જો તમારે માઇક્રોસોફ્ટ વર્ડમાં ઇંગ્લિશમાં વારંવાર ટાઇપ કરવાનું થતું હોય તો વર્ડમાં કંઈ પણ લખ્યા પછી આપણે તેને સ્પેલિંગ અને ગ્રામરની રીતે ચેક કરી શકીએ છીએ એ તો તમે જાણતા જ હશો. આ ઉપરાંત ભાષા સંબંધિત માઇક્રોસોફ્ટ વર્ડનું વધુ એક પાસું કદાચ તમારાથી અજાણ હશે.
આ પાસું છે, આપણા લખાણની રીડેબિલિટી તપાસવાની સુવિધા. રીડેબિલિટી એટલે આપણે લખેલું લખાણ ભારેભરખમ છે કે પછી સાદું સરળ છે એ ચકાસવાની સુવિધા. આ સુવિધા માઇક્રોસોફ્ટ વર્ડમાં ઓન કરવા માટે વર્ડ પ્રોગ્રામ ઓપન કરીને તેના ઓપ્શન્સમાં જાઓ. અહીં પ્રૂફિંગમાં ‘વ્હેન કરેક્ટિંગ સ્પેલિંગ એન્ડ ગ્રામર ઇન વર્ડ’ સેકશનમાં ‘શો રીડિબિલિટી સ્ટેટિસ્ટિકસ’ માટેનું ટીક બોક્સ ચેક કરી દો.
કોઈ લખાણ લખ્યા પછી એફ૭ કી પ્રેસ કરતાં લખાણમાં સ્પેલિંગ અને ગ્રામરની ભૂલો તપાસવામાં આવશે. તેના અંતે રીડેબિલિટી સ્ટેટિસ્ટિક્સ દર્શાવતું બોક્સ ઓપન થશે. અહીં આપણે વાક્યમાં કેટલા ટકા પેસિવ સેન્ટેન્સ વાપર્યાં છે તે દર્શાવવામાં આવશે. સામાન્ય રીતે પેસિવ સેન્ટેન્સનું પ્રમાણ જેમ ઓછું તેમ લખાણ વધુ સરળ.
ઉપરાંત એક ખાસ ‘રીડિંગ ઇઝ ટેસ્ટ’ મુજબ એકથી સોના આંક પર આપણને મળેલા ગુણ જેટલા વધુ એટલું લખાણ વધુ સરળ. અમેરિકન સ્કૂલ્સના ધોરણ મુજબ ક્યા ગ્રેડના વિદ્યાર્થીઓ આપણું લખાણ સમજી શકશે એ પણ અહીં જોવા મળશે. આ આંક ૧૦ની આસપાસ હોય તો લખાણ સરળ કહી શકાય. ભારતની કોઈ ન્યૂઝ વેબસાઇટ પરથી અંગ્રેજી લખાણ કોપી કરી વર્ડમાં પેસ્ટ કરીને તેનો રીડેબિલિટી સ્કોર તપાસી જુઓ!

