વોટ્સએપમાં લાંબા સમયથી જેની શક્યતા હતી એ આખરે થઈ ગયું છે. દુનિયાભરના ઇન્ટરનેટ સાથે કનેક્ટેડ લોકોના સ્માર્ટફોનમાં પહોંચી ગયેલી આ મજાની એપ ફેસબુકે ખરીદી લીધી ત્યારથી તે યૂઝર્સ માટે કોઈક રીતે પેઈડ થવાની શક્યતા હતી. આખરે ફેસબુકે વોટ્સએપમાંથી કમાણી કરવાનો રસ્તો શોધી લીધો છે.
અલબત્ત રોજિંદા ઉપયોગ માટે વોટ્સએપ મફત જ રહેશે અને હાલ પૂરતું તરત તેમાં જાહેરાતો શરૂ થાય તેવી શક્યતા નથી. ફેસબુકે ‘વોટ્સએપ ફોર બિઝનેસ’માં ઇ-કોમર્સ સુવિધા ઉમેરી છે. આ કારણે વોટ્સએપની બિઝનેસ એપનો ઉપયોગ કરતા લોકો હવે વોટ્સએપ દ્વારા જ પોતાની સર્વિસ કે પ્રોડક્ટનું વેચાણ કરી શકશે.
આ માટે તેઓ પોતાની વોટ્સએપ ફોર બિઝનેસ એપમાં ‘શોપ’ બટન ઉમેરી શકશે. મતલબ કે વોટ્સએપનો શોપિંગ કાર્ટ તરીકે ઉપયોગ પણ શક્ય બનશે. અત્યારે વોટ્સએપની હાલની સર્વિસમાં તેની રેગ્યુલર એપ કે બિઝનેસ માટેની એપમાં મેસેજિસને મેનેજ કરવાનું કામ બહુ સહેલું નથી. આના ઉપાય તરીકે ફેસબુક વિવિધ બિઝનેસને વોટ્સએપના બિઝનેસ ઉપયોગ માટે હોસ્ટિંગની સુવિધા પણ પૂરી પાડશે.
અલબત્ત આ બધી સર્વિસ માટે બિઝનેસે રૂપિયા ચૂકવવા પડશે. વોટ્સએપમાંથી સીધી કમાણી કરવાનો ફેસબુકનો આ પહેલો પ્રયાસ છે. પરંતુ જે રીતે હવે રોજિંદા જીવન અને બિઝનેસમાં વોટ્સએપનો ઉપયોગ વધી ગયો છે એ જોતાં ફેસબુક અને વિવિધ બિઝનેસ બંને માટે આ પગલું વિન-વિન સિચ્યુએશન ઊભી કરે તેવી શક્યતા છે.
ફેસબુકે વોટ્સએપના આ નવાં ફીચર્સ આખી દુનિયામાં લોન્ચ કરવાનું શરૂ કરી દીધું છે. અલબત્ત ભારતમાં તે આવતાં થોડી વાર લાગે તેવી શક્યતા છે.

