ફેસબુક, ટવીટર, ઇન્સ્ટાગ્રામ, ગૂગલ, યુટ્યૂબ વગેરે માટે છેક શરૂઆતથી અને છેક ટોચેથી કામ કરનારા એક્સપર્ટસ આજે પોતાના જ કામથી, પોતાનાં બાળકોને દૂર કેમ રાખવા માગે છે?
અત્યંત ચર્ચાસ્પદ ડોક્યુમેન્ટરી ‘ધ સોશિયલ ડાઇલેમા’માં વ્યક્ત થયેલા અને આપણી ઊંઘ ઉડાડી દે તેવા એમના વિચારો, વાંચો આ લેખમાં…
(લેખ ઘણો લાંબો છે! અહીંથી આગળ ઇટાલિક લખાણ ‘સાયબરસફર’ના સંપાદકનું છે, ત્યાર પછી વિવિધ એક્સપર્ટ્સના વિચારો લગભગ શબ્દશઃ મૂક્યા છે.)
તમે પોતે (અને તમારાં બાળકો) સોશિયલ મીડિયાનો ઠીક ઠીક ઉપયોગ કરો છો? થોડી વાર માટે, ફોન બંધ કરી, ફેસબુક, વોટ્સએપ, યુટ્યૂબ, પિન્ટરેસ્ટ વગેરે બાજુએ રાખીને, આ બધી સાઇટ્સ બનાવનારા લોકો આજે તેના વિશે શું વિચારે છે તે વાંચો…
- ‘‘મારા ઘરમાં નિયમ છે, મારાં બાળકો સોશિયલ મીડિયાનો ઉપયોગ કરી શકતાં નથી…’’
- ‘‘અમે જ્યારે આ બધું બનાવ્યું, ત્યારે સહેજ પણ કલ્પના નહોતી કે તેનો આવો ઉપયોગ થશે…’’
- ‘‘હવે સોશિયલ સાઇટ્સને આપણો ડેટા વેચવાથી સંતોષ નથી, એમને તો આપણા મગજ પર કબજો જમાવવો છે…’’
- ‘‘અમે તો પડદા પાછળનું બધું જાણીએ છીએ, છતાં અમને પણ તેની લત લાગી જાય છે…’’
- ‘‘સોશિયલ સાઇટ્સ એટલી પાવરફુલ બની ગઈ છે કે ધારે ત્યારે ગમે તે દેશમાં અંધાધૂંધી સર્જી શકે છે…’’
વર્ષો પહેલાં, આપણા ગુજરાતના સરકારી દારુબંધી ખાતાની જાહેરખબરમાં એક વાક્ય અચૂક નજરે પડતું હતુંઃ ‘‘દારુડિયો દારુને શું પીવાનો? દારુ જ દારુડિયાને પી જાય છે!’’ એ સમયે, આ વાક્ય લખનારા લોકોને સ્વપ્ને પણ ખ્યાલ નહીં હોય કે તેમના આ શબ્દો, વર્ષો પછી બીજી એક બાબત માટે પણ બરાબર બંધબેસતા સાબિત થશેઃ ‘‘લોકો સોશિયલ મીડિયાનો શું ઉપયોગ કરવાના, સોશિયલ મીડિયા જ લોકોનો ઉપયોગ કરી જાય છે!’’
સોશિયલ મીડિયા વિશેનો આવો આકરો અભિપ્રાય કેટલાક ગણ્યાગાંઠ્યા, છૂટાછવાયા લોકોનો નથી.

ગૂગલ, ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, ટ્વીટર, પિન્ટરેસ્ટ વગેરે જેવી આજના સમયની સૌથી જાણીતી, ટોચની ટેક કંપની કે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સના પાયામાં જે લોકો રહેલા છે તેમનો આ અભિપ્રાય છે. આ એ લોકો છે જેમણે આ બધી કંપનીના છેક શરૂઆતના સમયમાં, તેમાં ટોચના હોદ્દાઓ પર કામ કર્યું હતું. આ કંપનીની વિવિધ સર્વિસ કેવી રીતે કામ કરશે, તેનાં અલ્ગોરિધમ્સ કેવાં હશે, તે કેવી રીતે કમાણી કરશે તે બધું જ નક્કી કરનારા આ લોકો છે.
આ જ લોકો હવે આજના સોશિયલ મીડિયાને દારુ તો ઠીક ડ્રગ સાથે સરખાવે છે. તેમના મતે આજનું સોશિયલ મીડિયા કેટલી ખતરનાક હદે આગળ વધી ગયું છે કે તેનાથી જુદા જુદા દેશોમાં સિવિલ વોર ફાટી નીકળે તો પણ નવાઈ નહીં.
આ લોકો કોણ છે તેના પર એક નજર નાખોઃ
- ફેસબુકના ડિરેક્ટર ઓફ મોનેટાઇઝેશન (ફેસબુક કઈ રીતે કમાણી કરી શકે તે જોતા વિભાગના વડા)
- ગૂગલ ડ્રાઇવ, જીમેઇલ ચેટ, ફેસબુક પેજીસ, ફેસબુક લાઇક બટનના કો-ઇન્વેન્ટર
- ફેસબુકના શરૂઆતના સમયના ઇન્વેસ્ટર
- પિન્ટરેસ્ટના પ્રેસિડેન્ટ
- ઇન્સ્ટાગ્રામમાં બિલકુલ શરૂઆતથી જોડાયેલા ડેવલપર્સ
- ટવીટરના એન્જિનીયરિંગ વિભાગના સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ
નેટફ્લિક્સ પર હમણાં રજૂ થયેલી ‘ધ સોશિયલ ડાઇલેમા’ નામની એક ડોક્યુમેન્ટરી-ડ્રામામાં, આજની ટોચની ટેક કંપનીઝ માટે આ લેવલે કામ કરનારા અને પછી તેની સમાજ પર આડઅસરો જોઈને તેનાથી અલગ થઈ જનારા લોકોના નિખાલસ ઇન્ટરવ્યૂ દર્શાવવામાં આવ્યા છે. તેની સાથોસાથ સોશિયલ મીડિયાની વ્યક્તિગત, પારિવારિક અને સામાજિક સ્તરની અસરો દર્શાવવા માટે કેટલુંક કાલ્પનિક અને નાટ્યાત્મક રૂપાંતરણ પણ દર્શાવવામાં આવ્યું છે.
આ ડોક્યુમેન્ટરીએ અત્યારે વર્ચ્યુઅલ અને વાસ્તવિક બંને દુનિયામાં ખાસ્સી ચર્ચા જગાવી છે. ફક્ત એક અભિપ્રાય જાણીએ તો તેલુગુ ફિલ્મસ્ટાર મહેશબાબુએ આ ડોક્યુમેન્ટરી વિશે કહ્યું છે કે આમ તો તેને હોરર મૂવીઝ જોવાનો ગાંડો શોખ છે, પણ આ ડોક્યુમેન્ટરી તેને સૌથી વધુ સ્કેરી – ડરામણી લાગી છે. આ ડોક્યુમેન્ટરી જોયા પછી તેને ઘણી રાત સુધી ઊંઘ આવી નથી.
કોણ છે આ ટેક એક્સપર્ટસ?‘ધ સોશિયલ ડાઇલેમા’ ડોક્યુમેન્ટરીમાં દિલ ખોલીને વાત કરનારા એક્સપર્ટસ એ લોકો છે, જેમણે સોશિયલ મીડિયાના ડેવલપમેન્ટમાં છેક શરૂઆતથી, છેક ટોચેથી સિંહફાળો આપ્યો છે. આ તમામ લોકો આગળ જતાં, પોતાના જ કામથી હતાશ થયા અને ટેક્નોલોજીના માનવીય ઉપયોગની હિમાયત કરે એવા કામ તરફ વળ્યા છે.
|
એવું તે શું છે આ ડોક્યુમેન્ટરીમાં?
તમે પોતે ફેસબુક કે ઇન્સ્ટાગ્રામમાં સતત પરોવાયેલા રહેતા હો, તમે મૂકેલી કોઈ પણ પોસ્ટને કેટલી લાઇક મળી તે જોવાની તમને સતત તાલાવેલી રહેતી હોય, રાત્રે સૂતાં પહેલાં કે સવારે બ્રશ કરતાં પણ પહેલાં તમે હાથમાં મોબાઇલ લેતા હો અને સોશિયલ સાઇટ્સમાં પરોવાઈ જતા હો અથવા પછી યુટ્યૂબમાં કલાકો સુધી, થાક્યા વિના તમે સતત એક પછી એક વીડિયો જોતા રહેતા હો, તમે નહીં તો તમારા પરિવારમાં કોઈ વ્યક્તિ આવી હોય તો તમારે અને તમારા આખા પરિવારે આ ડોક્યુમેન્ટરી અચૂક જોવા જેવી છે.
તમારો અનુભવ હશે કે ફેસબુક જેવી સાઇટ પર થોડા થોડા સમયે હળવા યુદ્ધ જેવી સ્થિતિ ફાટી નીકળતી હોય છે. જેમ કે ‘રસગુલ્લાં મૂળ ઓરિસ્સાનાં કે પછી પશ્ચિમ બંગાળનાં?’ એ મુદ્દો મીડિયામાં અને ખાસ કરીને સોશિયલ મીડિયામાં એટલો ચગે કે રસગુલ્લાંની બધી મીઠાશ ભૂલાઈ જાય અને બે રાજ્યોના લોકો વચ્ચે માત્ર કડવાશ રહે. પાકિસ્તાનમાં ટ્વીટર પર ‘ગુલાબ જામૂન ઠંડે અચ્છે યા ગરમ?’ એ મુદ્દે આવી લડાઈ ફાટી નીકળી હતી. ગુજરાતમાં ‘સૌરાષ્ટ્રના ગાંઠિયા વધુ મજેદાર કે પછી અમદાવાદ બાજુનાં દાળવડાં?’ એ બાબતે બંને પ્રદેશોના લોકો સોશિયલ મીડિયા પર રીતસર બાંયો ચઢાવીને આમને સામને આવી જાય છે.

તેલુગુ ફિલ્મસ્ટાર મહેશબાબુએ આ ડોક્યુમેન્ટરી વિશે કહ્યું છે કે આમ તો તેને હોરર મૂવીઝ જોવાનો ગાંડો શોખ છે, પણ આ ડોક્યુમેન્ટરી તેને સૌથી વધુ સ્કેરી – ડરામણી લાગી છે.
આવી દલીલબાજીમાં ઉતરનારા મોટા ભાગના લોકો જાણતા હોય છે કે આવી ખેંચતાણ કે હૂંસાતુંસી બે ઘડીની ગમ્મત છે, તેને સિરિયસલી લેવાની ન હોય, પરંતુ નાની અમથી ચર્ચામાંથી કોઈ મુદ્દો સોશિયલ મીડિયા પર જોતજોતામાં વ્યાપક જુવાળનું સ્વરૂપ કઈ રીતે લે છે એ તરફ ચોક્કસ ધ્યાન આપવા જેવું છે.
સોશિયલ મીડિયાની અસર કેટલી હદ સુધી જઈ શકે છે તેનું એક ઉદાહરણ એ છે કે, ભારતમાં વોટ્સએપમાં ફેલાયેલી અફવાઓને કારણે લોકોનાં ટોળાં કોઈની હત્યા સુધી પહોંચી ગયાં હતાં.
ખાસ ધ્યાન આપજો – વોટ્સએપમાં કઈ પોસ્ટ કેવી રીતે વધુ ફેલાવવી તેનું કોઈ અલ્ગોરિધમ હોતું નથી. તેને માત્ર લોકો પોતાની રીતે જ ફેલાવે છે. જ્યારે ફેસબુક, ટવીટર વગેરે અન્ય સોશિયલ સાઇટ્સ પરનાં અલ્ગોરિધમ કયા મુદ્દાને કેટલો ચગાવવો તે નક્કી કરી શકે છે.
કોઈ પુશ વિના, કોઈ મુદ્દો દાવાનળ બની શકતો હોય, તો અલ્ગોરિધમના ઇરાદાપૂર્વકના પુશથી શું થઈ શકે એ વિચારી જુઓ.
‘ધ સોશિયલ ડાઇલેમા’ ડોક્યુમેન્ટરીમાં, આ અલ્ગોરિધમ્સ જાણે કોઈ જીવતી જાગતી વ્યક્તિ હોય એ રીતે તેમને કામ કરતા બતાવવામાં આવ્યા છે. આ ત્રણેય ‘વ્યક્તિ’ ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, ટ્વીટર વગેરે સોશિયલ મીડિયા પર દરેક યૂઝર પર નજર રાખે છે અને આ સાઇટ્સની સિસ્ટમ્સ કેવી રીતે કામ કરે છે, કયો યૂઝર અત્યારે કેવી મૂડમાં છે તે જાણીને તેને ક્યારે શું બતાવવું, તેને સોશિયલ મીડિયાના વધુને વધુ ઉપયોગ માટે કેવી રીતે લલચાવવો, તે દૂર જાય તો કેવી રીતે પાછો ખેંચી લાવવો, કેવી રીતે કેવી જાહેરાતો બતાવીને કમાણી કરવી તે બધું નક્કી કરતા રહે છે. પરિવારમાં જુદી જુદી પેઢી વચ્ચેનું ઘર્ષણ પણ નાટ્યાત્મક સ્વરૂપે બતાવાયું છે.
તેને સમાંતર, વિવિધ ડેવલપર્સ અને મીડિયા મેનેજર્સના ઇન્ટરવ્યુ તરફ ધ્યાન આપતાં સોશિયલ મીડિયા આપણા મન પર કેવી રીતે અસર કરે છે તે વધુ સ્પષ્ટ થતું જાય છે.
‘‘શરૂઆતમાં કંઈક જુદું જ ધાર્યું હતું’’
આ ડોક્યુમેન્ટરીમાં પોતાના સ્પષ્ટ અભિપ્રાય આપનારા લોકોના મતે તેમણે શરૂઆતમાં જ્યારે કામ કર્યું ત્યારે તેમના મનમાં સોશિયલ મીડિયાની જુદી જુદી ટેકનિકની સમાજ પર અસર વિશે કંઈક જુદી જ કલ્પના હતી. જેમ કે ફેસબુક માટે ‘લાઇક’ બટનનું સર્જન કરનારા એન્જિનીયરે કહ્યું કે તેમણે જ્યારે ફેસબુકમાં જુદા જુદા લોકોની પોસ્ટ પર તેમના ફ્રેન્ડઝ પોતાનો અભિપ્રાય દર્શાવી શકે એ માટેની વ્યવસ્થા તરીકે ‘લાઇક’ બટનનો વિચાર કર્યો ત્યારે તેમને હતું કે આ રીતે સમાજમાં પોઝિટિવિટી અને પ્રેમ ફેલાવી શકાશે.
લોકો એકબીજાની સારી વાતોને લાઇક કરી શકશે અને એ રીતે સારી વાતો સોશિયલ મીડિયા પર વધુ ફેલાશે. એ જ એન્જિનીયર કહે છે કે આટલાં વર્ષો પછી, પોતાની પોસ્ટને પૂરતા પ્રમાણમાં લાઇક ન મળવાને કારણે લોકો ડિપ્રેશનમાં ધકેલાઈ જશે અને ખાસ કરીને યંગ જનરેશન આપઘાતની હદે પહોંચશે એવી તો તેમને કલ્પના પણ નહોતી (આ ડોક્યુમેન્ટરીમાં સોશિયલ મીડિયા આવ્યા પછી યંગસ્ટર્સમાં આપઘાતનું પ્રમાણ કેટલું વધ્યું છે તે આંકડા અને ગ્રાફ સાથે દર્શાવવામાં આવ્યું છે).

બધી ટેકનોલોજી અને સોશિયલ મીડિયા કંપની આખરે કમાણી કરવાના હેતુથી જ આ ક્ષેત્રમાં આવી હોય એ તો સ્વાભાવિક છે, પરંતુ ‘ધ સોશિયલ ડાઇલેમા’ ડોક્યુમેન્ટરીમાં દર્શાવવામાં આવ્યું છે કે આ બધી કંપની આખરે ગમે તે ભોગે – રીપિટ, ગમે તે ભોગે – કમાણી કરવાના રસ્તે જબરજસ્ત વેગથી આગળ વધવા લાગી.
આ બધી સર્વિસ યૂઝર્સ માટે ફ્રી છે એટલે કમાણી કરવા માટે તેમણે બીજો કોઈ રસ્તો શોધવાનો હતો. એડવર્ટાઇઝિંગ સૌથી સહેલો રસ્તો હતો. એડવર્ટાઇઝર્સ ત્યારેએડવર્ટાઇઝમેન્ટ આપે જ્યારે લોકો વધુમાં વધુ સમય આ પ્લેટફોર્મ્સ પર વિતાવે. પરિણામે સોશિયલ મીડિયા કંપનીનું એક માત્ર લક્ષ્ય એ રહ્યું કે એવું શું કરવું જેથી તેની સાઇટ પર આવેલી વ્યક્તિ સ્ક્રીન પર સતત આંગળીના ઇશારે સ્ક્રોલ કરતી જ રહે. આપણું ધ્યાન જુદી જુદી પોસ્ટમાં પરોવાયેલું રહે એ માટે જે તે નિશ્ચિત વ્યક્તિને શું ગમે છે કે શું નથી ગમતું તે જાણવું અને એ મુજબ તેને કન્ટેન્ટ બતાવવું સોશિયલ મીડિયા માટે અનિવાર્ય થઈ ગયું.
જોકે આ બધી કંપનીને માત્ર આપણો ડેટા મેળવીને, એ ડેટા એડવર્ટાઇઝિંગ કંપનીને સીધી કે આડકતરી રીતે વેચીને તેમાંથી કમાણી કરવાથી સંતોષ ન થયો. પોતાની કમાણી હજી વધુ વધારવા માટે આ કંપની એક નહીં પણ ઘણાં ડગલાં આગળ વધી અને આપણી પસંદ નાપસંદ જાણવા ઉપરાંત આપણે શું જોવું એ પણ તે નક્કી કરવા લાગી.

આ બધાં પ્લેટફોર્મ્સ એકદમ પોઝિટિવ હતાં, એટલે આખી દુનિયામાં સાર્થક પરિવર્તનો આવી રહ્યાં હતાં. પણ, અમે સિક્કાની બીજી બાજુ જોઈ શક્યા નહીં.
બીજા શબ્દોમાં, આ બધી કંપની હવે આપણા મગજ પર કબજો જમાવવા લાગી છે.
તમને સમય અને અનુકૂળતા હોય તો નેટફ્લિક્સ પર સમય કાઢીને દોઢેક કલાકની આ ડોક્યુમેન્ટરી અચૂક જોજો. પરિવારના અન્ય સભ્યોને પણ બતાવજો. પરંતુ જો તમને એવી અનુકૂળતા ન હોય તો અહીં તેના કેટલાંક અંશો વાંચો.
આમાંં ક્યા શબ્દો એક્ઝેક્ટલી કઈ વ્યક્તિના છે તે બહુ મહત્ત્વનું નથી, માત્ર શબ્દોના મહત્ત્વ તરફ પૂરતું ધ્યાન આપજો. એ વાત તરફ પણ ધ્યાન આપજો કે આ ડોક્યુમેન્ટરી ૧૩ વર્ષથી મોટી વ્યક્તિ માટે યોગ્ય ગણવામાં આવી છે. આમાં કોઈ અશ્લિલ કે હિંસક દૃશ્યો નથી છતાં તેને બાળકો માટે યોગ્ય ગણવામાં આવી નથી. કારણ એટલું જ કે બરાબર સોશિયલ મીડિયાની જેમ આ ડોક્યુમેન્ટરી પણ આપણા મન પર ઘેરી અસર કરી શકે તેમ છે.
આટલી પૂર્વભૂમિકા સાથે આ ડોક્યુમેન્ટરીમાં વ્યક્ત થયેલા, જુદા જુદા લોકોના વિચારો, લગભગ એ જ ક્રમમાં વાંચો.
‘‘અમે આવાં પરિણામ બિલકુલ ઇચ્છ્યાં નહોતાં’’
‘‘હું જ્યારે એ કંપનીમાં કામ કરતો હતો ત્યારે મને હંમેશાં લાગતું હતું કે મૂળભૂત રીતે, આ બધું બહુ સારા માટે છે. હવે મને એવું લાગતું નથી.
મેં જૂન ૨૦૧૭માં ગૂગલ કંપની છોડી. મને લાગતું હતું કે જે થઈ રહ્યું છે એ નૈતિક નહોતું. માત્ર ગૂગલમાં નહીં, પણ આ આખી ઇન્ડસ્ટ્રીમાં. મને બહુ ચિંતા હતી. બહુ જ ચિંતા હતી.
આ બધાં ટૂલ્સે આખી દુનિયા માટે કેટલીક બહુ સારી બાબતો સર્જી છે. તેના કારણે કોઈ પરિવારના વિખૂટા પડેલા સભ્યો એકબીજાને મળી શક્યા છે. લોકોને અંગદાન કરનારા લોકો મળ્યા છે. આ બધાં પ્લેટફોર્મ્સ એકદમ પોઝિટિવ હતાં, એટલે આખી દુનિયામાં સાર્થક પરિવર્તનો આવી રહ્યાં હતાં.
પણ, અમે સિક્કાની બીજી બાજુ જોઈ શક્યા નહીં.
આ બધી બાબતો એવી છે કે એક વાર તમે તેને છૂટી મૂકો પછી તે પોતાની રીતે આગળ વધવા લાગે છે. તમે જેવી આશા રાખી હોય, તેનાથી બિલકુલ જુદી રીતે તેનો ઉપયોગ થવા લાગ્યો છે. હું બહુ ઊંડાણપૂર્વક માનું છું કે, કોઈ વ્યક્તિએ આવાં પરિણામો ઇચ્છ્યાં નહોતાં.
સોશિયલ મીડિયાના ઉપયોગ અને માનસિક સ્વાસ્થ્ય વચ્ચેની કડી વિશે નવા અભ્યાસો થાય છે, પણ એની કોઈ વાત જ કરતું નથી. લાખો, કરોડો લોકો પોતાનાં ઇલેક્ટ્રોનિક સાધનોના બંધાણી બની ગયા છે.
ફેક ન્યૂઝ બહુ એડવાન્સ્ડ બની રહ્યા છે અને આખી દુનિયાને અસર કરી રહ્યા છે. અમે બારેક વર્ષ પહેલાં ટ્વીટરનું સર્જન કર્યું ત્યારે આવું કંઈ થવાનું કલ્પ્યું નહોતું. વાત માત્ર ફેક ન્યૂઝની નથી, ફેક ન્યૂઝનાં પરિણામોની છે. થોડા સમય પહેલાં ભારતમાં ઇન્ટરનેટને કારણે ઉશ્કેરાયેલાં લોકોનાં ટોળાંએ ડઝનેક લોકોને રહેંસી નાખ્યા હતા. ફેક ન્યૂઝનો આટલો પ્રભાવ હોય ત્યારે મહામારી જેવી સ્થિતનો તમે કેવી રીતે સામનો કરી શકો?
આપણે ઇન્ફર્મેશન એજમાંથી ડિસઇન્ફર્મેશન એજમાં પહોંચી ગયા છીએ. હવે આપણી લોકશાહી પર જ હુમલો થઈ રહ્યો છે.
મને લાગે છે કે અમે જે ટૂલ્સ ક્રિએટ કર્યાં છે, એણે આપણા સમાજનાં તાણાવાણાં છૂટાં પાડવાનું શરૂ કરી દીધું છે. આજે તમે આજુબાજુ જુઓ તો લાગે કે આખી દુનિયા પાગલ થઈ રહી છે. તમારે જાતને પૂછવું પડે કે જે ચાલી રહ્યું છે એ નોર્મલ છે કે પછી આપણે કોઈ જાદૂની અસર નીચે આવી ગયા છીએ?

હું ઇચ્છું છું કે સોશિયલ મીડિયા કેવી રીતે ચાલે છે એ વધુ ને વધુ લોકો જાણે, માત્ર ટેક ઇન્ડસ્ટ્રી જ એ જાણતી હોય એવું ન થવું જોઈએ. તમામ લોકોએ આ સમજવું જરૂરી છે.
હું ઇચ્છું છું કે સોશિયલ મીડિયા કેવી રીતે ચાલે છે એ વધુ ને વધુ લોકો જાણે, માત્ર ટેક ઇન્ડસ્ટ્રી જ એ જાણતી હોય એવું ન થવું જોઈએ. તમામ લોકોએ આ સમજવું જરૂરી છે.
હું ગૂગલમાં કામ કરતો હતો ત્યારે હું જીમેઇલ ટીમમાં હતો. ત્યારે બધી જ ચર્ચા એ વાતની હતી કે ઇનબોક્સ કેવું હોવું જોઈએ, કલર કેવો હોવો જોઈએ… કોઈ એવું વિચારતું નહોતું કે લોકોને જીમેઇલની આદત ન પડી જાય એ માટે શું થવું જોઈએ. મારી આ ફરિયાદ આખી ટેક ઇન્ડસ્ટ્રી સામે હતી. મેં શું થઈ શકે એ વિશે એક પ્રેઝન્ટેશન બનાવ્યું અને ગૂગલમાં સૌને મોકલ્યું. એ ગૂગલમાં વાઇરલ થયું, છેક લેરી પેજ સુધી પણ પહોંચ્યું, પછી કંઈ જ થયું નહીં…
…૨૦૦૬માં, ફેસબુકની અમારી આખી ટીમને લાગતું હતું કે ગૂગલે જે કોઈ સર્વિસ સર્જી હતી, એ આખી દુનિયા માટે અત્યંત ઉપયોગી હતી અને એમાંથી જ એ કમાણી પણ કરતી હતી. અમને ગૂગલની સખ્ખત ઇર્ષા થતી હતી. ફેસબુકને ત્યારે હજી માંડ બે વર્ષ થયાં હતાં. મને ફેસબુકે હાયર કર્યો અને ફેસબુકનું બિઝનેસ મોડેલ ડેવલપ કરવાનું કામ સોંપવામાં આવ્યું.
હું ફેસબુકનો ડિરેક્ટર ઓફ મોનેટાઇઝેશન હતો. ફેસબુક કઈ રીતે કમાણી કરી શકે એ માટે જોવાનું હતું. ત્યારે મને લાગતું હતું કે ગૂગલે અપનાવેલું આ એડવર્ટાઇઝિંગ મોડેલ સૌથી સારો રસ્તો છે.
‘‘આખરે આ કંપનીઓ કઈ રીતે કમાણી કરે છે?’’
ગૂગલ અને ફેસબુક જેવી કંપની દુનિયાની સૌથી વધુ અમીર અને સૌથી વધુ સફળ કંપનીઓ છે. બીજાની સરખામણીમાં આ કંપનીમાં એમ્પ્લોઇ ઘણા ઓછા છે, ફક્ત જાયન્ટ કમ્પ્યૂટર્સ છે, જે આ કંપની માટે નાણાંનો ધોધ ઊભો કરે છે. લોકો આ કંપનીઓને કઈ વાતના રૂપિયા ચૂકવે છે?
આ બહુ અગત્યનો સવાલ છે.
સિલિકોન વેલીનાં પહેલાં ૫૦ વર્ષમાં, આ ઇન્ડસ્ટ્રીએ હાર્ડવેર, સોફ્ટવેર જેવી પ્રોડક્ટ્સ બનાવી અને કસ્ટમર્સને વેચી. એ સરસ, સિમ્પલ બિઝનેસ હતો.
પણ છેલ્લાં ૧૦ વર્ષથી, સિલિકોન વેલીની સૌથી મોટી કંપનીઓ પોતાના યૂઝર્સને જ વેચવા લાગી છે.

આ નવી દુનિયામાં, આપણે પ્રોડક્ટના ઉપયોગ માટે રૂપિયા ચૂકવતા નથી, એ રૂપિયા એડવર્ટાઇઝર્સ ચૂકવે છે, એટલે એડવર્ટાઇઝર્સ કસ્ટમર્સ છે અને આપણે – યૂઝર્સ – તેમને વેચાઈ રહ્યા છીએ.
મોટા ભાગના લોકો વિચારતા હોય છે કે ગૂગલ તો માત્ર એક સર્ચ બોક્સ છે અને ફેસબુક ફકત એવી સાઇટ છે, જેના પર લોકો પોતાના મિત્રો શું કરે છે એ જુએ છે અને તેમના ફોટોગ્રાફ્સ જુએ છે.
લોકોને એ ખબર નથી કે આ કંપનીઓ તમારા ધ્યાન – એટેન્શન માટે એકબીજા સાથે હરીફાઇ કરી રહી છે.
ફેસબુક, સ્નેપચેટ, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ… આ બધી કંપનીઓનાં બિઝનેસ મોડેલ, લોકોને સ્ક્રીન પર પરોવી રાખવા પર કેન્દ્રિત છે. આ કંપનીઓ એટલું જ પૂછે છે કે તમે તમારો કેટલો સમય અમારી સર્વિસ પાછળ ખર્ચી શકો? તમારી જિંદગીનો કેટલો ભાગ તમે અમને આપી શકો? આપણને લાગે છે કે આપણને આ બધી મફત સર્વિસ મળે છે, પણ એ ફ્રી નથી. એની કિંમત એટવર્ટાઇઝર્સ ચૂકવે છે. કેમ કે તેમની જાહેરાતો આપણને બતાવવામાં આવે છે.
પણ, આ બધું દેખાય છે એટલું સાવ સરળ નથી.
આ બધી સર્વિસ પર સક્રિય થયા પછી, ધીમે ધીમે, આપણા પોતાના વર્તનમાં અને દૃષ્ટિકોણમાં બદલાવ આવવા લાગે છે અને એ જ પ્રોડક્ટ છે. આ જ એક એવી પ્રોડક્ટ છે, જેમાંથી આ કંપનીઓ કમાણી કરી શકે છે. બીજી કોઈ પ્રોડક્ટ હોવાનો સંભવ જ નથી.
સોશિયલ મીડિયા કંપનીઓ ધારે ત્યારે અનેક લોકોના વિચાર, વર્તન અને લાગણીઓ બદલી શકે છે અને યૂઝરને તેની સાથે શું ચાલી રહ્યું છે એની જાણ સુદ્ધાં થતી નથી.
તમે શું કરો છો, શું વિચારો છો, તમે પોતે શું છો – એ જ બદલી નાખવું અને એમાંથી કમાણી કરવી.
દરેક બિઝનેસનું હંમેશાં એક જ સપનું હોય છે – પોતે જાહેરાત આપે અને એનું ધાર્યું પરિણામ મળવાની ગેરંટી હોય. સોશિયલ મીડિયા આવી ગેરંટી વેચે છે. એડ ચોક્કસ ધાર્યું પરિણામ આપશે એવી ગેરંટી. આ બિઝનેસમાં સફળ થવા માટે, તમને તમારો યૂઝર શું કરશે, શેના પર ક્લિક કરશે એની સચોટ આગાહી કરતાં આવડવું જોઈએ. સોશિયલ મીડિયા કંપનીની આવકનો બધો આધાર એક જ બાબત છે – તેમના એડવર્ટાઇઝરને ધાર્યાં પરિણામ મળવાં જોઈએ.
આ બિલકુલ નવા પ્રકારનું બજાર છે. આવું કોઈ બજાર અગાઉ ક્યારેય નહોતું. આ બજારમાં માત્ર ને માત્ર માનવજાતનું ભાવિ વેચાય છે. આ બજાર ને આ વેપારમાંથી જ ટેક કંપનીઓ માનવજાતના ઇતિહાસની સૌથી રીચ કંપની બની છે.
‘‘તમે કલ્પના ન કરી શકો એટલી હદે તમારું ટ્રેકિંગ થાય છે’’
હું એટલું જ ઇચ્છું છું કે લોકો જાણે કે તેઓ ઓનલાઇન જે કંઈ કરે છે એ બધું જ કોઈ જુએ છે, તેનો ટ્રેક રાખવામાં આવે છે અને તેને સતત મોનિટર કરવામાં આવે છે. તમારાં દરેક એક્શન રેકોર્ડ કરવામાં આવે છે. સોશિયલ મીડિયા પર તમે કઈ ઇમેજ પર અટક્યા અને કેટલો સમય તેના નજર નાખી એ પણ નોંધવામાં આવે છે.
સોશિયલ મીડિયાની સિસ્ટમ્સ જાણે છે કે તેનો કયો યૂઝર ક્યારે હતાશા અનુભવે છે. કોણ પોતાના એક્સ પાર્ટનર્સના ફોટો જુએ છે. મોડી રાત્રે કોણ શું જુએ છે, એ લોકો બધું જ જાણે છે. તમારો સ્વભાવ કેવો છે એ પણ એ લોકો જાણે છે. માનવ ઇતિહાસમાં ક્યારેય કલ્પના કરી ન હોય એટલી આપણા વિશેની ઇન્ફર્મેશન, સોશિયલ સાઇટ્સ પાસે છે.
આ બધો ડેટા સોશિયલ મીડિયાની સિસ્ટમ્સમાં ઉમેરાતો જાય છે. તેના પર લગભગ કોઈ હ્મુમન સુપરવિઝન નથી. આ ડેટા પરથી, આપણે સોશિયલ મીડિયા પર હવે પછી શું કરીશું એની વધુ ને વધુ, વધુ ને વધુ સચોટ આગાહી આ સિસ્ટમ્સ કરતી રહે છે.

લોકોમાં એવી ગેરસમજ છે કે આપણો આ ડેટા વેચાય છે. આપણા વિશેનો ડેટા વેચી દેવામાં ફેસબુકને લાભ નથી. તો એ આપણા ડેટાનું શું કરે છે?
એ લોકો એવાં મોડેલ્સ બનાવે છે, જે આપણાં આગલાં, હવે પછીનાં પગલાંની સચોટ આગાહી કરી શકે. જેનું મોડેલ બેસ્ટ, એ આ રેસમાં જીતે.
ફોટો ટેગિંગ આ જ વાતનું એક ઉદાહરણ છે. તમને એવો ઈ-મેઇલ મળે, જેમાં લખ્યું હોય કે તમારા કોઈ ફ્રેન્ડે તમને કોઈ ફોટોમાં ટેગ કર્યા છે, તો તમે એ લિંક પર ક્લિક કરી, ફોટો જોવા ફેસબુક પર જવાના જ છો. આપણને સવાલ એ થવો જોઈએ કે જો ફેસબુકને આપણને એ ફોટો બતાવવામાં જ રસ હોય, તો એ ફોટો ઈ-મેઇલમાં જ કેમ સામેલ નથી? તેની લિંક શા માટે આપી?
ફેસબુકે આ ફીચર શોધ્યું એ સાથે તેની સાઇટ પર એક્ટિવિટી જબરજસ્ત વધી ગઈ.

ફેસબુક પર યૂઝરની એક્ટિવિટી વધારવા માટે જે કોઈ નવી નવી ટ્રિક્સ અપનાવવામાં આવે છે એ સિલિકોન વેલીની બીજી બધી કંપની અપનાવવા લાગે છે.
આ બધી કંપનીઓ માટે આપણે યૂઝર્સ, લેબોરેટરીમાંના ઉંદરડા જેવા છીએ અને આપણા પર જે પ્રયોગો થઈ રહ્યા છે તે કેન્સરની દવા શોધવા માટેના નથી. આ કંપનીઓ આપણને લાભ આપવાના રસ્તાઓ શોધી રહી નથી. એમને તો બસ, આપણને વધુ જાહેરાતો બતાવીને વધુ કમાણી કરવી છે.
સોશિયલ મીડિયા કંપનીઓ એટલું બરાબર સમજી ચૂકી છે કે હવે તેઓ ધારે ત્યારે વાસ્તવિક દુનિયાના અનેક લોકોના વિચાર, વર્તન અને લાગણીઓ બદલી શકે છે, અને યૂઝરને તેની સાથે શું ચાલી રહ્યું છે એની જાણ સુદ્ધાં થતી નથી.
સાઇકલની શોધ થઈ ત્યારે કોઈએ કોઈ ફરિયાદ કરી નહોતી. કોઈએ એમ નહોતું કહ્યું કે આ શોધથી દુનિયા તબાહ થઈ જશે. સાઇકલ માત્ર એક ટૂલ છે, સાધન છે, જે ફક્ત પોતાની જગ્યાએ પડી રહે છે અને રાહ જુએ છે કે કોઈ આવે અને તેનો ઉપયોગ કરે.
સોશિયલ મીડિયા આવું ટૂલ નથી.
એ તો તમને લચચાવે છે, તમારા મન સાથે રમત રમે છે. તમને પોતાની તરફ ખેંચે છે અને પછી પોતાની પાસે જ પકડી રાખવા મથે છે. આપણે ટૂલ-સાધન આધારિત ટેક્નોલોજીમાંથી, એડિકશન-આદત આધારિત ટેક્નોલોજી તરફ વળી ગયા છીએ.
‘‘અમે પોતે આદતના શિકાર બનવા લાગ્યા હતા’’
થોડાં વર્ષ પહેલાંની વાત કરીએ. ત્યારે હું પિન્ટરેસ્ટનો પ્રેસિડેન્ટ હતો.
હું ઓફિસેથી સાંજે ઘરે આવતો ત્યારે પણ ફોન બાજુએ રાખી શકતો નહોતો. ફોન સતત હાથમાં હોય, હું ઈ-મેઇલ ટાઇપ કરતો રહું કે પિન્ટરેસ્ટમાં કંઈક જોતો રહું (તમારી પોતાની વાત લાગે છેને?!)
મને લાગ્યું કે આ તો હદ છે. હું ઓફિસમાં આખો દિવસ જે બનાવી રહ્યો હતો, એનો હું જ શિકાર બની રહ્યો હતો.
…મને ટવીટરની લત છે.
…મને રેડિટ જોયા વિના ચેન પડતું નથી.
…મને સતત ઈ-મેઇલ્સ ચેક કર્યા કરવાની આદત છે.
…મને ખબર હતી કે અમે પડદા પાછળ શું કરતા હતા, છતાં હું પોતે જ મારા ઉપયોગને કંટ્રોલ કરી શકતો નહોતો. અમારી બધી ટ્રિક્સ મને ખબર હતી, છતાં હું ફોન ઉપાડ્યા વિના રહી શકતો નહોતો અને પછી ૨૦ મિનિટ ક્યાં ગાયબ થઈ જતી, ખબર પણ નહોતી પડતી.
મેં હજાર દિવસે, હજાર વાર કોશિશ કરી કે હું મારો ફોન બેડરૂમમાં નહીં લઈ જાઉં, પણ એવું ક્યારેય ન થયું.
‘‘અમે નથી ઇચ્છતા, અમારાં કે તમારાં બાળકો પર આની અસર થાય’’
મને મારાં બાળકોની ચિંતા થાય છે. જો તમારે પણ બાળકો હોય તો મને તેમની પણ ચિંતા થાય છે. મારાં બાળકો રોજ કેટલો સમય ફોન અને કમ્પ્યૂટર પર ગાળે છે એ વિશે હું રોજ મારાં બાળકો સાથે લડું છું.
મુદ્દો ફક્ત એટલો નથી કે સોશિયલ મીડિયા બાળકોનો સમય ચોરે છે. મુદ્દો એ છે કે સોશિયલ મીડિયાએ બાળકોના મન પર પૂરો કબજો જમાવી દીધો છે. બાળકો પોતે શું છે અને તેમની ઓળખ કે વેલ્યુ શું છે તે સોશિયલ મીડિયાના આધારે નક્કી કરે છે.
આપણે, પોતાની નજીકના લોકો આપણા વિશે શું વિચારશે એટલું જ વિચારીને મોટા થયા છીએ. દર મિનિટે દસ હજાર લોકો આપણા વિશે શું વિચારે છે, એ તપાસતા રહીને જીવવાની આપણને ટેવ નહોતી.
હાર્ટસ, લાઇક્સ, થમ્બ્સ અપ… આ બધું મળતું ન રહે તો હવે લોકોનાં દિલ તૂટી જાય છે. એ બધું ન મળે એટલે તરત, હાર્યા જુગારીની જેમ બમણું જોર લગાવીને આપણે લાઇક્સ મેળવવા પ્રયાસ કરીએ છીએ. તમે વિચારો કે પૂરા બે અબજ લોકો આવી સ્થિતિમાં આવી રહ્યા છે.
અમેરિકામાં દર વર્ષે, આપઘાતનો પ્રયાસ કરનારી ટીનએજ ગર્લ્સનું પ્રમાણ વર્ષ ૨૦૧૦ સુધી લગભગ સ્થિર હતું. પછીના વર્ષથી, પ્રમાણમાં મોટી ટીનએજ ગર્લ્સમાં આ પ્રમાણ ૬૨ ટકા વધી ગયું અને ટીનએજમાં હજી તો પહોંચી રહેલી અને આપઘાતનો પ્રયાસ કરનારી છોકરીઓના પ્રમાણમાં ૧૮૯ ટકાનો વધારો થઈ ગયો.
હજી વધુ ડરામણી વાત એ છે કે આપઘાતમાં પણ આ જ પેટર્ન જોવા મળી છે. ૧૫થી ૧૯ વર્ષની છોકરીમાં આપઘાતનું પ્રમાણ ૭૦ ટકા વધ્યું છે. ટીનએજમાં પહોંચી રહેલી છોકરીઓ ભાગ્યે જ આપઘાત કરતી હતી, પણ તેમાં હવે ૧૫૧ ટકાનો વધારો જોવા મળ્યો છે.
૧૯૯૬ પછી જન્મેલાં બાળકો સ્કૂલેથી ઘરે આવે એ સાથે મોંબાઇલને ચોંટી જાય છે. એક આખી પેઢી વધુ બેચેન, વધુ હતાશ બનવા લાગી છે. જરા અમથી વાતમાં એમને લાગી આવે છે.
આ એક્સ્પર્ટસનો મત, પોતાનાં બાળકો માટે…
|
‘‘આ લડાઇમાં માનવજાત હારશે’’
૧૯૬૦ના દાયકાથી આજ સુધીમાં કમ્પ્યૂટરના પ્રોસેસિંગ પાવરમાં ટ્રિલિયન ગણો વધારો થઈ ગયો છે. બીજું કંઈ જ, આ ગતિએ વિકસ્યું નથી. આપણી કાર જુઓ. એમાં ખાસ કંઈ ફેર પડ્યો નથી. સૌથી મહત્ત્વનું તો એ છે કે આપણું મગજ જ જોઈ લો – આટલાં વર્ષોમાં તેમાં કોઈ જ ફેર થયો નથી.
મોબાઇલના સ્ક્રીનની એક તરફ તમે છો, જેનું મગજ હજારો વર્ષોથી એવું ને એવું છે, સ્ક્રીનની બીજી તરફ હજારો એન્જિનીયર્સ અને સુપર કમ્પ્યૂટર્સ છે, જેમનો પાવર સતત વધતો જાય છે. આ ગેમમાં કોણ જીતે, તમે જ કહો?
આ બધી, ગૂગલ જેવી કંપનીઓમાં, અત્યંત વિશાળ, વિશાળ જગ્યાઓમાં નાખી નજર ન પહોંચે એટલાં કમ્પ્યૂટર્સ છે, કેટલાંય જમીનની અંદર, તો કેટલાંય પાણીમાં પણ છે. આ બધાં જ કમ્પ્યૂટર એકમેક સાથે કનેક્ટેડ છે, એ સતત અત્યંત જટિલ પ્રોગ્રામ્સ ચલાવતાં રહે છે. આવા પ્રોગ્રામ્સ સાદા હોય તો તમે એને ‘અલ્ગોરિધમ’ કહો અને એથી વધુ જટિલ હોય તો ‘ઇન્ટેલિજન્સ’ કહો, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ.

હાર્ટસ, લાઇક્સ, થમ્બ્સ અપ… આ બધું મળતું ન રહે તો આપણું દિલ તૂટી જાય છે. એ બધું ન મળે એટલે તરત, બમણું જોર લગાવીને આપણે લાઇક્સ મેળવવા પ્રયાસ કરીએ છીએ.
દેખીતું છે કે કોઈ કમર્શિયલ કંપની આવાં અલ્ગોરિધમ્સ બનાવે તો એનો હેતુ મોટા ભાગે નફો જ હોય. તમે કમ્પ્યૂટરને કહો છો કે મારે આ પરિણામ જોઈએ છે. પછી એ પરિણામ કેમ મેળવવું તે કમ્પ્યૂટર જાતે શીખવા લાગે છે. મશીન લર્નિંગ આ જ છે. અલ્ગોરિધમનું પોતાનું મગજ હોય છે, એટલે કોઈ વ્યક્તિ તેને લખે તોય આગળ જતાં, એ પોતાની રીતે બદલાતું જાય છે.
ફેસબુક, ટવીટર અને બીજી એના જેવી કંપનીઓમાં બહુ થોડા લોકો એવા છે, જે સમજે છે કે તેમની સિસ્ટમ્સ કેવી રીતે કામ કરે છે. કોઈ ચોક્કસ કન્ટેન્ટ સાથે શું થશે એની તો એમને પણ ખબર હોતી નથી.
એટલે, માણસ તરીકે આપણે આ સિસ્ટમ્સ પરનો બધો કાબુ લગભગ ગુમાવી દીધો છે.
અમે બધા એવા સમયની રાહ જોઈ રહ્યા હતા જ્યારે ટેક્નોલોજી માનવની ક્ષમતા અને બુદ્ધિ કરતાં આગળ વધી જાય. પણ એવો સમય આવે એની પહેલાં, ટેક્નોલોજીએ માણસની નબળાઈઓ જાણી લીધી છે. સોશિયલ મીડિયાની જે કોઈ આડઅસરો જોવા મળી રહી છે, વ્યક્તિગત સ્તરે વધી રહેલી હતાશા, બેચેની, સામાજિક સ્તરે તણાવ, આક્રોષ… એ બધું જ આ કારણે છે.
ટેક્નોલોજી માનવ સ્વભાવ પર હાવી થઈ રહી છે, માનવજાતની આ હાર છે.
‘‘પર્સનલાઇઝ્ડને નામે શરૂ થતું વિષચક્ર’’
ફેસબુક જેવી સાઇટ્સ કેમ ખરાબ છે એ સમજાવવા હું લોકોને ઘણી વાર વિકિપીડિયાનું ઉદાહરણ આપું છું. વિકિપીડિયા પર તમે જાવ ત્યારે તમને જે દેખાય એ જ બીજા તમામ લોકોને દેખાતું હોય છે. હવે કલ્પના કરો કે વિકિપીડિયા કહે કે અમે દરેક વ્યક્તિને જુદું જુદું કનટેન્ટ બતાવીશું અને એ માટે અમને બીજા લોકો પાસેથી કમાણી થશે, તો? તો વિકિપીડિયા તમારી જાસૂસી શરૂ કરી દેશે. પોતાની કમાણી વધારવા એ પોતાનું કન્ટેન્ટ બદલવાનું શરૂ કરી દેશે.
ફેસબુક પર કે યુટ્યૂબની ફીડમાં આવું જ થાય છે.
તમે ગૂગલ સર્ચમાં ‘ક્લાઇમેટ ચેન્જ ઇઝ…’ સર્ચ કરો તો જુદી જુદી જગ્યાએ, દરેક વ્યક્તિ માટે એ વાક્ય જુદી જુદી રીતે ઓટોકમ્પ્લીટ થતું જોવા મળશે. ફેસબુક પર લગભગ એક સરખા મિત્રો ધરાવતા બે લોકોની ન્યૂઝ ફીડ પણ તદ્દન જુદી જુદી હોય છે. કારણ કે કોને શું બતાવવું એ કમ્પ્યૂટર નક્કી કરે છે.
ધીમે ધીમે એવી સ્થિતિ સર્જાય છે કે આપણે એવું માનવા લાગીએ છીએ કે બધા લોકો આપણી જેમ જ વિચારે છે. પોતાનાથી જુદું વિચારતા લોકો આપણને અળખામણા લાગવા લાગે છે. છેવટે સોશિયલ મીડિયા પર જુદાં જુદાં વર્તુળોમાં રહેલા લોકોમાં વધુ ને વધુ વિચારભેદ થવા લાગે છે. અમેરિકામાં ડેમોક્રેટ અને રિપબ્લિકન (ભારતના ભાજપ-કોંગ્રેસ જેવા) બે મુખ્ય પક્ષોના તરફદારો વચ્ચે આજે છે એટલી અંટસ અગાઉ ક્યારેય નહોતી (આપણે ત્યાં ‘ભક્તો’ અને ‘એન્ટિ-ભક્તો’ની ઝેરીલી સેનાઓ આ જ રીતે ઊભી થઈ છે).
મેસેચ્યુસેટ્સ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજીનો એક અભ્યાસ બતાવે છે કે ટવીટર પર ફેક ન્યૂઝ સાચા ન્યૂઝ કરતાં છ ગણી વધુ ઝડપે ફેલાય છે.
આજની દુનિયામાં કોવિડ-૧૯ વાઇરસ કરતાં ક્યાંય વધુ ઝડપે, તેના વિશેની ખોટી માહિતી ફેલાય છે, જેમ કે આ આખું ચાઇના કે ડબલ્યુએચઓ કે યુએસ ગવર્નમેન્ટ કે માઇક્રોસોફ્ટે ઊભું કરેલું કાવતરું છે…લોકો કોરોના વાઇરસથી નહીં, ફાઇવ-જીના રેડિએશનથી મરી રહ્યા છે…
કોવિડના મામલે સોશિયલ મીડિયા પર જે પ્રકારની અફવાઓ, સદંતર ખોટી માહિતીઓનો જે મારી ચાલી રહ્યો છે એ બતાવે છે કે આપણી આખી માહિતી વ્યવસ્થા કઈ દિશામાં જઈ રહી છે.
તમે કોઈ આખા દેશની પ્રજાને કંટ્રોલ કરવા માગતા હો તો ફેસબુક જેવું અસરકારક સાધન અત્યારે બીજું કોઈ નથી. મ્યાનમાર જેવા દેશમાં, લોકો માટે ઇન્ટરનેટ એટલે જ ફેસબુક એવી સ્થિતિ છે. અહીં લોકો ફોન ખરીદે ત્યારે દુકાનદાર પોતે તેમાં ફેસબુક ન હોય ઇન્સ્ટોલ કરી આપે અને સાથે ફેસબુકનું એકાઉન્ટ પણ ખોલી આપે છે. મ્યાનમારમાં રોહિંગ્યા મુસ્લિમો વિશે ગેરસમજ ફેલાવવા માટે લશ્કર અને બીજા અસામાજિક તત્ત્વોને ફેસબુક નામનું જબરું હથિયાર મળી ગયું. પરિણામ એ આવ્યું કે હજારો ગામડાં સળગ્યાં, હજારો લોકો માર્યા ગયા, ગણી ન શકાય એટલા બળાત્કારો થયા અને સાત લાખ જેટલા રોહિંગ્યા મુસ્લિમોએ દેશ છોડીને ભાગવું પડ્યું.
એક જીવતી-જાગતી, પોતાની રીતે વિચાર કરી શકતી વ્યક્તિ તરીકે આપણે મરી પરીવારીએ તો સોશિયલ મીડિયા આવાં હાલતાં-ચાલતાં મડદાંમાંથી વધુ કમાણી કરી શકે છે.
મુશ્કેલી એ છે કે સોશિયલ પ્લેટફોર્મ્સ પર કોઈ પણ પ્રકારની ખોટી માહિતી ફેલાવવાનું કામ સાવ સહેલું અને સાવ સસ્તું છે.
જે દેશોના બહુમતી લોકો ફેસબુક અને અન્ય સોશિયલ મીડિયા પર જ જીવે છે, ત્યાં લોકશાહીને તૂટી પડતાં જરાય વાર લાગે તેમ નથી. કોઈ પણ દેશ કે મિલિટરી પાવર ધારે ત્યારે સોશિયલ મીડિયા પર થોડાં નાણાં ખર્ચીને બીજા કોઈ પણ દેશને અસ્થિરતા તરફ ધકેલી શકે છે. જર્મની, સ્પેન, ફ્રાન્સ, બ્રાઝિલ, ઓસ્ટ્રેલિયા… બધે આવું થઈ ચૂક્યું છે.
આ બધું જાણ્યા પછી, તમે એમ માનો છો કે વર્ષ ૨૦૧૬માં અમેરિકાની પ્રમુખની ચૂંટણીમાં રશિયાએ ફેસબુક હેક કરીને ચૂંટણીનાં પરિણામો બદલી નાખ્યાં હતાં?
હકીકત એ છે કે રશિયાએ ફેસબુકને હેક કરી નહોતી. એણે માત્ર, ફેસબુક અન્ય તમામ કાયદેસરના એડવર્ટાઇઝર્સને જે ટૂલ્સ આપે છે એ ટૂલ્સનો ઉપયોગ કર્યો હતો અને એ રીતે પોતાનું ધાર્યું પરિણામ મેળવ્યું હતું.
હવે રીમોટ-કંટ્રોલથી ચાલતા યુદ્ધ જેવી સ્થિતિ છે. એક દેશ, બીજા દેશની સરહદ ઓળંગ્યા વિના તેના લોકો પર હુમલો કરી શકે છે.
(વાત અમેરિકાના સંદર્ભમાં છે, પણ ભારતમાં પણ આવી સ્થિતિ આવી છે) આજે આપણે એવો દેશ છીએ, જ્યાં લોકો વચ્ચેના મતભેદ અગાઉ કરતાં ઘણા વધુ તીવ્ર થઈ ગયા છે. કોણે કોને મત આપ્યો એ મુદ્દે, લોકોની વર્ષોજૂની મૈત્રી તૂટી ગઈ છે. આપણે એવી જ ચેનલ જોઈએ છીએ, જે આપણી રાજકીય વિચારસરણી મુજબના સમાચારો જ બતાવે છે. દેશના તાણાવાણા છૂટા પડી રહ્યા છે.
આ નિષ્ણાતોના મતે, આપણે શું કરવું જોઈએ?
|
‘‘ઓકે, આ તો આજની સ્થિતિ થઈ, આનાં પરિણામ તમને શું દેખાય છે?’’
સૌથી નજીકના સમયમાં, સિવિલ વોર થઈ શકે છે.
આવી જ સ્થિતિ આવતાં ૨૦ વર્ષ સુધી રહી તો, આપણે જાણી જોઈને આપણી માનવ સંસ્કૃતિ ખતમ કરી નાખશું.
જુદા જુદા દેશોની લોકશાહી એવી નબળી પડી જશે કે ત્યાં અંધાધૂંધી સર્જાશે.
વૈશ્વિક અર્થતંત્ર ખોરવાઈ જાય એવું પણ બની શકે.
એવું નથી કે સોશિયલ મીડિયાની શરૂઆત આવી અંધાધૂંધી, આટલી હદે નિરાશાજનક સ્થિતિ સર્જવાના ઇદારા સાથે થઈ હતી. પ્રોબ્લેમ તેના માટે જે બિઝનેસ મોડેલ અપનાવવામાં આવ્યાં તેનો છે.
કોઈ પણ કંપની નાણાં બનાવવા પર ધ્યાન આપે તેમાં કોઈને વાંધો હોવો ન જોઈએ. વાંધો એ વાતનો હોવો જોઈએ કે જ્યારે કોઈ નિયંત્રણો ન હોય, કોઈ કાયદા ન હોય, કોઈ સ્પર્ધા પણ ન હોય. આ બધી કંપની પોતે જ પોતાની સરકાર ચલાવવા લાગે તેનો ચોક્કસ વાંધો હોવો જોઈએ. એટલે આવી કંપનીઓ પર કાયદાનો અંકુશ હોવો જ જોઈએ.
કમનસીબે આપણે એવી દુનિયામાં જીવીએ છીએ, જેમાં કોઈ વૃક્ષ જીવતું હોય એના કરતાં એ કપાઈ જાય ત્યારે આર્થિક રીતે વધુ કિંમતી બને છે. જીવતી વ્હેલ કરતાં મરેલી વ્હેલ વધુ કિંમતી છે.
સોશિયલ મીડિયાની દૃષ્ટિએ આપણે પણ વૃક્ષ કે વ્હેલ બની રહ્યા છીએ. એક જીવતી-જાગતી, પોતાની રીતે વિચાર કરી શકતી વ્યક્તિ તરીકે આપણે મરી પરીવારીએ તો સોશિયલ મીડિયા સાઇટ્સ આવાં હાલતાં-ચાલતાં મડદાંમાંથી વધુ કમાણી કરી શકે છે.
(હજુ આ વિચારો – આ ડોક્યુમેન્ટરીનું ફોકસ માત્ર સોશિયલ મીડિયા પર છે. અમેરિકાના સંદર્ભે છે, પણ એવી જ સ્થિતિ ભારતમાં પણ સર્જાઈ રહી છે. આપણે ચિંતાનાં બીજાં કારણો પણ છે. ડેટા અને સ્માર્ટફોન સસ્તા છે, સાદી અને ડિજિટલ સાક્ષરતા ઓછી છે, તેથી પોર્ન સાઇટ્સ અને ઓનલાઇન મની ગેમિંગનો ભરડો સોશિયલ મીડિયા કરતાં પણ વધુ પાવરફુલ બની રહ્યો છે, જે અલ્ગોરિધમની મદદથી ધારે ત્યારે યૂઝરને પોતાની તરફ ખેંચી શકે છે. સમયસર ચેતીશું નહીં તો…)


ટ્રિસ્ટાન હેરિસ : એપલમાં ઇન્ટર્નશીપ પછી પોતાનું સ્ટાર્ટઅપ બનાવ્યું, જેને ગૂગલે ખરીદી લીધું. ગૂગલમાં, જીમેઇલ અને ઇનબોક્સ પર કામ કર્યું. ગૂગલ છોડીને ‘સેન્ટર ફોર હ્યુમન ટેક્નોલોજી’ સંસ્થા સ્થાપી.
અઝા રસ્કીન : મોઝિલામાં યૂઝર એક્સ્પિરીયન્સના હેડ હતા. સ્ટાર્ટઅપ કંપનીઓ સ્થાપી. ઇન્ફાઇનાઇટ સ્ક્રોલ (પેજ ગમે તેટલું સ્ક્રોલ કરો, કન્ટેન્ટ ખૂટે જ નહીં)ની શોધ તેમણે કરી. છેવટે ટ્રિસ્ટાન હેરિસ સાથે હ્યુમન ટેક્નોલોજી સંસ્થા સ્થાપી.
જસ્ટીન રોઝેન્ટીન : ગૂગલમાં ગૂગલ સાઇટ્સ, ગૂગલ ડ્રાઇવ, ગૂગલ ચેટ વગેરેના ડેવલપિંગમાં મોખરાની ભૂમિકા. ગૂગલ છોડી ફેસબુકમાં માર્ક ઝકરબર્ગની નજીક રહીને, ફેસબુક પેજીસ, લાઇક બટન વગેરેના ટેકનિકલ લીડ તરીકે કામ કર્યું. છેવટે ફેસબુક છોડીને, ટીમ મેનેજમેન્ટ ટૂલ (
રોજર મેકનેમી : ફેસબુકમાં છેક શરૂઆતના સમયમાં મૂડીરોકાણ કરનાર બિઝનેસમેન. ૨૦૦૭માં માર્ક ઝકરબર્ગને ફેસબુક વેચી દેવા જંગી રકમની ઓફર હતી, પણ રોજરની સલાહથી માર્કે ફેસબુક વેચી નહીં. પાછળથી, ફેસબુકની સામાજિક અસરને કારણે તે ફેસબુકના સખત વિરોધી બન્યા. ૨૦૧૯માં, અમેરિકન કોંગ્રેસની સમિતી સમક્ષ તેમણે અપીલ કરી હતી કે ફેસબુક અને અન્ય સોશિયલ સાઇટ્સ સુધરે નહીં ત્યાં સુધી તેને બંધ કરી દેવી જોઈએ.
ટીમ કેન્ડોલ : ટીમે એમબીએ કર્યા પછી ૨૦૦૬માં ફેસબુક કંપની જોઈન કરી અને આગળ જતાં, તેના ડિરેક્ટર ઓફ મોનેટાઇઝેશન બન્યા. ફેસબુક છોડીને પિન્ટરેસ્ટમાં પ્રોડક્ટ મેનેજમેન્ટ હેડ અને પછી કંપનીના પ્રેસિડેન્ટ બન્યા. બંને કંપનીમાં તેમનું ફોકસ કમાણી વધારવા પર હતું. છેવટે તેમણે લોકોને ઇન્ટરનેટથી દૂર જવામાં મદદ કરતી ‘મોમેન્ટ’ નામની કંપની સ્થાપી.