આપણા સૌના હાથમાં સ્માર્ટફોન છે અને એ દરેક સ્માર્ટફોનમાં પાછી ફેસબુકની એપ પણ છે! વાત ગૂગલની હોય કે ફેસબુકની, દરેક મોટી ઇન્ટરનેટ કંપની ખરેખરા અર્થમાં આપણાં પગલાંનું પગેરું દબાવે છે. એમાં પણ ફેસબુક જેવી કંપની તેની એપ મારફતે આપણે ઇચ્છીએ તે કરતાં ઘણા વધુ પ્રમાણમાં આપણી માહિતી એકઠી કરતી હોય છે. અલબત્ત ફેસબુક એવો ધરપત આપે છે કે આપણો આ ડેટા ખાનગી રહે છે અને માત્ર આપણે જ જોઈ શકીએ છીએ. પરંતુ ફેસબુક આપણા વિશે શું શું જાણે છે એ કમસે કમ આપણે તો જાણવું જ જોઈએ!
ખાસ કરીને લોકેશનના સંદર્ભે ફેસબુક આપણી દરેક હિલચાલ પર નજર રાખે છે. ફેસબુકના કહેવા અનુસાર જો આપણે આપણી એપમાં લોકેશન હિસ્ટ્રી ઓન રાખી હોય તો તેની એપ, આપણે ફેસબુક એપનો ઉપયોગ કરતા ન હોઈએ ત્યારે પણ તે આપણું લોકેશન બહુ સચોટ રીતે આપણી હિસ્ટ્રીમાં નોંધે છે.
સદનસીબે આપણે ઇચ્છીએ ત્યારે ફેસબુકમાંની આપણી સમગ્ર લોકેશન હિસ્ટ્રી ભૂંસી શકીએ છીએ, અમુક ચોક્કસ સમયની હિસ્ટ્રી ભૂંસી શકીએ છીએ અને ઇચ્છીએ તો આ ફીચર સંપૂર્ણપણે બંધ કરી શકીએ છીએ.
આપણા સ્માર્ટફોનમાં આપણી લોકેશન હિસ્ટ્રી જોવા માટે, ફેસબુક એપ ઓપન કરીને બાજુમાં દર્શાવેલાં પગલાં લઈ શકાય.
અહીં આપણે તારીખ મુજબ, નકશા પર ક્યા સમયે આપણે ક્યાં હતા તે જોઈ શકીશું.
જો તમને લાગે કે ફેસબુકે આપણી આ બધી વિગતો જાણવાની જરૂર નથી તો તમે તમારી ફેસબુક લોકેશન હિસ્ટ્રી ડિલીટ કરી શકો છો. એ માટે જમણી તરફ ઉપર આપેલ ત્રણ ડોટના મેનૂ બટન પર ક્લિક કરો. તમો ઇચ્છો તો ચોક્કસ તારીખ અનુસારની હિસ્ટ્રી ડિલીટ કરવા માટે જે તે તારીખ પર જઈને તેને માટે ‘ડિલીટ ધીસ ડે’ વિકલ્પ પસંદ કરી શકો છો અથવા તમામ લોકેશન હિસ્ટ્રી ડિલીટ કરી શકો છો.
જો તમે ફેસબુક પર તમારા લોકેશનની હિસ્ટ્રી સાચવવામાં ન આવે એવું ઇચ્છતા હો તો નીચે મુજબનાં પગલાં લઈ શકાય.
- ફેસબુક એપમાં સેટિંગ્સમાં એકાઉન્ટ સેટિંગ્સમાં લોકેશનમાં જાઓ.
- અહીં લોકેશન હિસ્ટ્રીનું બટન ઓફ કરી દો.
જો કે એ ધ્યાનમાં રાખવા જેવું છે કે જો ફેસબુક પર આપણે લોકેશન હિસ્ટ્રી ઓફ કરીશું તો લોકેશન સંબંધિત ફેસબુકની અમુક ચોક્કસ સુવિધાઓનો આપણને લાભ મળશે નહીં. જેમ કે ફેસબુક આપણને આપણા લોકેશનના આધારે ‘ફાઇન્ડ વાઇ-ફાઇ’ અને ‘નીયરબાય
ફ્રેન્ડઝ’ ને શોધવાની સુવિધા આપતી હોય છે. ફેસબુક આપણું લોકેશન જાણી ન શકે તો આપણે આ સુવિધા આપી ન શકે એ દેખીતું છે.
૧
ફેસબુક એપના સેટિંગ્સમાં, નીચેની તરફ સ્ક્રોલ કરીને લોકેશનમાં જાઓ.
૨
અહીં આપેલા બંને વિકલ્પ તપાસો અને લોકેશન હિસ્ટ્રી પર ક્લિક કરો.
૩
એપનો ઉપયોગ ન કરતા હોઈએ ત્યારે એપ આપણું લોકેશન નોંધે નહીં તેવું સેટિંગ કરી શકીએ છીએ.
૪
અહીં ‘વ્યૂ યોર લોકેશન હિસ્ટ્રી’ વિકલ્પ પર ક્લિક કરો. આપણે ફરી પોતાનો પાસવર્ડ આપવાનો રહેશે.
૫
પાસવર્ડ આપ્યા પછી આપણે ફેસબુકે નોંધેલી સમગ્ર લોકેશન હિસ્ટ્રી જોઈ શકીશું.
૬
અહીંથી આપણે ઇચ્છીએ તે રીતે આપણે લોકેશન હિસ્ટ્રી ડિલીટ કરી શકીશું.

