(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

ફેસબુક પર વીડિયો કેવી રીતે શોધશો?

યુટ્યૂબની જેમ ફેસબુક પર પણ વીડિયોની સંખ્યા અને મહત્ત્વ બંને સતત વધી રહ્યાં છે. જોકે ફેસબુક પર જોઈતા વીડિયો શોધવાનું કામ જરા મુશ્કેલ છે.

સામાન્ય રીતે વીડિયોની વાત આવે એટલે આપણાં મનમાં એક જ શબ્દ ઝબકે – યુટ્યૂબ!

ગૂગલની ઘણી બધી રીતે કટ્ટર હરીફ એવી ફેસબુક કંપની આ સ્થિતિ બદલવા માગે છે અને એ કારણે ફેસબુક પર ધીમે ધીમે વીડિયોનું મહત્ત્વ વધતું જાય છે. ફેસબુક આપણી વોલ પર અન્ય મિત્રોના વીડિયોને વધુ પ્રમાણમાં પ્રમોટ પણ કરે છે.

અત્યારે ફેસબુક અને યુટ્યૂબનાં માળખાં અલગ અલગ છે. યુટ્યૂબની રચના ફક્ત વીડિયોને ધ્યાનમાં રાખીને કરવામાં આવી છે એટલે તેમાં આપણને જેમાં રસ પડે તેવા વીડિયો શોધવા પ્રમાણમાં સહેલા છે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની મદદથી યુટયૂબ પર આપણે જોયેલા વીડિયોની પેટર્ન સમજીને યુટ્યૂબ નવા નવા એવા વીડિયો આપણને બતાવે છે જેમાં આપણને રસ પડી શકે. તેની સામે ફેસબુક પર વીડિયો ઉપરાંત બીજી ઘણી બાબતોનું શેરિંગ થાય છે. તેમાં વીડિયો કેન્દ્ર સ્થાને નથી એટલે તેમાં આપણને જેમાં રસ હોય તેવા વીડિયો શોધવા થોડા મુશ્કેલ છે.

ફેસબુક પર અત્યારે જુદા જુદા પ્રકારના વીડિયોની ખાસ્સી ગૂંચવણ છે. ફેસબુક પર આપણે પોતે અપલોડ કરેલા વીડિયો હોઈ શકે. અન્ય મિત્રોએ અપલોડ કરેલા અને જેમાં આપણને ટેગ કર્યા હોય તેવા વીડિયો હોઈ શકે. આપણે સેવ કરેલા વીડિયો હોઈ શકે. જૂના પ્રોફાઇલના વીડિયો હોઈ શકે અને એ ઉપરાંત લાઇવ વીડિયો પણ હોઈ શકે!

ફેસબુક પર આ બધા પ્રકારના વીડિયોની એવી ભૂલભૂલામણી રચાય છે કે તેમાંથી નિશ્ચિત પ્રકારના વીડિયો શોધવાનો કોઈ સહેલો અને સચોટ રસ્તો નથી. જોકે આપણે જુદાં જુદાં પગલાં લઇને આપણને જોઈતા વીડિયો સુધી પહોંચી શકીએ છીએ.

આપણે આ ભૂલભૂલામણીમાંથી રસ્તો શોધવાનો પ્રયાસ કરીએ, શરૂઆત કરીએ લાઇવ વીડિયોઝથી.

લાઇવ વીડિયો કેવી રીતે શોધવા

ફેસબુક પર લાઇવ વીડિયોની લોકપ્રિયતા સતત વધી રહી છે. જાણીતી સેલિબ્રિટીઝથી માંડીને કોઈ પણ વ્યક્તિ પોતાના સ્માર્ટફોનમાંનો કેમેરા ઓન કરીને કોઈ પણ ઇવેન્ટ કે નાની અમથી બાબતનું ફેસબુક પર લાઇવ વીડિયો શેરિંગ કરી શકે છે.

અગાઉ ફેસબુક પર લાઇવ વીડિયો શોધવા માટે ‘ફેસબુક લાઇવ મેપ’ નામે એક સરસ સુવિધા હતી. તેમાં આપણે જુદા જુદા લોકેશન અનુસાર લાઇવ વીડિયો સ્ટ્રીમિંગ કરી રહેલા લોકોને સહેલાઇથી શોધતા હતા. નાગરિકતા અધિકાર કાયદાના સમર્થન કે વિરોધમાં થતા દેખાવો જેવી ન્યૂઝ સ્ટોરી કે પછી ન્યૂ યર સેલિબ્રેશન જેવી ઇવેન્ટ વખતે આપણે ફટાફટ ફેસબુક લાઇવ મેપ પર જઇને જુદા જુદા સ્થળોએથી સ્ટ્રીમ થઇ રહેલા લાઇવ વીડિયો સહેલાઇથી જોઈ શકતા હતા.


ખબર નહીં કેમ પણ ફેસબુકે ગયા વર્ષ એટલે કે ૨૦૧૯ની શરૂઆતમાં લાઇવ મેપની સુવિધા બંધ કરી દીધી.

અત્યારે ફેસબુક લાઇવ વીડિયોઝને ‘ફેસબુક વોચ’ નામના ફીચરમાં આવરી લેવામાં આવ્યા છે. આ ફીચરમાં ફેસબુકે વીડિયો ઉપરાંત ઘણી બધી બાબત આવરી લીધી છે અને તેને કારણે ફેસબુક લાઇવ વીડિયો શોધવા થોડા વધુ મુશ્કેલ બને છે. આમ છતાં ફેસબુક પર લાઇવ વીડિયોઝ શોધવા માટે આપણે નીચેના ઉપાય અજમાવી શકીએ.

  • ફેસબુકના સર્ચ બારમાં #liveનો ઉપયોગ કરવો. હવે મોટા ભાગના લાઈવ સ્ટ્રીમર્સ જ્યારે લાઇવ વીડિયો શેર કરી રહ્યા હોય ત્યારે આ હેશટેગનો ઉપયોગ કરે છે. એટલે તેમને શોધવા સહેલા બને છે. જોકે લાઇવ વીડિયો શેર કરનાર દરેક વ્યક્તિ આ હેશટેગનો ઉપયોગ ઘરે જ કરે એવું નક્કી નથી! હેશટેગ લાઇવ ઉપરાંત તમે બીજા શબ્દો પણ ઉમેરી શકો છો.
  • જે વ્યક્તિ કે બિઝનેસ પેજના લાઇવ વીડિયોમાં આપણને રસ હોય તેની વીડિયો લાયબ્રેરી તપાસવી.
  • ફેસબુકની નોટિફિકેશન સિસ્ટમનો લાભ લેવો.
  • તમે તમારા મિત્રોને પણ કહી શકો છો કે તમારા રસના કોઈ વિષય વિશે લાઇવ વીડિયો શેરિંગ થઈ રહ્યું હોય ત્યારે એ તમને તે શેર કરે.
  • લાઇવ વીડિયો તેના નામ પ્રમાણે જે તે ક્ષણે લાઈવ શેર થતા હોય છે. જો આપણે ત્યારે ને ત્યારે એ જોવાનું ચૂકી જઇએ તો એ જ વીડિયો જે તે વ્યક્તિના પ્રોફાઇલમાં સેવ થઈ ગયો હોય છે અને ત્યાંથી આપણે તેને શોધીને જોઈ શકીએ છીએ. એક સારી વાત એ છે કે જ્યારે આપણે કોઈ જૂના વીડિયો પર ક્લિક કરીએ ત્યારે તેના અન્ય વીડિયો પણ એક સિંગલ પ્લે લિસ્ટ તરીકે લોડ થઈ જાય છે જે આપણે સહેલાઈથી તપાસી શકીએ છીએ.

જો તમે કોઈ વ્યક્તિ, પેજ, ગ્રૂપ કે સેલિબ્રિટી સાથે કોઈ ને કોઈ રીતે ફેસબુક પર જોડાયેલા હો ત્યારે એ વ્યક્તિ કે પેજ ગ્રૂપ વગેરે ફેસબુક પર લાઇવ બ્રોડકાસ્ટ કરે ત્યારે તેમના વીડિયો આપણી ન્યૂઝ ફીડમાં જોવા મળે છે. આ રીતે આપણને એ વ્યક્તિ કે પેજનો લાઇવ વીડિયો જોવા મળશે જ એવી ખાતરી નથી કારણ કે ફેસબુક ખાસ્સા ગૂંચવણભર્યા અલ્ગોરિધમને આધારે નક્કી કરે છે કે આપણી ન્યૂઝ ફીડમાં કઈ કઈ બાબતો આપણી નજર પર લાવવી.

ઉપરાંત એ તો ખરું જ એ વ્યક્તિ કે બિઝનેસ પેજ લાઇવ વીડિયો શેરિંગ કરી રહ્યા હોય બરાબર એ ક્ષણે આપણે પોતે પણ ફેસબુક પર હોવા જોઈએ!

ડેસ્કટોપ પર આ વાત થોડી સહેલી છે. આપણે ફેસબુકમાં ડાબી તરફની નેવિગેશન પેનલમાં ‘લાઇવ વીડિયો’ની લિંક શોધીને તેના પર ક્લિક કરી બરાબર એ જ ક્ષણે જે લાઇવ વીડિયો શેર થઈ રહ્યા હોય તે આપણે જોઈ શકીએ છીએ.

એ સિવાય તમે સીધા જ facebook.com/watch/live લિંક પર જઇને એ ક્ષણે શેર થઈ રહેલા લાઇવ વીડિયો જોઈ શકો છો.

સ્માર્ટફોનમાં ફેસબુક લાઇવ જોવા માટે આપણે પોતાની ન્યૂઝ ફીડમાં વીડિયો શોધવા પડશે અથવા ફેસબુક એપમાં ત્રણ આડી લીટી પર ક્લિક કરી તેમાં નીચેની તરફ સ્ક્રોલ કરી ‘સી મોર’ વિભાગમાં લાઇવ વીડિયોમાં પહોંચી શકીશું.

એ ખાસ નોંધવા જેવું છે કે ફેસબુક પર લાઇવ શેર થઈ રહેલા વીડિયો બધી રીતે યોગ્ય જ હોય તેવું જરૂરી નથી. ફેસબુકની શરતો કોઈ પણ પ્રકારની હિંસા કે પોર્નોગ્રાફી દર્શાવતા વીડિયોને મંજૂરી આપતી નથી, પરંતુ આવા વીડિયો લાઇવ હોવાથી ફેસબુકની સિસ્ટમની નજર ચુકાવીને આપણી નજર સામે આવી જાય એવું બની શકે છે. આ જોખમ જરૂર ધ્યાનમાં લેશો.

ફેસબુક પર તમારા પોતાના વીડિયો કેવી રીતે શોધશો?

જો ફેસબુક પર તમે વર્ષોથી સક્રિય હશો તો લગભગ દેખીતું છે કે તમે તમારા સંખ્યાબંધ ફોટોઝ અને વીડિયોઝ ફેસબુક પર અપલોડ કર્યા હશે.

આમાંના મોટા ભાગના વીડિયો સ્માર્ટફોનથી કેપ્ચર કરીને ફેસબુક પર ચઢાવ્યા હશે અને પછી સ્માર્ટફોનમાં ભરાયેલી સ્પેસ ઓછી કરવા માટે એ વીડિયો તમે ડિલીટ પણ કર્યા હશે. મતલબ કે તમારા વીડિયો એક માત્ર ફેસબુક પર ઉપલબ્ધ હશે.

તમે ફેસબુક પર લોગઇન થઈને તમારા પ્રોફાઇલમાં ફોટોઝ અને તેમાં વીડિયોઝ સેકશનમાં જઇને તમે પોતે અપલોડ કરેલા બધા વીડિયો જોઈ શકો છો. જો તમે વીડિયો અપલોડ કરતી વખતે તેને જુદા જુદા આલબમમાં ગોઠવ્યા નહીં હોય તો તમારે અવ્યવસ્થિત રીતે પડેલા વીડિયોઝ સર્ચ કરવા પડશે. જો તમે ફેસબુક પરના તમારા બધા વીડિયો એક સાથે ડાઉનલોડ કરવા ઇચ્છતા હો તો એ માટે નીચેનાં પગલાં લઈ શકાય.

  • ફેસબુકમાં સેટિંગ્સમાં જાઓ.
  • તેમાં ‘યોર ફેસબુક ઇન્ફર્મેશન’માં જાઓ.
  • તેમાં ‘ડાઉનલોડ યોર ઇન્ફર્મેશન’માં જાઓ.
  • તેમાં ‘વ્યૂ’ પર ક્લિક કરો.
  • અહીં ફોટોઝ અને વીડિયોઝનું ચેકબોક્સ ટીક કરી દો અને પછી ‘ક્રિએટ ફાઇલ’ પર ક્લિક કરો.
  • આથી તમારા બધા જ વીડિયો એક સાથે એક ઝીપ ફોલ્ડર સ્વરૂપે તમને ડાઉનલોડ કરવા મળશે.

વર્ષ ૨૦૧૬થી ફેસબુકમાં ટૂંકો વીડિયો પ્રોફાઇલ તરીકે સેટ કરી શકાય છે. જોકે આ સુવિધા માત્ર અમુક દેશોમાં ઉપલબ્ધ છે અને એન્ડ્રોઇડ અને આઇઓએસમાં પ્રોફાઇલ વીડિયો અપલોડ કરી શકાય છે. આ રીતે તમે અપલોડ કરેલા પોતાના જૂના પ્રોફાઇલ વીડિયો ફરી જોવા હોય તો તમે તમારી ફોટોઝ લાયબ્રેરીમાં વીડિયો આલ્બમમાં તેને શોધી શકો છો.

અન્ય વ્યક્તિ, પેજ કે ગ્રૂપના વીડિયો

ફેસબુક પર તમે કોઈ પણ વ્યક્તિ, પેજ કે ગ્રૂપના વીડિયો જોયા હોય અને એ તમને ગમી જાય તો તમે તેને ભવિષ્યમાં ફરી જોવા માટે સેવ કરી શકો છો. આ રીતે આ વીડિયો તમારા કમ્પ્યુટરમાં ડાઉનલોડ તો નહીં થાય માત્ર બુકમાર્ક તરીકે સચવાઈ જશે અને તમારા ફેસબુક એકાઉન્ટમાં એક ફોલ્ડરમાં તેની યાદી જળવાશે.

મોબાઇલમાં ફેસબુકની એપમાં આ રીતે તમે સેવ કરેલા વીડિયો જોવા માટે, ઉપર જમણી તરફની ત્રણ આડી લીટી પર ક્લિક કરી, ડાબી પેનલ ઓપન કરો. અહીં ‘સેવ્ડ’ લખેલો વિકલ્પ જોવા મળશે. અહીં તમે સેવ કરેલી બધી જ વસ્તુઓ જોવા મળશે, જેમાં વીડિયો પણ હશે.

ફેસબુક પર પબ્લિકલી અપલોડ કરાયેલા વીડિયો શોધવાના કેટલાક રસ્તા પણ જાણી લેવા જેવા છે.

એ તો દેખીતું છે કે તમે કોઈ વ્યક્તિ, પેજ કે ગ્રૂપને જાણતા હો અને તેના વીડિયો શોધવા હોય તો તેમના પ્રોફાઇલ પેજ પર જાઓ. જો વીડિયો થોડા સમય પહેલાં જ અપલોડ કરાયેલો હશે તો સહેલાઈથી મળશે, બાકી શોધવો મુશ્કેલ બનશે.

એ ધ્યાનમાં રાખવા જેવું છે કે વીડિયો અપલોડ કરનારી વ્યક્તિએ તેને પ્રાઇવેટ કરી દીધો હશે કે કોઈ નવા આલ્બમમાં મૂવ કરી દીધો હશે તો આપણે તેને જોઈ શકીશું નહીં.

આપણને ટેગ કરવામાં આવ્યા હોય તેવા વીડિયો

ફેસબુક પર વીડિયોની ત્રીજી કેટેગરી એવા વીડિયોની છે જેમાં લોકોએ આપણને ટેગ કર્યા હોય.

કમનસીબે આપણને જેમાં ટેગ કરવામાં આવ્યા હોય એવા તમામ વીડિયો એક સાથે એક ક્લિકમાં શોધી શકાય એવી સુવિધા ફેસબુક પર નથી. એક થોડો સહેલો રસ્તો એ છે કે તમે તમારા પ્રોફાઇલમાં તમારા પોતાના કવર ફોટોની નીચે જમણી તરફ આપેલ એક્ટિવિટી લોગ આઇકન પર ક્લિક કરો. અહીં ડાબી તરફની પેનલમાં ફોટોઝ અને વીડિયોઝ પર ક્લિક કરીને તમને જેમાં ટેગ કરવામાં આવ્યા હોય એવા વીડિયો શોધી શકાય છે.

ફેસબુકના સર્ચ બારનો ઉપયોગ કરવો

ફેસબુકનો સર્ચ બાર સમય સાથે ઘણો સ્માર્ટ બનતો જાય છે આથી ઉપર જણાવેલી જુદી જુદી આંટીઘૂંટીઓમાં પડવું ન હોય તો તમે ફેસુબકના સર્ચ બારમાં નીચે મુજબના શબ્દો સર્ચ કરીને પણ વીડિયો શોધી શકો છો.

  • Videos i shared
  • Videos i uploded recently
  • Videos i watched recently

જોકે આ રીતે સચોટ પરિણામ મળશે જ એવી ખાતરી નથી!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!