વોટ્સએપ પેમેન્ટ્સ જેના પર આધારિત છે, તે યુપીઆઈથી લેવડદેવડની સંખ્યા ગયા મહિને બે અબજના માઇલસ્ટોનને વટાવી ગઈ છે – યુપીઆઇ વિશેની તમારી ગૂંચવણો આ લેખ દૂર કરશે.
જેમ, જુદી જુદી બેન્કનાં એટીએમનું વિશાળ નેટવર્ક બન્યા પછી આપણે રૂપિયા ઉપાડવા માટે બેન્કની બ્રાન્ચમાં જવાની જરૂર ન રહી, એ જ રીતે, ભારતે યુનિફાઇડ પેમેન્ટ્સ ઇન્ટરફેસ (યુપીઆઇ)ની વ્યવસ્થા ઊભી કરીને બેન્કની બ્રાન્ચ અને એટીએમ બંનેને લોકોના હાથમાં જ પહોંચાડી દીધાં છે.
દરેક બેન્કની હવે મોબાઇલ એપ તો હોય છે, પણ યુપીઆઇ અલગ એ રીતે છે કે તેનો ઉપપોગ આપણી બેન્ક ઉપરાંત, અન્ય ઘણા પ્રકારની એપથી થઈ શકે છે. ખાસ ઓનલાઇન પેમેન્ટ માટેની એપ્સ ઉપરાંત, હવે તો દેશના ૪૦ કરોડ લોકો રોજેરોજ જેનો ઉપયોગ કરે છે તે વોટ્સએપમાં પણ (ભલે અત્યારે ૨ કરોડ લોકો સુધી સીમિત) યુપીઆઇ આવી જવાથી, તેનો વ્યાપ અત્યંત વધ્યો છે.
ઓનલાઇન લેવડદેવડના ઘણા ફાયદા છે અને ભારતે આ દિશામાં એવી પહેલ કરી બતાવી છે, જે ગૂગલ કે એપલ જેવી ટેક કંપની પણ પોતાની રીતે કરી શકી નથી.
યુપીઆઈ એક્ઝેક્ટલી શું છે?
યુનિફાઇડ પેમેન્ટ્સ ઇન્ટરફેસ (યુપીઆઇ) એ ભારતના નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાએ વિક્સાવેલી વ્વયસ્થા છે.
તેની મદદથી, બે બેન્ક ખાતાં વચ્ચે ઓનલાઇન અને તત્ક્ષણ રકમની આપલે શક્ય બને છે. ગૂગલના સુંદર પિચાઇ અને હવે ફેસબુક-વોટ્સએપના માર્ક ઝકરબર્ગે સ્વીકાર્યું છે દુનિયાના બીજા કોઈ દેશમાં ભારતની યુપીઆઇની તોલે આવે એવી કોઈ વ્યવસ્થા નથી. વિશ્વના અન્ય દેશો યુપીઆઇ પોતાના દેશમાં પણ શરૂ કરવા ભારત તરફ જુએ છે.
યુપીઆઇથી લાંબા ગાળે ક્રેડિટ/ડેબિટ કાર્ડની જરૂર જ ન રહે તો પણ નવાઈ નહીં. ભારતમાં અત્યાર સુધી આ માટે વિદેશી કાર્ડસનો દબદબો રહ્યો છે. તેનો સામનો કરવા ભારતે યુપીઆઇનો માસ્ટરસ્ટ્રોક વિકસાવ્યો છે.
યુપીઆઈ કોઈ એક એપ નથી. તે એક વ્યવસ્થા છે. તેનો ઉપયોગ સત્તાવાર ભીમ એપ, વિવિધ બેન્કની એપ, ગૂગલ પે, ફોનપે, પેટીએમ, હાઇક અને હવે વોટ્સએપ જેવી વિવિધ એપની મદદથી કરી શકાય છે.
યુપીઆઈ અને મોબાઇલ વોલેટ જુદાં છે?
હા, યુપીઆઇ સીધાં જ બે બેન્ક ખાતા વચ્ચે રકમની આપલે કરે છે, જ્યારે મોબાઇલ વોલેટ પોતે એક પ્રકારના બેન્ક ખાતા જેવું કામ કરે છે.
નોટબંધી પછી ભારતમાં મોબાઇલ વોલેટ ખાસ્સાં લોકપ્રિય થયાં, પણ પછી તેમાં કેવાયસી ફરજિયાત થયા પછી તેનો ઉપયોગ ઘટ્યો છે.
મોબાઇલ વોલેટમાં આપણે રકમ ઉમેરવી પડે અને પછી તેમાંથી અલગ અલગ જગ્યાએ પેમેન્ટ કરી શકાય. વોલેટમાં, બંને પક્ષે એક જ વોલેટ એપનો ઉપયોગ જરૂરી છે, યુપીઆઇમાં બંને પક્ષે કોઈ પણ એપ હોય તો પણ કામ ચાલી શકે છે.
યુપીઆઇ વધુ સલામત એ રીતે છે કે તેમાં રૂપિયાની આપલે કરતી બંને પાર્ટીને એકમેકની બેન્ક, ખાતા નંબર, આઇએફએસસી કોડ વગેરે કંઈ જ જાણવાની જરૂર નથી.
આપણને ગૂંચવણ એટલા માટે રહે છે કે પેટીએમ, ફોનપે વગેરે અત્યારે વોલેટ પણ છે અને યુપીઆઇ વ્યવસ્થાનો પણ ઉપયોગ કરે છે. યુપીઆઇનો ઉપયોગ હવે એટલો વધી રહ્યો છે કે થોડા સમયમાં મોબાઇલ વોલેટનો કન્સેપ્ટ જ નીકળી જાય તો પણ નવાઈ નહીં. અત્યારે કોઈ પણ દુકાને જુદા જુદા ક્યૂઆર કોડનાં સ્ટીકર જોવા મળે છે, તેને પણ રિઝર્વ બેન્ક હવે યુનિફોર્મ બનાવી રહી છે.
યુપીઆઈનો ઉપયોગ કેવી રીતે?
યુપીઆઇની કોઈ પણ એપ (હવે વોટ્સએપ સહિત)ની મદદથી આપણે પોતાના ઈ-મેઇલ જેવું યુપીઆઇ આઇડી બનાવી શકીએ છીએ અને પછી બેન્ક ખાતાને તેની સાથે કનેક્ટ કરી શકીએ છીએ.
યુપીઆઈની સગવડ આપતી વિવિધ એપ એક પ્રકારના એટીએમ મશીન જેવી છે, જેનો આપણે ગમે ત્યાંથી ઉપયોગ કરી શકીએ. યુપીઆઇથી ચોવીસે કલાક અને રજાના દિવસે પણ લેવ઼ડ-દેવડ થઈ શકે છે.
આપણે જે બેન્ક ખાતાને યુપીઆઇ સાથે કનેક્ટ કરીએ, તેને ઓપરેટ કરવા માટે એટલે કે તેનું બેલેન્સ જાણવા કે તેમાંથી રૂપિયા મોકલવા માટે એક યુપીઆઇ પિન પહેલી વાર જનરેટ કરવાનો થાય છે. આ પિન આપણા બેન્ક ખાતા ખાતે સંબંધિત છે, એટલે એક જ બેન્ક ખાતાના યુપીઆઇ આઇડીનો આપણે વિવિધ એપમાં ઉપયોગ કરીએ (આમ તો એવી કોઈ જરૂર નથી, ફક્ત કોઈ એક યુપીઆઇ એપ કાફી છે) ત્યારે એ ખાતા માટે, બીજી કોઈ યુપીઆઇ એપમાં નક્કી કરેલો યુપીઆઇ પિન ચાલી શકે છે.
યુપીઆઈ સલામત છે?
હા અને ના. આ આખી વ્યવસ્થા પોતે સલામત છે અને દુનિયાના ટેક મહારથીઓ તે સ્વીકારી રહ્યા છે, પણ આપણે તેની આંટીઘૂંટીઓ ન સમજીએ તો તે અસલામત બની શકે છે. યુપીઆઇ સંબંધિત ફ્રોડ સતત વધી રહ્યા છે અને એટલે જ તેની બારીક બાબતો સમજવી જરૂરી છે.
અન્ય પદ્ધતિઓ કરતાં યુપીઆઇ વધુ સલામત એટલા માટે છે કે તેમાં રૂપિયાની આપલે કરતી બંને પાર્ટીને એકમેકની બેન્ક, ખાતા નંબર, આઇએફએસસી કોડ વગેરે કંઈ જ જાણવાની જરૂર નથી. તમારું ખાતું કોઈ પણ બેન્કમાં હોય, તમે કોઈ પણ યુપીઆઇ એપનો ઉપયોગ કરી શકો છો. એટલે યુપીઆઇ આઇડી પરથી, તમારું ખાતું કઈ બેન્કમાં છે તે પણ જાણી શકાતું નથી.
છતાં, યુપીઆઇ સંબંધિત ફ્રોડ થવાનું મુખ્ય કારણ એ છે કે યુપીઆઇ એપમાં રકમ માગવાની રિક્વેસ્ટ મોકલી શકાય છે અને લોકો તેને રકમ મેળવવાની લિંક સમજીને પોતાનો પિન આપે છે, માટે રકમ મળવાને બદલે ચાલી જાય છે!

