ગયા મહિને, સેમસંગ કંપનીએ ‘સેમસંગ ઝેડ ફ્લિપ’ નામે તેનો ફોલ્ડેબલ ફોન લોન્ચ કર્યો. કંપનીએ એ પહેલાં ગયા વર્ષે પણ ફોલ્ડ થઈ શકે તેવો ફોન રજૂ કર્યો હતો.
https://youtu.be/Sx9ibZLwVNE
તેની સાથોસાથ અગાઉ ફીચર ફોનના સમયે ‘મોટોરેઝર’ નામના ફોલ્ડેબલ ફોનથી ધૂમ મચાવનારી મોટોરોલા કંપની પણ ‘રેઝર’ નામે ફોલ્ડેબલ એન્ડ્રોઇડ સ્માર્ટફોન લોન્ચ કરી ચૂકી છે. અત્યાર સુધીના આ ફોલ્ડેબલ ફોન્સ ખાસ ગજું કાઢી શક્યા નથી, પણ સેમસંગ ઝેડ ફ્લિપથી આ સ્થિતિ બદલાય તેવી શક્યતા છે.
આ ફોનમાં વચ્ચેથી ફોલ્ડ કરતાં, લગભગ ચોરસ બની જાય છે, અને અનફોલ્ડ કરતાં, બિલકુલ રેગ્યુલર સ્માર્ટફોન જેવું જ પર્ફોર્મન્સ આપે છે. ભારતમાં તેની કિંમત એક લાખની ઉપર રહેવાની શક્યતા છે.
દરમિયાન ટીસીએલ નામની એક ચાઇનીઝ કંપની એવો ફોન વિકસાવી રહી છે જેમાં ઉપલા મુખ્ય સ્ક્રીનની નીચેથી બીજો સ્ક્રીન બહાર ખેંચી શકાશે. આ બીજો સ્ક્રીન બહાર નીકળ્યા પછી પહેલા સ્ક્રીનની સાથે જોડાઈને એક મોટા સ્ક્રીન જેવો અનુભવ આપશે કે કેમ તે વિશે હજુ બહુ સ્પષ્ટતા નથી.
