(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

વિવિધ સાઇટ્સમાં ગૂગલ કે ફેસબુકથી ‘સોશિયલ લોગ-ઇન’ કર્યા પછી શું ધ્યાન રાખશો?

વિવિધ સાઇટ્સ પર અલગ યૂઝરનેમ-પાસવર્ડ યાદ રાખવાં ન હોય તો સોશિયલ લોગ-ઇન બહુ હાથવગી સુવિધા છે, પરંતુ એમ કર્યા પછી, તમે કેવી પરમિશન્સ આપી રહ્યા છો તે અચૂક તપાસવું જોઈએ.

વિજ્ઞાન બેધારી તલવાર છે – પ્રાથમિક શાળાથી નિબંધસ્પર્ધા કે વક્તૃત્વ સ્પર્ધાઓમાં આ વિષય પૂછાતો આવ્યો છે, પણ ભણીગણી લીધા પછીય આ મુદ્દો આપણો પીછો છોડતો નથી! નવી ટેક્નોલોજીને પ્રતાપે આજે ડગલે ને પગલે, દરેક ક્લિક કે આંગળીના ઇશારે આપણા મનમાં આ વિચાર આવ્યા વિના રહેતો નથી.

ઇન્ટરનેટ પર લગભગ દરેક બાબતનાં સારાં-નરસાં પાસાં હોય છે. પરિણામે આપણે સતત દ્વિધામાં રહીએ કે કઈ તરફ જવું?! સદનસીબે, જો આવી મૂંઝવણ કરાવતી બાબતોને જરા ઊંડાણપૂર્વક સમજી લઇએ તો તેનાં નરસાં પાસાંની અસર ઓછી કરીને સારાં પાસાંનો લાભ લઈ શકીએ.

આવી દ્વિધા કરાવતી એક બાબત છે સોશિયલ લોગ-ઇન.

આજે ઇન્ટરનેટ પર લગભગ તમામ સાઇટ્સ અને એપ્સનો, સરેરાશ કરતાં વધુ લાભ લેવા માટે તેમાં એકાઉન્ટ ખોલાવવું જરૂરી હોય છે, પછી ભલે તે ફ્રી એકાઉન્ટ હોય. સાઇટ કે એપના સંચાલકો માટે એ જરૂરી હોય છે કે કેમ કે તો જ તેમને તેમની સાઇટના મુલાકાતીઓ વિશે કંઈક સ્પષ્ટતા રહે. પરંતુ યૂઝર તરીકે આપણે કેટલીક સર્વિસમાં ખાતાં ખોલાવીએ?

પાસવર્ડની ઝંઝટને કારણે આખી ટેક દુનિયા હવે, જુદી જુદી સાઇટ, સર્વિસ, એપ વગેરેમાં  ગૂગલ, ફેસબુક વગેરેની મદદથી લોગ-ઇન થવાની રીત તરફ વળી રહી છે, પણ યૂઝર તરીકે આપણને સહજ દ્વિધા રહે કે આ રીત જોખમી તો નથીને?

હમણાં ફરજિયાત મળેલી ફુરસદ જેવી સ્થિતિમાં તમે ક્યારેક તમારી ઓનલાઇન લાઇફ તપાસી જોજો – તમે કેટલી સર્વિસમાં ખાતાં ખોલાવ્યાં હશે તેનો પાકો આંકડો તમે પણ શોધી શકશો નહીં!

પરિણામે જે નવી સર્વિસમાં ખાતું ખોલવાનું કહેવામાં આવે ત્યાં કાં તો આપણે આગળ વધવાનું જ માંડી વાળીએ, અથવા સર્વિસ ઘણી ઉપયોગી લાગતી હોય તો તેમાં ખાતું ખોલાવીએ, પણ પછી સાવ સાદો, સહેલાઈથી યાદ રહે એવો પાસવર્ડ પસંદ કરીએ અથવા બીજી કોઈ સર્વિસનો જ જૂનો પાસવર્ડ આપીને કામ ચલાવીએ.

આ બંને બાબત યૂઝર તરીકે આપણે માટે જોખમી છે. જો પાસવર્ડ ભૂલી જઈએ અને તેને રીસેટ કરવાની ઝંઝટમાં ન પડીએ તો એ સાઇટને નુક્સાન છે, કેમ કે તે એક યૂઝર ગુમાવે!

સોશિયલ લોગ-ઇન સુવિધા આવી ગૂંચવણોનો એક સહેલો ઉપાય આપે છે.

થર્ડ પાર્ટી એક્સેસથી ડેટા ચોરીને મામલે બહુ વગોવાયેલી ફેસબુકને જ કારણે જ હવે આ બાબતમાં વધુ ને વધુ પારદર્શકતા આવી રહી છે!

પરિણામે, હવે તમે મોટા ભાગની ઇન્ટરનેટ સર્વિસ કે એપમાં જાઓ ત્યારે તેમાં, બાજુના સ્ક્રીનશોટમાં બતાવ્યા મુજબ તમારું ઈ-મેઇલ અને નવો પાસવર્ડ આપીને સાઇન-અપ થવા, એટલે કે ખાતું ખોલવામાં કહેવામાં આવે છે, તેની સાથોસાથ તેના વિકલ્પ રૂપે એપલ, ગૂગલ, ફેસબુક, ટ્વીટર, ફાયરફોક્સ વગેરેના તમારા એકાઉન્ટથી મદદથી આગળ વધવા પણ કહેવામાં આવે છે.


આમાં આપણે, એ સર્વિસ અને આ રીતે લોગ-ઇનની સગવડ આપતા પ્લેટફોર્મ ત્રણેને ફાયદો છે.

આપણો ફાયદો એ છે કે આપણે વધુ એક પાસવર્ડ યાદ રાખવો પડતો નથી.

એ સર્વિસ કે એપને ફાયદો એ કે તેનો યૂઝર પાસવર્ડથી ઝંઝટ ટાળવા તેનાથી દૂર ભાગતો નથી અને તેની સાચી વિગતો મળે છે.

સોશિયલ પ્લેટફોર્મને ફાયદો એ કે તેને પોતાના યૂઝર, પોતાના પ્લેટફોર્મ ઉપરાંત, ઇન્ટરનેટ પર બીજે ક્યાં ક્યાં શું શું ખાંખાંખોળાં કરે છે તે તેને જાણવા મળે છે!

વ્યાપક રીતે ‘સોશિયલ લોગ-ઇન’ તરીકે ઓળખાતી આ વ્યવસ્થા સતત વિસ્તરી રહી છે.

ખાસ કરીને પાસવર્ડની ઝંઝટને કારણે આખી ટેક દુનિયા હવે લોગ-ઇન થવાની આ રીત તરફ વળી રહી છે, પણ યૂઝર તરીકે આપણને સહજ દ્વિધા રહે કે આ રીત જોખમી તો નથીને? સદનસીબે  આ વ્યવસ્થામાં આપણા જેવા યૂઝરના હાથમાં વધુ ને વધુ કંટ્રોલ  આવી રહ્યો છે.

આપણે આ કંટ્રોલનો લાભ ત્યારે લઈ શકીએ, જ્યારે આપણને એ વિશે પૂરતી જાણકારી હોય!

મજાની વાત એ છે કે થર્ડ પાર્ટી એક્સેસથી ડેટા ચોરીને મામલે બહુ વગોવાયેલી ફેસબુકને જ કારણે જ હવે આ બાબતમાં વધુ ને વધુ પારદર્શકતા આવી રહી છે!

એ ખાસ ધ્યાનમાં રાખવા જેવું છે કે જ્યારે કોઈ એપ કે સર્વિસ પોતાના યૂઝરને ગૂગલ કે ફેસબુકથી સાઇન-ઇન થવાની સગવડ આપે છે ત્યારે તે નક્કી કરી શકે છે કે તેણે એ યૂઝરના ગૂગલ-ફેસબુકના કયા ડેટાની એક્સેસ મેળવવી છે.

તમને યાદ હશે કે થોડાં વર્ષ પહેલાં, અમેરિકાના પ્રમુખની ચૂંટણી વખતે આ જ રીતે, ફેસબુક દ્વારા લોગ-ઇનની સગવડ આપતી સંખ્યાબંધ થર્ડ પાર્ટી એપ્સ દ્વારા, લાખો યૂઝરે ફેસબુક પર જે પસંદ-નાપસંદ કે અન્ય વિગતો આપી હતી તે કેમ્બ્રિજ એનાલિટિકા નામની કંપની સુધી પહોંચી હતી. એ કંપનીએ આ ડેટાની મદદથી, ચૂંટણી પહેલાં લોકોનો મત બદલવાનું સ્માર્ટ  કેમ્પેઇન ચલાવ્યું હતું.

આ કૌભાંડને પગલે અમેરિકા-યુરોપમાં સરકારોના દબાણને કારણે ટેક કંપનીઝ પર થર્ડ પાર્ટી એપ્સને સંબંધિત બાબતો વધુ પારદર્શક બનાવવાનું દબાણ આવ્યું અને તેમણે તેને લગતાં નવાં ફીચર્સ ઉમેરવાં પડ્યાં.

એ પછી, ગૂગલ-ફેસુબક સાથે કનેક્ટ થતી થર્ડ પાર્ટી એપ્સ કે સર્વિસ આપણા કયા કયા ડેટા સુધી પહોંચી શકે છે તે તપાસવંુ સહેલું બન્યું છે.

એ ખાસ ધ્યાનમાં રાખવા જેવું છે કે જ્યારે કોઈ એપ કે સર્વિસ પોતાના યૂઝરને ગૂગલ કે ફેસબુકથી સાઇન-ઇન થવાની સગવડ આપે છે ત્યારે તે નક્કી કરી શકે છે કે તેણે એ યૂઝરના ગૂગલ-ફેસબુકના કયા ડેટાની એક્સેસ મેળવવી છે.

જેમ કે અમુક સર્વિસ માત્ર યૂઝરનું નામ, ઈ-મેઇલ જેવી પ્રાથમિક વિગત માગે છે, જ્યારે કેટલીક સર્વિસ આગળ વધીને યૂઝરના પ્રોફાઇલમંની ઘણી વધુ વિગતો પણ માગી શકે છે.

ડેટા એક્સેસની આવી  મંજૂરી આપવી કે નહીં તે ગૂગલ-ફેસબુક જેવી સર્વિસના હાથમાં હોય છે.

આપણે જ્યારે કોઈ સર્વિસ કે એપમાં ગૂગલ કે ફેસબુક એકાઉન્ટથી લોગ-ઇન થઈ ત્યારે તેમાં ગૂગલ/ફેસબુક વગેરે તરફથી મળતી સૂચના ધ્યાનથી વાંચવી જરૂરી છે. ઉપરાંત, તમે ઇચ્છો ત્યારે આવા મેઇન પ્લેટફોર્મનાં સેટિંગ્સમાં જઈને, તેમાંના તમારા એકાઉન્ટને અન્ય કઈ કઈ સર્વિસ કે એપ સાથે જોડ્યું છે, તે તમારી કેટલી વિગતો જાણી શકે છે વગેરે જોઈ શકો છો. અહીંથી તમે ઇચ્છો ત્યારે એ થર્ડ પાર્ટીની એક્સેસ બંધ પણ કરી શકો છો.

આટલું કરશો, તો પછી સોશિયલ લોગ-ઇન તમારે માટે ખરેખર સુવિધા બનશે અને જોખમી રહેશે નહીં!

તમારા ગૂગલ એકાઉન્ટ સાથે બીજું ઘણું કનેક્ટેડ હોઈ શકે છે, બની શકે કે તમે ગૂગલ ડ્રાઇવ કે જીમેઇલની એક્સેસ પણ કોઈ સર્વિસને આપી હોય. આ વિગતો તપાસો આ રીતે…

myaccount.google.com પર જઈને તમારા ગૂગલ એકાઉન્ટથી લોગ-ઇન થાઓ. અહીં મથાળે ‘સિક્યોરિટી’ ટેબ પસંદ કરો. તેમાં નીચેની તરફ જતાં, કઈ એપ્સને તમે ગૂગલ એકાઉન્ટની એક્સેસ આપી છે અને કઈ સાઇટ્સમાં તમે ગૂગલથી સાઇન-ઇન થયા છો તે જોવા મળશે.

અહીં સુધી પહોંચ્યા છો તો ‘સિક્યોરિટી’ ટેબમાં બીજા મહત્ત્વના મુદ્દાઓ પણ જોઈ લો. ‘સિક્યોરિટી ઇસ્યુઝ ફાઉન્ડ’ એવું જોવા મળે તો તેને ક્લિક કરી, તેમાં આપેલી સૂચનાઓનું પાલન કરીને તમારા ગૂગલ એકાઉન્ટને વધુ સલામત બનાવો. અહીંનાં બધાં સેટિંગ નિયમિત તપાસવા જેવાં છે.

તમે વોટ્સએપ જેવી કોઈ એપના ડેટાનો ગૂગલ ડ્રાઇવમાં બેકઅપ લેતા હશો તો તે અહીં જોવા મળશે. વોટ્સએપ તમારી ગૂગલ ડ્રાઇવ એક્સેસ કરી શકે છે, તે ઉપરાંત, વોટ્સએપથી ડ્રાઇવમાં બનેલ ફાઇલ્સ/ફોલ્ડર તે જોઈ શકે છે, એવું અહીં જોવા મળશે. યોગ્ય ન લાગે તો એક્સેસ રીમૂવ કરો.

ઉપરાંત, જે સર્વિસ/એપમાં તમે ગૂગલ એકાઉન્ટથી લોગ-ઇન થયા હશો તે જોઈ શકાશે. તે સર્વિસ તમારા ગૂગલ એકાઉન્ટની કઈ કઈ વિગતો જોઈ શકે છે તે પણ જોવા મળશે. તે સર્વિસનું હોમપેજ અને તમે જેને એક્સેસ આપી છે તે બંને એક જ છે તે પણ તપાસો. ઇચ્છો તો એક્સેસ રીમૂવ કરો.

ગૂગલ તમને ચેતવશે કે એક્સેસ રિમૂવ કરશો તો એ સર્વિસ/એપનું તમારા ગૂગલ એકાઉન્ટ સાથેનું જોડાણ બંધ થશે અને તમારે એ સર્વિસનો ફરી ઉપયોગ કરવો હશે, તો ફરી એક્સેસ આપવી પડશે. અહીં તમે જે જે એપ્સને આપેલી એક્સેસ બિનજરૂરી લાગે તેને દૂર કરી શકાય.

તમે જે એપ્સ, ગેમ્સ વગેરેમાં ફેસબુકથી લોગ-ઇન થયા હો, તે તમારા વિશેની કઈ કઈ માહિતી એફબી પાસેથી માગે છે તે ક્યારેક જરૂર તપાસો, આ રીતે…

ફેસબુક એપમાં, ઉપર ત્રણ આડી લીટી પર ક્લિક કરી, ‘સેટિંગ્સ એન્ડ પ્રાઇવસી’ અને તેમાં ફરી ‘સેટિંગ્સ’માં જાઓ. ફેસબુક આ બધાં સેટિંગ્સના નેવિગેશન કે ડિઝાઇનમાં વારંવાર ફેરફાર કરે છે, પણ આપણે જેમાં ફેસબુકથી લોગ-ઇન થયા હોઈએ તે એપ્સ અને વેબસાઇટ્સ સુધી પહોંચવાનું છે.

‘સેટિંગ્સ’માં જરા નીચે, ‘એપ્સ એન્ડ વેબસાઇટ્સ’ મળશે. ઇચ્છો તો તમે સેટિંગ્સમાં પહોંચીને તેના સર્ચ બોક્સમાં એપ્સ એન્ડ વેબસાઇટ્સ સર્ચ કરીને પણ અહીં સુધી પહોંચી શકો છો. જ્યારે ફુરસદ મળે ત્યારે આ બધાં સેટિંગ્સ ધ્યાનથી તપાસવાં જેવાં છે.

અહીં તમે જે જે સાઇટ/એપમાં ફેસબુકથી લોગ-ઇન થયા હશો તેની માહિતી તેમ જ વિવિધ એપ્સ, વેબસાઇટ્સ અને ગેમ્સ અને ફેસબુકના સંબંધ વિશે વધુ માહિતી મળશે. આ સંબંધ કેવો છે અને તેને તોડવાનો પ્રયાસ કરવાથી કેવી અસર થશે એ બધું ક્યારેક તપાસવા જેવું છે.

‘લોગ્ડ-ઇન વિથ ફેસબુક’માં તમે જે જે એપ્સ/સર્વિસ પર ફેસબુકથી એક્ટિવ હશો તે, અને તેના ઉપરાંત, જે એપ્સ/સર્વિસનું આવું લોગ-ઇન એક્સ્પાયર થયું હશે કે તમે પોતે દૂર કરેલ હશે તે જોવા મળશે. તમે નેટ પર કેટલાક સક્રિય છો તે મુજબ, આ યાદી લાંબી-ટૂંકી હોઈ શકે છે. ઇચ્છો તેને દૂર કરો.

દરેક એપ/સર્વિસ ફેસબુક પાસેથી તમારી કેટલી માહિતી માગે છે તે જુઓ. કેટલીક એપ તમારા ફ્રેન્ડ્સનું લિસ્ટ (જેઓ એ એપ પર સક્રિય હોય), બર્થડે, હોમટાઉન, ઈ-મેઇલ એડ્રેસ વગેરે માગી શકે છે. ‘એપ વિઝિબિલિટી’માં તમે આ એપનો ઉપયોગ કરો છો તે કોણ જાણી શકે છે તે જોવા મળશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!