આપણો ચહેરો ઓળખી લેતી ફેસિયલ રેકગ્નિશન ટેકનોલોજી ફરી પાછી વિવાદમાં સપડાઈ છે. યુરોપિયન યુનિયને આ ટેકનોલોજી પર કામચલાઉ પ્રતિબંધ મૂકવાનો પ્રસ્તાવ રજૂ કર્યો છે અને તેને ગૂગલ તથા આલ્ફાબેટના સીઇઓ સુંદર પિચાઇએ પણ ટેકો આપ્યો છે.
આ સાથે યુરોપિયન યુનિયનનો આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના ઉપયોગ વિશે પણ ખાસ્સો કડક અભિગમ છે. યુરોપિયન યુનિયન આવતાં પાંચ વર્ષ સુધી જાહેર ક્ષેત્રોમાં ફેસિયલ રેકગ્નિશન ટેકનોલોજીના ઉપયોગ પર પ્રતિબંધ મુકવાનું વિચારે છે જેથી એટલા સમયમાં આ ટેકનોલોજીના દુરુપયોગને ટાળવા માટેનાં પગલાં વિચારી શકાય.
જોકે ટેકનોલોજી જગત આ મુદ્દે બે ભાગમાં વહેંચાઈ રહ્યું છે. સુંદર પિચાઇએ તેને ટેકો આપ્યો છે તો માઇક્રોસોફ્ટના પ્રેસિડેન્ટ બ્રેડ સ્મિથે એવો મત રજુ કર્યો છે કે કોઈ પણ ટેકનોલોજીનો દુરુપયોગ ટાળવા માટે તેનો સતત ઉપયોગ કરતા રહેવું છે, એ પણ બહુ મોટી સંખ્યામાં લોકો દ્વારા, જેથી તેમાં રહેલી ખામીઓ બહાર આવી શકે અને તેને સુધારી શકાય.

