પોતાના લાખો ફોલોઅર્સ હોવાનું બતાવીને સેલિબ્રિટીઝ સોશિયલ મીડિયામાંથી કરોડોની કમાણી કરે છે, પણ અનેક લેભાગુ કંપની વર્ષોથી ફોલોઅર્સ વેચે છે.
મારા નેવું કરોડ ફોલોઅર્સને મારે એટલું જ કહેવાની વાર છે… (#$&!) કો ઠોક દો…!’’ સુપરસ્ટાર અમિતાભ બચ્ચન કોવિડ-૧૯ની સારવાર લઈ રહ્યા હતા ત્યારે કોઈએ તેમના વિશે સોશિયલ મીડિયામાં અજુગતી કમેન્ટ કરતાં અમિતાભ બચ્ચન એ ટ્રોલર પર ઉકળી ઉઠ્યા અને પોતાના બ્લોગ પર એમણે આવો ઉભરો ઠાલવ્યો. એમણે પોતે લખ્યું છે કે એકલવાયા રહીને કોવિડની સારવાર લેવાની માનસિક અસર પણ હોય છે. પરંતુ વાસ્તવિક જીવનમાં હંમેશા સૌમ્ય સ્વરૂપમાં જોવા મળેલા ‘એંગ્રી યંગમેન’ના આ ફૂંફાડા પાછળ ‘નેવું કરોડ ફોલોઅર્સ’ના આંકડાની પણ મોટી અસર છે.
એ તો સદીના મહાનાયક છે એટલે આ નેવું કરોડ ફોલોઅર્સ જીવતા-જાગતા ફોલોઅર્સ હશે એવી આપણે આશા રાખી શકીએ. અન્ય સેલિબ્રિટીઝ, પોલિટિશિયન કે પોલિટિકલ પાર્ટીઝ માટે આવો વિશ્વાસ રાખી શકાય તેમ નથી.
આજની દુનિયામાં માણસની સફળતા તેની બેન્ક બેલેન્સ પરથી (એ પણ સાચી રીત તો નથી જ!) નહીં, પણ સોશિયલ મીડિયા પર તેના કેટલા ફોલોઅર્સ છે તેના પરથી નક્કી થાય છે. એટલે આવી સફળતાનો સ્વાદ ચાખી ગયેલા લોકો હવે ફોલોઅર્સ અને લાઇક્સ ખરીદવા લાગ્યા છે.
બધી રમત બનાવટી આંકડાની
જુલાઈ મહિનામાં મુંબઈ પોલીસના હાથમાં એક રસપ્રદ કેસ આવ્યો. બોલીવૂડની એક ગાયિકાએ સીધા મુંબઈ પોલીસ કમિશનરને ફરિયાદ કરી કે તેના નામે એક બનાવટી ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ ક્રિએટ કરવામાં આવ્યું છે અને તેમાં એ ગાયિકા બનાવટી ફોલોઅર્સ ખરીદવા માટે તડજોડ કરી રહી હોય એવી પોસ્ટસ મૂકવામાં આવી છે.
તપાસમાં બહાર આવ્યું કે અભિષેક દૌડે નામના ૨૦ વર્ષના એક યુવાને પોતાના ‘બિઝનેસ’ની પબ્લિસિટી માટે આ બનાવટી એકાઉન્ટ બનાવ્યું હતું. તેનો બિઝનેસ છે – સેલિબ્રિટીઝને સોશિયલ મીડિયા પર બનાવટી ફોલોઅર્સ અને લાઇક્સ વેચવાનો.
ચીનમાં ટવીટર પર પ્રતિબંધ છે પરંતુ ત્યાંની સરકારી ન્યૂઝ એજન્સીએ એક અમેરિકન કંપની પાસેથી ટવીટરના લાખો ફોલોઅર્સની ખરીદી કરી હતી જેથી ચીન બહારના દેશોમાં ચાઇનીઝ પ્રોપેગેન્ડા ફેલાવી શકાય.
પોલીસે અભિષેકની ધરપકડ કરી છે અને હવે બહાર આવી રહ્યું છે કે અભિષેકે અત્યાર સુધીમાં ઇન્સ્ટાગ્રામ, ટિકટોક અને ફેસબુક પર ૧૭૬ પ્રોફાઇલ (સેલિબ્રિટીઝ) માટે પાંચ લાખથી વધુ બનાવટી ફોલોઅર્સ બનાવ્યા છે.
મુંબઈ પોલીસ હવે આ કેસમાં ઊંડી ઉતરી રહી છે. એક સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ રચવામાં આવી છે અને દિપીકા પદુકોણે તથા પ્રિયંકા ચોપરા જેવી સેલિબ્રિટીઝની પણ ઊલટતપાસ થાય તેવી શક્યતા છે. બહાર આવી રહેલી વિગત મુજબ આ બંને અભિનેત્રીના ઇન્સ્ટાગ્રામ પરના ફોલોઅર્સમાંથી લગભગ અડધો અડધ બનાવટી હોવાની શક્યતા છે.
સોશિયલ મીડિયા પર ‘ઇન્ફ્લ્યુઅન્સર્સ’ એટલે કે બીજા લોકો પર પ્રભાવ પાથરી શકતા લોકોનો દબદબો હોય છે. આપણે વારંવાર ટવીટર, ઇન્સ્ટાગ્રામ, ફેસબુક, યુટ્યૂબ વગેરે પર જુદા જુદા ક્ષેત્રની સેલિબ્રિટીઝના ફોલોઅર્સની સંખ્યાના આંખો પહોળી થઈ જાય એવા આંકડા વિશે વાંચતા-સાંભળતા રહીએ છીએ. આવા ઇન્ફ્લ્યુઅન્સર્સના ફોલોઅર્સની સંખ્યા જેમ વધુ તેમ તેમની કમાણી પણ વધુ. એટલે જ એક-બે ટવીટ કરીને કે ઇન્સ્ટાગ્રામ પર એકાદી પોસ્ટ કે સ્ટોરી મૂકીને સેલિબ્રિટીઝ લાખો કરોડો કમાઈ લેતી હોવાની વાતો પણ અખબારોમાં અને ઇન્ટરનેટ સોશિયલ મીડિયામાં અવારનવાર ચગતી રહે છે.
પ્રભાવ દેખાડવાનો ધંધો
સેલિબ્રિટી જુદા જુદા સોશિયલ મીડિયા પર નિયમિત રીતે પોસ્ટ મૂકી સાચા લોકો સાથે જીવંત સંપર્કમાં રહીને ફોલોઅર્સની સંખ્યા વધે રહે એ સમજી શકાય, પણ આ બિઝનેસ હવે કરોડોનો હોવાથી ફોલોઅર્સની સંખ્યા ગમે તે ભોગે વધારવાના પ્રયાસો થાય છે.
સોશિયલ મીડિયાની પોતાની આવક યૂઝર્સની સંખ્યા પર આધારિત રહેતી હોવાથી ફેક એકાઉન્ટ્સ તરફ આંખ આડા કાન કરવામાં આવતા હોય એવું પણ શક્ય છે.
ટિકટોક જેવી એપ પોતે સામે ચાલીને યૂઝર્સને ફેક ફોલોઇંગથી સ્ટાર બનાવતી હોવાનું બહાર આવ્યું છે. મુંબઈની પોલીસની તપાસ કહે છે કે ૬૮ જેટલી કંપની ભારતના સેલિબ્રિટીઝને ટવીટર પર બનાવટી ફોલોઅર્સ તથા રીટ્વીટ્સ અને ફેસબુક પર લાઇક વેચવાનો ધંધો કરી રહી છે.
વિદેશોમાં વર્ષોથી આવું ચાલે છે
ભારતમાં આ બધું હવે બહાર આવી રહ્યું છે પરંતુ અમેરિકા જેવા દેશોમાં લાંબા સમયથી આ બાબતો ચર્ચામાં રહી છે.
નિષ્ણાતોનો અંદાજ છે કે આખા વિશ્વમાં સોશિયલ મીડિયા પર જેટલા યૂઝર્સ છે એમાંથી લગભગ અડધોઅડધ બનાવટી છે. થોડા સમય પહેલાં એક રીસર્ચ કંપનીએ ઇન્સ્ટાગ્રામ પર ૮૨ દેશોના એકાઉન્ટસનો અભ્યાસ કર્યો ત્યારે બહાર આવ્યું કે યુએસ, બ્રાઝિલ અને ભારત ફેક એકાઉન્ટ્સનાં સૌથી મોટાં માર્કેટ્સ છે (સાચા યૂઝર્સની સંખ્યા પણ અહીં જ સૌથી વધુ છે).
અભ્યાસ દરમિયાન ૪૦૦ જેટલી સેલિબ્રિટીઝમાંથી લગભગ ૬૦ ટકાએ સ્વીકાર્યું કે તેમણે કોઈ ને કોઈ તબક્કે ફોલોઅર્સ, લાઇક્સ કે કમેન્ટ્સની ખરીદી કરી હતી.
બનાવટી એકાઉન્ટ સરેરાશ યૂઝર માટે જોખમી બની શકે છે કેમ કે હમણાં ટ્વીટરમાં બન્યું તેમ આવા એકાઉન્ટથી લાખો લોકોને જોખમી લિંક્સ મોકલી શકાય છે.
માત્ર પૈસાભૂખ્યા સેલિબ્રિટીઝ ફેક ફોલોઅર્સ ખરીદે છે એવું માનવાની ભૂલ કરવા જેવી નથી. વિવિધ દેશોની સરકારો અને મીડિયા સુદ્ધાં આવી ખરીદી કરતા હોવાનું બહાર આવ્યું છે.
ચીનમાં ટવીટર પર પ્રતિબંધ છે પરંતુ ત્યાંની સરકારી ન્યૂઝ એજન્સીએ એક અમેરિકન કંપની પાસેથી ટવીટરના લાખો ફોલોઅર્સની ખરીદી કરી હતી જેથી ચીન બહારના દેશોમાં ચાઇનીઝ પ્રોપેગેન્ડા ફેલાવી શકાય.
ફેકમાં પણ બનાવટ
‘ચોરોં કા ભી ઇમાન હોતા હૈ’ એ વાત સોશિયલ મીડિયા પર ફોલોઅર્સ વેચતા લોકોને લાગુ પડતી લાગતી નથી. કેમ કે એ લોકો જે બનાવટી એકાઉન્ટ્સ વેચે છે તેમાંથી મોટા ભાગના ‘બોટ્સ’ એટલે કે સોફ્ટવેરની મદદથી ઓપરેટ થતા એકાઉન્ટ્સ હોય છે. સાચા લોકોના ફેક એકાઉન્ટ બનાવવાથી, એમના નામનો લાભ વટાવી શકાય છે અને બિલકુલ ખોટા એકાઉન્ટ્સથી કોઈ હેશટેગ કે ટ્વીટ કે સ્ટોરી લાખો લોકો સુધી પહોંચતી હોવાનો દાવો કરી શકાય છે.
બંને રીતે, સોશિયલ મીડિયાના સરેરાશ અને સાચા યૂઝર્સને ગેરમાર્ગે દોરી શકાય છે. (તમે કોઈ સેલિબ્રિટીના ફોલોઅર્સ તપાસો તો તેમાં ઘણા ફોલોઅર્સનાં ભળતાં-સળતાં નામ હશે, ફોટો નહીં હોય અને એમની પોતાની પોસ્ટ ઓછી હશે, તેમને ફોલો કરનારા પણ ગણ્યાગાંઠ્યા હશે, પણ એ મોટી સંખ્યામાં બીજાને ફોલો કરતા હશે – આ ફેક એકાઉન્ટની નિશાની છે).
હમણાં ટવીટર હેકમાં બન્યું તેમ ફેક અને બોટ એકાઉન્ટથી લોકોને બનાવટી લિંક્સ મોકલી શકાય છે, ધાર્યા હેશટેગને ટ્રેન્ડિંગ બનાવી શકાય છે અને લાખો લોકોનાં મન કોઈ પણ બાજુ વાળી શકાય છે.
એ પણ ખરું કે આવી રીતે સેલિબ્રિટી પોતાના ફોલોઅર્સની સંખ્યા લાખોમાં હોવાનો દાવો કરી શકે છે, એમના પર વિશ્વાસ મૂકીને વિવિધ કંપની પોતાની પ્રોડક્ટ કે બ્રાન્ડના પ્રમોશન માટે આ સેલિબ્રિટીઝને લાખો કરોડો રૂપિયા ચૂકવે છે પરંતુ તેનું તેમને વાસ્તવિક વળતર મળતું નથી કારણ કે આવા કહેવાતા ઇન્ફ્લ્યુઅન્સર્સની પોસ્ટ, કહેવામાં આવે છે એટલા વાસ્તવિક લોકો સુધી પહોંચતી જ નથી.
કાયદાની અસ્પષ્ટતા
આખી વાતનું વધુ એક નોંધપાત્ર પાસું એ છે કે સોશિયલ મીડિયા પર બનાવટી ફોલોઅર્સ વિશે ભારતના કાયદાઓમાં ઝાઝી સ્પષ્ટતા નથી. કોઈ વ્યક્તિના અસલી નામ અને ફોટોગ્રાફ સાથે તેનું બનાવટી એકાઉન્ટ ઊભું કરવું એ સ્પષ્ટપણે કાયદાનો ભંગ છે પરંતુ જેનો કોઈ અતોપત્તો કે આધાર જ ન હોય એવા બોટથી ચાલતા ફેક એકાઉન્ટ વિશે અસ્પષ્ટતા છે. બોટ પોતે ગેરકાયદે નથી, એ તો સ્માર્ટ ટેક્નોલોજી છે.
તેની મદદથી વિવિધ બ્રાન્ડ, સોશિયલ મીડિયા પર યૂઝર્સને ફટાફટ નિશ્ર્ચિત જવાબ આપી શકે છે. પરંતુ ખોટી લાઇક્સ માટે વપરાતા બોટના મૂળ સુધી પહોંચવું બહુ મુશ્કેલ હોવાથી તેમાં કાયદાની નજર ધૂંધળી બની જાય છે. આવા કિસ્સામાં પોલીસ જે તે સોશિયલ મીડિયા પાસેથી ડેટા માગે તો મોટા ભાગે તેની યુએસમાંની મૂળ કંપનીને ખો આપવામાં આવે છે. કારણ કે ડેટા ભારતના સર્વર્સમાં હોતો નથી.
આપણે માટે બોધપાઠ એટલો કે ‘દિવાર’ ફિલ્મમાં શશી કપૂરના પેલા ડાયલોગની જેમ કોઈ સેલિબ્રિટી ‘મેરે પાસ લાખોં ફોલોઅર્સ હૈ’’ કહે ત્યારે એમના પર ઓળઘોળ થવું નહીં!

