ફોનમાં સ્પેસ ઓછી પડતી હોય તો વોટ્સએપને કારણે, બિનજરૂરી રીતે ડાઉનલોડ થતી બાબતો અટકાવો અને વધુ જગ્યા રોકતી ચેટ્સનો ડેટા પણ ડિલીટ કરો, આ રીતે…
વોટ્સએપમાં કેટલીક સામાન્ય કાળજી ન લઈએ તો તો મિત્રોની કૃપાથી આપણો ફોન ઝડપથી ભરાવા લાગી શકે છે!
વોટ્સએપને કારણે ફોન પર વધતો ભાર બે રીતે અંકુશમાં રાખી શકાય – એક, આપોઆપ ડાઉનલોડ થતી ઇમેજ-વીડિયો પર રોક લગાવીને અને બીજું, વધુ જગ્યા રોકતી ચેટ ડિલીટ કરીને.
આપણા પર આવેલા મેસેજિસ પર પહેલેથી થોડી બ્રેક રાખો, એટલે કે તમે ઇચ્છો ત્યારે જ મેસેજમાં આવેલી ઈમેજ/વીડિયો વગેરે ફોનમાં ડાઉનલોડ થાય એવું સેટિંગ કરવાથી ફોન પર ઝડપથી ભાર વધશે નહીં. એ માટે આ પેજ પર નીચે દર્શાવેલાં પગલાં લો.
એ ઉપરાંત, વોટ્સએપથી ફોનમાં રોકાતી જગ્યા ખાલી કરવા માટે આપણે કાં તો એક ધડાકે બધી ચેટને ખાલી કરી શકીએ, પરંતુ એવું ન કરવું હોય, માત્ર અમુક બિનજરૂર ચેટનો ડેટા જ ડિલીટ કરવો હોય તો એવું પણ થઈ શકે છે.
એ માટે, પહેલાં તો એ જાણવું જરૂરી બને કે આપણા પર આવેલા મેસેજિસમાંથી, કઈ વ્યક્તિ કે ગ્રૂપને કારણે આપણા ફોનની સ્ટોરેજમાં કેટલી જગ્યા રોકાય છે.
એ માટે, ફોનમાં વોટ્સએપના સેટિંગ્સમાં ‘ડેટા એન્ડ સ્ટોરેજ યૂઝેજ’માં જઈને આપણે સ્ટોરેજ તપાસી શકીએ છીએ અને જરૂર મુજબ ચેટ ડિલીટ કરી શખીએ છીએ. આ સ્ટેપ્સ ઉપયોગી થશે…
ઈમેજ/વીડિયો ઓટો-ડાઉનલોડ થતાં અટકાવવા માટે…
૧
સેટિંગ્સમાં ‘ડેટા એન્ટ સ્ટોરેજ યૂઝેજ’માં જાઓ. તેમાં ‘મીડિયા ઓટો-ડાઉનલોડ’ જુઓ.
૨
મોબાઇલ ડેટાના ઉપયોગ વખતે કોઈ મીિડયા કે ડોક્યુમેન્ટ ડાઉનલોડ ન થાય એવું સેટિંગ કરી શકાય.
૩
એ રીતે, વાઇ-ફાઇના ઉપયોગ સમયે મીિડયા, ડોક્યુમેન્ટ ડાઉનલોડ ન થાય એવું સેટિંગ કરી શકાય.
વ્યક્તિગત કોન્ટેક્ટ કે ગ્રૂપથી રોકાતી સ્પેસ જાણી, તેને ખાલી કરવા માટે…
૧
વોટ્સએપના સેટિંગ્સમાં જઈને તેમાં ‘ડેટા એન્ડ સ્ટોરેજ યૂઝેજ’ સેક્શન પર ક્લિક કરો.
૨
વોટ્સએપને કારણે ફોનની કેટલી સ્ટોરેજ વપરાઈ રહી છે તેની ગણતરી થશે ને તેનો આંકડો દેખાશે.
૩
દરેક કોન્ટેક્ટ કે ગ્રૂપ ફોનમાં કેટલી જગ્યા રોકે છે તે ઉતરતા ક્રમમાં દેખાશે. નિયમિત સફાઈ નહીં થતી હોય તો અહીં મોટા આંકડા દેખાશે!
૪
જે કોન્ટેક્ટ કે ગ્રૂપને કારણે વધુ જગ્યા રોકાતી હોય તેને સિલેક્ટ કરો અને તેની કઈ આઇટમ કેટલી જગ્યા રોકે છે તે જુઓ.
૫
હવે જે તે બાબત ડિલીટ કરવી હોય તે સિલેક્ટ કરી લો અને નીચે ‘ડિલીટ આઇટમ્સ’ પર ક્લિક કરી દો.
૬
કન્ફર્મેશન પૂછવામાં આવે તેમાં ઇચ્છો તો સ્ટાર કરેલા મેસેજ પણ ડિલીટ કરવા કહો અને બધું ડિલીટ કરી, ફોનમાં જગ્યા વધારો!


