(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

સર્ફ કરતાં કરતાં શબ્દભંડોળ વધારો

અંગ્રેજી શીખવા માટે કોઈ ચોક્કસ સાઇટ જ કામ લાગે એવું નથી. ઇન્ટરનેટ પર કંઈ પણ સર્ફ કરતાં કરતાં, કોઈ ખાસ પ્રયાસ વિના પણ તમે આ ભાષામાં ઊંડા ઊતરી શકો છો, જાણો કઈ રીતે…

જુદાં જુદાં કારણોસર સતત વિવાદમાં રહેતા, તિરુવનંતપુરમના સાંસદ શશી થરૂર તેમના ફાંકડા અંગ્રેજી માટે પણ ખાસ્સા જાણીતા છે. જેમ સાઉથના સ્ટાર રજનીકાંતની સ્ટાઇલને નામે અનેક રમૂજ વાઇરલ થતી રહે છે, એમ શશી થરૂરના રુઆબદાર ઇંગ્લિશ માટે સેંકડો રમૂજ ફરતી રહે છે. ફેર ફક્ત એટલો છે કે શશી થરૂર ખરેખર ઇંગ્લિશ ભાષા પર જબરું પ્રભુત્વ ધરાવે છે. જો તમને અંગ્રેજી ભાષામાં ઊંડો રસ હોય તો યુટ્યૂબ પર શશી થરૂરની વિવિધ વિષયો પરની સ્પીચ સાંભળવી એ એક લ્હાવો છે.

રાજકારણ બાજુએ રાખો તો એમની શૈલી, વિચારોની સ્પષ્ટતા અને એને અભિવ્યક્ત કરવાની આવડત તો કાબિલે તારીફ છે જ, પણ એમનું શબ્દભંડોળ એટલે કે વોકેબ્યુલરી ખરેખર ગજબ છે.

એમને એક વાર સાંભળો તો તમને પણ તમારી વોકેબ્યુલરી ઠીકઠીક વિસ્તારવાનો, શશી થરૂરના શબ્દોમાં યુફોરિયા કે ઇલેશન અને આપણી ગુજરાતીમાં ઉધમ (ગુજરાતી ભાષાનો વૈભવ પણ અનેરો છે!) ચઢે જ ચઢે.

પહેલાંના સમયમાં (ને આજે પણ) દરેક માતાપિતાના મનમાં અદમ્ય ઇચ્છા રહેતી કે તેમના સંતાનમાં વાંચનભૂખ જાગે, કેમ કે જે વાંચે એ નવું નવું જાણે અને નવા નવા શબ્દો પણ જાણે. પોતાની વાત જે સૌથી અસરકારક શબ્દોમાં એક્સ્પ્રેસ કરી શકે, ભલે ભાષા કોઈ પણ હોય, એ દરેક વાતમાં જીતે એ તો સનાતન સત્ય છે, કેમ?

આજના સમયમાં આવી ભૂખ જગાવવાના અને શબ્દભંડોળ વધારવાના એક નહીં અનેક રસ્તા છે. અખબારો કે પુસ્તકો ઉપરાંત ઇન્ટરનેટ પર ટેડ ટોક્સ કે યુટ્યૂબમાં જુદા જુદા લોકોની સ્પીચના વીડિયો સાંભળીને પણ ઘણું શીખી શકાય.

એવો એક રસ્તો, ઇન્ટરનેટ પર કંઈ ને કંઈ નવું વાંચીએ ત્યારે તેની સાથોસાથ નવા નવા શબ્દો વિશે શીખવાનો પણ છે. આ કામ મોબાઇલ કરતાં પીસી પર વધુ સહેલું બને છે કેમ કે તેમાં ફાયરફોક્સ કે ગૂગલ ક્રોમ જેવા બ્રાઉઝરમાં આપણે વિવિધ એક્સ્ટેન્શન ઉમેરીને તેનો લાભ લઈ શકીએ છીએ.

જો તમે તમારું અંગ્રેજી ભાષાનું શબ્દભંડોળ સતત વિસ્તારવા માગતા હો અને તમે ગૂગલ ક્રોમનો ઉપયોગ કરતા હો તો તેમાં વોકેબીફાય (Vocabify) નામનું એક એક્સ્ટેન્શન ઉમેરવા જેવું છે.

પણ એક મિનિટ, આ Vocabify શબ્દ કેવી રીતે બન્યો હશે? થોડું ગૂગલિંગ કરી જુઓ. થોડી હિંટ આપું તો Unify, Modify, Simplify  વગેરે શબ્દો કેમ બન્યા હશે એ વિચારી જુઓ (એમ તો, તપાસવા જેવો બીજો શબ્દ છે – ગૂગલિંગ!)

આપણી એક્સ્ટેશનની વાત પર પરત ફરીએ તો,  પીસીમાં ગૂગલ ક્રોમ ઓપન કરો અને તેમાં https://chrome.google.com/webstoreમાં જાઓ. અહીં સર્ચ બોક્સમાં Vocabify સર્ચ કરતાં, તેનું એક્સ્ટેન્શન જોવા મળશે. તેને માટે ‘એડ ટુ ક્રોમ’ બટન પર ક્લિક કરો (તમે તમારા ગૂગલ એકાઉન્ટમાં સાઇન-ઇન નહીં હો તો એમ કરવા કહેવામાં આવશે).


હવે ક્રોમના એડ્રેસ બારની જમણીબાજુ વોકેબીફાયનો ‘વી’ લખેલો એક આઇકન ઉમેરાઈ જશે. તેને ક્લિક કરીને વોકેબીફાયની વેબસાઇટ પર જાઓ. અહીં તમને ગૂગલ એકાઉન્ટથી સાઇન-ઇન કરવા કહેવામાં આવશે અથવા તમે ફક્ત ઈ-મેઇલ આપીને નવું એકાઉન્ટ ખોલાવી શકો છો.

હવે તમે જુદા જુદા શબ્દોના કઈ ભાષામાં અર્થ જાણવા માગો છો તે કહી દો. અહીં ગુજરાતીનો વિકલ્પ પણ મળે છે, પણ આપણી ભાષામાં આ સર્વિસનું શબ્દભંડોળ બહુ સારું લાગતું નથી, હિન્દીનો વિકલ્પ પસંદ કરવો ઠીક રહેશે. ઇંગ્લિશ જ રાખો તો ઉત્તમ!

એ ઉપરાંત, એ શબ્દનો અર્થ કયા સ્રોત (સોર્સ!)માં બતાવવામાં આવે તે નક્કી કરી શકાશે. એક વિકલ્પ ઓક્સફર્ડ ડિક્શનરીનો છે, ફક્ત તેને પણ પસંદ કરી શકાય.

ભાષાની બારીક ખૂબીઓ અને શબ્દભંડોળ વધારવામાં ખરેખર રસ હોય તો વોકેબીફાય તો મદદરૂપ થશે જ, આ લેખમાં પણ બીજી સંખ્યાબંધ હિંટ્સ છૂપાયેલી છે, શોધો અને આગળ વધો!

હવે તમે રોજિંદી રીતે કોઈ પણ વેબપેજ સર્ફ કરતા રહો અને તેમાં જે શબ્દ જરા અજાણ્યો લાગે તેને માઉસથી સિલેક્ટ કરીને રાઇટ ક્લિક કરો.

એક મેનૂ ખૂલશે અને તેમાં ‘લૂક અપ વિથ વોકેબીફાય’નો વિકલ્પ જોવા મળે, તેને ક્લિક કરો.

આથી, એ શબ્દનું એક કાર્ડ વોકેબીફાયના પેજ પર ઉમેરાઈ જશે. વોકેબીફાયના આઇકન પર ક્લિક કરી, તેના પેજ પર જતાં આપણે ઉમેરેલા શબ્દનો ઉચ્ચાર, આપણે પસંદ કરેલી ભાષામાં અનુવાદ તથા અંગ્રેજીમાં એ શબ્દની વિગતવાર સમજ જોવા મળશે!

આ કામ ગ્રામરલી કે ગૂગલ ડિક્શનરીના એક્સ્ટેન્શનથી (એ વિશે આપણે અગાઉ વાત કરી છે)પણ થાય, પણ વોકેબીફાય આપણે પસંદ કરેલા શબ્દોની હિસ્ટ્રી જાળવી રાખે છે, એ તેનો મોટો ફાયદો છે!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!