(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

હવે વોટ્સએપ એપમાં મેસેજ સાથે રૂપિયાની આપલે!

આખરે વોટ્સએપમાં યુપીઆઈ આધારિત પેમેન્ટ્સ વ્યવસ્થા શરૂ થઈ ગઈ છે. અત્યારે 2 કરોડ યૂઝર્સ માટે શરૂ થયેલી આ સર્વિસ આપણા રોજિંદી લેવડદેવડમાં મોટો ભાગ ભજવશે – આવો જાણીએ તેનાં બારીક પાસાં.

લગભગ અઢી વર્ષ સુધીની રાહ પછી વોટ્સએપમાં યુનિફાઇડ પેમેન્ટ્સ ઇન્ટરફેસ (યુપીઆઇ) આધારિત પેમેન્ટ સર્વિસ શરૂ થઈ ગઈ છે. એટલે હવે આ એપમાં, ગુડ મોર્નિંગની ઇમેજીસ કે ઇમોજીસની જેમ જ, રૂપિયાની આપલે પણ સાવ સરળ થઈ ગઈ છે.

જો તમે વોટ્સએપની પેમેન્ટ સર્વિસ સાથે તમારું બેન્ક એકાઉન્ટ કનેક્ટ કરો તો પછી તેમાં રૂપિયા મેળવવા માટે કશું જ કરવાનું નથી, ફક્ત રૂપિયા મોકલનારને તમારો મોબાઇલ નંબર કહેવાનો છે.

સામે પક્ષે, તમારે કોઈને રૂપિયા મોકલવા હોય અને એ વ્યક્તિએ પણ વોટ્સએપ પેમેન્ટ સર્વિસ સાથે પોતાનું બેન્ક એકાઉન્ટ કનેક્ટ કર્યું હોય તો તેને રૂપિયા મોકલવા માટે આપણે ફક્ત આપણો યુપીઆઇ પિન આપવાનો રહેશે. પછી, કૌન બનેગા કરોડપતિમાં બચ્ચનજી કહે છે એમ, ‘‘બસ ક્લિક કિયા ઔર હો ગયા!’’

ભારતમાં છેલ્લાં ચાર વર્ષમાં બેન્કિંગ વ્યવસ્થામાં જેટલાં પરિવર્તનો આવ્યાં છે, એટલાં એ પહેલાંનાં ૪૦ વર્ષમાંય આવ્યાં નહોતાં. એમાં પણ, યુપીઆઇ અને તેમાંય વોટ્સએપમાં યુપીઆઇથી પેમેન્ટ – એ આખી બાબતમાં જબરજસ્ત ગેમચેન્જર સાબિત થાય તેમ છે.

વોટ્સએપમાં યુપીઆઇથી રકમની લેવડદેવડ અત્યંત સહેલી બની છે, ફક્ત તેનાં વિવિધ પાસાં સમજી લેવાં જરૂરી છે, જેથી કોઈ ફ્રોડનો ભોગ ન બનવું પડે!

વોટ્સએપમાં મેસેજની જેમ રૂપિયાની લેવડદેવડ વિશેના આ સમાચાર જાણ્યા પછી તમારા મનમાં ઘણા સવાલો રમવા લાગ્યા હશે, જેમ કે…

રોજબરોજ સૌને ગુડ મોર્નિંગ કહેવા અને જાતભાતના મેસેજ, ઇમેજ, વીડિયો ફોરવર્ડ કરવા માટે તો વોટ્સએપ ઠીક છે, પણ રૂપિયાની લેવડદેવડ માટે તેનો ભરોસો કરાય? એ સલામત હશે?

વોટ્સએપમાં પેમેન્ટ ફીચરનો ઉપયોગ કેવી રીતે કરાય?

એ તો ઠીક, આ યુપીઆઇ પોતે એક્ઝેક્ટલી શું છે?

યુપીઆઇના નામે કેટલાય લોકો છેતરાતા હોય છે, એમ વોટ્સએપમાં પણ કેટલીય બનાવટી, તરકટી લિંક્સ ફરતી હોય છે – આમાં યુપીઆઇ અને વોટ્સએપ બંને ભેગાં થાય તો એ તો વધુ જોખમી નહીં?


કોઈ પણ યુપીઆઈ એપમાં સલામત રીતે લેવડ-દેલડ કરવા માટે ફક્ત આટલું યાદ રાખો – રકમ મોકલવા માટે પોતાનો યુપીઆઈ પિન આપવો પડે, રકમ મેળવવા માટે નહીં. – ક્યારેય નહીં.

અહીં આપણે વોટ્સએપમાં તેનો ઉપયોગ કેવી રીતે કરવો તેનાં પગલાં સમજી લઈએ., બાકીના બધા સવાલોના જવાબ આગળના, યુપીઆઇ વિશેના અલગ લેખમાં આપ્યા છે.  વર્ષ ૨૦૧૮માં વોટ્સએપમાં મર્યાદિત લોકો માટે, યુપીઆઇ આધારિત પેમેન્ટ્સ સર્વિસ લોન્ચ થઈ ત્યારે ‘સાયબરસફર’ના જુલાઈ, ૨૦૧૮ અંકમાં તે વિશે વિગતવાર માહિતી આપવામાં આવી હતી. હવે નવા વાચકો માટે તથા આ બાબત સૌને અત્યંત ઉપયોગી બનવાની સાથોસાથ, નાણાકીય સલામતીની  બાબતે પણ સમજવી જરૂરી હોવાથી, આ અંકમાં તેની અને યુપીઆઇ વિશે ફરી વાત કરી છે.

વોટ્સએપમાં પેમેન્ટનો ઉપયોગ

આ માટેનાં પગલાં જાણતાં પહેલાં, એક વધુ જરૂરી સવાલ પર ચર્ચા કરી લઈએ – વોટ્સએપમાં પેમેન્ટનો ઉપયોગ શા માટે?! જો તમે યુપીઆઇથી પરિચિત હો અને તેની અન્ય કોઈ એપનો ઉપયોગ કરતા હો, તો સામાન્ય રીતે, તમારે વોટ્સએપમાં પણ તેનો ઉપયોગ કરવાની જરૂર પડશે નહીં. બીજી એપથી તમારું કામ ચાલી જ જશે. મોબાઇલ કે અન્ય સર્વિસનું રિચાર્જ, ટિકિટ બુકિંગ, ઓનલાઇન શોપિંગ, અન્ય બિલ પેમેન્ટ વગેરે માટે તમારી પોતાની બેન્કની કે ગૂગલપે, પેટીએમ કે ફોનપે જેવી અન્ય યુપીઆઇ એપ અત્યારે વધુ ઉપયોગી છે. વોટ્સએપમાં વ્યક્તિથી-વ્યક્તિના પેમેન્ટ સિવાયના પેમેન્ટ વિશે અત્યારે ખાસ સ્પષ્ટતા નથી.

હા, જો તમારે વોટ્સએપ કોન્ટેક્ટ્સમાં વારંવાર રૂપિયાની આપલે કરવાની થતી હોય તો તમારે માટે વોટ્સએપ પેમેન્ટ ઉપયોગી છે. ઉપરાંત, વિવિધ દુકાને ક્યૂઆર કોડ સ્કેન કરીને યુપીઆઇથી પેમેન્ટ કરવાની સગવડ વોટ્સએપમાં છે, એટલે એ રીતે પણ તે ઉપયોગી છે. તો આટલી પૂર્વભૂમિકા સાથે, વોટ્સએપમાં પેમેન્ટનો ઉપયોગ સમજીએ.

  • તમારા સ્માર્ટફોનમાં વોટ્સએપ ચાલુ કરો અને તેના સેટિંગ્સમાં જાઓ.
  • સેટિંગ્સમાં ‘પેમેન્ટ્સ’નો વિકલ્પ દેખાય છે? જો દેખાતો હોય તો તમે ‘લાખોં મેં એક નહીં’, બે કરોડ લોકોમાંના એક છો! છેલ્લાં દોઢ-બે વર્ષથી વોટ્સએપમાં ૧૦ લાખ લોકોને પેમેન્ટની સુવિધા મળી હતી. હવે ૨ કરોડ લોકોને મળી છે, પરંતુ વોટ્સએપના કુલ યૂઝર્સ ભારતમાં જ ૪૦ કરોડ છે!) શક્ય છે કે તમારે વોટ્સએપ એપ અપડેપ કરવી પડે.
  • એ પછી ‘પેમેન્ટ્સ’ ક્લિક કરતાં, તમારું શરતો સ્વીકારીને યુપીઆઇ માટે બેન્ક એકાઉન્ટ લિંક કરવાનું બટન જોવા મળશે. તેમાં યુપીઆઈમાં સંકળાયેલી બેન્ક્સની યાદી જોવા મળશે. તમારું ખાતું અને વોટ્સએપવાળો મોબાઇલ નંબર જે બેન્કમાં આપ્યો હોય તે પસંદ કરો. સિસ્ટમ એસએમએસની આપલેથી નંબર વેરિફાય કરશે.
  • વોટ્સએપમાં તમારું યુપીઆઇ આઇડી બની જશે (એ જરા અટપટું બનશે, પણ તમારે તેને યાદ રાખવાની જરૂર નથી, લોકો તમારા વોટ્સએપ નંબરથી જ તમને પેમેન્ટ મોકલી શકશે).
  • આટલું કરવાથી બીજી કોઈ વ્યક્તિ આપણને રકમ મોકલી રહી હોય તો તે રકમ વોટ્સએપ દ્વારા સીધી જ આપણા બેન્ક ખાતામાં જમા થશે.
  • હવે વોટ્સએપમાંથી, પેમેન્ટ્સ દ્વારા આપણા બેન્ક ખાતામાંથી કોઈને રકમ મોકલવી પણ હોય તો એ માટે, એ ખાતા માટેનો યુપીઆઇ પિન જોઈશે. જો તમે એ જ બેન્ક ખાતા અને મોબાઇલ નંબરથી અન્ય કોઈ યુપીઆઇ એપમાં યુપીઆઇ વ્યવસ્થાનો લાભ લેતા હશો તો બીજી કોઈ વિધિ કરવાની જરૂર રહેશે નહીં.
  • એ બેન્ક ખાતા માટે તમે અગાઉ કોઈ એપમાં યુપીઆઇ પિન સેટ કર્યો હોય, તો તેનો જ વોટ્સએપમાં પણ ઉપયોગ કરીને પેમેન્ટ કરી શકાશે.
  • જો તમે વોટ્સએપમાં એ બેન્ક ખાતાને પહેલી વાર યુપીઆઇ સાથે કનેક્ટ કરી રહ્યા હો, તો તેને માટે નવો યુપીઆઇ પિન સેટ કરવા બેન્ક ડેબિટ કાર્ડના છેલ્લા છ અંક અને એક્સ્પાયરી મંથ/યર જણાવવાનાં રહેશે (અમુક બેન્ક ડેબિટ કાર્ડનો એટીએમ પિન પણ પૂછશે). બધું બરાબર હશે તો આપણે નવો યુપીઆઇ પિન જનરેટ કરી શકીશું. આ વિધિ એક વાર કરવાની છે. યુપીઆઇ પિન જનરેટ કર્યા પછી, આપણે માત્ર તેને કાયમ માટે યાદ રાખવાનો છે. યુપીઆઇ પિન બદલવો હોય ત્યારે આ જ વિધિ ફરી કરવાની હોય છે.
  • આટલું થતાં, વોટ્સએપમાં આપણું પેમેન્ટ્સ એકાઉન્ટ રકમ લેવા અને મોકલવા માટે તૈયાર છે!
  • હવે કોઈ પણ વ્યક્તિને રકમ મોકલવા, રોજિંદા મેસેજની જેમ એ વ્યક્તિનું નામ/નંબર શોધો અને મેસેજ બોક્સમાં એટેચમેન્ટ પર ક્લિક કરો. તેમાં પેમેન્ટનો વિકલ્પ જોવા મળશે, તે પસંદ કરો.
  • પેમેન્ટની રકમ લખ્યા પછી, મેસેજ બોક્સમાં કોઈ પણ મેસેજ ઉમેરી શકો છો. ઉપરની બાજુ, તમે કોને અને તમારા કયા બેન્ક ખાતામાંથી રકમ મોકલી રહ્યા છો તે જોઈ શકાશે.
  • મેસેજ સેન્ડ કરતાં, યુપીઆઇ પિન પૂછવામાં આવશે. તે આપતાં, રકમ તરત ટ્રાન્સફર થશે.
  • ચેટમાં રકમના મેસેજ પર ક્લિક કરતાં, તેનું સ્ટેટસ જાણવા મળશે અને તમે કયા એકાઉન્ટથી, કોને કઈ તારીખે રકમ મોકલી તે જોઈ શકાશે.
  • એ સિવાય, તમે ઇચ્છો ત્યારે સેટિંગ્સમાં પેમેન્ટ્સ વિકલ્પમાં પણ તમારી સમગ્ર પેમેન્ટ હિસ્ટ્રી અને ટ્રાન્ઝેક્શન આઇડી જોઈ શકશો (જો કોઈ પ્રોબ્લેમ થાય તો તે બેન્કને આપવી જોઈશે).
  • આ રીતે, કોઈની પાસેથી વોટ્સએપમાં રકમ મગાવવી હોય તો તેની રકમ સાથેની રિક્વેસ્ટ મોકલી શકાશે. આ કિસ્સામાં સામેની વ્યક્તિ પોતાનો યુપીઆઇ પિન એપને આપીને, આપણી રિક્વેસ્ટ સ્વીકારશે, એટલે કે આપણને વોટ્સએપમાં રકમ મોકલશે, જે સીધી આપણા બેન્ક ખાતામાં જશે!
  • વોટ્સઅપમાં મેસેજીસની ભરમાર થતી હોવાથી, આવી પેમેન્ટ રિક્વેસ્ટ તરફ ખાસ ધ્યાન આપશો. તમે તેને ક્લિક કરી, યુપીઆઇ પિન આપશો તો તરત જ તમારા ખાતામાંથી રકમ જશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!