આપણે અંગ્રેજી બોલતાં ખચકાઈએ છીએ કેમ કે આપણને ઘણા શબ્દોના ઉચ્ચાર વિશે અવઢવ હોય છે. હવે આ મૂંઝવણનો ઉકેલ પણ ગૂગલ પાસેથી મળે છે!
તમે અંગ્રેજી ભાષા કેવીક જાણો છો? તમારો પોતાનો કદાચ અનુભવ હશે કે તમને અંગ્રેજી લખવા વાંચવામાં બહુ મુશ્કેલી પડતી નહીં હોય, તેમ છતાં અંગ્રેજી બોલતી વખતે તમારો આત્મવિશ્વાસ ડગી જતો હશે.
આમ થવાનાં બે મુખ્ય કારણો છે. પહેલું કારણ એ કે આપણને અંગ્રેજી વ્યાકરણની પૂરતી સમજ ન હોય, તેને કારણે આપણે સાચું અંગ્રેજી બોલી રહ્યા છીએ કે કેમ તે વિશે મનમાં શંકા હોય. જો તમને અંગ્રેજી વાંચવા-સાંભળવાનો ખાસ્સો મહાવરો હોય તો આ ઊણપ સુધારવી ખાસ મુશ્કેલ નથી.
આત્મવિશ્વાસના અભાવનું બીજું કારણ છે ઉચ્ચારણો વિશેની અવઢવ. અંગ્રેજી સાંભળવાનો ખાસ્સો મહાવરો હોય તો આ ઊણપ પણ ઝડપથી સુધરી શકે.
એ ઉપરાંત, હવે આ કામ આપણે ગૂગલની મદદથી પણ ઝડપથી સુધારી શકીએ છીએ!
તમે જાણો જ છો કે ગૂગલ આપણને જુદી જુદી ઘણી રીતે અંગ્રેજી શીખવામાં મદદ કરે છે. જેમ કે ગૂગલમાં ડિક્શનરીની સુવિધા છે, જેની મદદથી આપણે શબ્દોના અર્થ અને તેના વિશે ઘણું જાણી શકીએ છીએ. ગૂગલ ટ્રાન્સલેટ સર્વિસની મદદથી આપણે ન સમજાતાં શબ્દોનું આપણી ભાષામાં ભાષાંતર પણ કરી શકીએ છીએ.
એ ઉપરાંત હવે ગૂગલ આપણને શબ્દોના ઉચ્ચાર શીખવામાં પણ મદદ કરે છે.
એક ઉદાહરણ લઇએ, તો જુદી જુદી બાબતોના પ્રકાર વિશે અંગ્રેજીમાં શબ્દ છે Genre. ગીત સંગીત કે મૂવીના પ્રકાર માટે આ શબ્દ વધુ વપરાય છે. શબ્દનો સ્પેલિંગ એ પ્રકારનો છે કે આપણે તેનો ઉપચાર ‘જેનર’ જેવો કંઈક કરીએ, પરંતુ ડિક્શનરી તપાસીએ ત્યારે સમજાય કે તેનો સાચો ઉચ્ચાર ‘જોનર’ કે ‘ઝોનર’ જેવો છે.
હજી આગળ વધીએ અને ગૂગલ પર સર્ચ કરીએ કે ‘How to pronoumce genre’ તો ગૂગલ આપણને સર્ચ રિઝલ્ટના પેજ પર એક કાર્ડ બતાવીને તેમાં આ શબ્દનો સાચો ઉચ્ચાર સાંભળવાની સુવિધા આપે છે. તે સાંભળ્યા પછી સમજાય કે genreનો ઉચ્ચાર ‘જેનર’, ‘જોનર’ કે ‘ઝોનર’ નહીં પણ ‘ઝોનરહ’ જેવો કંઈક છે!
તમે જે પણ શબ્દના ઉચ્ચાર વિશે ગૂંચવણ અનુભવતા હો એ શબ્દનો ઉચ્ચાર આ રીતે ગૂગલને પૂછી શકો છો (આમ તો યુટ્યૂબ પર પણ જુદા જુદા શબ્દોના ઉચ્ચાર બતાવતા અનેક વીડિયો છે).
ગૂગલના સર્ચ રિઝલ્ટ પેજ પર ઉચ્ચાર દર્શાવતા કાર્ડમાં તમે જોશો તેમ શબ્દોના ઉચ્ચાર આપણે ભારતીય પદ્ધતિ મુજબ, બ્રિટિશ પદ્ધતિ મુજબ અને અમેરિકન પદ્ધતિ મુજબ જાણી શકીએ છીએ. ઉપરાંત બાજુમાં આપેલા લાઇન ડ્રોઇંગમાં શબ્દનો ઉચ્ચાર કરતી વખતે મોંનું હલનચલન કેવી રીતે થાય છે એ પણ દર્શાવવામાં આવે છે.
૧
ક્રોમ બ્રાઉઝરમાં ‘How to pronoumce genre’ સર્ચ કરતાં, એ શબ્દનો ઉચ્ચાર શીખવતું એક કાર્ડ ખૂલશે. અહીં ધીમા કે ઝડપી અવાજમાં તેનો ઉચ્ચાર સાંભળી શકાશે.
૨
બાજુના ચિત્રમાં ઉચ્ચાર વખતે હોઠનું હલનચલન જોવા મળશે, જે ઉચ્ચાર સમજવામાં મદદરૂપ થશે. તેમ જ ઇન્ડિયન, બ્રિટિશ અને અમેરિકન ઉચ્ચારના વિકલ્પો પણ પસંદ કરી શકાશે.
૩
જો તમે અમેરિકન ઉચ્ચારનો વિકલ્પ પસંદ કરશો, તો તેમાં ઉચ્ચાર સાંભળવા ઉપરાંત, તમે પોતે એ શબ્દ ગૂગલને સંભળાવી શકશો (તમને કદાચ માઇક્રોફોન એક્સેસ ઓન કરવાનું કહેવામાં આવશે).
૪
તમારો ઉચ્ચાર સાંભળીને ગૂગલ સમજાવશે કે તમે ક્યાં ભૂલ કરો છો! જેમ કે તમારા ઉચ્ચારમાં ‘ઝ’ ને બદલે ‘જ’ જેવો ધ્વનિ હશે તો સાચો ઉચ્ચાર કેમ કરવો તે શીખવશે.
૫
તમે જેટલી વાર ભૂલ કરશો એટલી વાર ગૂગલ ધીરજપૂર્વક તમારી ભૂલો સુધારવાનો પ્રયાસ કરશે. માણસ કરતાં મશીનનો આ ફાયદો – એ પિત્તો ગુમાવશે નહીં!
૬
આપણા ઉચ્ચારમાં જ્યાં ભૂલ થતી હશે ત્યાં સુધારો કરવા માટે ગૂગલ એ જ પ્રકારનો ધ્વનિ ધરાવતા અન્ય શબ્દો પણ સંભળાવશે – જુદા જુદા શબ્દો ટ્રાય કરી જુઓ, મજા આવશે!

