કંપનીએ હમણાં જાહેરાત કરી છે કે તે આવતા બે વર્ષમાં થર્ડ પાર્ટી કૂકીઝનો ઉપયોગ નાબૂદ કરી દેવા માગે છે.
આપણે કોઈ પણ વેબપેજ પર જઇએ ત્યારે એ વેબપેજનો આપણો ઉપયોગ આપણને સાનુકૂળ બનાવવા માટે વેબપેજ તરફથી કેટલીક કૂકીઝ આપણા બ્રાઉઝરમાં ઇન્સ્ટોલ થતી હોય છે.
તે ઉપરાંત જો એ વેબપેજ પર અન્ય જુદી જુદી કંપનીની જાહેરાતો કે અન્ય કન્ટેન્ટ હોય તો તેમના તરફથી પણ વિવિધ કૂકીઝ આપણા બ્રાઉઝરમાં ઇન્સ્ટોલ થતી હોય છે. આવી કૂકીઝ થર્ડ પાર્ટી કૂકીઝ કહેવાય છે. ઇન્ટરનેટ પર જાહેરાત કરતાં વિવિધ એડવર્ટાઇઝિંગ નેટવર્ક આવી થર્ડ પાર્ટી કૂકીઝને કારણે જ સતત આપણું પગેરું પકડી શકે છે અને આપણને જે ચીજવસ્તુ ખરીદવામાં સૌથી વધુ રસ પડી શકે તેવી ટાર્ગેટેડ એડ્સ આપણને બતાવે છે (આ વિશે વધુ માહિતી સપ્ટેમ્બર ૨૦૧૬ના અંકમાં)
ગૂગલનું પોતાનું એડ નેટવર્ક આવી કૂકીઝ પર આધારિત છે અને કંપનીની મોટા ભાગની આવક તેના વિશાળ એડ નેટવર્કમાંથી જ થાય છે.
પરંતુ ઇન્ટરનેટ પર હવે વધુ ને વધુ પ્રાઇવસીની માગ વધી રહી હોવાથી એપલના સફારી અને માઇક્રોસોફ્ટના એજ તથા મોઝિલા ફાયરફોક્સ જેવા બ્રાઉઝરમાં કૂકીઝ પર વધુ ને વધુ અંકુશ મૂકવામાં આવી રહ્યો છે. આથી હવે ગૂગલે પણ એ જ દિશામાં ચાલ્યા વિના છૂટકો નથી.
