આ નવા પ્રકારની વેબ સ્ટોરીઝ વિવિધ ન્યૂઝ સાઇટ્સમાં લોકપ્રિય બનવા લાગી છે, થોડા સમયમાં માર્કેટિંગમાં પણ તેનો ઉપયોગ વધે તો નવાઈ નહીં.
અત્યારે આપણે પોતાના સ્માર્ટફોનમાં ગૂગલ પર કંઈ પણ સર્ચ કરીએ તો સર્ચ રિઝલ્ટના પેજ પર ભાત ભાતનું કન્ટેન્ટ જોવા મળે છે. આપણી સર્ચ ક્વેરી અનુસાર પરિણામો ધરાવતાં વિવિધ વેબપેજિસ ઉપરાંત ગૂગલ પોતે ઘણી બધી માહિતી તારવીને અલગ અલગ સ્વરૂપે બતાવે છે. જેમ કે સર્ચ ક્વેરીને અનુરૂપ વિકિપીડિયાના વેબ પેજ પરની માહિતી, તેને સંબંધિત કોઈ બિઝનેસ હોય તો ગૂગલ ‘માય બિઝનેસ’માંની તેની માહિતી, વિવિધ ઇમેજિસ, ટવીટ્સ વગેરે જુદા જુદા પ્રકારનું કન્ટેન્ટ આપણને જોવા મળે છે.
હવે આમાં વધુ એક, બિલકુલ નવા પ્રકારના કન્ટેન્ટનો ઉમેરો થઈ રહ્યો છે. ગૂગલ તેને ‘વેબ સ્ટોરીઝ’ કહે છે. બની શકે કે તમે આવી વેબસ્ટોરી જોવા પણ લાગ્યા હો, પરંતુ એ એક્ઝેટ્લી શું છે એ તરફ ખાસ ધ્યાન આપ્યું ન હોય.
મોબાઇલ સ્ક્રીન પર લાંબું લખાણ ધરાવતું કન્ટેન્ટ વાંચવું ઘણા લોકોને મુશ્કેલ લાગે છે એટલે વધુ ને વધુ લોકો વીડિયો તરફ વળી રહ્યા છે. પરંતુ વીડિયોની તેની પોતાની, જુદા પ્રકારની મર્યાદાઓ છે. આથી મોબાઇલના સ્ક્રીન પર ઇન્ફર્મેશન શેરિંગને વધુ સરળ બનાવવા માટે ગૂગલે મીડિયા કન્ટેન્ટ માટે કંઈક અંશે એક નવો પ્રકાર વિકસાવ્યો છે, એ જ છે વેબ સ્ટોરીઝ.
આજના મલ્ટીમીડિયા જમાનાને અનુરૂપ, આ પ્રકારના મીડિયામાં ઇમેજ, ટેક્સ્ટ અને વીડિયોની ભેળસેળ હોય છે. તમે ગૂગલ સર્ચ, ગૂગલ ઇમેજિસ કે ગૂગલ ડિસ્કવરમાં કંઈ સર્ચ કરી રહ્યા હો ત્યારે આવી વેબ સ્ટોરીઝ જોવા મળશે.
આવી વેબ સ્ટોરીની લિન્ક પર ક્લિક કરીએ એટલે મોટા ભાગે આખો સ્ક્રીન રોકી લેતી એક ઇમેજ જોવા મળે અને વેબસ્ટોરીનું મેઇન ટાઇટલ વાંચવા મળે. આખી વેબ સ્ટોરી સંખ્યાબંધ કાર્ડ સ્વરૂપે હોય છે, જેને આપણે ડાબે કે જમણે ક્લિક કરીને સ્ક્રોલ કરી શકીએ છીએ.
વેબ સ્ટોરી એ રીતે તૈયાર કરવામાં આવી હોય જેથી ક્રમબદ્ધ રીતે ‘વધુ જોઈ શકાય અને ઓછું વાંચવું પડે’ એ રીતે માહિતી જાણી શકાય. દરેક કાર્ડમાં ઇમેજ અને ટેકસ્ટ ઉપરાંત ટૂંકા વીડિયો કે એનિમેશન પણ હોઈ શકે અને ટૂંકા લખાણ ઉપરાંત અન્ય વેબપેજ પર લઈ જતી લિન્ક પણ હોઈ શકે.
જો મીડિયા ક્રિએટર્સ આ નવા પ્રકારના કન્ટેન્ટ ટાઇપને બરાબર સમજી શકશે તો આપણને મોબાઇલ પર ઇન્ફર્મેશન મેળવવાનો એક સરળ અને સરસ રસ્તો મળશે.
આ નવા પ્રકારનું મીડિયા કન્ટેન્ટ હોવાને કારણે તેમાં કાર્ડને કેવી રીતે સ્ક્રોલ કરવા તે વિશે સ્ક્રીન પર જ સંકેત આપવામાં આવે છે (પીસી પર પણ જેને જોઈ શકાય છે, પણ મજા મોબાઇલમાં છે!).
વધુ મજા એ છે કે કોઈ પણ વ્યક્તિ કે કંપની ગૂગલના ફ્રી ટૂલ્સનો ઉપયોગ કરીને આવી વેબ સ્ટોરી બનાવી શકે છે. તેમાં કાર્ડની કોઈ નિર્ધારિત મર્યાદા નથી પરંતુ પ્રમાણમાં ઓછી સંખ્યાના કાર્ડમાં સરસ રીતે માહિતી વણી લેવામાં આવે તો વેબ સ્ટોરી રસપ્રદ બની શકે છે.
અત્યારે ભારતની ઘણી ન્યૂઝ સાઇટ્સે પણ આવી વેબ સ્ટોરી ડેવલપ કરવાનું શરૂ કર્યું. છે. આવી વેબ સ્ટોરી કેટલી રસપ્રદ બની શકે તેનો બધો આધાર તેના ક્રિએટર અને એડિટર પર છે. અત્યારે તો એવું લાગી રહ્યું છે કે જો મીડિયા ક્રિએટર્સ આ નવા પ્રકારના કન્ટેન્ટ ટાઇપને બરાબર સમજી શકશે તો આપણને મોબાઇલ પર ઇન્ફર્મેશન મેળવવાનો એક સરળ અને સરસ રસ્તો મળશે. ડિજિટલ માર્કેટિંગ માટે પણ આ મીડિયા ટાઇપનો સરસ ઉપયોગ થઈ શકે છે. જોઇએ લોકો તેને કેટલું અપનાવે છે!

