(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

વાતનું વતેસર થતાં સર્જાયા કમ્પ્યુટર વર્મ!

ત્રીસેક વર્ષ પહેલાં એક ભેજાબાજે એકબીજા સાથે જોડાયેલા એક કમ્પ્યૂટરમાંથી બીજામાં આપમેળે જઈ શકે એવો પ્રોગ્રામ બનાવ્યો, જે આજ સુધી આખી દુનિયાને સતાવી રહ્યો છે.

નવેમ્બર ૨,૧૯૮૮નો દિવસ હતો. સાંજના લગભગ સાડા આઠ વાગ્યાનો સમય. એ સમયે આપણે જેને વર્લ્ડ વાઇડ વેબ કે ઇન્ટરનેટ ગણીએ છીએ એવી વ્યવસ્થા ઊભી થવાને હજી એકાદ વર્ષની વાર હતી. આજની જેમ દુનિયાભરનાં કરોડો કમ્પ્યૂટર્સ એકમેક સાથે હજી કનેક્ટ થયાં નહોતાં. ફક્ત અમેરિકાની મોટી યુનિવર્સિટીઝ તથા સરકારી, લશ્કરી તથા અન્ય સંસ્થાઓમાંનાં કમ્પ્યૂટર્સ એકમેક સાથે જોડાયાં હતાં.

નવેમ્બરની બીજી તારીખે, એ સમયે કમ્પ્યૂટરનો ઉપયોગ કરતા લોકોએ કલ્પ્યું પણ નહોતું એવું કંઈક બન્યું. એ દિવસે અમેરિકાની જગવિખ્યાત મેસેચ્યુસેટ્સ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી (એમઆઇટી)ના એક કમ્પ્યૂટરમાંથી એક કમ્પ્યૂટર પ્રોગ્રામ એ કમ્પ્યૂટર સાથે જોડાયેલાં અન્ય કમ્પ્યૂટર્સમાં ઘૂસવા લાગ્યો. એ સમયનાં મોટા ભાગનાં કમ્પ્યૂટર્સ ‘યુનિક્સ’ નામની એક ઓપરેટિંગ સિસ્ટમ પર ચાલતાં હતાં. પેલો પ્રોગ્રામ આવા કમ્પ્યૂટર્સની ઇલેક્ટ્રોનિક મેઇલ સિસ્ટમમાં રહેલા છીંડાની મદદથી કમ્પ્યૂટરમાં દાખલ થતો હતો. પ્રોગ્રામ એવી રીતે લખાયો હતો કે એ નવા કમ્પ્યૂટરમાં ઘૂસ્યા પછી પોતાની હાજરી વર્તાવા દેતો નહોતો.

એ પ્રોગ્રામ જે કમ્પ્યૂટરમાં ઘૂસતો હતો તેની ફાઇલને નુકસાન કરે કે તેનો નાશ કરે એવી રીતે લખાયો નહોતો. છતાં જોતજોતામાં આ પ્રોગ્રામે પોતાનું પોત પ્રકાશવાનું શરૂ કર્યું. એ સમયના ઇન્ટરનેટ સાથે કનેક્ટેડ મિલિટ્રી અને યુનિવર્સિટીનાં કમ્પ્યૂટર્સ સાવ ધીમા પડવા લાગ્યાં. એક કમ્પ્યૂટરમાંથી બીજાને મોકલાયેલા ઈ-મેઇલ્સને પહોંચતાં દિવસો લાગે એવી સ્થિતિ સર્જાઈ.

એ સમયે હજી ઇન્ટરનેટ જ પ્રારંભિક અવસ્થામાં હતું એટલે ‘હેકિંગ’ શબ્દ પણ ખાસ ચલણી બન્યો નહોતો. શરૂઆતમાં તો કોઈને કંઈ સમજાયું નહીં કે આ શું થઈ રહ્યું છે. કેટલીક સંસ્થાઓએ તેમની સિસ્ટમને ઠીક કરવા બધો ડેટા ભૂંસીને નવેસરથી એકડો ઘૂંટવાની કોશિશ કરી. અમુકે કમ્પ્યૂટર્સ નેટવર્કથી ડિસકનેક્ટ કરી લાંબા સમય સુધી ફરી કનેક્ટ કર્યાં જ નહીં.

કમ્પ્યૂટર વર્મ શું છે?

કમ્પ્યૂટર વર્મ એક પ્રકારનો પ્રોગ્રામ છે, જે એકમેક સાથે જોડાયેલાં કમ્પ્યૂટર્સમાં, કેટલાંક છીંડાંનો લાભ લઈને ઘૂસે છે અને પછી જાતે જ એકમાંથી બીજા કમ્પ્યૂટરમાં ઘૂસવા લાગે છે. બીજા કમ્પ્યૂટરમાં પહોંચ્યા પછી પણ, પહેલા ઇન્ફેક્ટેડ કમ્પ્યૂટરમાં તે એક્ટિવ રહે છે. વર્મને કારણે કમ્પ્યૂટર અત્યંત ધીમું પડવા લાગે ત્યાં સુધી તેની હાજરી વર્તાતી નથી. કમ્પ્યૂટર વાઇરસ અને વર્મમાં મોટો તફાવત એ છે કે વાઇરસ, વર્મની જેમ જાતે નવસર્જન પામીને ફેલાઈ શકતો નથી.

એ સમયે અમેરિકાનાં લગભગ ૬૦,૦૦૦ કમ્પ્યૂટર્સ નેટવર્ક સાથે કનેક્ટેડ હતાં. તેમાંથી છ હજાર જેટલાં કમ્પ્યૂટર્સ, પેલો પ્રોગ્રામ નેટવર્કમાં વહેતો થયાના ૨૪ જ કલાકમાં ઠપ્પ થવા લાગ્યાં. હાર્વર્ડ, કિંગસ્ટન, સ્ટેનફોર્ડ, નાસા જેવી યુનિવર્સિટી કે સંસ્થાઓનાં કમ્પ્યૂટર્સ આ અણધાર્યા હુમલાનો ભોગ બન્યાં હતાં.

કમ્પ્યૂટરના નિષ્ણાતો નેટવર્ક સાથે જોડાયેલાં સંખ્યાબંધ કમ્પ્યૂટર્સ એકાએક કેમ સાવ ધીમાં પડી ગયાં કે ઠપ્પ થવા લાગ્યાં એનું કારણ શોધવાની મથામણ પડ્યા. અસર પામેલાં કમ્પ્યૂટર્સ તપાસ્યા પછી એમને એટલું સમજાયું કે કોઈ એક વ્યક્તિએ આ ગરબડ ઊભી કરી હતી. દરમિયાન કંઈક એવું બન્યું જેને કારણે આ હોબાળો ઊભો કરનાર કોણ હતું એની ભાળ મેળવવી સહેલી બની ગઈ.

શરૂઆતમાં તો કોઈને કંઈ સમજાયું નહીં કે આ શું થઈ રહ્યું છે. કેટલીક સંસ્થાઓએ તેમની સિસ્ટમને ઠીક કરવા બધો ડેટા ભૂંસીને નવેસરથી એકડો ઘૂંટવાની કોશિશ કરી.

સંખ્યાબંધ કમ્પ્યૂટર્સમાં તકલીફ ઊભી થયાની વાતો બહાર આવ્યા પછી એક કમ્પ્યૂટર પ્રોગ્રામરે પોતાના બે મિત્રોનો સંપર્ક કર્યો અને એમની આગળ તેણે પોતાનું મન ખુલ્લું મૂકી દીધું. તેણે કહ્યું કે તેણે એક કમ્પ્યૂટરમાંથી તેની સાથે જોડાયેલા બીજા કમ્પ્યૂટરમાં ઘૂસવા લાગે એવો એક પ્રોગ્રામ બનાવ્યો હતો. પરંતુ પછી વાત તેના કાબૂ બહાર ગઈ હતી. થયું એવું હતું કે આ પ્રોગ્રામ એકમાંથી બીજા કમ્પ્યૂટરમાં તો ઘૂસતો હતો પરંતુ એકના એક કમ્પ્યૂટરમાં પણ તેનું સતત ડુપ્લિકેશન થતું હતું. પોતે કંઈક મોટી ભૂલ કરી દીધી હોવાનું એ પ્રોગ્રામરને સમજાઈ ગયું હતું એટલે તેણે પોતાના દોસ્તને વિનંતી કરી કે એ તેના વતી, કોઈ નામ વિનાનો મેસેજ ઇન્ટરનેટ પર વહેતો કરે. આ મેેઇલમાં, જે કંઈ થયું એ માટે માફી માગીને અસર પામેલા કમ્પ્યૂટરમાંથી એ પ્રોગ્રામ કેવી રીતે દૂર કરવો તેનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. તકલીફ એ થઈ કે આખા નેટવર્કમાં એ પ્રોગ્રામને કારણે એવો ચક્કાજામ સર્જાઈ ગયો હતો કે આ મેઇલ પણ બહુ ઓછા લોકો સુધી પહોંચ્યો!

મ્યૂઝિયમાં સચવાયેલી, એ ખતરનાક પ્રોગ્રામ ધરાવતી ફ્લોપી ડિસ્ક

આટલે સુધીનું લખાણ તમે બરાબર સજાગ રહીને વાંચ્યું હશે તો તમારા ધ્યાનમાં આવ્યું હશે કે પેલા કમ્પ્યૂટર પ્રોગ્રામરે પોતે સર્જેલા ડખ્ખાની વાત બે મિત્રોને કરી હતી. એક મિત્રએ માફી માગીને માર્ગદર્શન આપતો નામ વિનાનો ઇ-મેઇલ સૌને રવાના કર્યો પરંતુ બીજા મિત્રના પેટમાં વાત રહી નહીં. તેણે અમેરિકાના પ્રતિષ્ઠિત અખબાર ન્યૂયોર્ક ટાઇમ્સમાં નનામો ફોનકોલ કરીને જણાવ્યું કે કમ્પ્યૂટર નેટવર્ક કેવી રીતે ઠપ્પ થયાં છે એ તેને ખબર છે. પેલા મિત્રએ રિપોર્ટરને કહ્યું કે આ બધો ડખો ‘આરટીએમ’ નામના એક પ્રોગ્રામરે ઊભો કર્યો હતો. જોકે તેણે એવી સ્પષ્ટતા કરી ખરી કે આ આરટીએમનો ઇરાદો કોઈને નુકસાન પહોંચાડવાનો નહોતો અને પ્રોગ્રામિંગમાં એક ભૂલને કારણે બધી ગરબડ સર્જાઈ હતી.

કમ્પ્યૂટર વર્મથી કેવું નુક્સાન થઈ શકે?

નુકસાનનો બધો આધાર વર્મના પ્રકાર અને આવો પ્રોગ્રામ લખનારા પર છે. અમુક વર્મ કમ્પ્યૂટર કે તેના નેટવર્કમાં ભીડભાડ ઊભી કરીને તેને ધીમા કે ઠપ્પ કરી દેવાથી વિશેષ કશું નુક્સાન કરતા નથી, તો કેટલાક વર્મ મોટાં કોર્પોરેશન્સની જાસૂસી કરવા માટે તેના નેટવર્કમાં ઘૂસાડવામાં આવે છે.

કમ્પ્યૂટર વર્મ, તેનો ભોગ બનેલા કમ્પ્યૂટરમાંની ફાઇલ્સને ઓવરરાઇટ કરી શકે છે અને તેની ડુપ્લિકેટ્સ પણ બનાવી શકે છે. તેને કારણે કમ્પ્યૂટરના રિસોર્સિસ પરનો ભાર અચાનક વધી જાય છે. ખાસ તો, આપણી મહત્ત્વની ફાઇલ્સ વર્મને કારણે ગુમાવવાનો વારો આવી શકે છે.

હવે વર્મ વધુ જોખમી થતા જાય છે અને તેના ડેવલપર્સ તેમાં ‘પેલોડ’ ઉમેરી શકે છે, એટલે કે જાતે ફેલાતા પ્રોગ્રામ ઉપરાંત, ડેટાની ચોરી કરી શકે તેવા પ્રોગ્રામ પણ વર્મમાં ઉમેરી શકે છે.

વર્મનો ભોગ બનેલા કમ્પ્યૂટરમાંથી અન્ય લોકોને સ્પામ મેઇલ્સ મોકલાય એવું પણ બની શકે છે.

ન્યૂયોર્ક ટાઇમ્સના સ્માર્ટ રિપોર્ટર માટે આટલી માહિતી પૂરતી હતી. થોડા જ સમયમાં અખબારમાં સમાચાર ચમક્યા કે અમેરિકાની કોર્નેલ યુનિવર્સિટીના રોબર્ટ ટપન મોરિસ (આરટીએમ!) નામના ૨૩ વર્ષના એક ગ્રેજ્યુએટ સ્ટુડન્ટે આ ગરબડ સર્જી હતી. તપાસમાં બહાર આવ્યું કે મોરિસ કમ્પ્યૂટર સાયન્સનો એક ટેલેન્ટેડ વિદ્યાર્થી હતો અને હજી પાંચેક મહિના પહેલાં, જૂન ૧૯૮૮માં જ  તે હાર્વર્ડ યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએટ થયો હતો. કમ્પ્યૂટર સાયન્સમાં ઊંડો રસ તેને પિતા તરફથી વારસામાં મળ્યો હતો, જેમણે જાણીતી સંશોધન સંસ્થા બેલ લેબ્સમાં સંશોધક તરીકે કામ કર્યું હતું.


મોરિસ હાર્વર્ડમાં ભણતો હતો ત્યારથી ‘કમ્પ્યૂટરના ખાંટુ’ તરીકે તેની ઓળખ ઊભી કરી ચૂક્યો હતો. ખાસ કરીને યુનિક્સ ઓપરેટિંગ સિસ્ટમની બધી આંટીઘૂંટીઓ એ પચાવી ગયો હતો. હાર્વર્ડ યુનિવર્સિટીમાં મોરિસ બીજી એક વાતે પણ નામના મેળવી ચૂક્યો હતો. તે જાતજાતના કિમિયા અજમાવીને દોસ્તોને ઉલ્લુ બનાવી શકતો હતો.

હાર્વર્ડ પછી આગળના અભ્યાસ માટે કોર્નેલ યુનિવર્સિટીમાં એડમિશન મેળવ્યા પછી મોરિસે એક પ્રોગ્રામ ડેવલપ કરવાનું શરૂ કર્યું હતું. જે ધીમે ધીમે અને છાનીછૂપીથી કમ્પ્યૂટરના નેટવર્કમાં ફેલાઈ શકે. આ પ્રોગ્રામનું પગેરું તેના સુધી પહોંચે નહીં તે માટે તે પહેલાં, કોર્નેલ યુનિવર્સિટીના પોતાના કમ્પ્યૂટરમાંથી એમઆઇટીના એક કમ્પ્યૂટરમાં ઘૂસ્યો અને ત્યાંથી તેણે પોતાનો પ્રોગ્રામ વહેતો મૂક્યો.

રોબર્ટ ટપન મોરિસ

એ સાથે હેકિંગનો દુનિયાનો કદાચ પહેલો કિસ્સો સર્જાયો, જે પ્રકાશમાં પણ આવ્યો.  આ બધી વાતો જાહેર થઈ ગયા પછી અમેરિકન એફબીઆઇના અધિકારીઓએ વધુ તપાસ શરૂ કરી. એફબીઆઇના એજન્ટે મોરિસ અને તેના મિત્રોની ઉલટ તપાસ કરી, તેમના કમ્પ્યૂટરમાંની ફાઇલ્સ તપાસી અને પૂરતા પુરાવાઓ મળી ગયા.

મોરિસનાં નસીબ, એ પકડાઈ ગયો એટલા પૂરતાં જ નબળાં નહોતાં. તેના કમનસીબે ફક્ત બે વર્ષ પહેલાં અમેરિકન કોંગ્રેસે ‘કમ્પ્યૂટર ફ્રોડ એન્ડ એબ્યૂઝ’ નામનો એક કાયદો પસાર કર્યો હતો અને પ્રોટેકટેડ કમ્પ્યૂટરમાં બિનઅધિકૃત રીતે કરવામાં આવતી ઘૂસણખોરીને ગેરકાયદે જાહેર કરી હતી.

૧૯૮૯માં મોરિસ સામે કેસ ચાલ્યો. પછીના વર્ષે, અમેરિકન ન્યાય વ્યવસ્થા મુજબ જ્યૂરીએ મોરિસને દોષી ઠરાવ્યો. એ સાથે મોરિસ ૧૯૮૬માં બનેલા પેલા કાયદા હેઠળ દોષી ઠરેલો પહેલો ગુનેગાર બન્યો. જોકે મોરિસના નસીબ થોડું જોર કરતાં હતાં. તેને જેલની સજા ન મળી પરંતુ તેનાથી હળવી ‘પ્રોબેશન’ (એટલે કે નિશ્ચિત સમયગાળા સુધી તેણે પોલીસની નજર હેઠળ રહેવું પડે જેથી તે અન્ય કોઈ વધુ ગંભીર ગુનો ન કરે)ની સજા મળી. એ સાથે મોરિસને દસેક હજાર ડોલરનો દંડ થયો અને કુલ ૪૦૦ કલાક સુધી સમાજસેવા કરવાની સજા પણ થઈ. મોરિસને આવી પ્રમાણમાં હળવી સજા થવાનું કારણ એ હતું કે મોરિસે પોતાની ભૂલ સમજાયા પછી તેને વાળી લેવાની કોશિશ કરી હતી.

કમ્પ્યૂટર વર્મ વિશે આ પણ જાણી લો…

    • તમારું કમ્પ્યૂટર ઇન્ટરનેટ સાથે કનેક્ટેડ હોય અને તેને સલામત રાખવા તમે પૂરતાં પગલાં લીધાં ન હોય તો તેમાં ગમે ત્યારે વર્મ ઘૂસી શકે છે.
    • વર્મ ઇન્ટરનેટ કનેક્શન, ઈ-મેઇલ, ફાઇલ શેરિંગ, ઇન્સ્ટન્ટ મેસેજ, ચેટ વગેરે જુદી જુદી ઘણી રીતે એક કમ્પ્યૂટરમાંથી બીજામાં ઘૂસી શકે છે.
    • કમ્પ્યૂટર અચાનક ધીમું ચાલવા લાગે તો એ, તેમાં વર્મ ઘૂસ્યો હોવાનો સંકેત છે.
    • વર્મ એન્ટિ-વાઇરસ પ્રોગ્રામ પર પણ ત્રાટકતો હોય છે, એટલે તેનાં સેટિંગ્સ બદલાવા લાગે તો એ પણ વર્મની હાજરીનું પોત પ્રકાશે છે.
    • સામાન્ય રીતે, સારા એન્ટિ-વાઇરસ પ્રોગ્રામનો ઉપયોગ કરો, તેને નિયમિત અપડેટ કરો અને તેની મદદથી કમ્પ્યૂટરને નિયમિત સ્કેન કરતા રહો તો વર્મ સામે સારું એવું રક્ષણ મળી શકે છે.
    • તમારી ઓપરેટિંગ સિસ્ટમમાં ઓટોમેટિક અપડેટ્સનો લાભ મળતો હોય તો તેનો અચૂક ઉપયોગ કરવા જેવો છે, વર્મથી બચવાનો આ એક સહેલો ઉપાય છે.
    • અજાણી વ્યક્તિ તરફથી આવેલા ઈ-મેઇલ્સ કે એટેચમેન્ટ ઓપન કરવામાં ચોક્કસ જોખમ છે.
    • વર્ષ ૧૯૯૯માં મેલિસા નામનો વર્મ મેઇલ્સ મારફત ફેલાયો હતો. એ જ રીતે, વર્ષ ૨૦૦૦માં કોઈ ભેજાબાજે ‘આઇ લવ યૂ’ એવી સબ્જેક્ટ લાઇન સાથે, વર્મવાળા મેઇલ્સ લોકોને મોકલ્યા હતા. આવો વિષય વાંચીને ભલભલા લોકો એ મેઇલમાં શું છે એ જોવા લલચાઈ ગયા, પરિણામે વર્મે આખી દુનિયામાં તરખાટ મચાવ્યો હતો.
    • વર્ષ ૨૦૦૪માં માયડૂમ અને ૨૦૦૮માં કોનફિકર નામના વર્મે ધમાલ મચાવી હતી. મોટા ભાગના વર્મ વિન્ડોઝ ઓપરેટિંગ સિસ્ટમને જ નિશાન બનાવતા હોય છે.

મોરિસે તેની સામે ચાલેલા કેસ દરમિયાન વારંવાર દલીલ કરી હતી કે એ માત્ર કમ્પ્યૂટર સાયન્સનો એક પ્રયોગ કરી રહ્યો હતો (કેટલાકના મતે મોરિસે એક કમ્પ્યૂટરમાંથી બીજા કમ્પ્યૂટરમાં પ્રવેશી શકે તેવો પ્રોગ્રામ બનાવીને ઇન્ટરનેટ સાથે કનેક્ટેડ કમ્પ્યૂટર્સની સંખ્યા જાણવાનો અખતરો કર્યો હતો અને વાતનું વતેસર થઈ ગયું!). દસેક વર્ષ પછી મોરિસને એમઆઇટીમાં જ આસિ. પ્રોફેસર તરીકે નોકરી મળી અને આજે તેઓ કમ્પ્યૂટર સાયન્ટિસ્ટ અને ઉદ્યોગસાહસિક તરીકે વિખ્યાત છે.

એ સમયે કમ્પ્યૂટર નેટવર્ક આજના સમય જેટલું વિરાટ નહોતું અને આ નેટવર્કનો કોઈ બદઇરાદાથી દુરઉપયોગ કરી શકે એવો વિચાર લગભગ કોઈને આવ્યો નહોતો. મોરિસના કિસ્સાથી હેકિંગનો મુદ્દો ચર્ચામાં આવ્યો અને કમ્પ્યૂટર વ્યવસ્થા માટે જડબેસલાક સલામતી જરૂરી હોવાનું સૌને સમજાયું. મોરિસના પ્રોગ્રામે ઉત્પાત મચાવ્યો તેના ગણતરીના દિવસોમાં અમેરિકાના ડિપાર્ટમેન્ટ ઓફ ડિફેન્સની સૂચનાથી અમેરિકાની પહેલી કમ્પ્યૂટર ઇમરજન્સી રીસ્પોન્સ ટીમ રચવામાં આવી અને ત્યારથી હેકર્સ અને સિક્યોરિટી સર્વિસિસ વચ્ચેની ઉંદર-બિલાડીની રમતની શરૂઆત થઈ!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!