(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

હથેળીમાં બ્રહ્માંડદર્શન કરાવતી એપ!

ગયા મહિને અવકાશમાં એક રોમાંચક ઘટના સર્જાઈ – કંકણાકૃતિ સૂર્યગ્રહણ અથવા કહો કે ‘રિંગ ઓફ ફાયર’ સોલર ઇકલિપ્સ! કોરોના વાઇરસના પ્રસારે પૃથ્વી પરનું રોજિંદું જીવન તદ્દન અસ્તવ્યસ્ત કરી નાખ્યું છે, પણ ઉપર અવકાશમાં બધું જ એની નિયત ગતિએ ચાલી રહ્યું છે! ગઈ કાલે સર્જાયેલું સૂર્યગ્રહણ આવા જ નિશ્ચિત, નિયત સમયે આકાર લેતા ઘટનાચક્રનું પરિણામ હતું!

આપણે જાણીએ છીએ કે બ્રહ્માંડમાં અવિચળ સૂર્યની આસપાસ વિવિધ ગ્રહો ફરે છે, આ ગ્રહોને વળી પાછા પોતાના ઉપગ્રહો છે. પૃથ્વી પોતાની ધરી પર, સહેજ નમેલી રહીને ફરતી રહે છે અને સાથોસાથ સૂર્ય ફરતે પણ પ્રદક્ષિણા કરતી રહે છે. ફક્ત પૃથ્વીની વાત કરીએ તો સૂર્ય ફરતે પૃથ્વીની પ્રદક્ષિણા, પૃથ્વીની પોતાની ધરી પરની ગતિ અને પૃથ્વી ફરતે ચંદ્રની પ્રદક્ષિણાને કારણે વિવિધ રોમાંચક ખગોળીય ઘટનાઓ સર્જાતી રહે છે. એમાંની જ એક એટલે આ પ્રકારનું, કંકણાકૃતિ સૂર્યગ્રહણ.

આવું સૂર્યગ્રહણ ત્યારે સર્જાય જ્યારે સૂર્ય, ચંદ્ર અને પૃથ્વી એક સીધી રેખામાં આવે, ત્રણેય લગભગ એક જ સપાટી પર પણ હોય (બ્રહ્માંડની વાત હોય એટલે આપણે ત્રિપરિમાણમાં વિચારવું પડે, એટલે એક રેખા અને એક સપાટી બંનેનો સંયોગ જરૂરી બને).

ઉપરાંત, સૂર્ય અને પૃથ્વીની વચ્ચે, ચંદ્ર પૃથ્વીથી એટલા અંતરે હોવો જોઈએ, જેથી એ સૂર્યને પૂરેપૂરો ઢાંકે નહીં, પણ એટલા જ પ્રમાણમાં ઢાંકે, જેથી તેની ફરતે સૂર્યનો તેજ પ્રકાશ દેખાતો રહે અને કંકણાકૃતિ સર્જાય!

પૃથ્વી પર દિવસ-રાત કેમ થાય છે એ તો આપણે જાણીએ છીએ, પણ પૃથ્વીને પોતાની ધરી પર આખું એક ચક્ર ફરતાં એક્ઝેક્ટ ૨૪ કલાકનો સમય લાગે છે કે પછી વધતો ઓછો?

આવી ખગોળીય ઘટનાઓ આપણને વિવિધ સવાલો તરફ દોરી જાય છે, જેના તરફ આપણા રોજિંદા જીવનમાં આપણે પૂરતું ધ્યાન આપતા નથી. જેમ કે, દિવસે કે ખાસ કરીને રાત્રે, આપણને આકાશમાં નરી આંખે જે કંઈ દેખાય છે એથી પણ આગળ કંઈ હશે? હશે તો શું હશે, કેવું હશે? ખગોળશાસ્ત્રીઓ ટેલિસ્કોપમાંથી જે અવકાશ જુએ છે એ કેવું હોય છે?

પૃથ્વી પર દિવસ-રાત કેમ થાય છે એ તો આપણે જાણીએ છીએ, પણ પૃથ્વીને પોતાની ધરી પર આખું એક ચક્ર ફરતાં એક્ઝેક્ટ ૨૪ કલાકનો સમય લાગે છે કે પછી વધતો ઓછો? પૃથ્વીને સૂર્ય ફરતે એક ચક્ર પૂરું કરતાં બરાબર ૩૬૫ દિવસ થાય છે કે વધુ ઓછા? દર ચાર વર્ષે લીપ વર્ષ આવે છે અને ફેબ્રુઆરીમાં એક દિવસની વધઘટ થાય છે એને આ બધા સાથે કંઈ સંબંધ ખરો? રોજેરોજ આપણે ચંદ્રને નાનો-મોટો થતાં જોઈએ છે, એવું ચોક્કસ કયા કારણે થાય છે એ સવાલ કાં તો આપણા મનમાં ઊઠતો જ નથી અથવા એમાં ઊંડા ઊતરતા નથી.

‘સ્કાયસફારી’ નામની એક એપ ખગોળશાસ્ત્રમાં રસ ધરાવતા લોકોમાં વર્ષોથી લોકપ્રિય છે. અગાઉ આ એપ સંપૂર્ણપણે પેઇડ હતી પરંતુ હવે તેને ત્રણ લેવલમાં વહેંચી નાખવામાં આવી છે. ફ્રી લેવલ આપણા ઉપયોગ માટે પૂરતું છે.

આવા સવાલોના જવાબ જાણવા હોય તો અગાઉ, આપણે પોતે ખગોળશાસ્ત્રી બનવું પડતું હતું, હવે ફક્ત સ્માર્ટફોનમાં એક-બે એપ ડાઉનલોડ કરીએ એ પૂરતું છે, ફક્ત મનમાં ભારોભાર જિજ્ઞાસા હોવી જોઈએ. એ પછી અંગ્રેજી ભાષાના અંતરાયને ઓળંગતાં આવડે તો આપણી હથેળીમાં બ્રહ્માંડ સમાઈ શકે છે!

સ્માર્ટફોનમાં બ્રહ્માંડદર્શન

સ્માર્ટફોનમાં તમે ‘એસ્ટ્રોનોમી (astronomy)’ સર્ચ કરો તો સંખ્યાબંધ એપ્સ મળી આવે (‘એસ્ટ્રોલોજી (astrology) સર્ચ કરશો એસ્ટ્રોનોમી પર આધારિત છતાં જુદા જ પ્રકારની એપ્સ જોવા મળશે!).

એસ્ટ્રોનોમી – ખગોળશાસ્ત્ર આધારિત એપ્સ આપણને સ્માર્ટફોનના સ્ક્રીન પર અવકાશદર્શન કરવાની તક આપે છે. આ પ્રકારની એપ્સ એક તો સાઇઝમાં ખાસ્સી મોટી હોય એટલે આપણી જિજ્ઞાસા એ મુદ્દે જ ડગમગવા લાગે. એ તબક્કે જિજ્ઞાસા જોર કરી જાય ને આપણે એપ ઇન્સ્ટોલ કરી લઈએ તો પણ પછી તેને ઓપન કરતાં સ્ક્રીન પર સંખ્યાબંધ ઓપ્શન્સ જોઈને અને તદ્દન અજાણ્યાં નામો જોઈને આપણે આગળ વધવાનું માંડી વાળીએ.


આવી એપ્સમાં માહિતીનો ભંડાર હોય છે પણ તેનો ઉપયોગ ઝડપથી, સરળતાથી સમજાય એવો ન હોવાથી મોટા ભાગે આપણે તેમાં આગળ વધવાનું આપણે માંડી વાળીએ છીએ.

આ તબક્કે, જો થોડી ધીરજ (અને હિંમત!) રાખીને આપણે એપનાં ઓપ્શન્સ ફંફોસીએ તો ધીમે ધીમે એ એપનાં અને તેને કારણે બ્રહ્માંડનાં અનેક રહસ્યો આપણી સામે ખૂલવા લાગે!

આ એપ્સ કેવી રીતે કામ કરે છે

આ પ્રકારની એપ્સ મોટા ભાગે બે પ્રકારે કામ કરતી હોય છે : એક, આપણા બ્રહ્માંડમાં જે કંઈ આપણી માટે સ્થિર, અવિચળ છે જેમ કે તારા, ક્લ્સ્ટર્સ, નેબ્યૂલા, ગેલેક્સી વગેરે વિશે જે કંઈ ડેટા ઉપલબ્ધ છે એ એકઠો કરવામાં આવે છે અને પછી આપણા સ્થળ, તારીખ અને સમય અનુસાર, આપણને તે જે રીતે દેખાય તે રીતે અવકાશમાં તે બધાનાં સ્થાન દર્શાવવામાં આવે છે.

બીજી તરફ, અવકાશમાં જે જે બાબતો સતત ભ્રમણ કરતી રહેતી હોય છે, જેમ કે ચંદ્ર, વિવિધ ગ્રહો, તેમના ઉપગ્રહો, માનવસર્જિત સેટેલાઇટ્સ વગેરે વિશે પણ ડેટા એકઠો કરવામાં આવે છે અને તેમની ભ્રમણકક્ષા અને ગતિ અનુસાર, નિશ્ચિત સ્થળ અને સમય મુજબ અવકાશમાં તે ક્યાં હશે તે નક્કી કરીને આપણને સ્ક્રીન પર બતાવવામાં આવે છે.

આવી એક એપ તપાસીએ

‘સ્કાયસફારી’ નામની એક એપ ખગોળશાસ્ત્રમાં રસ ધરાવતા લોકોમાં વર્ષોથી લોકપ્રિય છે. અગાઉ આ એપ સંપૂર્ણપણે પેઇડ હતી પરંતુ હવે તેને ત્રણ લેવલમાં વહેંચી નાખવામાં આવી છે : બેઝિક, પ્લસ અને પ્રો. આ ત્રણ પ્રકારના લેવલને કારણે આ એપ, બ્રહ્માંડમાં નવાંસવાં ડોકિયાં કરતા થયેલા, આપણા જેવા જિજ્ઞાસુ લોકોથી માંડીને, આ વિષયમાં ખાસ્સા ઊંડા ઊતરેલા પ્રોફેશનલ એસ્ટ્રોનોમર્સ સુધીના સૌ કોઈને ઉપયોગી થઈ શકે છે.  ઉપરાંત આ એપમાં અગાઉ જે લાભ માત્ર આઇઓએસ એપના યૂઝરને જ મળતા હતા તે હવે એન્ડ્રોઇડના યૂઝર્સને પણ મળવા લાગ્યા છે.

આખા બ્રહ્માંડના ડેટાને લગતી વાત હોય તો દેખીતું છે કે એપની સાઇઝ પણ ખાસ્સી વધુ હોય. આ એપનું બેઝિક, ફ્રી વર્ઝન તમારા સ્માર્ટફોનમાં ૨૩૯ એમબી જેટલી જગ્યા રોકશે (જોકે હમણાં તમે પણ ફોનમાંથી વિવિધ ચાઇનીઝ એપને જાકારો આપ્યો હશે તો ફોનમાં સ્પેસનો બહુ પ્રોબ્લેમ નહીં હોય!).

‘સ્કાયસફારી’ એપની ખૂબી એ છે કે એપ ઇન્સ્ટોલ કરતી વખતે પહેલી વાર ૨૩૯ એમબી જેટલો ડેટા ફોનમાં ડાઉનલોડ કરી લીધા પછી આપણે આ એપનો ઓફલાઇન પણ ઉપયોગ કરી શકીએ છીએ.

‘સ્કાયસફારી’ પાવરફૂલ પ્લેનિટોરિયમ જેવી છે જેની મદદથી આપણે હજારો તારા, ગ્રહો અને અન્ય અવકાશી પદાર્થો વિશે સ્માર્ટફોનના સ્ક્રીન પર જોઈ શકીએ છીએ અને તેમના વિશે ઘણું નવું જાણી શકીએ છીએ.

તેના બેઝિક ફ્રી વર્ઝનમાં પણ આપણા માટે પૂરતો ખજાનો ભર્યો છે. આ વર્ઝનમાં આપણે એક લાખ ત્રીસ હજારથી વધુ તારા, બસોથી વધુ સ્ટાર ક્લસ્ટર્સ, નેબ્યૂલા, ગેલેક્સી, તમામ મહત્વના ગ્રહો, ઉપગ્રહો વગેરેને જોઈ-જાણી શકીએ છીએ. એપમાં ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન જેવા માનવસર્જિત ઉપગ્રહની ગતિ પણ જોઈ શકાય છે.

એપમાં પાયાના કન્સેપ્ટ સમજાવતા સંખ્યાબંધ લેખો છે જે અટપટો વિષય હોવા છતાં ખાસ્સી સરળ ભાષામાં લખાયેલા છે.

એપમાં મહત્ત્વની ખગોળ ઘટના કેવી રીતે જોઈ શકાય?

‘સ્કાયસફારી’ એપમાં જુદા જુદા મહિનાની મહત્ત્વની ખગોળીય ઘટનાઓ માટેનાં સેટિંગ્સથી અલગથી ડાઉનલોડ કરી શકાય છે. અહીં, જૂન મહિનામાં થયેલું સૂર્યગ્રહણ ફરી કેવી રીતે જોઈ શકાય તેની પદ્ધતિ આપી છે. એપમાં ‘કેલેન્ડર’માં જે તે મહિનાની ખગોળ ઘટના વિશે જાણી, આ જ રીતે તેને જોઈ-તપાસી શકો છો.

એપમાં વર્તમાન મહિનાની નોંધપાત્ર ખગોળ ઘટનાઓ જોવા માટે, નીચેના મેનૂમાં કેલેન્ડર પર ક્લિક કરો. આથી, આખા મહિનાની ઘટનાઓની યાદી જોવા મળશે. તેમાં જૂન ૨૧, ૨૦૨૦ ‘ન્યૂ મૂન એન્ડ એન્યુલર સોલર ઇકલિપ્સ’  માટે ‘વ્યૂ’ ક્લિક કરો. આથી  તેના સેટિંગ્સની ફાઇલ ફોનમાં ડાઉનલોડ થશે.

આ રીતે આપણે  જુદી જુદી બાબતોને સેટિંગ્સ ડાઉનલોડ કરી શકીએ. આ સેટિંગ્સ એક્ટિવેટ કરવા, એમુખ્ય સ્ક્રીન પર, નીચેના ભાગે આપેલ મેઇન મેનૂમાં ‘સેટિંગ્સ’માં જાઓ. તેમાં ‘યૂઝર ડેટા’માં તમે ડાઉનલોડ કરેલી સેટિંગ્સની ફાઇલ જોવા મળશે. તેને એક્ટિવેટ કરવા ‘સેવ એન્ડ રિસ્ટોર સેટિંગ્સ’ પર ક્લિક કરો.

આપણે ડાઉનલોડ કરેલી તારીખ એટલે કે જૂન ૨૧-૨૦૨૦ની ફાઇલ ક્લિક કરો. હવે તેને ‘એપ્લાય’ કરી દો. બેઝિકલી, આપણે જે તે ખગોળ ઘટના જોવા માટે, તેને સંબંધિત ફાઇલ્સ એપમાં ડાઉનલોડ કરી અને તેને એક્ટિવ પણ કરી. અહીંથી એપને ‘ફેક્ટરી રીસેટ’  કરીને તેના મૂળ સેટિંગ્સ પરત લાવી શકાશે.

આથી હવે સ્ક્રીન પર ઉપર મુજબ, ૭.૫૧ મિનિટના સમયે દેખાયેલા સૂર્યગ્રહણની સ્થિતિ જોવા મળશે. યાદ રહે, આ અન્ય કોઈ સ્થળ પરથી જોવા મળતી સ્થિતિ છે. એપમાં સામાન્ય રીતે, આપણું લોકેશન સેટ કર્યા પછી, એ મુજબ અવકાશની સ્થિતિ જોઈ શકાય છે.

હવે ગ્રહણની શરૂઆતની સ્થિતિ જોવા માટે, ટાઇમ પેનલમાં ‘મિનિટ’ હોય ત્યારે ‘નાઉ’ની તરત ડાબો એરો ક્લિક કરી, ટાઇમ ૭.૪૫ સુધી લઈ જાઓ. હવે  ‘મિનિટ’ને બદલે ‘સેકન્ડસ’ પસંદ કરી, છેક જમણો એરો ક્લિક કરતાં, સેકન્ડ મુજબ ચંદ્રનું સ્થાન બદલાશે અને ૭.૫૧ મિનિટે બરાબર સૂર્યગ્રહણ થતું દેખાશે!

એપના મુખ્ય પાસાં સમજીએ

આવી એપ્સમાં સંખ્યાબંધ ઓપ્શન્સ આપણને ગૂંચવી શકે છે, પણ ‘હેલ્પ’ સેક્શન શોધીને એપનાં મુખ્ય ફીચર્સ અને સેટિંગ્સ સમજી લીધા પછી એપનો ઉપયોગ ઘણો સહેલો બની જતો હોય છે. ‘સ્કાયસફારી’ એપમાં પણ એવું જ છે – પહેલાં મુશ્કેલ લાગશે, પછી બધું સહેલું બનતું જશે!

અહીં આ એપનાં મુખ્ય પાસાંની સરળ સમજ આપી છે.

એપના મુખ્ય બે ભાગ છે. નીચેના ભાગમાં વિવિધ ટૂલ્સ છે, જે અનુસાર આપણે પસંદ કરેલી બાબતો, ઉપરના ભાગમાં અવકાશમાં હોય એ રીતે જોઈ શકાય છે. સેટિંગ્સમાં આપણો વર્તમાન સમય અને લોકેશન સેટ કરવાથી જે તે ક્ષણની સ્થિતિ જોવા મળશે. કમ્પાસ ઓન કરતાં, ફોનને ઘુમાવીને સૂર્ય-ચંદ્ર વગેરે આ ક્ષણે ક્યાં છે તે જોઈ શકાય છે.

એપનાં મુખ્ય ટૂલ્સ સમજવાં ખાસ જરૂરી છે. ‘કોસ્મોસ’ જેવાં અમૂક ટૂલ પેઇડ છે, પણ ઘણો ખરો ભાગ ફ્રી છે. ટૂલ્સની ઉપર ટાઇમ પેનલ છે, જેને આપણે સેકન્ડથી લઈને યર સુધી બદલીને, એ મુજબ, અવકાશમાં બદલાતી સ્થિતિ જોઈ શકીએ છીએ. દિવસ-રાત, ઋતુઓ વગેરે આ રીતે સમજી શકાય છે! આ દરેક વિશે ‘હેલ્પ’માં વધુ માહિતી મળશે.

‘સર્ચ’ ટૂલમાં સૌથી ઉપર ‘ટુનાઇટ્સ બેસ્ટ’માં જે તે દિવસે દેખાઈ શકે તેવી વિવિધ બાબતોની યાદી જોઈ શકાય છે. અહીંથી આપણે સૂર્ય અને વિવિધ ગ્રહો ઉપરાંત, સૌથી તેજસ્વી, સૌથી નજીકના તારા, કોન્સ્ટિલેશન્સ (તારાનાં ઝૂમખાંથી બનતાં નક્ષત્રો) અને મીટિયોર શાવર્સ વગેરે સર્ચ કરી શકીએ છીએ. જે તે બાબત પર ક્લિક કરતાં તેની વધુ માહિતી મળે.

જેમ કે ‘બેસ્ટ ડીપ સ્કાય ઓબ્જેક્ટ્સ’માં ‘વ્હર્લપૂલ ગેલેક્સી’ પસંદ કરતાં તેના વિશેનો લેખ ખૂલશે. એ જ પેજ પર નીચે, ‘સેન્ટર’ પર ક્લિક કરતાં, અવકાશમાં તેનું જે તે દિવસ-સમય મુજબનું સ્થાન જોવા મળશે. સ્ક્રીન પર ઓબ્જેક્ટને ખાસ્સો ઝૂમ કરતાં, ટેલિસ્કોપમાં આ ગેલેક્સી જેવી દેખાય તેવી ઇમેજ આપણા સ્ક્રીન પર  જોવા મળશે!

એપના ઉપયોગની શરૂઆત ખરેખર તો ‘હેલ્પ’થી કરવા જેવી છે! ઇન્ટ્રો’ સેક્શનમાં એપ વિશેની માહિતી છે તો ‘બેસિક કન્સેપ્ટ્સ’ વિભાગમાં ખગોળશાસ્ત્રમાં ઊંડા ઊતરવા માટે જરૂરી લગભગ બધી જ પાયાની માહિતી મળી રહે છે. બ્રહ્માંડદર્શન પૂરું ન સમજાય તો ફુરસદે માત્ર આ લેખો તપાસીએ તો પણ ઘણું નવું જાણવા મળશે!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!