યુટ્યૂબ પર અત્યાર સુધીમાં આપણે સૌએ અસંખ્ય વીડિયો જોયા છે. એમાંના ઘણા બધા વીડિયો કોઈને કોઈ પ્રકારની પ્રોડક્ટ કે સર્વિસને સંબંધિત હોય છે, જેનું ઓનલાઇન વેચાણ થતું હોય છે.
આવા વીડિયોમાં કે તેની સાથોસાથ જોવા મળતી વીડિયો એડ્સમાં આવી પ્રોડક્ટ કે સર્વિસ જ્યાંથી ખરીદી શકાય તેની લિન્ક જોવા મળે છે. આપણે તેને ક્લિક કરીએ એટલે યુટ્યૂબની બહાર કોઈ ને કોઈ વેબસાઇટ કે શોપિંગ પ્લેટફોર્મ પર પહોંચીએ. હવે આ સ્થિતિ બદલાય તેવી શક્યતા છે.
મળતી માહિતી મુજબ યુટ્યૂબને જ શોપિંગ પ્લેટફોર્મમાં ફેરવી નાખીને એમેઝોન કે અલીબાબા જેવા ઇ-કોમર્સ જાયન્ટ્સની હરીફાઈ કરવાનો પ્રયાસ કરવામાં આવશે. અત્યાર સુધી ગૂગલે તેની વિવિધ સર્વિસ પર વિવિધ પ્રોડક્ટનું ડાઇરેકટ વેચાણ કરવાના પ્રયાસ કર્યા છે પરંતુ તેને ખાસ સફળતા મળી નથી. ગૂગલની ભૂમિકા માત્ર પ્રોડક્ટની એડ્સ બતાવવાની રહી છે. પરંતુ હવે યુટ્યૂબ પરથી જ સીધેસીધું વેચાણ શરૂ થાય તો સ્થિતિ ખાસ્સી બદલાશે.
યુટ્યૂબે આ માટે તેના સોફ્ટવેરમાં જરૂરી ફેરફાર કર્યા છે અને વીડિયો ક્રિએટર્સને જો તેમના વીડિયોમાં કોઈ પ્રોડક્ટ્સની વાત હોય તો તેને ટેગ કરવાનું શરૂ કરવા કહ્યું છે. આ ડેટાને ગૂગલના એનાલિટિક્સ અને શોપિંગ ટૂલ્સ સાથે સાંકળવામાં આવશે.

