બાજુમાં આપેલી કુદરતી સૌંદર્યની તસવીર ‘શાપિત’ છે એવું કોઈ કહે તો તમે માનો? ‘આ તસવીર ફોનમાં ડાઉનલોડ કરી, વોલપેપર તરીકે સેટ કરતાં ફોન વારંવાર રિસ્ટાર્ટ થવા લાગશે’ એવું કોઈ કહે, તો પણ તમે માનો?
કોઈ પણ સમજદાર વ્યક્તિ આવી વાતમાં વિશ્વાસ ન જ મૂકે, પણ કેટલાય લોકોએ વિશ્વાસ મૂક્યો અને એમનો ફોન ખરેખર વારંવાર રિસ્ટાર્ટ થવાના લૂપમાં ફસાઈ ગયો!
વાસ્તવ કોઈ તસવીર ‘શાપિત’ હોઈ શકે નહીં, પણ એક ખાસ ટેકનિકલ તકલીફને કારણે આ મજાની તસવીર અત્યારે ઇન્ટરનેટ પર ‘કર્સ્ડ ઇમેજ’ તરીકે વગોવાઈ ગઈ છે.
ઇન્ટરનેટ પર, ખાસ કરીને વોટ્સએપમાં આવી મજાકમસ્તી બહુ ચાલતી હોય છે. મોટા ભાગના લોકો તેના પર વિશ્વાસ ન મૂકે, પણ કેટલાકની જિજ્ઞાસા બહુ જોર કરતી હોય, તો એ આવી મજાકમાં ફસાઈ જાય છે.
આ તસવીરની જ વાત કરીએ તો ઘણા સ્માર્ટફોન યૂઝર્સને આ ફોટોગ્રાફ મિત્રો તરફ મળ્યો અને તેને વોલપેપર તરીકે સેટ કરવા જતાં ખરેખ ફોનમાં ગરબડ સર્જાઈ ગઈ. નોંધવા જેવી વાત એ છે કે આ ફોટોગ્રાફ બાબતે સૌનો અનુભવ એકસરખો નથી. કોઈ ફોનમાં આ ફોટોગ્રાફથી ગરબડ સર્જાય છે તો કોઈ ફોન તેનો સામનો કરી શકે છે.
આવું કેમ થાય છે?
ડિજિટલ ફોટોગ્રાફમાં ચોક્કસ પ્રકારની ‘કલર પ્રોફાઇલ’નો ઉપયોગ થતો હોય છે. કલર પ્રોફાઇલની આ માહિતી ફોટોગ્રાફમાં સામેલ હોય છે. ફોટોગ્રાફ જ્યાં પણ ડિસ્પ્લે થવાનો હોય તે પ્લેટફોર્મ આ કલર પ્રોફાઇલની માહિતી વાંચીને ફોટોગ્રાફમાંના જુદા જુદા કલર્સ કેવી રીતે સ્પષ્ટપણે દર્શાવવા એ નક્કી કરી શકે છે. જેમ કે ફોટોગ્રાફ કોઈ વેબસાઇટમાં સામેલ હોય તો બ્રાઉઝર તેની કલર પ્રોફાઇલ વાંચીને ફોટોગ્રાફ સૌથી સારી રીતે દર્શાવેલા રંગોમાં બતાવે છે.
ગ્રાફિક ડિઝાઇનિંગનું કામ કરતા લોકોનો અનુભવ હશે કે ક્યારેક તેમણે પોતાની ડિઝાઇનમાં ઇન્ટરનેટ પરથી ડાઉનલોડ કરેલા ફોટોગ્રાફનો ઉપયોગ કર્યો હોય અને પછી તેમની ડિઝાઇનની પીડીએફ ફાઇલ બનાવે ત્યારે કાં તો પીડીએફ ફાઇલ બનતી જ નથી અથવા તો બને તો અમુક ઇમેજ યોગ્ય સ્વરૂપમાં જોવા મળતી નથી.
આમ થવાનું કારણ એ હોય છે કે ઇન્ટરનેટ પરથી ડાઉનલોડ કરેલા ફોટોગ્રાફની કલર પ્રોફાઇલ તેમના ડિઝાઇનિંગ સોફ્ટવેર સાથે બંધબેસતી હોતી નથી.
ફોટોગ્રાફમાં કલર પ્રોફાઇલ તેના ઉપયોગ અનુસાર ઘણા જુદા જુદા ફોર્મેટમાં દર્શાવી શકાય છે. જેમ કે કાગળ પર ઓફસેટ પ્રિન્ટિંગ થવાનું હોય તો ફોટોગ્રાફની કલર પ્રોફાઇલ ‘સીએમવાયકે’ એટલે કે સ્યાન, મજેન્ટા, યલો અને બ્લેક એમ ચાર કલરમાં દર્શાવેલી હોવી જરૂરી છે. જ્યારે ફોટોગ્રાફને પીસી કે સ્માર્ટફોનમાં દર્શાવવાનો હોય ત્યારે તેની કલર પ્રોફાઇલ ‘આરજીબી’ એટલે રેડ, ગ્રીન, બ્લ્યુ એવા ત્રણ કલરમાં દર્શાવેલી હોવી જરૂરી છે.
આરજીબીમાં પાછા સામાન્ય આરજીબી અને સ્ટાન્ડર્ડ આરજીબી એવા અલગ અલગ બે ફોર્મેટ છે. એ ઉપરાંત જુદા જુદા દેશ અને જુદી જુદી પ્રિન્ટિંગ ટેકનોલોજી કે કલર પેટન્ટ અનુસાર ઘણા અલગ અલગ પ્રકારની કલર સ્પેસ પ્રોફાઇલ હોય છે (જુઓ બાજુનો નીચેનો સ્ક્રીનશોટ).
સામાન્ય રીતે ફોટોગ્રાફનો ઉપયોગ કરનાર ડિઝાઇનર પોતાના ડિઝાઇનિંગ કે ફોટો એડિટિંગ સોફ્ટવેરમાં ફોટોગ્રાફની કલર પ્રોફાઇલમાં જરૂરી સુધારા વધારા કરી લેતા હોય છે એટલે બધી જગ્યાએ ફોટોગ્રાફ યોગ્ય સ્વરૂપમાં દેખાય છે.
તકલીફ એ છે કે કલર પ્રોફાઇલના જાણકાર લોકો, જાણી જોઈને તેમના ફોટોગ્રાફની કલર સ્પેસ પ્રોફાઇલમાં ચેડાં કરીને એવી ઇમેજ બનાવી શકે છે, જેમાં કેટલાક મોબાઇલ હેન્ડસેટ હેન્ડલ ન કરી શકે એટલી બધી કલર ઇન્ફર્મેશન ઉમેરાયેલી હોય. અહીં આપેલા ફોટોગ્રાફના કિસ્સામાં કંઈક એવું જ થયું હોવાની પૂરી શક્યતા છે. કાં તો કોઈએ જાણી જોઈને ફોટોગ્રાફની કલર પ્રોફાઇલમાં ચેડા કર્યા અથવા અજાણતાં આવો ફોટોગ્રાફ વાયરલ થયો અને લોકો જેમ તેના વિશે વધુ જાણતા ગયા તેમ તેમ તે વધુ પ્રસરતો ગયો.
ઇન્ટરનેટ પર શેર થતા બધા ફોટોગ્રાફમાં આવું થતું હોતું નથી એટલે બહુ ચિંતા કરવાની જરૂર નથી. પણ આવું પણ થઈ શકે છે!
આવું થયા પછી શું કરવું?
જો તમારો ફોન અચાનક વિના કોઈ કારણ ક્રેશ થવા લાગે તો તેનાં ઘણાં કારણ હોઈ શકે છે, હવે જાણવા મળ્યું તેમ એક કારણ આવી કોઈ ઇમેજ ડાઉનલોડ કરીને તેને વોલપેપર તરીકે સેટ કરવાનું પણ હોઈ શકે છે.
આવી સ્થિતિમાં તમારો ફોન સ્ટાર્ટ થતો હોય ત્યારે વોલ્યૂમ બટન લાંબો સમય પ્રેસ કરી રાખીને ફોનને સેફ મોડમાં રિસ્ટાર્ટ કરી શકાય છે. પછી ફોનમાં બીજું કોઈ વોલપેપર સેટ કરીને અને ફોનની ગેલેરીમાં જઈને નજીકના સમયમાં ડાઉનલોડ કરેલી ઇમેજિસ ડિલીટ કરીને આ પ્રોબ્લેમથી છૂટકારો મેળવવાનો પ્રયાસ કરી શકાય. એવું ન થઈ શકે તો છેલ્લો ઉપાય ફોનમાંનો બધો ડેટા ભૂંસીને ફેક્ટરી રીસેટ કરવાનો જ રહે છે.
એટલે જ આવી તકલીફથી બચવાનો સૌથી સહેલો ઉપાય એક જ છે – જ્યારે કોઈએ તમને સરસ ઇમેજ મોકલીને, તેને વોલપેપર તરીકે સેટ કરવાનો આગ્રહ કરે હોય ત્યારે ચેતી જવું!

