વોટ્સએપમાં ‘ક્લિક ટુ ચેટ’ નામનું એક ફીચર છે. નાના મોટા બિઝનેસીસ આ સુવિધાનો ઉપયોગ કરીને પોતાના ફોન નંબર માટે વોટ્સએપની એક લિંક બનાવીને પોતાની વેબસાઇટ પર મૂકી શકે છે કે અન્ય રીતે શેર કરી શકે છે.
લોકો આ લિંક ક્લિક કરીને એ બિઝનેસનો ફોન નંબર પોતાની એડ્રેસ બુકમાં સેવ કર્યા વગર તેની સાથે વોટ્સએપ પર ચેટ કરી શકે છે. આ એક ઉપયોગી સુવિધા છે. પરંતુ હમણાં તેમાં એક ખામી બહાર આવી.
અતુલ જયરામ નામના એક ભારતીય રિસર્ચરે શોધી કાઢ્યું કે વોટ્સએપના આ ફીચરને કારણે સંખ્યાબંધ લોકોના ફોન નંબર ગૂગલ પર સર્ચ કરી શકાતા હતા. જો વોટ્સએપે ફોન નંબરને એન્ક્રિપ્ટેડ ફોર્મમાં સેવ કર્યા હોય તો આવું થાય નહીં પરંતુ જયરામના દાવા મુજબ આવું થતું નહોતું. પરિણામે લગભગ ત્રણ લાખ જેટલા વોટ્સએપ યૂઝર્સના ફોન નંબર ગૂગલ પર ઉપલબ્ધ થઈ ગયા હતા.
હવે વોટ્સએપે કહ્યું છે કે તેણે ખામી સુધારી લીધી છે. આ નંબર ગૂગલ સર્ચ એન્જિન પરથી પણ દૂર કરી દેવામાં આવ્યા છે. અતુલ જયરામે વોટ્સએપની આ ખામી શોધી હોવા છતાં તેને વોટ્સએપ તરફથી કોઈ ઇનામ મળ્યું નથી! વોટ્સએપના દાવા મુજબ આ રિસર્ચરે ફક્ત વોટ્સએપ યૂઝર્સે પોતે જે યુઆરએલને જાહેર કર્યા હોય તે દર્શાવતું સર્ચ એન્જિન ઇન્ડેક્સ બતાવ્યું છે, આથી તે બગ બાઉન્ટીને પાત્ર નથી.
ભારતમાં યુપીઆઇ આધારિત વોટ્સએપની પેમેન્ટ સર્વિસ લાંબા સમયથી ઘોંચમાં પડી છે, પણ બ્રાઝિલમાં આવી જ સર્વિસ ડેબિટ/ક્રેડિટ કાર્ડના આધારે લોન્ચ થઈ ગઈ છે.
