માઇક્રોસોફ્ટ વર્ડમાં કોઈ પણ શબ્દ શોધવા માટે ફાઇન્ડ અને એ શબ્દ શોધીને બીજો શબ્દ મૂકવા માટે ‘ફાઇન્ડ એન્ડ રિપ્લેસ’ની સુવિધા છે એ તો આપણે જાણીએ છીએ, પણ ફાઇન્ડ એન્ડ રિપ્લેસની સુવિધા ચોક્કસ શબ્દ ઉપરાંત બીજી ઘણી બાબતો ફાઇન્ડ કરીને રિપ્લેસ કરવા માટે ઉપયોગમાં લઈ શકાય છે એ કદાચ તમારા માટે નવી વાત હશે.
જેમ કે માની લો કે આપણને કોઈના તરફથી વર્ડ ફાઇલ મળી છે અને તેમાં કેટલાક શબ્દો ઇટાલિક કરવામાં આવ્યા છે. આપણે એ શબ્દો શોધીને તેના પર કંઈક કામ કરવાનું છે. આમ તો એ ડોક્યુમેન્ટમાં નજર દોડાવતાં ઇટાલિક શબ્દો નજરે ચઢી જાય પણ એમાં કોઈ શબ્દ આપણી નજર બહાર રહી જવાની પૂરી શક્યતા.
ડોક્યુમેન્ટમાંનો દરેકે દરેક ઇટાલિક શબ્દ પૂરેપૂરી ચોકસાઈ સાથે શોધવા માટે આ પગલાં લઈ શકાય…
- ડોક્યુમેન્ટમાં કંટ્રોલ+એચ કી પ્રેસ કરી,ફાઇન્ડ એન્ડ રિપ્લેસ વિન્ડો ઓપન કરો.
- અહીં મોર બટન પર ક્લિક કરીને, તેમાં નીચે આપેલ ફોર્મેટ બટન ક્લિક કરો.
- તેમાં ફોન્ટ વિકલ્પ પસંદ કરો.
- ફોન્ટ ટેબમાં લેટિન ટેકકસ્ટમાં ફોન્ટ સ્ટાઇલમાં ‘ઇટાલિક’ પસંદ કરો.
- ઓકે કહીને મેનૂમાં બહાર આવી જાવ.
- હવે ‘ફાઇન્ડ વ્હોટ’ બોક્સમાં કશું જ નહીં હોય, માત્ર બોક્સની નીચે ફોન્ટઃ ઇટાલિક લખેલું હશે.
- આનો અર્થ એ થયો કે આપણે ઇટાલિક હોય તેવો કોઈ પણ શબ્દ ફાઇન્ડ કરવા માગીએ છીએ.
- હવે ‘ફાઇન્ડ નેક્સ્ટ’ પર ક્લિક કરતાં આખા ડોક્યુમેન્ટમાં ઉપરથી નીચેની તરફ આગળ જતાં જે પહેલો ઇટાલિક શબ્દ દેખાશે તે સિલેક્ટ થયેલો જોવા મળશે! પછી આગળ વધતા જાઓ.
આ રીતે ફાઇન્ડ રિપ્લેસ સુવિધાનો વધુ સ્માર્ટ ઉપયોગ કરીને આપણે કોઈ પણ ચોક્કસ પ્રકારના ફોર્મેટિંગવાળા શબ્દો શોધીને તેના પર આગલાં પગલાં લઈ શકીએ છીએ, એ દરેક ફોર્મેટિંગવાળા શબ્દ પર અન્ય કોઈ પ્રકારનું ફોર્મેટિંગ કરવાનુું હોય તો રિપ્લેસમાં ઉપરની જ રીતે નવું ફોર્મેટિંગ સિલેક્ટ કરી લેવાથી આખા ડોક્યુમેન્ટમાં આપણે એક ફોર્મેટિંગમાંથી બીજા ફોર્મેટિંગમાં ફેરફાર કરી શકીશું.
જેમ કે આખા ડોક્યુમેન્ટમાં ઇટાલીક શબ્દો શોધીને તેને ઇટાલીકને બદલે બોલ્ડ કરવાના હોય તો આ કામ ફાઇન્ડ-રિપ્લેસ સુવિધાની મદદથી ગણતરીની પળોમાં કરી શકાશે.
વર્ડમાં સુવિધાઓ ઘણી છે, આપણે તેનો સ્માર્ટ ઉપયોગ કરવા થોડું દિમાગ દોડાવવું પડે, બસ!

