આજના સમયમાં : હવે જે કહેવામાં આવે એ કરવા ઉપરાંત પોતાની રીતે વિચારીને શું કરવું જોઇએ એ નક્કી કરીને, એ મુજબ કામ કરવું જરૂરી બન્યું છે.
અગાઉ : બધું ધ્યાન ઇનપુટ પર આપવાનું થતું હતું એટલે કે નિશ્ચિત ઘરેડમાં કામ કરવાનું થતું.
આજના સમયમાં : હવે બધું ફોકસ આઉટપુટ પર છે. તમે શું કરો છો, કેવી રીતે કરો છો એના કરતાં શું પરિણામ આપો છો તે મહત્ત્વનું છે.
અગાઉ : ઓફિસમાં નિશ્ચિત ધારા ધોરણ અનુસાર બઢતી મળતી હતી.
આજના સમયમાં : હવે પરફોર્મન્સના આધારે તમારી પ્રગતિ તમે પોતે નિશ્ચિત કરી શકો છો.
અગાઉ : કામકાજમાં મોટા ભાગે, બને એટલી વધુ માહિતી એકઠી કરવા પર ધ્યાન આપવામાં આવતું હતું.
આજના સમયમાં : હવે શક્ય એટલી વધુ માહિતી મેળવીને તેને વધુમાં વધુ લોકો સાથે શેર કરવાનું વધુ મહત્ત્વનું બન્યું છે.
અગાઉ : તમે ટીમના એક ભાગ હો અને મોટા ભાગે ટીમ લીડર કહે એ જ દિશામાં જવું પડતું, તમારા વિચારોનું મહત્ત્વ નહોતું.
આજના સમયમાં : હવે તમે વન મેન ટીમ પણ બની શકો છો અને તમારી પોતાની રીતે દિશા નક્કી કરીને આગળ વધી શકો છો.
અગાઉ : માહિતીની આપ-લે માટે ઈ-મેઇલ પર બધો મદાર રહેતો હતો.
આજના સમયમાં : હવે ફાઇલ્સની આપ-લે કરવાને બદલે કોલાબોરેટિવ ટૂલ્સની મદદથી એક જ ફાઇલ પર એક સાથે કામ કરવાનું ચલણ વધ્યું છે.
અગાઉ : જ્ઞાનનો મહિમા હતો. તમે જેટલું જાણો એટલા વધુ આગળ વધી શકો.
આજના સમયમાં : જ્ઞાનનો મહિમા તો હજી પણ છે, પણ ત્યાર પછી એડેપ્ટિવ લર્નિંગ એટલે કે જે શીખ્યા તે અમલમાં મૂકવાનું અને તેના આધારે સતત શીખતા રહેવાનું છે!


