વોટ્સએપ કે મેસેન્જર જેવી ઇન્સ્ટન્ટ મેસેન્જિંગ એપની સરખામણીમાં ઈ-મેઇલ સર્વિસનો મોટો ફાયદો એ છે કે તેમાં આપણને ખાસ્સી સ્પેસ મળતી હોવાને કારણે કશું જ ડિલીટ કરવાની જરૂર હોતી નથી. પરિણામે આપણે વર્ષો જૂના ઈ-મેઇલ ફરી જોવાની જરૂર પડે તો તેને પણ આપણે પ્રમાણમાં સહેલાઈથી સર્ચ કરી શકીએ છીએ.
દરેક ઈ-મેઇલ સર્વિસ ઈ-મેઇલ સર્ચ કરવાની સુવિધા આપતી હોય છે, પરંતુ તે દરેકમાં આપણને સામાન્ય રીતે કંઈક ખૂટતું હોવાનો અનુભવ થતો હોય છે. હવે ગૂગલની જીમેઇલ સર્વિસ સૌથી વધુ લોકપ્રિય છે અને ગૂગલનો પોતાનો મૂળ બિઝનેસ સર્ચનો હોવા છતાં જીમેઇલમાં પણ સર્ચની સુવિધા તેના પાવરયૂઝરને પણ અપૂરતી લાગે તેવી છે.
જીમેઇલમાં સર્ચની સુવિધા તો છે, પણ ઘણા લોકોને તેનાં ફિલ્ટરનો ઉપયોગ સમજાતો નથી. આ કામ હવે ‘ચિપ્સ’ ની મદદથી થઈ શકે છે.
આમ જુઓ તો જીમેઇલમાં ઇનબોક્સની ઉપરના સર્ચ બોક્સમાં જમણી તરફ આપેલ ડ્રોપ એરોની મદદથી આપણે સર્ચના વિવિધ ફીચર્સનો લાભ લઈ શકીએ છીએ. જેમ કે આપણે કોઈને મેઇલ મોકલ્યા હોય તે, કોઈ ચોક્કસ વ્યક્તિ તરફથી આપણને આવેલા મેઇલ, નિશ્ચિત સમયગાળા દરમિયાનના મેઇલ, ચોક્કસ પ્રકારના શબ્દો ધરાવતા મેઇલ, એટેચમેન્ટના પ્રકાર મુજબના મેઇલ, નિશ્ચિત સાઇઝથી વધુ મોટા મેઇલ વગેરે જુદી જુદી ઘણી રીતે આપણે ઈ-મેઇલમાં સર્ચ કરી શકીએ છીએ.
આ પદ્ધતિ પ્રમાણમાં સરળ હોવા છતાં ઘણા લોકોને તેના ઉપયોગમાં ગૂંચવણો થતી હતી. હવે ગૂગલે તેના પીસી વર્ઝનમાં સર્ચ પદ્ધતિ સહેલી બનાવી છે. આપણે સર્ચ બોક્સમાં કંઈ પણ લખીએ તે પછી તેની નીચે અલગ અલગ ટેબમાં જુદી જુદી રીતે આપણી સર્ચને વધુ ફોકસ્ડ બનાવવાની સુવિધા મળે છે. વાત એની એ છે પરંતુ આ ફિલ્ટર્સને કારણે સર્ચ વધુ સરળ બને છે.

