આવું તમારી સાથે ક્યારેક થયું હશે. તમે ટ્રેનમાં રાતના સમયે મુસાફરી કરી રહ્યા હો અને તમારે જ્યાં પહોંચવાનું હોય તે સ્ટેશન અડધી રાત્રે કે વહેલી સવારે આવવાનું હોય. પરિણામે આપણે સતત ઉચાટમાં રહીએ કે આપણું સ્ટેશન આવે ત્યારે આપણને બરાબર ઊંઘ ચઢી જાય એવું તો નહીં થાય ને?!
લકઝરી બસમાં તો બસ એટેન્ડન્ટ જુદાં જુદાં પોઇન્ટ્સ આવવાનાં થાય એ સાથે બૂમો પાડીને જેમને ઉઠવાનું ન હોય એમને પણ ઉઠાડી દે, પરંતુ રેલવેમાં આવી ‘સગવડ’ મળતી નથી.
આનો સહેલો ઉપાય આપણા ફોનમાં આપણું સ્ટેશન આવવાના અંદાજિત સમયના અડધા કલાક કે કલાક પહેલાંના સમયનો એલાર્મ સેટ કરી દેવાનો છે.
એ ઉપરાંત હવે રેલવેએ પણ આપણને સમયસર જગાડવાનું બીડું ઝડપ્યું છે. તે આપણને ‘ડેસ્ટિનેશન એલર્ટ’ સેટ કરવાની સગવડ આપે છે.
આ સુવિધા અનુસાર આપણે ૧૩૯ નંબર પર કોલ કરીને આપણી ટિકિટના પીએનઆર નંબર, રેલવે સ્ટેશનનું નામ તથા કોડ આપવાનો રહે છે. આપણે વિવિધ ભાષામાંથી પસંદગી કરી શકીએ છીએ.
આપણે આઇવીઆર એટલે કે ઇન્ટરેક્ટિવ વોઇસ રિસ્પોન્સ સિસ્ટમની મદદથી, કસ્ટમર એક્ઝિક્ુયટિવ સાથે વાત કરીને કે પછી માત્ર Alert <PNR Number> એવોમ મેસેજ ૧૩૯ નંબર પર મોકલીને આ એલર્ટ સેટ કરી શકાય છે. આ એલર્ટ સેટ કરવાથી સિસ્ટમ ટ્રેનના કરંટ સ્ટેટ્સ અનુસાર, આપણું સ્ટેશન આવવાને ૩૦ મિનિટ જેટલી વાર હોય ત્યારે આપણને તેની જાણ કરતો કોલ કરે છે
(આ સર્વિસનો આ લખનારને જાત અનુભવ નથી!)
