યુપીઆઇનો ઉપયોગ જેટલી ઝડપે વધી રહ્યો છે, એટલી ઝડપે બેન્ક્સ તેમની સુવિધા વિક્સાવી રહી નથી. પરિણામે, ટ્રાન્ઝેક્શન નિષ્ફળ જવાનું પ્રમાણ પણ વધી રહ્યું છે.
કોરોનાનો ડર બાજુએ મૂકીને તમે તમારા ફેવરિટ પાણીપૂરીવાળા પાસે પાણીપૂરી ખાઓ કે પછી દિવાળીની ઓનલાઇન ખરીદી કરો, પેમેન્ટ માટે હવે આપણા હાથ સ્માર્ટફોન તરફ જ વળે છે. એમાં પણ મોબાઇલ વોલેટ ધીમે ધીમે ભૂલાવા લાગ્યાં છે, હવે આપણને યુનિફાઇડ પેમેન્ટ્સ ઇન્ટરફેસ (યુપીઆઇ) આધારિત વ્યવસ્થા માફક આવી ગઈ છે. એટલે તો ક્યારેક કરિયાણાની દુકાને આખા મહિનાની ખરીદી કરી, યુપીઆઇથી મોટું બિલ ચૂકવી દીધા પછી ફક્ત એક ચોકલેટ લેવાનું યાદ આવે, તો એના પાંચેક રૂપિયા પણ આપણે યુપીઆઇથી ચૂકવીએ છીએ.
યુપીઆઇની આ વ્યવસ્થા રૂપિયા ચૂકવવાવાળા (આપણે) અને રૂપિયા લેવાવાળા (વેપારીઓ) બંનેને માફક આવી ગઈ છે, પણ આ વ્યવસ્થામાં, આ બંને છેડાની વચ્ચે રહેલા લોકોને તે માફક આવી રહી હોય એવું લાગતું નથી!
જો તમે યુપીઆઇનો ઉપયોગ કરતા હો અને એ માટે જાહેર ક્ષેત્રની બેન્કની એપનો ઉપયોગ કરતા હો તો તમારો અનુભવ હશે કે ક્યારેક ને ક્યારેક એપ દગો દે છે અને આપણું ટ્રાન્ઝેક્શન સફળ થતું નથી.
આપણે પોતાના ફોનમાંની યુપીઆઇ એપથી પાંચ-પંદર હજાર રૂપિયાનું ટ્રાન્ઝેકશન કરીએ કે માંડ બે-પાંચ રૂપિયાનું, દરેક લેવડદેવડ વખતે આખી પ્રક્રિયામાં પાંચેક જુદાં જુદાં સર્વર વચ્ચે માહિતીની આપ-લે થાય છે. આપણે પોતાના ફોનમાં પે બટન ક્લિક કરીએ અને આપણા ખાતામાંથી સામેની પાર્ટીના ખાતામાં રૂપિયા પહોંચે તેની વચ્ચેની બધી આંટીઘૂંટી ફક્ત ૬૦ સેકન્ડ કે તેથી પણ ઓછા સમયમાં પૂરી થઈ જતી હોય છે (કારણ કે યુપીઆઇ આખરે આઇએમપીએસ-ઇમિડિયેટ પેમેન્ટ સર્વિસનું જ એક સ્વરૂપ છે). આંખના પલકારા જેટલા સમયમાં, આપણી માહિતીની જુદાં જુદાં સર્વર વચ્ચે આપ-લે થાય એ દરમિયાન જો એકાદા સર્વરમાં પણ કંઈક પણ અવરોધ સર્જાય તો આખી વિધિ નિષ્ફળ જાય છે.
આ વર્ષે સપ્ટેમ્બર મહિના દરમિયાન આંકડા બતાવે છે કે યુપીઆઇનો ઉપયોગ કરતી ટોચની 30 બેન્કમાંથી 10 બેન્કમાં પેમેન્ટ નિષ્ફળ જવાનું પ્રમાણ ઊંચું રહ્યું.
ચારેક વર્ષ પહેલાં યુપીઆઇનો પ્રારંભ થયો ત્યારે સાવ શરૂઆતના દિવસોમાં આવી રીતે પેમેન્ટ નિષ્ફળ જવાનું પ્રમાણ ઘણું વધુ હતું. પછી સ્થિતિ ઘણી સુધરી. પરંતુ હવે યુપીઆઇથી ટ્રાન્ઝેકશનનું પ્રમાણ સતત વધી રહ્યું છે ત્યારે તેમાં પેમેન્ટ ફેઇલ્યોરનો દર પણ વધી રહ્યો છે.
આંકડા બતાવે છે કે આ વર્ષે સપ્ટેમ્બર મહિના દરમિયાન યુપીઆઇનો ઉપયોગ કરતી ટોચની ૩૦ બેન્કમાંથી ૧૦ બેન્કમાં પેમેન્ટ નિષ્ફળ જવાનું પ્રમાણ ઊંચું રહ્યું. જુલાઈ મહિનામાં મોટા ભાગની બેન્કમાં પેમેન્ટ નિષ્ફળ જવાનું પ્રમાણ ફક્ત ૧ ટકો હતું જે સપ્ટેમ્બરમાં ૩ ટકાની ઉપર ગયું (ફરી ટકાવારી રીતે જોઈએ તો ત્રણ ગણંું થઈ ગયું!). અમુક બેન્કમાં તે ૧૨ ટકાની ઉપર પણ ગયું. કેટલાક નિષ્ણાતો તો કહે છે કે કેટલીક બેન્કમાં યુપીઆઇથી પેમેન્ટ નિષ્ફળ જવાનું પ્રમાણ ૪૦ ટકા જેટલા ઊંચા આંકે પણ પહોંચ્યું હતું.
યુપીઆઇથી પેમેન્ટ નિષ્ફળ જાય તો લોકો ભૂલથી બે વાર પેમેન્ટ કરી બેસે એવું પણ બની શકે. આવી સ્થિતિમાં, વેપારી-ગ્રાહક આમને સામને ન હોય તો પેમેન્ટ પરત મેળવવું મુશ્કેલ બને છે.
નિષ્ણાતોના મતે જાહેર ક્ષેત્રોની બેન્કોનું ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રકચર યુનિફાઇડ પેમેન્ટ્સ ઇન્ટરફેસ (યુપીઆઇ)થી લેવડદેવડમાં આવેલા ભારે ઉછાળાનો ભાર ખમી શકે તેમ નથી.
યુપીઆઇ પેમેન્ટ નિષ્ફળ જવાનું આ પ્રમાણ મોટા ભાગે જાહેર ક્ષેત્રની બેન્કમાં જોવા મળે છે. દરેક યુપીઆઇ ટ્રાન્ઝેકશન બેન્કની કોર બેન્કિંગ સિસ્ટમ (સીબીએસ) દ્વારા ચાલતું હોય છે. નિષ્ણાતોના મતે જાહેર ક્ષેત્રોની બેન્કોનું ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રકચર યુપીઆઇથી લેવડદેવડમાં આવેલા ભારે ઉછાળાનો ભાર ખમી શકે તેમ નથી.
એટલું સ્પષ્ટ છે કે ભારતમાં જે ઝડપે યુપીઆઇથી પેમેન્ટનું ચલણ વધી રહ્યું છે તે જોતાં બેન્કિંગ વ્યવસ્થા પર તેનું દબાણ હજી વધવાનું છે. આ ઉછાળાને પહોંચી વળવા માટે બેન્કોએ પોતાના ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રકચરને વધુ આધુનિક અને સક્ષમ બનાવ્યા વિના છૂટકો નથી. મુશ્કેલી એ છે કે આમ કરવું ઘણું ખર્ચાળ છે અને અત્યારે બેન્કોને યુપીઆઇમાંથી દેખીતી રીતે સીધી કોઈ આવક નથી!
યુપીઆઇ પેમેન્ટ કરતી વખતે તેમાં નિષ્ફળતાની દૃષ્ટિએ સપ્ટેમ્બર મહિનો બહુ ખરાબ રહ્યો અને દિવાળીના દિવસો દરમિયાન શોપિંગ વધશે ત્યારે આ સ્થિતિ હજી વણસે તેવી શક્યતા છે. આપણે આશા રાખીએ કે બેન્કો અને નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા આનો કંઈક ઝડપથી ઉકેલ લાવશે અને આપણા યુપીઆઇના ઉપયોગમાં મોટી અડચણો આવશે નહીં.


