આપણા દેશમાં દુર્ભાગ્યે દુષ્કર્મોના બનાવો સતત વધતા હોવાથી દરેક યુવતી, કિશોરી કે તેના માબાપ અસલામતી અનુભવે એ સ્વાભાવિક છે. ટેકનોલોજીની મદદથી આ અસલામતી કંઈક અંશે ઓછી કરી શકાય છે.
ગૂગલ મેપ્સમાં આપણે પોતાનું લાઇવ લોકેશન નિકટના સ્વજન સાથે શેર કરી શકીએ છીએ અને એ સુવિધાની મદદથી જ્યારે દિકરી બહારથી ઘરે પાછી ફરી રહી હોય ત્યારે મમ્મી પોતાના સ્માર્ટફોન પર તે ક્યાં પહોંચી તે તપાસી શકે છે. કેબમાં મુસાફરી કરતી વખતે આપણી કેબ નિર્ધારિત રૂટને બદલે બીજા રસ્તે જાય તો આપણને અને નિકટના સ્વજનને તરત એલર્ટ મળે એ સુવિધા પણ તેમાં ઉમેરાઈ ગઈ છે. આ બંને સુવિધા વિશે આપણે ‘સાયબરસફર’માં અગાઉ વાત કરી ગયા છીએ.
ગૂગલ મેપ્સમાં હવે વધુ એક સલામતી સુવિધા ઉમેરાઈ રહી છે. જે રીતે આપણે કયા રસ્તા પર ટ્રાફિકનું પ્રમાણ કેટલું છે એ મેપ્સ પર જોઈ શકીએ છીએ એ જ રીતે થોડાં સમયમાં મોડી સાંજ કે રાતના સમયે, ખાસ કરીને ચાલતાં જતી વખતે આપણે જે રસ્તે જવાનું હોય તે શેરીમાં પૂરતું અજવાળું છે કે નહીં એ પણ ગૂગલ મેપ્સ પર જોઈ શકાશે.
આ ફીચર હજી લાઇવ નથી અને બિટા વર્ઝનમાં છે, પણ ટૂંક સમયમાં લાઇવ થાય તેવી સંભાવના છે. તેનો લાભ લેવા માટે તમારા સ્માર્ટફોનમાં ગૂગલ મેપ્સ એપનું લેટેસ્ટ વર્ઝન હોવું જરૂરી બનશે.

