તમારા દિવસની શરૂઆત અને અંત બંને યુટ્યૂબ પર વીડિયો જોવાથી થાય છે? વીડિયો જોવાનું પ્રમાણ સતત તેજ ગતિએ વધી રહ્યું છે ત્યારે ગૂગલે આ આદત પર અંકુશ મેળવવામાં લોકોને મદદ કરવા માટે એક નવા ફીચરની જાહેરાત કરી છે.
આ ફીચર બેડટાઇમ રિમાઇન્ડર્સ તરીકે ઓળખાય છે. રાત્રે સમયસર ઊંઘી જવાને બદલે મોડી રાત સુધી પથારીમાં પડ્યા પડ્યા વીડિયો જોતા રહેતા લોકોને યુટ્યૂબ તરફથી હવે સૂવાનો સમય થઈ ગયો છે, થોડો બ્રેક લઈ લો એવું સૂચન કરવામાં આવશે.
અગાઉ ગૂગલની ડિજિટલ વેલબીઇંગ પહેલ હેઠળ ટેક અ બ્રેક નામે આ જ રીતે સૂચન કરવામાં આવતું હતું. યુટ્યૂબમાં નવા ફીચરને કારણે લોકો પોતે ક્યા સમયે સૂઈ જવા ઇચ્છે છે તેનો નિશ્ચિત સમય યુટ્યૂબમાં સેટ કરી શકશે. અલબત્ત આવું સૂચન મળ્યા પછી તેને ઘોળીને પી જવું કે પછી યુટ્યૂબ એપ બંધ કરવી એનો નિર્ણય આપણે પોતે જ કરવાનો રહેશે!

