અચાનક કોઈ ગમતા ગીતની ટ્યૂન કાને પડે, પરંતુ એ ગીતના શબ્દો હૈયા હોવા છતાં દિમાગ સુધી પહોંચે નહીં ત્યારે આપણું ખાસ્સું બેચેન બની જતું હોય છે.
એમાં પણ જો એ ટ્યૂન ફક્ત થોડો સમય સંભળાઈને ગાયબ થઈ જાય તો આપણી બેચેની વધી જતી હોય છે. સંગીતના રસિયાઓએ આવો ઘણી વાર અનુભવ કર્યો હશે. ટેકનોલોજી આ સ્થિતિમાં પણ આપણી મદદ કરી શકે છે.
‘સાયબરસફર’ના સપ્ટેમ્બર ૨૦૧૯ અંકમાં આપણે શઝામ એપ વિશે વિગતવાર વાત કરી હતી. આ એપ દુનિયાભરના મ્યુઝિકનો એક વિરાટ ડેટાબેઝ એકઠો કરે છે. આપણા ફોનમાં એ એપ ઇન્સ્ટોલ કર્યા પછી જ્યારે પણ કોઈ ગમતી ટ્યૂન કાને પડે ત્યારે આપણે એપ ઓપન કરીને તેને એ ટ્યૂન સંભળાવતાં શઝામ મ્યુઝિકના એ ટુકડાને તેમના વિરાટ ડેટાબેઝ સાથે સરખાવે છે અને આંખના પલકારામાં આપણને એ ગીતની વિગતો શોધી આપે છે.
તમારે ફક્ત આટલા માટે ફોનમાં વધુ એક એપ તમારે ઉમેરવી ન હોય તો શઝામની જેમ હવે ગૂગલ આસિસ્ટન્ટ પણ આ સુવિધા આપે છે.
તેનો અખતરો કરવા માટે તમે કોઈ પણ ગીત સાંભળી રહ્યા હો ત્યારે ફોનમાંં ગૂગલ આસિસ્ટન્ટ ઓપન કરો અને ‘આઇડેન્ટિફાય ધીસ સોંગ’ જેવો કમાન્ડ આપી જુઓ.
જો આસિસ્ટન્ટને એ ગીત બરાબર સાંભળવા મળશે તો તેને પોતાના ડેટાબેઝ સાથે સરખાવીને એ ગીત કયું છે તે આપણને જણાવશે અને તેની સાથોસાથ ઇન્ટરનેટ પર તે આખું ગીત વીડિયો કે ઓડિયો સ્વરૂપે ઉપલબ્ધ હશે તો તે અને ગીતના શબ્દો ઉપલબ્ધ હશે તો તે પણ શોધી આપશે. ટેક્નોલોજી કેવી વિકસે છે એ જોવા પણ આ અખતરા કરવા જેવા છે!

