(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

રશિયન હેકર્સે કેવી રીતે અમેરિકાની ચૂંટણીનાં પરિણામ પલટાવ્યાં?

વાત ચાર વર્ષ પહેલાંની છે, પણ ચૂંટણીઓમાં ધાર્યાં પરિણામ મેળવવાં એ હવે હેકિંગ અને અપાર ડેટાથી અત્યંત ચોક્સાઈભર્યું ટાર્ગેટિંગ કરી, મતદારનું મન ફેરવી નાખવાનો મોટો બિઝનેસ બન્યો છે.

અમેરિકાના પ્રમુખની ચૂંટણી દર ચાર વર્ષે, નવેમ્બર મહિનાના પહેલા સોમવાર પછીના મંગળવારે યોજાય છે. ગયા મહિને, ૫૯મી ચૂંટણીમાં અમેરિકનોએ મતદાન કર્યું. અમેરિકાની અટપટી ચૂંટણીને કારણે હજી પરિણામો જાહેર થતાં નથી, પણ જો બિડેન અમેરિકાના નવા પ્રમુખ બનશે એ લગભગ સ્પષ્ટ થઈ ગયું છે, છતાં વર્તમાન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ખુરશી બચાવવા મથી રહ્યા છે.

દરમિયાન, અમેરિકન તપાસ સંસ્થાઓને હવે ખાતરી થઈ ગઈ છે કે ચાર વર્ષ પહેલાંની ચૂંટણીમાં રશિયન હેકર્સે અમેરિકન ચૂંટણી વ્યવસ્થા પર બહુ સુવ્યસ્થિત રીતે સાયબરએટેક કર્યો હતો. આ વર્ષે રશિયા ઉપરાંત, ચીન અને ઇરાન પણ ગરબડ કરવા પ્રયત્નશીલ હતા.

હેકિંગ અને સોશિયલ મીડિયાના ડેટાથી ટાર્ગેટેડ પ્રોપેગેન્ડા (તરકટી પ્રચાર) આ બે અત્યંત ધારદાર હથિયારથી અમેરિકા જેવા ટેક્નોલોજિકલી એડવાન્સ્ડ દેશના પ્રમુખની ચૂંટણીનાંં પરિણામ તદ્દન પલટી શકાતાં હોય તો બીજું શું શું થઈ શકે એ વિચારવા જેવું છે (આ વર્ષે, રશિયન હેકર્સ અમેરિકાનાં રાજ્યોની પાવર ગ્રિડ, ન્યૂક્લીયર પ્લાન્ટસ અને એરપોર્ટ્સની સિસ્ટમ પણ હેક કરી ચૂક્યા હોવાનું બહાર આવ્યું છે). આ સંદર્ભમાં, ચાર વર્ષ પહેલાંની ચૂંટણીની બાજી પલટવા, પાંચેક વર્ષ પહેલાંથી શું શું થયું એની સિલસિલાબંધ વિગતો વાંચો…

તમારી ઓફિસના એક કમ્પ્યૂટરને રશિયન હેકર્સે હેક કરી લીધું છે…’’  અમેરિકાની એફબીઆઈએ એ સમયના અમેરિકાના સત્તાધારી પક્ષ ડેમોક્રેટિક પાર્ટીની નેશનલ કમિટીને આ માહિતી આપી, ત્યારથી પૂરા ૧૪ મહિના પછી યોજાનારી અમેરિકાના પ્રમુખપદની ચૂંટણીનું પરિણામ અમેરિકાના મતદારો નહીં પરંતુ રશિયાના હેકર્સ નક્કી કરે એવી  સ્થિતિ સર્જાવાની શરૂઆત થઈ ગઈ.

એ સમયે ડેમોક્રેટિક પાર્ટીના બરાક ઓબામા અમેરિકાના પ્રમુખ હતા. ભૂતપૂર્વ પ્રમુખ બિલ ક્લિન્ટનનાં પત્ની હિલેરી ક્લિન્ટને તેઓ ડેમોક્રેટિક પાર્ટીના ઉમેદવાર તરીકે પ્રમુખપદની ચૂંટણી લડશે તેવી જાહેરાત એપ્રિલ ૨૦૧૫માં કરી દીધી હતી. હિલેરી ક્લિન્ટનના હરીફ, રિપબ્લિકન પાર્ટીના ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પે જૂન ૨૦૧૫માં પોતાના ચૂંટણી પ્રચારની શરૂઆત કરી હતી.

એફબીઆઈએ સપ્ટેમ્બર ૨૦૧૫માં ડેમોક્રેટિક પાર્ટીની નેશનલ કમિટીને  તેનું કમ્પ્યૂટર હેક થયું હોવાની માહિતી આપી પછી કમ્પ્યૂટર એક્સપર્ટે ઓફિસની બધી સિસ્ટમ તપાસી, પણ તેને ક્યાંય કશું શંકાસ્પદ લાગ્યું નહીં. બે મહિના પછી આ જ વાતનું પુનરાવર્તન થયું, છતાં વાતને ગંભીરતાથી લેવામાં આવી નહીં.

ચાર મહિના પછી, હિલેરી ક્લિન્ટનની કેમ્પેઇન કમિટીના ચેરમેનનું ઈ-મેઇલ એકાઉન્ટ હેક થયું (વાંચો બાજુનું બોક્સ).

એ પછી એપ્રિલ ૨૦૧૬માં હેકર્સે એક બનાવટી ઇ-મેઇલ એકાઉન્ટ ખોલ્યું અને હિલેરીના સ્ટાફમાંના મહત્ત્વના ૩૦થી વધુ ઓફિસર્સને મેઇલ્સ મોકલ્યા. તેમાં હિલેરીને સંબંધિત એક ફાઇલ મોકલી ‘હિલેરી ક્લિન્ટન ફેવરેબલ રેટિંગ’ એવા નામવાળી ફાઇલને ઓફિસર્સે ઓપન કરી (હેકર્સ માટે મેદાન કેટલું મોકળું હતું એ જુઓ!).

આ બધી મહત્ત્વની વ્યક્તિઓના કમ્પ્યૂટરના પાસવર્ડ હેકર્સ પાસે પહોંચ્યા.


હેકર્સે ડેમોક્રેટિક પાર્ટીનાં કમ્પ્યૂટર્સમાંથી ડેટા ચોરવાનું શરૂ કર્યું અને ‘ડીસીલિક્સ’ નામની એક વેબસાઇટ ઊભી કરી તેના પર ડેટા મૂકવાનું શરૂ કર્યું. પછીના ત્રણ મહિના સુધી હેકર્સ ડેમોક્રેટિક પાર્ટીના સર્વરમાંથી હજારો ઇ-મેઇલ્સ ચોરતા રહ્યા.

જૂન ૨૦૧૬માં વોશિંગ્ટન પોસ્ટ અખબારે ધડાકો કર્યો કે રશિયા માટે કામ કરતા હેકર્સે ડેમોક્રેટિક પાર્ટીની સિસ્ટમ હેક કરીને તેમાંથી માહિતી ચોરી હતી. રશિયાએ જોકે આ રિપોર્ટને નકારી કાઢ્યો.

દરમિયાન ડેમોક્રેટિક પાર્ટીએ એક સાયબર સિક્યોરિટી કંપનીને કામે લગાડી. જૂન ૨૦૧૬માં ડેમોક્રેટિક પાર્ટીએ પોતાની વેબસાઇટ પર જાહેર કર્યું કે તેના કમ્પ્યૂટર નેટવર્ક પર રશિયન જાસૂસી સંસ્થા સાથે સંકળાયેલ બે હેકર્સ ગ્રૂપે સાયબર એટેક કર્યો હતો. એ પછી, પોતાને રોમાનિયાનો હેકર ગણાવતા અને ‘ગુસીફર ૨.૦’ નામ ધરાવતા એક બ્લોગરે દાવો કર્યો કે આ ડેટા ચોરી તેણે કરી હતી. પાછળથી બહાર આવ્યું કે તપાસ સંસ્થાઓને ગેરમાર્ગે દોરવા રશિયન હેકર્સે જ આ તરકટ રચ્યું હતું.

રશિયાએ અમેરિકાનાં રાજ્યોની વેબસાઇટ્સ કે વોટર્સ રજિસ્ટ્રેશન સિસ્ટમને નિશાન બનાવી હતી અને લાખો મતદારોની અંગત માહિતી ચોરી હતી.

જુલાઈ ૨૦૧૬માં વિકિલિક્સ પર ડેમોક્રેટિક પાર્ટીના સર્વરમાંથી હેક થયેલા ૨૦,૦૦૦ જેટલા ઇ-મેઇલ્સ પબ્લિશ થયા. હિલેરી ક્લિન્ટન અને ડેમોક્રેટિક પાર્ટીને નુકસાન થાય એવો ઘણો બધો મસાલો આ ઇ-મેઇલ્સમાં હતો.

આટલું થયા પછી ટ્રમ્પે હિલેરી પર સીધા હુમલા કરવાનું શરૂ કર્યું. હિલેરી સેક્રેટરી ઓફ સ્ટેટ હતાં ત્યારે ‘પ્રાઇવેટ ઇ-મેઇલ સર્વરનો ઉપયોગ કરીને રાષ્ટ્રીય સલામતી જોખમાવી હતી’ એવા આક્ષેપોનો મારો શરૂ થયો. સાથોસાથ હિલેરી વ્હાઇટ હાઉસમાં નહીં, જેલમાં જવાં જોઈએ એવા મેસેજ સોશિયલ મીડિયા પર ફરતા થયા.

બીજી બાજુ અમેરિકાના પ્રમુખની ચૂંટણીનાં પરિણામો પોતાની તરફેણમાં પલટાવવા માટે રશિયન સરકારે હેકિંગ શરૂ કર્યું હોવાનો અમેરિકામાં હોબાળો મચવા લાગ્યો હતો. ડોનાલ્ડ ટ્રમ્પે તેના ચૂંટણી પ્રચાર દરમિયાન તેની તરંગી સ્ટાઇલમાં આ આક્ષેપોને ફગાવી દીધા. રશિયાના પ્રમુખ વ્લાદીમીર પુટિને પણ રશિયન સરકારને આ હેકિંગ સાથે કોઈ લેવાદેવા ન હોવાનું રટણ ચાલુ રાખ્યું.

છેવટે નવેમ્બર ૨૦૧૬માં પ્રમુખપદની ચૂંટણી યોજાઈ તેની પહેલાંના  એક જ મહિનામાં વિકિલિક્સે હિલેરી ક્લિન્ટનના કેમ્પેઇન ચેરમેન જોહ્ન પોડેસ્ટાના એકાઉન્ટમાંથી હેક થયેલા ૫૮,૦૦૦ મેસેજ લિક કર્યા. હિલેરીના કથિત ભ્રષ્ટાચારની સામે ડોનાલ્ડ ટ્રમ્પ ઓછા બદનામ નહોતા. પરંતુ હોલીવૂડ એક્ટ્રેસીસને સંડોવતી ટ્રમ્પની ઓડિયો ટેપ્સ રીલિઝ થઈ તેના થોડા જ સમયમાં વિકિલિક્સ અને સોશિયલ મીડિયા પર હિલેરીને બદનામ કરતા મેસેજિસનો જબરજસ્ત મારો ચાલ્યો હતો.

નવેમ્બર ૨૦૧૬માં અમેરિકન મતદારોએ પ્રમુખ ચૂંટવા માટે મતદાન કરી લીધું, પણ ત્યાં સુધીમાં રશિયાએ અમેરિકન ચૂંટણી પર ઘેરી અસર કરી લીધી હતી અને મતદારો રશિયાની મરજી મુજબ મત આપે એ રીતે તેમનું બ્રેઇન વોશિંગ કરી નાખ્યું હતું.

રશિયાએ આ ચૂંટણીમાં પોતાનું ધાર્યું પરિણામ મેળવવા માટે, અમેરિકા પર અનેક પાંખિયો સાયબર હુમલો કરવામાં કોઈ કસર છોડી નહોતી.

આ કંપનીએ માંડ હજારો કે લાખો યૂઝર્સને પર્સનાલિટી ક્વિઝ એપમાં પરોવીને આખેઆખા અમેરિકાના તમામ મતદારોનો પાર વગરનો ડેટા એકઠો કર્યો.

રશિયાએ ચૂંટણી દરમિયાન મતદારોના વાસ્તવિક મતમાં કોઈ ઘાલમેલ કરી નહોતી પરંતુ બીજી ઘણી રીતે આખી સિસ્ટમમાં પગપેસારો કર્યો હતો. જેમ કે ચૂંટણીના પહેલાં રશિયાએ અમેરિકાનાં ઓછામાં ઓછાં ૨૧ રાજ્યોની વેબસાઇટ્સ કે વોટર્સ રજિસ્ટ્રેશન સિસ્ટમને નિશાન બનાવી હતી અને લાખો મતદારોની અંગત માહિતી ચોરી હતી. આ હેકર્સે વોટરનું રજિસ્ટ્રેશન કરતા સોફ્ટવેર બનાવતી કંપનીની સિસ્ટમમાં પણ ઘૂસણખોરી કરી હતી અને તેની તરફથી બનાવટી મેઇલ્સ ચૂંટણી અધિકારીઓને મોકલ્યા હતા. ટ્રમ્પ અમેરિકાના પ્રમુખ તરીકે ચૂંટણી જીત્યા તેના એક-બે વર્ષ પહેલાંથી ટ્રમ્પની કન્સ્ટ્રક્શન કંપનીને રશિયાના મોસ્કોમાં એક વિશાળ સ્કાયસ્ક્રેપર  બિલ્ડિંગ બાંધવાના બિઝનેસનું ગાજર પણ આપવામાં આવ્યું હતું.

મતદાન થયું લગભગ ત્યાર સુધી હિલેરી ક્લિન્ટન એ સમયના પ્રમુખ બરાક ઓબામા કરતાં પણ વધુ સરસાઈથી ડોનાલ્ડ ટ્રમ્પને હરાવશે એવું ભવિષ્ય સૌ કોઈ જોઈ રહ્યા હતા, પરંતુ ચૂંટણી પહેલાંના થોડા દિવસોમાં આખી બાજી બિલકુલ પલટાઈ ગઈ અને છેવટે, આપણે જાણીએ છીએ તેમ, ડોનાલ્ડ ટ્રમ્પે જીત મેેળવી!

સોશિયલ મીડિયાએ અમેરિકાના પ્રમુખ નક્કી કર્યા!

વર્ષ ૨૦૧૬ની અમેરિકન પ્રમુખ પદની ચૂંટણીમાં હિલેરી ક્લિન્ટન ડોનાલ્ડ ટ્રમ્પ સામે નહીં પરંતુ રશિયા સામે લડી રહ્યાં હતાં, એ હવે લગભગ સાબિત થઈ ચૂક્યું છે. પરંતુ આ જંગમાં એક ત્રીજો ખૂણો પણ હતો, જેમાં બ્રિટનની કન્સલ્ટિંગ ફર્મ કેમ્બ્રિજ એનાલિટિકાએ મોટો ભાગ ભજવ્યો અને હિલેરી ક્લિન્ટનને પછાડ આપી.

કેમ્બ્રિજ એનાલિટિકા કંપનીનો બિઝનેસ નાના-મોટા લોકશાહી દેશોમાં, મતદારોના ડેટાનો ઉપયોગ કરીને ચૂંટણીનાં પરિણામો બદલી નાખવાનો હતો. આ કંપનીએ ૨૦૧૦ના અરસામાં ભારતમાં પણ કામ કર્યું હોવાનું કહેવાય છે.

તેના સીઇઓ એલેકઝાન્ડર નિક્સ સેલ્સ પ્રેઝન્ટેશનમાં કંપનીને ‘ડેટા-ડ્રીવન કમ્યુનિકેશન્સ કંપની’ ગણાવતા હતા. તેના મતે, લોકોનું જેવું વ્યક્તિત્વ હોય તેવું તેમનું વર્તન હોય અને આ વર્તનને આધારે જ લોકો કોને મત આપશે તે નક્કી થતું હોય છે. નાના મોટા દેશોની ચૂંટણીમાં ધાર્યાં પરિણામ મેળવ્યા પછી  કેમ્બ્રિજ એનાલિટિકા કંપનીએ મોટો મીર મારવાનું નક્કી કર્યું અને તેણે ડોનાલ્ડ ટ્રમ્પના કેમ્પેઇનનો કોન્ટ્રેક્ટ મેળવ્યો.

કંપનીના બિઝનેસમંત્ર અનુસાર જો અમેરિકન વોટર્સની પર્સનાલિટી જાણી શકાય તો તેમનું વર્તન બદલી શકાય અને એ મુજબ એ કોને મત આપશે એ પણ બદલી શકાય.

આ માટે કંપનીએ ફેસબુક પર ‘પર્સનાલિટી ક્વિઝ’ની એક નાની એપ લોન્ચ કરી. એ ક્વિઝમાં તો ગણ્યાગાંઠ્યા સવાલો હતા પણ ક્વિઝમાં ભાગ લેનારા ફેસબુક યૂઝર્સે અજાણપણે ફેસબુક પરનો પોતાનો તમામ ડેટા કેમ્બ્રિજ એનાલિટિકા કંપનીને આપી દીધો.

આપણે ફેસબુકમાં થર્ડ પાર્ટી એપનો ઉપયોગ કરીએ ત્યારે બતાવાતી ચેતવણીઓ તરફ મોટા ભાગે ધ્યાન આપતા નથી. આ રીતે લીક થતો ડેટા આપણી સામે ઉપયોગ થઈ શકે છે.

એટલું જ નહીં તે યૂઝર્સના ફ્રેન્ડસ અને તેમના ફ્રેન્ડસ એમ આખાં મોટાં જાળાંનો તમામ ડેટા કંપનીને મળ્યો. આમ આ કંપનીએ માંડ હજારો કે લાખો યૂઝર્સને પર્સનાલિટી ક્વિઝ એપમાં પરોવીને આખેઆખા અમેરિકાના તમામ મતદારોનો પાર વગરનો ડેટા એકઠો કર્યો. કંપનીના દાવા મુજબ તેણે દરેકેદરેક નાગરિકના પાંચ હજાર ડેટા પોઇન્ટ (તેનું નામ એટલે એક ડેટા પોઇન્ટ, ઇ-મેઇલ એડ્રેસ એટલે બીજું ડેટા પોઇન્ટ એ રીત)નો અત્યંત ઝીણવટભર્યો ડેટા એકઠો કર્યો.

બીજી તરફ ચૂંટણીમાં ક્યાં રાજ્યોના મતદાનમાં થોડા ઘણા ઝૂકાવથી આખા રાજ્યનું પરિણામ બદલી શકાય છે તેનું વિશ્લેષણ કરવામાં આવ્યું. એ પછી એ રાજ્યોના મતદારોના ડેટાનું વિશ્લેષણ કરીને કઈ વ્યક્તિની રાજકીય વિચારધારા કેવી છે અને કોણ કઈ તરફ જવું એ નક્કી કરી શકતા નથી એ તપાસવામાં આવ્યું. આ પછી જે મતદારો હજી અનિર્ણાયક હતા તેમને અત્યંત ધારદાર રીતે ફોકસ કરીને તેમના પર ફેસબુક એડ, ફેસબુક પોસ્ટ, ટ્વીટર, યુ-ટ્યૂબ વીડિયો અને બીજી ઘણી બધી રીતે હિલેરી ક્લિન્ટન વિરુદ્ધના પ્રચાર અને ફેક ન્યૂઝનો મારો ચલાવવામાં આવ્યો.

આ મતદારોને તેઓ કોઈ સ્માર્ટ એડવર્ટાઇઝિંગ કેમ્પેઇનનું નિશાન બની રહ્યા છે એવો અંદાજ પણ નહોતો. આ ઓનલાઇન કેમ્પેઇનની સાથોસાથ હિલેરી ક્લિન્ટનને જેલના યુનિફોર્મમાં બતાવતાં પોસ્ટર્સ અને મોડેલ સાથેના વાસ્તવિક દેખાવો પણ ઘણાં રાજ્યોમાં યોજવામાં આવ્યા. પરિણામે ચૂંટણી પહેલાં જેની જીત નિશ્ચિત મનાતી હતી એ હિલેરી ક્લિન્ટન ચૂંટણી હાર્યાં!

ફેસબુકના ડેટા કૌભાંડનો આપણી સાથે શો સંબંધ?

ફેસબુક પર સક્રિય લોકો અવારનવાર ફેસબુક પર દેખાતી વિવિધ કોન્ટેસ્ટ કે ગેમ્સમાં ભાગ લેતા હોય છે. આ બધું ફેસબુકનું પોતાનું હોતું નથી, પણ થર્ડ પાર્ટી એપ્સ દ્વારા ચાલતું હોય છે. ફેસબુક પોતાના લાભ ખાતર થર્ડ પાર્ટી એપ્સને યૂઝર્સનો ડેટા કલેક્ટ કરવા દે છે. કેમ્બ્રિજ એનાલિટિકા કંપનીએ ચલાવેલી પર્સનાલિટી ટેસ્ટ એપ આવી જ એક થર્ડ પાર્ટી એપ હતી.

આપણે ફેસબુકમાં થર્ડ પાર્ટી એપનો ઉપયોગ કરીએ ત્યારે બતાવવામાં આવતી ચેતવણીઓ તરફ મોટા ભાગે ધ્યાન આપતા નથી. એ કારણે પર્સનાલિટી ટેસ્ટ આપનારા યૂઝર્સે પોતાનો અને સાથોસાથ પોતાના ફ્રેન્ડ્ઝનો તમામ ડેટા પણ કેમ્બ્રિજ એનાલિટિકા કંપનીને આપી દીધો. મતલબ કે તમે પોતે આ ટેસ્ટ એપનો ઉપયોગ ન કર્યો હોય, પણ અમેરિકામાંના તમારા કોઈ ફ્રેન્ડે તેનો ઉપયોગ કર્યો હશે તો તમારો ડેટા પણ કેમ્બ્રિજ એનાલિટિકા કંપની પાસે પહોંચી ગયો હશે.

આ બધો હોબાળો બહાર આવ્યા પછી ફેસબુકે તો પોતે નિર્દોષ હોવાની વાતો કરી અને કેમ્બ્રિજ એનાલિટિકા કંપની ફડચામાં ગઈ, પરંતુ આપણો ડેટા છેવટે ક્યાં ગયો એની કોઈ સ્પષ્ટતા નથી (ફેસબુકના માર્ક ઝકરબર્ગે અમેરિકન સેનેટર્સને કહ્યું કે ‘‘અમને તો એમ કે કેમ્બ્રિજ એનાલિટિકાએ ડેટા ડિલીટ કરી દીધો હશે’’!) મતલબ કે આવી રીતે ડેટા આધારિત કેમ્પેઇન કરતી કોઈ પણ કંપની પાસે આ ડેટા પહોંચ્યો હોય તો ભારતની ચૂંટણીઓમાં પણ મતદારોનું મન ફેરવવા માટે તેનો ઉપયોગ થઈ શકે.

આખી વાતમાંથી આપણે માટે બે-ત્રણ મહત્ત્વના બોધપાઠ છે :

  1. ફેસબુક પરની થર્ડ પાર્ટી એપ્સનો ઉપયોગ કરતી વખતે એ એપ આપણો કેટલો ડેટા વાંચી શકશે એ ચોક્કસ તપાસીએ,
  2. ફેસબુક કે અન્ય કોઈ પણ સોશિયલ મીડિયા પર આપણને જે કંઈ બતાવવામાં આવે એ સાચું જ હોવાનું ક્યારેય ન માનીએ,
  3. ફેસબુક અને ગૂગલ જેવા આપણા મુખ્ય એકાઉન્ટ સાથે આપણે કોઈ થર્ડ પાર્ટી એપને કનેક્ટ કરી હોય તો ફેસબુક/ગૂગલના સેટિંગ્સમાં જઇને આવી એપ્સ તપાસીએ અને બિનજરૂરી લાગે તેને દૂર કરીએ (એ માટેની વિગતવાર માહિતી ‘સાયબરસફર’માં જાણી ચૂક્યા છીએ).

એક ‘ગફલતે’ અમેરિકાનું ભાવિ બદલ્યું

ચૂંટણીના વર્ષે, માર્ચ ૨૦૧૬માં, હિલેરી ક્લિન્ટનનો ચૂંટણી પ્રચાર સંભાળતી કમિટીના ચેરમેન જોહ્ન પોડેસ્ટાને ગૂગલ તરફથી આવ્યો હોય એવો એક એલર્ટ ઈ-મેઇલ મળ્યો. તેમાં કહેવામાં આવ્યું હતું કે તેમના ગૂગલ એકાઉન્ટને બીજા કોઈએ એક્સેસ કરવાની કોશિશ કરી હતી. એ મેઇલમાં જોહ્ન પોડેસ્ટાને તેમનો પાસવર્ડ બદલી નાખવાની સલાહ આપવામાં આવી હતી. જોહ્ન પોડેસ્ટાએ ખાતરી કરવા માટે આ ઇ-મેઇલ પોતાના એક સ્ટાફરને મોકલ્યો અને આગળ શું પગલાં લેવાં એ તેને પૂછ્યું.

સ્ટાફની પેલી વ્યક્તિએ વળતો જવાબ આપ્યો, પરંતુ એમાં તેણે સ્પેલિંગની એક ભૂલ કરી, જેણે અમેરિકાનું ભાવિ બદલી નાખ્યું. એ સ્ટાફરે જોહ્નને ‘આ ઇ-મેઇલ બનાવટી (illegitimate) લાગે છે’ એવું લખવું હતું, પણ તેણે ‘ઇ-મેઇલ યોગ્ય (legitimate)’ હોવાનું લખ્યું. તેણે ખરેખર ભૂલ કરી કે પછી ઇરાદાપૂર્વક જોહ્ન પોડેસ્ટાને ગેરમાર્ગે દોર્યા એ સત્ય કદાચ ક્યારેય બહાર નહીં આવે, પરંતુ પોતાના આઇટી સ્ટાફરની સલાહ માનીને તેમને ‘ગૂગલ તરફથી આવેલા’ ઇ-મેઇલમાં આપેલી લિન્ક પર ક્લિક કર્યું, જે પેજ ખૂલ્યું તેના પર પોતાના ગૂગલ એકાઉન્ટ માટે નવો પાસવર્ડ આપ્યો.

એ સાથે રશિયન હેકર્સને અમેરિકાના પ્રમુખપદના એ સમયે સૌથી મજબૂત ગણાતા ઉમેદવારના ચૂંટણી પ્રચારનો બધો આધાર જેના પર હતો એ વ્યક્તિના ઇ-મેઇલ એકાઉન્ટની એક્સેસ મળી ગઈ (માત્ર ભારતના વડીલો ઈ-મેઇલ ફિશિંગમાં સપડાઈ જાય છે એવું નથી, જોહ્ન પોડેસ્ટા એ વખતે ૬૭ વર્ષના હતા, બિલ ક્લિન્ટન પ્રમુખ હતા ત્યારે તેઓ વ્હાઇટ હાઉસના ચીફ ઓફ સ્ટાફ પણ હતા!).

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!