યુપીઆઈ એપમાં ક્યુઆર કોડથી પેમેન્ટ રીક્વેસ્ટ કરી શકાય એવી એક સગવડ છે. આ સગવડનો ઠગ લોકો કેવી રીતે ગેરલાભ લે છે એ તમે બરાબર સમજી લેશો, તો લૂંટાતાં બચી શકશો!
ગયા મહિને, વડોદરાના એક પ્રોફેસરે પોતાનો જૂનો કબાટ વેચવાનું નક્કી કર્યું.
આજકાલ બધા કરે છે તેમ તેમણે આ માટે એક ઓનલાઇન સાઇટ પર જાહેરાત પોસ્ટ કરી. જવાબમાં તેમને રાજસ્થાનથી એક વ્યક્તિએ સંપર્ક કરીને તેને એ કબાટ ગમી ગયો હોવાની વાત કરી. કિંમત રૂા. ૨૫૦૦ જેટલી નક્કી થઈ.
રાજસ્થાનથી કોલ કરી રહેલી પેલી વ્યક્તિએ કહ્યું કે તેનો કોઈ માણસ આવશે અને પ્રોફેસરના ઘરેથી કબાટ લઈ જશે.
પ્રોફેસરનો આગ્રહ હતો કે રકમ નાની છે એટલે રોકડમાં જ તેની ચૂકવણી કરવી. પરંતુ સામેની વ્યક્તિએ કહ્યું કે એ ઓનલાઇન ચૂકવવા માગે છે. પ્રોફેસર સંમત થયા. પેલી વ્યક્તિએ પ્રોફેસરને એક ક્યુઆર કોડ મોકલ્યો અને કહ્યું કે તેને સ્કેન કરવાથી પ્રોફેસરના એકાઉન્ટમાં રૂા. ૨૫૦૦ જમા થઈ જશે. પ્રોફેસરને આ પ્રકારના પેમેન્ટનો કદાચ અનુભવ નહીં હોય, પરંતુ એમણે પ્રયાસ કર્યો. પેમેન્ટ ન થયું એટલે સામેની વ્યક્તિએ તેમને વારંવાર નવા કોડ મોકલ્યા.
આવું સાત-આઠ વાર થયા પછી પ્રોફેસરને થયું કે કંઈક કાચું કપાઈ રહ્યું છે, પરંતુ એટલી વારમાં અઢી હજારના કબાટની સામે તેમના ખાતામાંથી રૂા. ૫૮,૦૦૦ જેટલી માતબર રકમ ઉપડી ગઈ હતી!
આ પ્રોફેસરની જેમ બની શકે કે તમને પણ ક્યુઆર કોડથી રકમની આપ-લેનો અનુભવ ન હોય. ક્યુઆર કોડ તમારે માટે કોઈ નવી વાત નહીં હોય, પણ એનો દુરુપયોગ એક્ઝેક્ટલી કેવી રીતે થાય છે એ તમે જાણતા નહીં હો.
ક્યુઆર કોડથી પેમેન્ટ
ઓનલાઇન પેમેન્ટ ભારતમાં ખાસ્સું આગળ વધ્યા પછી ખરેખર તો પાણીપુરીના ખૂમચે કે પાનના ગલ્લાએ પણ મોબાઇલ વોલેટ કંપનીના ક્યુઆર કોડનાં પાટિયાં ઝૂલવા લાગ્યાં છે. પેમેન્ટની આ રીત આમ જુઓ તો બહુ સરળ છે. તેમાં ખાસ કંઈ કરવાનું હોતું નથી…
- આપણે પોતાના ખિસ્સામાંથી સ્માર્ટફોન કાઢવાનો,
- જે તે મોબાઇલ વોલેટની એપ ઓપન કરવાની,
- તેમાં ક્યુઆર કોડ સ્કેન કરવાના બટન પર ક્લિક કરવાનું,
- ફોનની કેમેરા એપ ઓપન થાય એટલે તેનાથી પેલો કોડ સ્કેન કરવાનો,
- આપણે ચૂકવવાની રકમ એન્ટર કરવાની અને કૌન બનેગા કરોડપતિમાં અમિતાભ બચ્ચન કહેતા હતા તેમ, ‘‘એક બટન દબાયા ઔર પેમેન્ટ હો ગયા!’’
આ બધી વાત તો સહેલી છે, આપણે આવો ઉપયોગ પણ કરતા હોઈશું. પરંતુ ઠગ લોકો જે રીતે ક્યુઆર કોડનો ગેરલાભ લે છે, તેમાં સામે રહેલા વાસ્તવિક, ક્યુઆર કોડને સ્કેન કરવાનો હોતો નથી. તેમાં તો, આપણને મોબાઇલમાં મોકલવામાં આવેલા ક્યુઆર કોડને સ્કેન કરવાનો હોય છે.
આપણા પોતાના ફોનમાં ક્યુઆર કોડ આવે ત્યારે તેને કેવી રીતે સ્કેન કરવો તેની ઘણાને ગડમથલ હશે – કદાચ તમને પણ હશે!
એની વાત કરતાં પહેલાં એક મહત્ત્વનો મુદ્દો જાણી લઈએ, જે સમજવામાં પ્રોફેસરે પણ ચૂક કરી.
જ્યારે આપણે પેમેન્ટ કરવાનું હોય ત્યારે જ ક્યુઆર કોડ સ્કેન કરવાનો હોય છે. પછી વાત સામે રહેલા ક્યુઆર કોડના સ્ટીકરને સ્કેન કરવાની હોય કે પછી આપણા ફોનમાં વોટ્સએપ કે અન્ય કોઈ રીતે મળેલા ક્યુઆર કોડને સ્કેન કરવાની હોય.
જ્યારે આપણે પેમેન્ટ લેવાનું હોય ત્યારે આપણે કોઈ જ ક્યુઆર કોડ સ્કેન કરવાનો હોતો નથી.
વડોદરાના પ્રોફેસરના કિસ્સામાં એક્ઝેક્ટ્લી શું બન્યું એ વિગતો પ્રકાશમાં આવી નથી, પરંતુ આપણે એમનું જ ઉદાહરણ આગળ ધપાવીને શું થયું હશે એ સમજવાની કોશિષ કરીએ.
છેતરપિંડી કેવી રીતે થાય છે?
પેલા ઠગનું ગૂગલ પે જેવી કોઈ યુપીઆઈ પેમેન્ટ એપમાં એકાઉન્ટ હશે. તેમાં તેના પ્રોફાઇલનો ક્યુઆર કોડ જનરેટ થયો હશે (આ ક્યુઆર કોડ હકીકતમાં બીજું કંઈ નહીં એક ચોક્કસ વેબપેજ કે એપ્લિકેશનના ચોક્કસ પેજનું યુઆરએલ એડ્રેસ હોય છે. ફર્ક માત્ર એટલો કે અક્ષરો અને આંકડામાં આ ગૂંચવણભર્યું યુઆરએલ લખવાને બદલે તેને સંખ્યાબંધ જુદા જુદા આકારના કાળા ધોળા ચોરસથી બનેલા ક્યુઆર કોડમાં ફેરવી નાંખવામાં આવે છે, તેની શરૂઆત જાપાનમાં થઈ હતી અને તેના વિવિધ ઉપયોગ છે).
ગૂગલ પે જેવી એપમાં આપણે બે પ્રકારના ક્યુઆર કોડ મેળવી શકીએ છીએ.
એક, એવો ક્યુઆર કોડ જે આપણા એકાઉન્ટનો જનરલ ક્યુઆર કોડ હોય, આપણે તે બીજી વ્યક્તિને મોકલી શકીએ અને એ વ્યક્તિ પોતે એન્ટર કરે તેટલી રકમ આપણને મોકલી શકે છે.
બીજા પ્રકારના ક્યુઆર કોડમાં, આપણે નિશ્ચિત રકમ માટેનો ક્યુઆર કોડ જનરેટ કરી શકીએ છીએ. તેને જે વ્યક્તિને મોકલવામાં આવે તે વ્યક્તિ, કોડમાં પહેલેથી સેટ થયેલી રકમ ચૂકવી શકે છે.
પેલા ઠગે આમાંનો કોઈ પણ ક્યુઆર કોડ જનરેટ કરીને પ્રોફેસરને કદાચ વોટ્સએપ કર્યો હશે.
પ્રોફેસરે એ ક્યુઆર કોડ ઓપન એટલે કે ડાઉનલોડ કર્યો હશે, તેથી તેની ઇમેજ તેમની ગેલેરીમાં સેવ થઈ હશે.
હવે ઠગે ફોન પર પ્રોફેસરને ‘સમજાવ્યું’ હશે કે તેઓ પોતાની યુપીઆઈ એપ ઓપન કરે.
ધારો કે પ્રોફેસર ફોનપેની યુપીઆઈ એપનો ઉપયોગ કરે છે.
આથી તેઓ ફોન પે એપ ઓપન કરશે અને તેમાં ક્યુઆર કોડ સ્કેન કરવા માટેના બટન પર ક્લિક કરશે.
ભૂલની શરૂઆત બરાબર અહીંથી થાય છે.
આપણે પેમેન્ટ સ્વીકારવાનું હોય તો ક્યુઆર કોડ સ્કેન કરવાનો હોય નહીં, પરંતુ છેતરપિંડી કરનારા લોકો આ સમયે આપણને ફોન પર વાતચીતમાં પરોવી રાખે છે.
યુપીઆઈ એપમાંનું ક્યુઆર કોડ સ્કેનર (એટલે કે આમ તો આપણા ફોનનો કેમેરા જ) આપણને બે વિકલ્પ આપે છે – ફોનના કેમેરાથી આપણે પોતાની સામે રહેલા વાસ્તવિક કયુઆર કોડને સ્કેન કરી શકીએ અથવા ફોનમાંની ગેલેરી એપમાં રહેલા ક્યુઆર કોડને સિલેક્ટ કરી શકીએ, જેને યુપીઆઇ એપ આપોઆપ સ્કેન કરી લે છે (આ સમયે આપણને સ્ક્રીન પર કંઈ દેખાતું નથી).
ગેલેરીમાંના કોડને સિલેક્ટ કરતાં યુપીઆઇ એપ આપણને સ્પષ્ટપણે જણાવે છે કે આપણે આ ક્યુઆર કોડ જે એકાઉન્ટ સાથે કનેક્ટેડ છે તેને પેમેન્ટ કરી રહ્યા છીએ.
જો ઠગે નિશ્ચિત રકમનો ક્યુઆર કોડ જનરેટ કર્યો હોય તો તેમાં કોઈ રકમ ઉમેરવાની જરૂર રહેતી નથી. ફક્ત યુપીઆઈ પિન આપીને આપણે ટ્રાન્ઝેકશન આગળ વધારી શકીએ છીએ.
આ બીજી ભૂલ છે.
જ્યારે પેમેન્ટ મેળવવાનું હોય ત્યારે આપણે કોઈ યુપીઆઈ પિન આપવાની જરૂર હોતી નથી.
પેમેન્ટ મેળવવા માટે કોડ સ્કેન ન કરવાનો હોય અને યુપીઆઈ પિન ન આપવાનો હોય, પરંતુ ઠગ આપણને વાતચીતમાં પરોવી રાખીને આ બંને પ્રકારની ભૂલ કરાવે છે.
જો ઠગ ખરેખર હોશિયાર હોય તો એ આવી ભૂલ આપણી પાસે વારંવાર કરાવે છે, પરિણામે આપણને શક પડે ત્યાં સુધીમાં ઘણી રકમ આપણા ખાતામાંથી ટ્રાન્સફર થઈ જાય છે!
સમય સાથે ચાલવા માગતા વડીલો જ આવી ભૂલ કરી બેસે છે એવું પણ નથી. ભૂલ કોઈનાથી પણ થઈ શકે છે અને આજના સમયમાં, લેવડદેવડની આ બધી નવી રીતોનો ઉપયોગ કર્યા વિના કોઈને ચાલવાનું પણ નથી.
એટલે જ, ઓનલાઇન પેમેન્ટની આંટીઘૂંટીઓ બરાબર સમજવામાં જ સાર છે!
પેમેન્ટ રીક્વેસ્ટનો કોડ કેવી રીતે તૈયાર થાય છે?
વિવિધ યુપીઆઇ એપમાં, એ એપના યૂઝરનો એક ચોક્કસ ક્યુઆર કોડ તૈયાર થતો હોય છે. તે ઉપરાંત, એ યૂઝર ઇચ્છે તો નિશ્ચિત રકમ માટેનો આગવો ક્યુઆર કોડ પણ તૈયાર કરી શકે છે. આવા ક્યુઆર કોડ બીજી વ્યક્તિને મોકલીને, તેની પાસેથી પેમેન્ટ મેળવી શકાય છે. આમાં કંઈ ખોટું કે ગેરકાયદે નથી, ફક્ત સામેની વ્યક્તિને ભરમાવીને પેમેન્ટ મેળવવું ખોટું છે!
૧
ગૂગલ પે, ભીમ એપ જેવી યુપીઆઇ એપમાં યૂઝર પોતાના પ્રોફાઇલ પેજ પર જાય છે.
૨
ત્યાંનો ક્યુઆર કોડ તે સીધો જ કોઈને મોકલી શકે છે અથવા નિશ્ચિત રકમનો કોડ બનાવી શકે છે.
૩
આ રીતે ચોક્કસ રકમ એન્ટર કરીને તેનો નવો, કામચલાઉ ક્યુઆર કોડ બનાવી શકાય છે.
૪
આ રીતે, નવો યૂઝરે નાખેલી રકમનો એક કામચલાઉ ક્યુઆર કોડ બની જાય છે.
૫
આ ક્યુઆર કોડને વોટ્સએપ કે બીજી કોઈ પણ રીતે બીજી વ્યક્તિને મોકલી શકાય છે.
ઠગ રીક્વેસ્ટ કોડનો કેવી રીતે દુરુપયોગ કરે છે?
આગળ જોયું તેમ વિવિધ યુપીઆઇ એપમાં પેમેન્ટ રીક્વેસ્ટ માટેનો જનરલ કે ચોક્કસ રકમનો ક્યુઆર કોડ તૈયાર કરી શકાય છે.
ઠગ લોકો પોતે પેમેન્ટ મોકલવા માગે છે એવો દેખાવ ઊભો કરીને, પેમેન્ટ મેળવવા માટેનો ક્યુઆર કોડ તેના શિકારને મોકલે છે. શિકાર બનતી વ્યક્તિ આ પ્રકારે લેવડ-દેવડના અનુભવી ન હોય તો તે ઠગની જાળમાં ફસાઈને રકમ મેળવવાને બદલે ગુમાવી બેસે છે.
૧
ઠગ શિકારને વોટ્સએપ જેવી કોઈ રીતે કોડ મોકલે છે. પછી ફોન કરીને કોડ ગેલેરીમાં ડાઉનલોડ કરાવે છે.
૨
શિકાર, ઠગે સમજાવ્યા મુજબ પોતાની યુપીઆઇ એપ ઓપન કરી, તેમાં કોડ સ્કેનર ઓપન કરે છે.
૩
સ્કેનરમાં, ગેલેરીમાં સેવ થયેલો ક્યુઆર કોડ સિલેક્ટ કરવાનો વિકલ્પ મળે છે.
૪
ઠગ શિકારને ફોન પર વાતચીતમાં પરોવી રાખે છે. કોડની ઇમેજ સિલેક્ટ કરતાં તે સ્કેન થઈ જાય છે.
આ પ્રક્રિયા દરમિયાન, ઠગ સતત શિકારને ફોન પર ગૂંચવી રાખે છે. શિકાર માને છે કે પોતે પેમેન્ટ મેળવવા આ વિધિ કરી રહ્યા છે.
આ દરમિયાન, યુપીઆઇની સલામતી વ્યવસ્થા મુજબ, પેમેન્ટ કરવા માટે યુપીઆઇ પિન પૂછવામાં આવે છે, પણ શિકાર ગૂંચવણમાં હોવાથી, વધુ વિચાર્યા વિના પોતાનો પિન આપે છે, એટલે તેમના એકાઉન્ટમાંથી ઠગના એકાઉન્ટમાં રકમ ટ્રાન્સફર થઈ જાય છે!
યાદ રહે, રકમ મેળવવા કોઈ પિન આપવાનો હોતો નથી.
ક્યુઆર કોડ જેવા સ્પોટ કોડ
ગૂગલ પેમાં ક્યુઆર કોડ જેવા જ ‘સ્પોટ કોડ’નો ઉપયોગ શરૂ થયો છે. જેમ કે તમારી નજીકના કરિયાણા સ્ટોર તરફથી તમને તેના સ્પોટ કોડનું સ્ટીકર આપવામાં આવે, જેને તમે રસોડામાં કે ફ્રીઝ પર જ ચોંટાડી રાખો! કંઈ પણ ખૂટતું લાગે તો સ્પોટ કોડ સ્કેન કરવાનો અને ઓર્ડર મોકલી દેવાનો! આ પ્રકારના સ્પોટ કોડ ગૂગલ પે એપના લેટેસ્ટ વર્ઝનમાં મળી શકે છે.


