ઓનલાઇન પેમેન્ટમાં છેતરપિંડીના કિસ્સા ખરેખર ચિંતાજનક રીતે વધી રહ્યા છે, ત્યારે એ જાણવા જેવું છે કે ફેસબુક અને ગૂગલ જેવી કંપનીના ઓફિસર્સ પણ હેકર્સની માયાજાળમાં ફસાઈ જાય છે!
ગયા અઠવાડિયે, ‘સાયબરસફર’ની ઓફિસમાં રાજકોટથી એક વાચકમિત્રનો ફોન આવ્યો. આપણે એમને ‘રમેશભાઇ’ તરીકે ઓળખીશું.
એમની વાતનો ટૂંક સાર કંઈક આવો છે…
રાજકોટમાં બન્યો સાયબરફ્રોડનો કિસ્સો
રમેશભાઇનાં પત્ની (એમને ‘નીતાબહેન’ કહીએ), જે હજી કોલેજમાં અભ્યાસ કરે છે, પતિને ઘરખર્ચમાં મદદરૂપ થઈ શકાય એ માટે નોકરી શોધતાં હતાં. આજકાલ સૌ કરે છે તેમ, નીતાબહેને ઓનલાઇન નોકરી શોધવાનો પણ પ્રયાસ કર્યો. તેમણે વિવિધ ઠેકાણે પ્રયાસ કર્યા, તેમાંથી કોઈએ તેમનો ફોન પર સંપર્ક કરીને કહ્યું કે ‘‘અમે તમને નોકરી શોધી આપીશું, પણ તમારે અમારા પોર્ટલનો રજિસ્ટ્રેશન ચાર્જ ભરવો પડશે.’’
આ ચાર્જ પચાસેક રૂપિયા જેવો નજીવો હતો. નીતાબહેને હા કહી. સામેની વ્યક્તિએ કહ્યું કે તેઓ ‘મોબિક્વિક’ એપનો ઉપયોગ કરતાં હોય તો તેના પર પેમેન્ટ લિંક મોકલે. નીતાબહેને હા કહી.
‘મોબિક્વિક’ પર લિંક આવી અને તેના પરથી પેમેન્ટ કરતાં, પચાસને બદલે થોડી વધુ રકમ ખાતામાંથી ઉપડી ગઈ. નીતાબહેનનું ધ્યાન ગયું એટલે તેમણે પેલી વ્યક્તિને ફરી ફોન કરી તેનું ધ્યાન દોર્યું. સામેની વ્યક્તિએ કહ્યું, ‘‘ચિંતા કરશો નહીં, કંઈક ભૂલ થઈ લાગે છે. અમે વધારાની રકમનું રીફંડ કરી આપીએ. તમારા ડેબિટ કાર્ડની વિગતો આપો.’’
નીતાબહેને રમેશભાઈને વાત કરી, એ પોતાના કામમાં વ્યસ્ત હશે કે બેધ્યાન હશે એટલે પોતાના ડેબિટ કાર્ડનો આખો નંબર, તેની એક્સ્પાયરી ડેટ અને પાછળનો સીવીવી નંબર આપ્યો, જે વિગતો નીતાબહેને ફોન પર પેલી વ્યક્તિને જણાવી (તમે આ બધું એક સાથે – અને એ પણ ફોન પર – કોઈને આપવાની ભૂલ ક્યારેય ન કરશો).
પછી, તમે સમજી ગયા હશો તેમ, સામેની વ્યક્તિએ કહ્યું કે ‘‘અમે વધારાની રકમ તમારા એકાઉન્ટમાં જમા કરીએ છીએ, એ માટે એક ઓટીપી આવશે, એ કહો!’’ ઓટીપી આવ્યો અને રમેશભાઈના ખાતામાંથી નવ હજાર જેવી રકમ ઉપડી ગઈ!
હદ તો ત્યારે થઈ કે ફરી પેલી વ્યક્તિનો સંપર્ક કરતાં, ફરી તેણે કહ્યું કે ‘‘પાછી ભૂલ થઈ! સુધારી લઈએ! નવો ઓટીપી આવશે, એ કહો.’’ નવો ઓટીપી આવ્યો, જણાવ્યો અને ખાતામાંથી બીજા દસેક હજાર રૂપિયા ઉપડી ગયા!
આ કિસ્સામાં, નીતાબહેન અને રમેશભાઈએ ત્રણ ભૂલ કરીઃ
- પહેલી વાર, ઓનલાઇન પેમેન્ટ કરતી વખતે, નિર્ધારિત રકમને બદલે વધુ રકમ ચૂકવાઈ રહી છે, તેના તરફ તેમનું ધ્યાન ગયું નહીં.
- એ ભૂલ સુધારવા માટે, બીજી ભૂલ કરી. ફોન પર પોતાના ડેબિટ કાર્ડની તમામ વિગતો આપી દીધી.
- રકમ ચૂકવવાની હોય ત્યારે જ ઓટીપી આપવો પડે, રકમ લેતી વખતે નહીં – આ પાયાનો નિયમ તેઓ ભૂલ્યા અને બે બે વાર ઓટીપી આપી દેવાની ભૂલ કરી.
રમેશભાઇએ નિખાલસતાથી કહ્યું કે ભૂલ તેમની થઈ છે. તેમણે બેન્કનો સંપર્ક કર્યો અને આગળનાં કાયદેસરનાં પગલાં પણ લીધાં, પણ રકમ પરત મળવાની શક્યતા ઓછી છે કેમ કે કાયદાની રીતે, આ બધાં ઓનલાઇન પેમેન્ટ ‘રમેશભાઇએ પોતાની મરજીથી, સમજી વિચારીને કર્યાં છે’. પેલી વ્યક્તિએ રમેશભાઇના ખાતામાં જેટલી રકમ હતી, બરાબર એટલી જ રકમ ઉપાડીને ખાતું ખાલી કર્યું, તેને એ રકમની ખબર કેમ પડી એ તપાસનો વિષય છે.
ઓનલાઇન લેવડદેવડ વખતે આપણે રકમ ચૂકવવાની હોય ત્યારે જ ઓટીપી આપવો પડે, રકમ લેતી વખતે નહીં – આ પાયાનો નિયમ હંમેશા યાદ રાખવા જેવો છે.
વાતના અંતે રમેશભાઈએ જે મુદ્દો ઉઠાવ્યો એ બહુ મહત્ત્વનો છે. એમણે કહ્યું કે ‘‘ઓનલાઇન પેમેન્ટ આંખના પલકારાની ઝડપે થાય છે અને આપણે જરા સરખી ગફલતમાં રહીએ તો ગણતરીની સેકન્ડમાં તો રકમ ખાતામાં જતી રહી છે. એવું કંઈક હોવું જોઈએ કે આપણે પેમેન્ટ કરીએ તે પછી એ રકમ અમુક નિશ્ચિત સમય સુધી સામેની વ્યક્તિના ખાતામાં જતી ન રહે અને આપણને ભૂલ સમજાય તો એ રકમ પરત ખેંચી શકીએ.’’
આ વાત ખરેખર મહત્ત્વની છે. અત્યારે થતાં ઓનલાઇન પેમેન્ટ છૂટેલાં તીર જેવાં છે. પાછાં વાળી ન શકાય. અલબત્ત, બધાં ઓનલાઇન પેમેન્ટ જોખમી નથી. આપણે વિશ્વાસપાત્ર વેપારી સાથે ઓનલાઇન વ્યવહાર કરી રહ્યા હોઈએ અને કંઈક ભૂલ થાય તો એ વેપારી પાસેથી રીફંડ મળી શકે છે (‘સાયબરસફર’નું લવાજમ ઓનલાઇન ભરનારા કેટલાક મિત્રોથી આવી ભૂલ થાય છે અને તેમને રીફંડ પણ મળે છે!) પણ જ્યારે સામેની પાર્ટીનો ઇરાદો જ આપણને શીશામાં ઉતારવાનો હોય ત્યારે ‘છૂટેલા તીરને પાછું વાળવાની વ્યવસ્થા’ બહુ મહત્ત્વની બની જાય છે.

નાણાકીય વ્યવસ્થામાં આ માટે ‘એસ્ક્રો એકાઉન્ટ’ નામની એક પદ્ધતિ છે. જેમાં બે પાર્ટી વચ્ચે રકમની લેવડ-દેવડ થાય ત્યારે વચ્ચેની ત્રીજી પાર્ટી ‘એસ્ક્રો એકાઉન્ટ’ તરીકે કામ કરે છે. એ નાણાં ચૂકવનાર પાસેથી રકમ લઈ પોતાની પાસે રાખે છે. જ્યારે નાણાં મેળવનાર પાર્ટી, જે શરતે તેણે રકમ લેવાની હોય તે પૂરી કરે અને નાણાં ચૂકવનાર એ શરત પૂરી થઈ હોવાનું કહે (જેમ કે ખરીદેલી પ્રોડક્ટ મળી ગઈ હોવાનું કહે) તે પછી જ એસ્ક્રો એકાઉન્ટમાંથી નાણાં મેળવનાર પાર્ટીના ખાતામાં રકમ જાય છે.
યુનિફાઇડ પેમેન્ટ ઇન્ટરફેસ (યુપીઆઇ) આધારિત વ્યવસ્થામાં બે વ્યક્તિના બેન્ક ખાતા વચ્ચે સીધી આપલે થતી હોવાથી એ ઝડપી અને સગવડભરી છે, પણ તેનો લેભાગુ લોકો લાભ ઉઠાવે છે.
અત્યારે બહુ મોટા પ્રમાણમાં વડીલો, ગૃહિણીઓ અને અન્ય લોકો ઓનલાઇન લેવડદેવડ કરવા લાગ્યા છે, પણ એની આંટીઘૂંટીઓની એમને પૂરતી સમજ ન હોવાથી, તેઓ સહેલાઈથી ઓનલાઇન ફ્રોડનો ભોગ બને છે.
ઉપલો કિસ્સો વાંચીને તમે એવું વિચારતા હો કે ‘‘નીતાબહેન અને રમેશભાઈએ દેખીતી ભૂલ કરી, આપણે હોઈએ તો આવું ન કરીએ’’ તો આ લેખના મૂળ મુદ્દા પર પહોંચીએ. આપણે પણ, પંદરસોનું પેટ્રોલ ભરાવ્યા પછી જો બેધ્યાન હોઈએ તો ઓનલાઇન પેમેન્ટ કરતી વખતે ૧૫૦ કે ૧૫૦૦૦નું પેમેન્ટ કરવાની ભૂલ કરી શકીએ છીએ.
લેખનો મૂળ મુદ્દો એ છે કે આપણે તો ઠીક, ખુદ ગૂગલ અને ફેસબુકના ઓફિસર્સ પણ સાયબરફ્રોડનો ભોગ બની શકે છે!
આવી કંપનીમાં કામ કરનારા લોકો તો આ બધી બાબતમાં સૌથી વધુ સ્માર્ટ હોવા જોઈએ, પણ બહાર આવેલી વિગતો અનુસાર, એક ઠગે આ બંને કંપની સાથે પણ ઓનલાઇન ફ્રોડ કરીને કંપનીના લાખો ડોલર સેરવી લીધા છે! આ કૌભાંડ કોઈ એકલ-દોકલ ઓનલાઇન ટ્રાન્ઝેક્શનથી નહીં, પણ લાંબો સમય ચાલેલા ખોટા વ્યવહારોથી થયું હતું.
ગૂગલ અને ફેસબુક બંને કંપનીએ સત્તાવાર રીતે કબૂલ્યું છે કે બંને કંપની કુલ મળીને ૧૨૦ મિલિયન એટલે કે ૧૨ કરોડ ડોલર (અંદાજે સાડા આઠસો કરોડ રૂપિયા!)ના કૌભાંડનો ભોગ બની છે.
એવું તે કેવું હતું આ કૌભાંડ?
ફેસબુક અને ગૂગલ સાથે સાયબરફ્રોડ
ગયા વર્ષે એટલે કે ૨૦૧૯ના માર્ચ મહિનામાં અમેરિકાનાં અખબારોમાં એક સમાચાર ચમક્યા કે લિથુએનિયા નામના એક યુરોપિયન દેશના એક નાગરિક પર, યુએસની બે ટેકનોલોજી કંપની સાથે ઈ-મેઇલ ફિશિંગ સ્કેમ કરીને બંને કંપની પાસેથી ૧૦૦ મિલિયન ડોલરની રકમ પોતાના નામે વાયર ટ્રાન્સફર (એટલે કે ઓનલાઇન પેેમેન્ટ) કરાવી છે.
એવલદાસ રિમાસૌસ્કાસ નામના અત્યારે ૫૦ વર્ષના થયેલા ભેજાબાજની માાર્ચ મહિનામાં લિથુએનિયામાં ધરપકડ થઈ હતી. યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ જસ્ટિસના જણાવ્યા અનુસાર, એ ભેજાબાજે વર્ષ ૨૦૧૩થી ૨૦૧૫ દરમિયાન આ કૌભાંડ ચલાવીને બંને કંપનીને છેતરી હતી (આ ઠગનું નામ બહુ અટપટું છે, લેખમાં આગળ આપણે તેને ‘ભેજાબાજ’ તરીકે જ ઓળખીશું!)

ત્યારે બંને કંપનીનાં નામ જાહેર થયાં નહોતાં, ફક્ત એટલું કહેવામાં આવ્યું હતું કે બંને યુએસ સ્થિત મલ્ટિનેશનલ કંપની છે અને એમાંની એક કંપની સોશિયલ મીડિયામાં અગ્રણી છે! ત્યારે યુએસ જસ્ટિસ ડિપાર્ટમેન્ટના અધિકારીઓએ કહ્યું હતું કે આ તો ટેક્નોલોજીની દૃષ્ટિએ ‘‘સૌથી સોફિસ્ટિકેટેડ, સૌથી સ્માર્ટ’’ ગણાતી કંપની માટે પણ ખતરાની ઘંટડી સમાન ઘટના છે.
એ પછીના મહિને, એપ્રિલ ૨૦૧૯માં અમેરિકાના એક અગ્રગણી મેગેઝિને તેના રિપોર્ટમાં કહ્યું કે આ સાયબરફ્રોડનો ભોગ બનનારી આ બંને કંપની કોઈ નાની-મોટી અમેરિકન કંપની નહીં, પણ ફેસબુક અને ગૂગલ છે! પેલા ઠગે આ બંને કંપનીના કર્મચારીઓને નિશાન બનાવી, તેમની પાસેથી કંપનીનાં નાણાં સેરવ્યાં હતાં.
આ બંને કંપની માટે તો, તેમના કર્મચારીઓ ચોર ન હોવા છતાં, કોઠીમાં મોં સંતાડીને રોવું પડે એવી સ્થિતિ સર્જાઈ ગઈ.
છેવટે ગૂગલે એક સ્ટેટમેન્ટમાં કહ્યું કે ‘‘અમારી વેન્ડર મેનેજમેન્ટ ટીમ સાથે આ ફ્રોડ થયો હોવાનું અમે પકડી પાડ્યું હતું અને તરત જ સત્તાવાળાઓને જાણ કરી. અમે ગુમાવેલાં નાણાં પરત મેળવ્યાં છે અને વાત ઉકલી ગયાનો અમનો આનંદ છે.’’
ગૂગલે એવો ફોડ ન પાડ્યો કે ખરેખર કેટલી રકમ ટ્રાન્સફર થઈ હતી અને તેમાંથી કેટલી રકમ તેને પરત મળી.
ગૂગલની જેમ ફેસબુકે પણ આવો કોઈ ફોડ ન પાડ્યો, તેના પ્રવક્તાએ મીડિયાને કહ્યું કે ‘‘આ ઘટનાના થોડા જ સમયમાં ફેસબુકે મોટા ભાગની રકમ પરત મેળવી છે અને કંપની તપાસ એજન્સીઓને તપાસમાં મદદ કરી રહી છે.’’
ફ્રોડ કેવી રીતે થયો?
સાયબરક્રિમિનલ્સનાં મગજ કેટલાં ધારદાર હોય છે એ સમજવા માટે આ આખું કૌભાંડ કેવી રીતે થયું એ જાણવા જેવું છે.
ફેસબુક અને ગૂગલના ‘સ્માર્ટ ઓફિસર્સ’ને શિશામાં ઉતારનારા લિથુએનિયાના ભેજાબાજે, પોતાના દેશના પડોશી દેશ લાટવિયામાં એક કંપની રજિસ્ટર કરાવી. તેણે કરામત એ કરી કે તેણે પોતાની આ કંપનીનું નામ એશિયાની અન્ય એક જાણીતી કમ્પ્યુટર હાર્ડવેર મેન્યુફેક્ચરર કંપનીના નામ જેવું જ રાખ્યું.
આ કંપની તાઇવાનની ક્વોન્ટા કમ્પ્યુટર હતી, જે સર્વરના કમ્પોનન્ટ્સ અને બીજા સંખ્યાબંધ પ્રકારના હાર્ડવેર બનાવે છે. ફેસબુક અને ગૂગલ કંપની આ અસલી કંપની સાથે નિયમિત રીતે બિઝનેસ કરતી હતી અને હાર્ડવેરના બદલામાં એ અસલી કંપનીને ફેસબુક-ગૂગલ તરફથી નિયમિત રીતે મલ્ટિ-મિલિયન ડોલરનાં પેમેન્ટ પણ થતાં હતાં.
પછી ભેજાબાજે પોતાની બનાવટી કંપનીના નામે સંખ્યાબંધ બેન્કમાં ખાતાં ખોલાવ્યાં. તેણે પોતાના દેશ લિથુએનિયા અને લાટવિયા ઉપરાંત, સાયપ્રસ, સ્લોવેકિયા, હંગેરી અને હોંગકોંગમાં જુદી જુદી બેન્ક્સમાં ખાતાં ખોલાવ્યાં હતાં.
ભેજાબાજ ખરેખર બહુ પહોંચેલી માયા હશે કેમ કે તેણે ફેસબુક-ગૂગલના કયા ડિપાર્ટમેન્ટના કયા ઓફિસર્સ પેલી અસલી એશિયન કંપની સાથે લેવડ-દેવડ સંભાળે છે તેની પૂરી ભાળ મેળવી હતી અને તેમનાં ઓફિશિયલ ઈ-મેઇલ એડ્રેસ પણ મેળવ્યાં.
પોતાના શિકાર પર બરાબર ફોકસ કર્યા પછી, ભેજાબાજે નકલી લેટર્સ, કોન્ટ્રેક્ટ્સ અને બિલ્સની એક જબરી માયાજાળ રચી. જેની મદદથી તેણે પોતે જેમાં ખાતાં ખોલાવ્યાં હતાં તે બેન્ક્સ અને ફેસબુક-ગૂગલ કંપનીના ઓફિસર્સને ઉઠાં ભણાવ્યાં.
ભેજાબાજે એ ઓફિસર્સને, અસલી એશિયન કંપનીના અધિકારીઓ અને એજન્ટ્સ તરફથી મોકલાયેલા લાગે, એવા બનાવટી ફિશિંગ મેઇલ્સ મોકલવાનું શરૂ કર્યું. ફેસબુક-ગૂગલના ઓફિસર્સે ક્યાં કાચું કાપ્યું એ તપાસનીશ સંસ્થાઓ ખોદી કાઢશે તોય આપણને ક્યારેય જણાવવામાં નહીં આવે, પણ ભેજાબાજના નકલી કોન્ટ્રાક્ટ્સ, બિલ્સ અને ઈ-મેઇલ્સના જવાબમાં, બંને કંપનીના ઓફિસર્સે, ભેજાબાજના એકાઉન્ટમાં રકમની ચુકવણી કરવાનું ચાલુ કર્યું, જે તેણે અલગ અલગ બેન્ક ખાતામાં ટ્રાન્સફર કર્યાં.
આવી ચૂકવણી પૂરાં બે વર્ષ સુધી ચાલતી રહી અને જગતની સૌથી સ્માર્ટ ગણાતી બે દિગ્ગજ કંપનીના, સ્માર્ટ હોવા જોઈતા ઓફિસર્સ છેતરાતા રહ્યા. એ ઓફિસર્સમાંથી કોઈ આખા કૌભાંડમાં સંડોવાયેલ હોય એવું પણ બની શકે. છતાં, બંને કંપનીની સિસ્ટમ એટલી કાચી તો ખરી જ કે તેમના નાક નીચે આ કૌભાંડ બે વર્ષ સુધી ચાલતું રહ્યું.
આ આખી વાત કેવી રીતે બહાર આવી, ભેજાબાજ કેવી રીતે ઝડપાયો એ વિશે ઝાઝી સ્પષ્ટતા મળતી નથી. ફક્ત એટલું સ્પષ્ટ છે કે આખી વાતને ફેસબુક અને ગૂગલે સત્તાવાર રીતે સ્વીકારી છે અને યુએસના ડિપાર્ટમેન્ટ ઓફ જસ્ટિસે પણ સત્તાવાર રીતે કૌભાંડની મુખ્ય વિગતો પ્રસિદ્ધ કરી છે. ભેજાબાજને અમેરિકન અદાલતે ડિસેમ્બર ૨૦૧૯માં પાંચ વર્ષની જેલની સજા કરી છે. તેના વકીલના કહેવા અનુસાર ભેજાબાજની ભૂમિકા માત્ર વિવિધ બેન્ક ખાતાં ખોલવાની હતી.
બધી હકીકતો કદાચ ક્યારેય બહાર નહીં આવે, પણ યુએસ જસ્ટિસ ડિપાર્ટમેન્ટના જણાવ્યા અનુસાર આ કેસ તમામ કંપની માટે ચેતવણી સમાન છે – ટેક્નોલોજી કંપની પણ સાયબરક્રિમિનલ્સના ફિશિંગ એટેકનો ભોગ બની શકે છે.
યુએસના અધિકારીઓ એમ પણ કહે છે કે આ કેસ સાયબરક્રિમિનલ્સ માટે પણ ચેતવણી સમાન છે કેમ કે ભેજાબાજ છેવટે ઝડપાઈ ગયો અને મોટા ભાગની રકમ પરત પણ મેળવી શકાઈ છે, મતલબ કે ચોરની ચાર આંખ હોય છો પોલીસની આઠ આંખ ને હાથ છે. આ દાવામાં કેટલી સચ્ચાઈ છે એ કહેવું મુશ્કેલ!
આપણે માટે આખી વાતનો સાર એ છે કે રાજકોટનાં નીતાબહેન-રમેશભાઈ હોય કે પછી ફેસબુક-ગૂગલના ઓફિસર્સ, સૌ કોઈ સાયબરફ્રોડનો ભોગ બની શકે છે, જો આપણે ગફલતમાં રહીએ તો!
કઈ રીતે થાય છે બિઝનેસ ફ્રોડ?
૧. શિકાર વિશે રિસર્ચ
એકલદોકલ હેકરને બદલે હેકર્સ ગ્રૂપ સક્રિય થાય છે. એ કોઈ બિઝનેસને નિશાન બનાવી, એ કંપની તથા તેના એક્ઝિક્યુટીવ્સ વિશે વિવિધ ઓનલાઇન સોર્સમાંથી શક્ય એટલી વધુ માહિતી મેળવીને તેમના વિગતવાર પ્રોફાઇલ બનાવે છે.
૨. બનાવટી મેઇલ્સ
મોટા ભાગે ફાયનાન્સ ડિપાર્ટમેન્ટના ઓફિસર્સને નિશાન બનાવીને તેમને બનાવટી ઈ-મેઇલ્સ અને ઇનવોઇસ મોકલવામાં આવે છે. આવા ઈ-મેઇલ્સમાં કોઈને કોઈ રીતે પેમેન્ટ તાકિદી કરવું જરૂરી હોવાનું કહેવામાં આવે છે.
૩. ઓનલાઇન પેમેન્ટ્સ
નિશાન બનનાર ઓફિસર એવું માને છે કે પોતે પોતાના બોસની સૂચનાથી કે વિશ્વાસપાત્ર વેન્ડર સાથે ડીલ કરી રહ્યા છે. પરિણામે તેઓ ઈ-મેઇલમાં જણાવવામાં આવેલી વિગતો મુજબ રકમ ઓનલાઇન ટ્રાન્સફર કરી નાખે છે.
૪. રકમ સગે વગે!
આ રકમ જે તે અસલી કંપનીના એકાઉન્ટને બદલે હેકર ગ્રૂપના બેન્ક એકાઉન્ટસમાં પહોંચે છે.
હેકર્સે પહેલેથી આખા વિશ્વમાં બેન્ક ખાતાનું જાળું ઊભું કર્યું છે, રકમ બનાવટી કંપનીના ખાતામાં આ બધાં ખાતાંઓમાં વહેંચાઈ જાય છે.
શું થાય છે અને શું ધ્યાન રાખવું?
- સમગ્ર વિશ્વમાં બનાવટી બિઝનેસ ઈ-મેઇલની મદદથી નાની અને મોટી કંપની તથા સંસ્થાઓ અને સ્કૂલ્સ કે સ્વૈચ્છિક સંસ્થાઓને નિશાન બનાવતા ફ્રોડ સતત વધી રહ્યા છે.
- તેમાં બનાવટી ઈ-મેઇલ્સની જૂની ટ્રિક અજમાવવામાં આવે છે પરંતુ સાયબર ક્રિમિનલ્સ હવે આ કામ એટલી સિફતથી કરે છે કે મોટી મોટી કંપનીના ભલભલા પ્રોફેશનલ્સ પણ તેમની જાળમાં ફસાઈ જાય છે.
- અમેરિકન એફબીઆઈના ઇન્ટરનેટ ક્રાઈમ કમ્પ્લેઇન સેન્ટરના આંકડા અનુસાર જાન્યુઆરી ૨૦૧૫થી ફેબ્રુઆરી ૨૦૧૭ સુધીમાં આ પ્રકારના અને જાણમાં આવેલા કિસ્સાઓમાં કુલ ૩ અબજ ડોલરના ફ્રોડ થયા છે. માત્ર આ બે વર્ષમાં ફ્રોડથી થતા નુકસાનમાં ૧૩૦૦ ટકાનો વધારો થયો છે.
- સામાન્ય રીતે કંપનીના સીઇઓ જ્યારે ઓફિસથી દૂર હોય ત્યારે તેમના નામે કંપનીના એકાઉન્ટન્ટ કે અન્ય અધિકારીને બનાવટી ઈ-મેઇલ મોકલીને કોઈ વિશ્વાસપાત્ર વેન્ડરને નામે તાત્કાલિક રકમ ટ્રાન્સફર કરવાનું કહેવામાં આવે છે.
- આ વેન્ડરને અગાઉ પણ રકમ મોકલવામાં આવી હોવાથી કંપનીના અધિકારી સીઇઓનો ‘આદેશ’ માનીને રકમ મોકલી આપે છે, જે હેકરના એકાઉન્ટમાં પહોંચે છે.
- આવા ફ્રોડથી બચવાનો સૌથી સામાન્ય ઉપાય માત્ર ઈ-મેઇલથી આવેલા ઇન્વોઇસ પર ભરોસો ન કરવાનો છે.
- તમારા પર નિયમિત રીતે આવતા મેઇલ્સને ઓટોમેટિક ફિલ્ટર કરવાનું સેટિંગ કરવામાં આવે તો ભળતા નામથી આવતા ઈ-મેઇલને સહેલાઇથી ઓળખી શકાય છે.

