કોરોના વાઇરસનો પ્રસાર આપણા માટે એક તક છે – જીઆઈએસ અને મેપ્સ આધારિત ડેટા વિઝ્યુઅલાઇઝેશન કેવી રીતે કામ કરે છે તે સમજવાની તક!
છેલ્લા થોડા સમયથી આખા વિશ્વમાં જે ઝડપે કોરોના વાઇરસ ફેલાઈ રહ્યો છે, તેના કરતાં વધુ ઝડપે કોરોના વાઇરસનો ભય ફેલાઈ રહ્યો છે!
ભયને માપવો તો અશક્ય છે, પણ આજના ટેકનોલોજીના યુગમાં કોરોના વાઇરસ કેટલા પ્રમાણમાં અને કેટલી ઝડપે ફેલાઈ રહ્યો છે, તેની કેવી અસર થઈ રહી છે વગેરે માપવું જરૂર શક્ય છે.
સમગ્ર વિશ્વમાં વિમાન પરિવહનની સલામતી, કાર્યક્ષમતા અને પર્યાવરણીય બાબતોની સુરક્ષા માટેનાં ધોરણો તૈયાર કરવા માટે યુનાઇટેડ નેશન્સ દ્વારા એક એજન્સી સ્થાપવામાં આવી છે, જેનું નામ છે – ઇન્ટરનેશનલ સિવિલ એવિએશન ઓર્ગેનાઇઝેશન (આઇસીએઓ). આ સંસ્થા અને તેની સહયોગી સંસ્થાઓ માટે વિવિધ પ્રકારના જિઓગ્રાફિકલ ઇન્ફર્મેશન સિસ્ટમ (જીઆઇએસ) નામની ટેકનોલોજીથી તૈયાર થતા મેપ્સ વિકસાવવામાં આવે છે.
આ સંસ્થાએ ચીનના હવે કુખ્યાત થઈ ગયેલા વુહાન શહેરમાંથી એર ટ્રાફિક રૂટ્સ દ્વારા વિશ્વમાં કોરોના વાઇરસ કેવી રીતે પ્રસરી રહ્યો છે તે દર્શાવતો એક થ્રીડી જીઆઇએસ મેપ તૈયાર કર્યો છે. આને આપણે નવા પ્રકારનું ‘ડેટા વિઝ્યુઅલાઇઝેશન’ પણ કહી શકીએ. મેપની વિગતોમાં આગળ વધતાં પહેલાં, આ બે શબ્દો ‘ડેટા વિઝ્યુઅલાઇઝેશન’ અને ‘જીઆઇએસ મેપ’ અજાણ્યા લાગ્યા હોય તો વિશે થોડું જાણી લઈએ.
ડેટા વિઝ્યુઅલાઇઝેશન શું છે?
‘સાયબરસફર’માં આપણે અગાઉ વાત કરી ચૂક્યા છીએ તેમ ડેટા વિઝ્યુઅલાઇઝેશન એક ગજબનું વિજ્ઞાન છે.
આજની ડિજિટલ દુનિયામાં જુદી જુદી અનેક બાબતો વિશે હવે જુદા જુદા અનેક સ્રોતમાંથી પાર વગરનો ડેટા મળતો હોય છે, પરંતુ આ ડેટાનું પ્રમાણ એટલું બધું વધુ હોય છે કે તેને બરાબર સમજવો મુશ્કેલ બની જાય. ડેટા પૂરેપૂરો સમજાય નહીં તો યોગ્ય સાર તારવીને આગળના પગલાં લેવાં પણ મુશ્કેલ બની જાય.
ડેટા વિઝ્યુઅલાઇઝેશન આ સ્થિતિમાં આપણી મદદે આવે છે. તેમાં વિવિધ પ્રકારના ડેટાને જુદી જુદી ઘણી રીતે વિઝ્યુઅલાઇઝ કરીને, ફક્ત આંકડાને બદલે દૃશ્ય કે ચિત્રના સ્વરૂપમાં આપણી સમક્ષ મૂકવામાં આવે છે જેને કારણે ડેટામાંથી કંઈક અર્થ તારવવો ઘણો સરળ બની જાય છે.
અમુક ખાસ પ્રકારના ડેટા વિઝ્યુઅલાઇઝેશનમાં ડિજિટલ મેપ્સની ભૂમિકા બહુ નિર્ણાયક હોય છે કેમ કે તેમાં નર્યા, કોરા આંકડાને નકશા પર મૂકતાંની સાથે આ ડેટામાં જાણે જીવ આવે છે!
જીઆઇએસ મેપ શું છે?
ઉપર કહ્યું તેમ ડેટા વિઝ્યુઅલાઇઝેશન માટે ડિજિટલ મેપ્સ અને ડેટાને એકમેક સાથે સાંકળતાં ડેટામાંથી અનેક નવા અર્થો તારવી શકાય છે. આ માટે જીઆઇએસનો ઉપયોગ કરવામાં આવે છે. જીઆઇએસનો આપણા રોજિંદા જીવનને સ્પર્શતાં અનેક ક્ષેત્રોમાં ઉપયોગ થાય છે.
જીઆઇએસ શું છે એ સમજવા માટે આપણે એકમેક પર ગોઠવેલા જુદા જુદા પારદર્શક કાચના લેયર્સની કલ્પના કરી શકીએ. આમાંથી એક લેયર ડિજિટલ મેપનું બનેલું હોય અને બીજાં જુદાં જુદાં લેયર્સમાં, જે તે લોકેશન માટે સંબંધિત અલગ અલગ પ્રકારનો ડેટા હોય.
આ લેયર્સમાંથી આપણે ઇચ્છીએ તે લેયરને ચાલુ કે બંધ કરી શકીએ. આથી લોકેશન અને તેને સંબંધિત જુદા જુદા પ્રકારના ડેટાને નવી નજરે જોવાની તક મળે છે. જેમ કે શહેરોમાં જુદા જુદા વિસ્તારોના નક્શા પર એ વિસ્તારની વસતિ, શૌચાલયોની સંખ્યા, બીમારીનું પ્રમાણ વગેરે ડેટા દર્શાવતા લેયર્સને કારણે, શૌચાલય ઓછાં હોય તો બીમારી વધે છે તે આધારભૂત રીતે જાણી શકાય!
કોરોના વાઇરસનો ફેલાવો દર્શાવતો જીઆઇએસ મેપ
તમે સ્માર્ટફોનમાં કે પીસીમાં ICAO Coronavirus 3DFX dispersion સર્ચ કરશો એટલે આ મેપ પર તમે પહોંચશો. આમ તો આ નકશો નિષ્ણાતો માટે બનેલો છે એટલે સામાન્ય નાગરિક તરીકે આપણે તેને સમજવો મુશ્કેલ છે, પણ મેપ પર ડાબી તરફ આપેલા સર્ચ બોક્સમાં આપણું સ્થળ, જેમ કે ‘અમદાવાદ’ લખતાં પૃથ્વીનો ગોળો અમદાવાદ પર સ્થિર થશે અને ત્યાંથી મેપને આંગળી કે માઉસથી રોટેટ કરીને આપણે ચીન, ભારત વગેરે બધું દેખાય એવો વ્યૂ સેટ કરી શકીશું.
મેપમાં ઉપરની તરફ આપેલા મેનૂમાં લિજન્ડ પર ક્લિક કરતાં આપણે જોઈ શકીશું કે જાંબલી રંગ જુદા જુદા દેશ મુજબ નોંધાયેલા કેસની સંખ્યા દર્શાવે છે, લાલ રંગ કન્ફર્મ થયેલા કેસની સંખ્યા દર્શાવે છે અને લીલો રંગ મૃત્યુની સંખ્યા દર્શાવે છે. એ પછી આપણે જુદાં જુદાં લેયર પસંદ કરીને તેને ઓન કે ઓફ કરી શકીએ છીએ. એ મુજબ નકશા પરનું વિઝ્યુઅલાઇઝેશન અને જોવા મળતો ડેટા બદલાશે.
આગળ કહ્યું તેમ આ નકશો નિષ્ણાતો માટે તૈયાર થયો હોવાથી આપણે સમજવો મુશ્કેલ છે પરંતુ જીઆઇએસ શું છે અને તેની મદદથી ડેટા વિઝ્યુઅલાઇઝેશન કેવી રીતે કરવામાં આવે છે એ સમજવામાં આ મેપ ખાસ્સો ઉપયોગી થશે. તમારા સ્માર્ટફોન કે પીસીની ક્ષમતા ઓછી હશે તો આ મેપ ઓપન થવામાં ખાસ્સી વાર લાગી શકે છે.

