(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

લિંક્ડઇન : ખાસ પ્રોફેશનલ્સ માટેનું સોશિયલ પ્લેટફોર્મ

લિંક્ડઇન યૂઝર એકમેક સાથે આઇડિયાઝ શેર કરી શકે, નવી સ્કિલ્સ શીખી શકે, જોબ અને નવા કલાયન્ટ્સ પણ મેળવી શકે.

સોશિયલ મીડિયાની વાત આવે ત્યારે આપણા મનમાં પહેલો વિચાર ફેસબુક, વોટ્સએપ, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ વગેરે સાઇટ્સનો જ આવે, ‘લિંક્ડઇન’ નામ આપણા મનમાં સહેલાઇથી ઝબકતું નથી. લિંક્ડઇન વિશે આપણે સાંભળ્યું ઘણું હોય, પરંતુ તેના વિશે ખાસ જાણતા ન હોઇએ.

કારણ એટલું જ કે આ જરા અલગ પ્રકારનું સોશિયલ પ્લેટફોર્મ છે!

વાસ્તવમાં જેમ ફેસબુક કે વોટ્સએપ મિત્રો સાથે સંપર્કમાં રહેવા માટે ઉપયોગી છે, એ જ રીતે લિંક્ડઇન આપણા કામકાજના વર્તુળમાં કોઈને કોઈ રીતે ઉપયોગી થઈ શકે તેવા લોકો સાથે સંપર્ક જાળવી રાખવા માટે બહુ ઉપયોગી છે.

એક જમાનામાં જ્યારે ઇન્ટરનેટ પર સોશિયલ પ્લેટફોર્મ્સ વિકસ્યાં નહોતાં ત્યારે બિઝનેસ નેટવર્કિંગ માટે જુદા જુદા પ્રકારની ક્લબ્સની બોલબાલા હતી. આવી કલબ્સના સભ્યો નિયત સમયાંતરે કોઈ એક જગ્યાએ એકઠા થાય, તેમાં વિવિધ પ્રકારના કાર્યક્રમો કરવામાં આવે, કોઈ ને કોઈ ક્ષેત્રના જાણીતા લોકોનાં પ્રવચનો યોજવામાં આવે, સમાજસેવાનાં કાર્યો વિશે પણ વિચાર કરવામાં આવે અને તેની સાથોસાથ એકબીજા સભ્યો સાથે વિઝિટિંગ કાર્ડની આપ-લે થાય અને પોતાના બિઝનેસને વધુ વિસ્તારવાના પ્રયાસો થાય.

કેટલીક કલબ્સમાં સમાજસેવાને આગળ કરવામાં આવે તો કેટલીકમાં મનોરંજન, સ્પોર્ટ્સ કે સાંસ્કૃતિક કાર્યક્રમોને આગળ કરવામાં આવે પરંતુ વાત અંતે તો બિઝનેસ નેટવર્કિંગની હોય. આગળ જતાં સ્પષ્ટપણે બિઝનેસ નેટવર્કિંગ પર ફોકસ્ડ હોય તેવી સિસ્ટમ પણ વિકસી. આવી સિસ્ટમના વિવિધ ‘ચેપ્ટર્સ’માં કોઈ એક કેટેગરીનો બિઝનેસ ધરાવતા ફક્ત એક જ મેમ્બરને એન્ટ્રી મળે એવો કન્સેપ્ટ પણ લોકપ્રિય થયો, જેથી અંદરોઅંદર સ્પર્ધા વિના લોકોને એકમેકના સાથમાં બિઝનેસ વિકસાવવાની તક મળે.

જેમ ફેસબુકમાં એકબીજાને ફ્રેન્ડ રિકવેસ્ટ મોકલીને આપણે ફ્રેન્ડ બનાવી શકીએ, લગભગ એ જ  પ્રકારનું નેટવર્કિંગ લિંક્ડઇનમાં ‘કનેકશન્સ’ તરીકે ઓળખાય છે.

લિંક્ડઇન આ બધા પ્રકારના બિઝનેસ નેટવર્કિંગનું ઓનલાઇન સ્વરૂપ છે. તમે તમારો નાનો મોટો કારોબાર ચલાવતા હો કે પછી કોલેજનાં અંતિમ વર્ષોમાં હો અને કોલેજ પૂરી કર્યા પછી સારી નોકરી મેળવવાની ફિરાકમાં હો તો આજના સમયમાં લિંક્ડઇન તરફ અચૂક ધ્યાન આપવું જોઇએ.

લિંક્ડઇન ખાસ પ્રોફેશનલ્સ માટે વિકસાવવામાં આવેલું એક સોશિયલ નેટવર્ક છે, જેના યૂઝર એકમેક સાથે કનેક્ટ થઈ શકે, આઇડિયાઝ શેર કરી શકે અને નવી સ્કિલ્સ શીખી શકે. આ બધાની સાથોસાથ સારી જોબ અને નવા ક્લાયન્ટસ મળવાની તક પણ ખરી.

જેમ ફેસબુકમાં એકબીજાને ફ્રેન્ડ રિકવેસ્ટ મોકલીને આપણે ફ્રેન્ડ બનાવી શકીએ તેમ એ પ્રકારનું નેટવર્કિંગ લિંક્ડઇનમાં ‘કનેકશન્સ’ તરીકે ઓળખાય છે. તમે તમારા કનેકશન્સ સાથે પ્રાઇવેટ મેસેજની આપ-લે કરી શકો કે પછી જે તે વ્યક્તિએ પોતાના પ્રોફાઇલમાં આપેલી વિગતો અનુસાર તેમનો સંપર્ક કરી શકો. એ ઉપરાંત તમે પોતાના પ્રોફાઇલને લિંક્ડઇન પર એવી રીતે તૈયાર કરી શકો જેથી તે કાયમી અને સહેલાઇથી અપડેટ કરી શકાતા બાયોડેટાની ગરજ સારે.

લિંક્ડઇનનો પ્રોફાઇલ તમારા પ્રોફેશનલ જીવનનો બાયોડેટા છે, તેના તરફ પૂરતું ધ્યાન આપવું જરૂરી છે. જો સારી જોબ કે નવા ક્લાયન્ટ્સ તમારું લક્ષ્ય હોય તો પ્રોફાઇલને એકદમ પ્રોફેશનલ ટચ આપવો જરૂરી છે.

લિંક્ડઇનનાં વિવિધ ફીચર્સ અને લેઆઉટ્સ ઘણે અંશે ફેસબુકને મળતા આવે છે. એટલે જો તમને ફેસબુકનો ઉપયોગ બરાબર ફાવતો હોય (એવું કોણ નથી!) તો તમને લિંક્ડઇન પણ ફટાફટ ફાવી જાય. માત્ર એ માટે લિંક્ડઇન પર ખાસ પ્રોફેશનલ્સની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને તૈયાર કરાયેલાં ફીચર્સ બરાબર સમજી લેવાં જરૂરી છે.


જો તમે આ બધું વાંચી-જાણીને લિંક્ડઇન પર એક્ટિવ થવાનું વિચારો તો એક વાત બરાબર યાદ રાખશો – લિંક્ડઇન પર કંઈ પણ પોસ્ટ કરો ત્યારે લિંક્ડઇન અને ફેસબુક વચ્ચેનો ભેદ બરાબર સમજીને એ મુજબ જ પોસ્ટ કરજો- બાકી આ પ્લેટફોર્મની ઉપયોગિતા ખતમ થઈ જશે!

લિંકડઇનનાં મુખ્ય ફીચર્સ

લિંક્ડઇનમાં એકાઉન્ટ ખોલાવ્યા પછી તમને નીચે મુજબનાં ફીચર્સ જોવા મળશે.

હોમ : ફેસબુકની જેમ જ લિંક્ડઇન પર તમને હોમ પેજ પર ફીડ સ્વરૂપે અન્ય લોકોની પોસ્ટ જોવા મળે છે. તમે લિંક્ડઇનમાં અન્ય જે પ્રોફેશનલ્સ સાથે કનેક્ટેડ હો અને જે કંપનીનાં પેજિસને તમે ફોલો કરી રહ્યા હો તેમની લેટેસ્ટ પોસ્ટ્સ આ હોમ પેજની ન્યૂઝફીડમાં જોવા મળે છે.

પ્રોફાઇલ : પ્રોફાઇલ સેકશનમાં તમારી પોતાની વિગતો ઉમેરી શકાય છે. તમારું નામ, ફોટોગ્રાફ, લોકેશન તમારા અભ્યાસ અને વ્યવસાયની વિગતો તમારા કામના અનુભવ વગેરે વિગતો અહીં ઉમેરી શકાય છે. લિંક્ડઇનનો પ્રોફાઇલ તમારા પ્રોફેશનલ જીવનનો બાયોડેટા છે એટલે તેના તરફ પૂરતું ધ્યાન આપવું જરૂરી છે. જો સારી જોબ કે નવા ક્લાયન્ટ્સ એ જ તમારું લક્ષ્ય હોય તો તમારા પ્રોફાઇલને એકદમ પ્રોફેશનલ ટચ આપવો જરૂરી છે (જો તમે સારી રાઇટિંગ સ્કિલ્સ ધરાવતા હો તો માત્ર લિંક્ડઇન પર પ્રોફાઇલ્સ લખી આપવાનો બિઝનેસ પણ ઊભો કરી શકો છો!)

માય નેટવર્ક : ફેસબુકના ફ્રેન્ડ પેજની જેમ અહીં તમે લિંક્ડઇન પર જે કોઈ અન્ય પ્રોફેશનલ્સ સાથે કનેક્ટેડ હશો એ બધાનું લિસ્ટ જોઈ શકશો. તેના ઓપશન્સમાં જઇને તમે અન્ય વિકલ્પો તપાસી શકો છો. તમે જેમને ઓળખતા હો તેવા અન્ય પ્રોફેશનલ્સ કે તમારી સાથે અગાઉ ભણી ચૂકેલા કે કામ કરી ચૂકેલા લોકોને તમારા નેટવર્કમાં ઉમેરી શકો છો. લિંક્ડઇન પર તમે જેની સાથે સીધા કનેક્ટેડ હો તે ‘ફર્સ્ટ ડિગ્રી કનેક્શન્સ’ તરીકે ઓળખાય છે. જે લોકો તમારા ફર્સ્ડ ડિગ્રી કનેક્શન્સ સાથે કનેક્ટેડ હોય તે તમારા માટે ‘સેકન્ડ ડિગ્રી’ અને એ જ રીતે આગળ વધી ‘થર્ડ ડિગ્રી કનેક્શન્સ’ બને છે. એ સિવાય એક જ ગ્રૂપના મેમ્બર્સ પણ એકમેકના કનેક્શન બને છે.

પેન્ડિંગ ઇન્વિટેશન : લિંક્ડઇન પર સક્રિય અન્ય પ્રોફેશનલ તમને તેમની સાથે કનેક્ટ થવા માટે ઇન્વાઇટ કરે ત્યારે એ માટેનું ઇન્વિટેશન તમને અહીં મળે છે. આ ઇન્વિટેશન તમે મંજૂર કરો તે પછી તમે તેમના નેટવર્કમાં સામેલ થાઓ છો.

ઇન્ટરેસ્ટિંગ ગ્રૂપ્સ : આ પણ ‘માય નેટવર્ક’નો જ ભાગ છે. અહીં, તમારા પ્રોફાઇલને આધારે, તમને રસ પડી શકે અને તેમને ઉપયોગી થઈ શકે તેવાં ગ્રૂપ્સ સૂચવવામાં આવે છે.

જોબ્સ : આજના સમયમાં સારી જોબ્સ શોધવા માટે અને સારા કેન્ડિડેટ શોધવા માટે લિંક્ડઇન સૌથી ઉપયોગી પ્લેટફોર્મ બન્યું છે. જોબ સેકશનમાં લિંક્ડઇન પર સક્રિય વિવિધ એમ્પ્લોયર તેમની જરૂરિયાત પોસ્ટ કરતા રહે છે. તમે તમારા પ્રોફાઇલમાં આપેલી તમારી વિગતો, તમારા લોકેશન તથા અન્ય કોઈ પ્રેફરન્સ જણાવ્યા હોય તો એ મુજબ આ સેકશનમાં તમને લિંક્ડઇન તરફથી તમને ઉપયોગી થઈ શકે તેવી જોબ લિસ્ટિંગ બતાવવામાં આવે છે. અલબત્ત, અહીંથી આગળ ઘણું પેઇડ સર્વિસ હોઈ શકે છે.

સર્ચ બાર : લિંક્ડઇનનું પોતાનું એક પાવરફૂલ સર્ચ એન્જિન છે જેની મદદથી તમે આખા નેટવર્ક પર ઘણી બાબતો સર્ચ કરી શકો છો. સર્ચબારમાં આપેલા ‘એડવાન્સ્ડ’ ફીચર્સનો ઉપયોગ કરીને તમે નિશ્ચિત પ્રોફેશનલ, કંપની, જોબ કે બીજી બાબતો સર્ચ કરી શકો છો.

મેસેજિસ : તમારા નેટવર્કમાંના અને તમારી સાથે કનેકટેડ અન્ય પ્રોફેશનલ સાથે વાતચીત કરવા માટે તમે લિંક્ડઇન દ્વારા તેમને પ્રાઇવેટ મેસેજ મોકલી શકો છો. આ મેસેજમાં તમે એટેચમેન્ટ અને ફોટોઝ પણ મોકલી શકો છો.

નોટિફિકેશન : અન્ય સોશિયલ નેટવર્કની જેમ અહીં પણ નોટિફિકેશનની સુવિધા છે. જ્યારે અન્ય કોઈ યૂઝર લિંક્ડઇન પર તમારી પ્રોફેશનલ સ્કિલ વિશે પ્રતિભાવ આપે કે તમને ગ્રૂપમાં જોડાવા ઇન્વાઇટ કરે કે તમને રસ પડી શકે તેવી કોઈ પોસ્ટ ઉમેરાય ત્યારે તેનાં નોટિફિકેશન્સ અહીં જોવા મળે છે.

લિંકડઇન મુખ્યત્વે ચાર રીતે ઉપયોગી છે

(૧) સતત ટચમાં રહેવું : પ્રોફેશનલ જગતમાં લોકો વારંવાર પોતાની જોબ બદલતા હોય ત્યારે જોબની સાથોસાથ તેમની ઓફિશિયલ કોન્ટેક્ટ ડિટેઇલ પણ બદલાઈ જતી હોય છે.

દરેક વ્યક્તિ જેટલી વાર જોબ બદલે એટલી વાર પોતાના વર્તુળમાંની તમામ વ્યક્તિને એ વિશે જાણ ન પણ કરી શકે. પરંતુ જો એ વ્યક્તિ લિંક્ડઇન પરનો પોતાનો પ્રોફાઇલ સતત અપડેટેડ રાખે તો લિંક્ડઇન પર સક્રિય તમામ વ્યક્તિ સહેલાઈથી એ વ્યક્તિ અત્યારે ક્યાં કામ કરી રહી છે તે જાણી શકે છે અને તેના સંપર્કમાં રહી શકે છે. લિંક્ડઇન ‘વર્ક એનિવર્સરી વિશ’ જેવા બહાને પણ તમને અન્ય લોકોના સંપર્કમાં આવવા સૂચવે છે. આ રીતે તમારા પ્રોફેશનમાંના અન્ય લોકોના સંપર્કમાં રહેવાથી, જો તમારા કામથી અન્ય લોકોને પૂરો સંતોષ હોય તો તમને નવું કામ કે નવી જોબ મળવાની શક્યતા ઘણી વધી જાય છે. આજના સમયમાં મોટા ભાગે નવી જોબ કે નવા ક્લાયન્ટ્સ આ રીતે જ મળતા હોય છે!

(૨) મદદ મેળવવી : લિંક્ડઇન પ્રોફેશનલ્સનું જ નેટવર્ક છે અને અહીં એક જ અથવા અલગ અલગ ક્ષેત્રના લોકો એકમેક સાથે કનેક્ટેડ રહે છે, આથી તમે તમારા બિઝનેસ કે વ્યવસાય બાબતે કોઈ મૂંઝવણ અનુભવી રહ્યા હો કે કોઈ સમસ્યાનો સામનો કરી રહ્યા હો તો તમારા કનેકશનમાંના અન્ય લોકોની મદદ કે માર્ગદર્શન મેળવી શકો છો.

સામાન્ય રીતે લિંક્ડઇન પર સક્રિય લોકો એકમેકની મદદ કરવા માટે તત્પર હોય છે. કોવિડના પ્રસાર પછી નોકરી ગુમાવનારા લોકોએ નવી નોકરી માટે લિંક્ડઇન  પર અપીલ કરતાં તેમને તરત સંખ્યાબંધ લોકો તરફથી દિશાસૂચન થયાં છે. જો તમારા કનેકશન્સમાંના લોકો તરફથી સંતોષજનક મદદ કે માર્ગદર્શન ન મળે તો લિંક્ડઇન પર અન્ય રસ્તા પણ છે.  લિંક્ડઇન પર આન્સર્સ અને ગ્રૂપ એવી બે સુવિધા છે જેની મદદથી આપણે વિવિધ ક્ષેત્રના એક્સપર્ટસના સંપર્કમાં આવીને કોઈ પણ બાબતે તેમની મદદ મેળવી શકીએ છીએ.

(૩) જોબ શોધવી : લિંક્ડઇન પર સક્રિય થવાનું અને સક્રિય રહેવાનું આ એક સૌથી મજબૂત કારણ છે. અહીં આપણે પોતાનો બાયોડેટા અપડેટેડ રાખી શકીએ છીએ તેમ જ આપણે જેમની માટે કે સાથે જેમની કામ કર્યું હોય તે લોકોના આપણા કામ અને ક્ષમતા વિશેના અભિપ્રાય મેળવીને અન્ય લોકોને બતાવી શકીએ છીએ.

એ ઉપરાંત લિંક્ડઇન પર સતત નવી જોબ માટેની હજારો પોસ્ટ મૂકાતી હોય છે. તેમાંથી આપણને ઉપયોગી થઈ શકે તેવી જોબ લિસ્ટિંગના નોટિફિકેશન મળી શકે છે તેમજ આપણે જ્યારે ઇચ્છીએ ત્યારે જાતે સર્ચ પણ કરી શકીએ છીએ. આપણે લિંક્ડઇન પરથી ડાયરેક્ટ જે તે જોબ માટે એપ્લાય કરી શકીએ છીએ.

આ રીતે આપણી એપ્લિકેશન અને લિંક્ડઇન પ્રોફાઇલ જોબ લિસ્ટિંગ પોસ્ટ કરનાર સંભવિત એમ્પ્લોયરને મળે છે.

(૪) નવા એમ્પ્લોઇ હાયર કરવા : પોતાની કંપની માટે નવા એમ્પ્લોઈ શોધતા મેનેજર માટે લિંક્ડઇન પર સ્પેશિયલ ફીચર્સ હોય છે. આ ફીચર્સની મદદથી કંપની અને તેના એચઆર મેનેજર્સ તેમને જોઇતા ઉમેદવારો માટે જોબ લિસ્ટિંગ પોસ્ટ કરી શકે છે.

લિંક્ડઇન પર ઉપલબ્ધ પ્રોફાઇલ્સમાંથી, કંપનીની જરૂરિયાત મુજબની સ્કિલ તથા અનુભવ ધરાવતા લોકોને ફિલ્ટર કરીને તેમાંથી સંભવિત કેન્ડિડેટ શોધવાનું પણ શક્ય બને છે. આમ લિંક્ડઇન નોકરી શોધતા અને નોકરી કરનાર શોધતા લોકોને એકમેક સાથે જોડી આપવાનું કામ કરે છે. દુનિયાભરની લગભગ તમામ વિખ્યાત કંપની હાયરિંગ માટે લિંક્ડઇનની મદદ લેતી હોય છે.  ઘણી કંપની અન્ય માધ્યમોમાં નોકરી વિષયક જાહેરાતો આપવાને બદલે, માત્ર લિંક્ડઇન પરથી જ આ કામ પતાવી લેતી હોય છે. આ કારણે પણ, તમે સારી કારકિર્દી ઘડવા માગતા હો તો લિંક્ડઇન પર એક્ટિવ રહેવું જરૂરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!