તમારા કોન્ટેક્ટ્સને ડિજિટલ સ્વરૂપે અને ક્લાઉડમાં સાચવવા હિતાવહ છે.
ઓળખાણ મોટી ખાણ છે, આવું આપણે વર્ષોથી સાંભળતા આવ્યા છીએ અને વર્ષોથી એના લાભ પણ મેળવ્યા હશે, પણ, જો તમે ઓળખાણની ખરેખર મોટી ખાણ ઊભી કરી હોય, તમારા સંપર્ક લિસ્ટમાં અનેક લોકોનાં નામ હોય તો તમે અનુભવ્યું હશે કે ધીમે ધીમે આટલી બધી ઓળખાણ મોટી પળોજણ બની જાય છે!
પહેલાંના સમયમાં ઘરમાં ફોનવાળા ટેબલ પર એક ડાયરી અને પેન રહેતાં અને સૌનાં સરનામાં એ એક ડાયરીમાં ઉમેરાતાં જતાં. હવે આપણાં સંપર્ક સરનામાંનાં જ અનેક સરનામાં બની ગયાં છે. પોતાના ફોનમાં, વિઝિટિંગ કાર્ડ્સમાં, ઓફિસના કમ્પ્યુટર/લેપટોપમાં આઉટલૂક જેવી સર્વિસમાં, યાહૂ કે જીમેઇલ જેવી ઈ-મેઇલ સર્વિસમાં વગેરે કેટલાય ઠેકાણે સરનામાં વિખરાવા લાગ્યાં છે. પરિણામે જ્યારે જરૂર હોય ત્યારે પળવારમાં જોઈતો ફોનનંબર કે એડ્રેસ ન મળે એવું બની શકે છે, આજની ડિજિટલ દુનિયામાં પણ.
તમે કહેશો કે સાવ એવું નથી, સ્માર્ટફોન ઉઠાવો, કોન્ટેક્ટ એપ ઓપન કરો અને જોઈતો નંબર શોધી લો, સહેલું જ છે!
વાત સાચી, પણ સ્માર્ટફોનમાંય તમારા સંપર્ક વિખરાયેલા પડ્યા છે એ તમે જાણો છો? તમે કોઈ નવો સ્માર્ટફોન લો ત્યારે તમારા બધા જ, રીપીટ, બધા જ નંબર્સ નવા ફોનમાં આવી જાય છે?
આવું નહીં બનતું હોય કારણ કે ફોનમાં પણ આપણા કોન્ટેન્કટ ત્રણ જગ્યાએ સેવ થઈ શકે છે. ફોનના સિમકાર્ડની મેમરીમાં, ફોનની પોતાની મેમરીમાં અને તમારા કોઈ એક જીમેઇલ એકાઉન્ટમાં (ખાસ કરીને એન્ડ્રોઇડ ફોનના કિસ્સામાં). જો તમારા કોન્ટેક્ટ્સ જીમેઇલ એકાઉન્ટને બદલે સિમકાર્ડમાં કે ફોનમાં હશે તો તે ‘અનસિન્ક્ડ’ રહે છે એટલે કે એવી રીતે સેવ થતા નથી, જેને આપણે ગમે ત્યાંથી એક્સેસ કરી શકીએ.
આ જંજાળનો એક સહેલો ઉપાય છે આપણા કોન્ટેક્ટ્સને ક્લાઉડમાં સેવ કરવાનો. ‘ક્લાઉડ કમ્પ્યુટિંગ’ શબ્દ તમને ગૂંચવતો હોય તો ચિંતા ન કરો. તમે ભલે એ શબ્દ જાણતા ન હો, પણ એનો તમે ઉપયોગ જરૂર કરો છો. તમે ફેસબુક કે વોટ્સએપ કે જીમેઇલનો ઉપયોગ કરો છો એ એક પ્રકારનું ક્લાઉડ કમ્પ્યુટિંગ જ થયું કારણ કે એમાં આપણા મેસેજિસ જે તે સર્વિસના સર્વરમાં સચવાયેલા રહે છે અને આપણે કોઈ પણ પીસી કે ફોનમાંથી, એ સર્વિસમાં લોગ-ઇન થઈને જોઈ શકીએ છીએ.
તો, મૂળ વાત મુજબ, આપણા કોન્ટેક્ટ્સને ક્લાઉડમાં સેવ કરવાના ઘણા ફાયદા છે. દોઢેક દાયકા પહેલાં, આપણી એડ્રેસ મેનેજમેન્ટની જરૂરિયાત પારખીને ‘પ્લેક્સો’ નામની એક સર્વિસ લોન્ચ થઈ હતી. તેમાં એ પ્રકારની સગવડ હતી કે આપણા કોન્ટેક્ટ્સમાંથી જે લોકો પ્લેક્સોમાં એકાઉન્ટ ધરાવતા હોય એ પોતાનું એડ્રેસ બદલે તો આપણી એડ્રેસબુકમાં આપોઆપ એ નવી વિગતો ઉમેરાઈ જાય.
હવે આખી દુનિયા જીમેઇલ વાપરવા લાગી છે અને એમાં લગભગ આવી જ સગવડ હોવાથી, આખરે પ્લેક્સો સર્વિસે ડિસેમ્બર ૩૧, ૨૦૧૭થી ગુડબાય કહી દીધું.
એટલે તમે જીમેઇલને જ તમારી એક કાયમી એડ્રેસબુક બનાવી શકો છો. જીમેઇલમાં કોઈ પણ વ્યક્તિનું ઈ-મેઇલ એડ્રેસ ટાઇપ કરવાની શરૂઆત કરીએ એટલે તરત તેનું આખું એડ્રેસ આવી જાય છે (જો તે આપણી એડ્રેસ બુકમાં સેવ હોય તો) એટલે આપણું ધ્યાન જીમેઇલમાંની એડ્રેસબુક તરફ જતું નથી, પણ તેને જોવા માટે, પીસીમાં જીમેઇલમાં લોગ-ઇન થઈને જીમેઇલના લોગો નીચે, ‘મેઇલ’ સાથેના ડ્રોપડાઉન એરોને ક્લિક કરીને ‘કોન્ટેક્ટ્સ’ પર ક્લિક કરો.
ડાયરેક્ટ જવું હોય તો https://contacts.google.com/ પર જાઓ. સ્માર્ટફોનમાં કોન્ટેકસ એપ વધુ ‘આંખવગી’ હોય છે, તે વાસ્તવમાં આપણા સિમકાર્ડમાંના, ફોનની મેમરીમાંના અને આપણે જે ગૂગલ એકાઉન્ટથી સાઇન-ઇન થયા હોઈએ તેની એડ્રેસબુકના એમ બધા જ કોન્ટેક્ટ્સ બતાવે છે.
એટલે ક્યારેક સમય કાઢીને સ્માર્ટફોનની કોન્ટેક્ટ એપમાં જાઓ અને તેનાં સેટિંગ્સ તપાસો. તેમાં ‘કોન્ટેક્ટ્સ ટુ ડિસ્પ્લે’ની મદદથી તમે, તમારા કયા કોન્ટેક્ટ ક્યાં પડ્યા છે તે જોઈ શકશો. આમાંથી ફોનના સિમકાર્ડ કે ફોન મેમરીમાં કોઈ નંબર્સ હોય તો તેમને ઇમ્પોર્ટ સુવિધાની મદદથી, તમારા જીમેઇલ એકાઉન્ટમાં કોપી કરી લો. હવે તમે જ્યારે પણ તમે ફોન બદલશો અને નવા ફોનમાં જૂના ફોનમાંના ગૂગલ એકાઉન્ટથી લોગ-ઇન થશો તો તેમાંના બધા જ ફોન નંબર નવા ફોનમાં જોવા મળશે.
વિઝિટિંગ કાર્ડમાંની વિગતો ગૂગલની એડ્રેસબુકમાં લાવવી થોડી મુશ્કેલ છે, એવું કરી આપતી પેઇડ સર્વિસીઝ છે, પણ મફત કામ લેવું હોય તો વાત કડાકૂટભરી છે. એના વિકલ્પ રૂપે, તમે ગૂગલ કીપ જેવી એપની મદદથી, સ્માર્ટફોનના કેમેરાથી કાર્ડનો ફોટો લેશો તો તેમાંની ટેક્સ્ટ કીપમાં એડિટેબલ અને સર્ચેબલ ટેક્સ્ટ સ્વરૂપે લાવી શકાશે. આ વિગતો ગૂગલની એડ્રેસબુકમાં ઉમેરાશે નહીં, પણ તમારા એક ગૂગલ એકાઉન્ટમાં આ બધું સચવાઈ રહેશે ખરું.
એડ્રેસબુક તરીકે ગૂગલ પરફેક્ટ નથી, પણ તેની નજીક જરૂર છે!

