(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

યુટ્યૂબની જાણી-અજાણી વાતો

યુટ્યૂબનો ઉપયોગ ખરેખર ‘દિવસે ન વધે એટલો રાતે’ વધી રહ્યો છે છતાં, એની ઘણી વાતોથી તમે અજાણ હશો. આવો જોઈએ યુટ્યૂબનાં આવાં કેટલાંક રહસ્યમય, રોમાંચક ને મજેદાર પાસાંનો ક્વિક પ્લે!

યુટ્યૂબની શરૂઆત

યુટ્યૂબનો જન્મ

ઓનલાઇન પેમેન્ટ માટેની પેપાલ કંપનીમાં કામ કરતા ત્રણ દોસ્તો ચાડ હર્લી (અમેરિકન), સ્ટીવ ચેન (જન્મ તાઇવાનમાં, ફેસબુકમાં પણ કામ કરવાનો અનુભવ) અને જાવેદ કરીમ (માતા જર્મન, પિતા બાંગ્લાદેશી) વીડિયો શેરિંગ સર્વિસ લોન્ચ કરવાનો વિચાર આવ્યો.

જાવેદાના કહેવા પ્રમાણે, ૨૦૦૪માં એક ઇવેન્ટના લાઇવ બ્રોડકાસ્ટિંગ દરમિયાન, માંડ અડધી સેકન્ડની એક ઘટનાએ અમેરિકામાં ખાસ્સી ચર્ચા જગાવી હતી. જાવેદને એ ઘટનાની વીડિયો ક્લિપ ઘણું શોધ્યા પછી પણ ન મળી. એ જ રીતે, ૨૦૦૪માં હિન્દ મહાસાગરમાં આવેલ ત્સુનામીની વીડિયો ક્લિપ્સ પણ જાવેદને શોધી જડી નહીં.

બસ, આટલામાંથી લોકોને વીડિયો સહેલાઈથી મળી જવા જોઈએ અને એ માટે વીડિયો શેરિંગ સર્વિસ હોવી જોઈએ એવો વિચાર આવ્યો. ફેબ્રુઆરી ૨૦૦૫માં એ વિચારે, યુટ્યૂબ સ્વરૂપે આકાર લીધો.

યુટ્યૂબની સ્થાપના સમયે, તેના સ્થાપક ત્રણેય મિત્રો ૨૬, ૨૭ અને ૨૮ વર્ષના હતા.

યુટ્યૂબની ‘પ્રેરણા’

ચાડ હર્લી અને સ્ટીવ ચેનના કહેવા પ્રમાણે તેમને ઓનલાઇન ડેટિંગ સર્વિસના વીડિયો વર્ઝન તરીકે યુટ્યૂબનો વિચાર આવ્યો હતો. તેમની પ્રેરણા ‘હોટ ઓર નોટ’ નામની એક સાઇટ હતી. આ સાઇટ પર લોકો સ્વેચ્છાએ પોતાની તસવીરો અપલોડ કરે અને બીજા લોકો તે આકર્ષક છે કે નહીં એવું રેટિંગ આપી શકતા હતા. ફેસબુકની સ્થાપના પહેલાં માર્ક ઝકરબર્ગે પણ આવી જ એક સાઇટ બનાવી હતી.

પ્રેરણા ગમે તે હોય, ત્રણે મિત્રો એમના વિચારમાં આગળ વધ્યા તો માત્ર એક વર્ષમાં અબજપતિ બન્યા!

ગૂગલે યુટ્યૂબ ખરીદી

ત્રણ મિત્રોએ ફેબ્રુઆરી ૨૦૦૫માં યુટ્યૂબ સર્વિસ શરૂ કરી અને પછીના જ વર્ષે, નવેમ્બર ૨૦૦૬માં ગૂગલે આ સર્વિસ ખરીદી લીધી. ત્રણે મિત્રોને કુલ કેટલા ડોલર મળ્યા?


૧.૬૫ અબજ!

પહેલો વીડિયો

યુટ્યૂબ સ્થાપક જાવેદ કરીમનો ‘Me at the zoo’ ટાઇટલ સાથેનો વીડિયો યુટ્યૂબ પરનો પહેલો વીડિયો બન્યો. એપ્રિલ ૨૩, ૨૦૦૫માં અપલોડ થયેલો એ વીડિયો હજી યુટ્યૂબ પર જોઈ શકાય છે. જુલાઈ ૨૬, ૨૦૨૦ સુધીમાં આ વીડીયો સાડા દસ કરોડથી વધુ લોકો જોઈ ચૂક્યા છે!

યુટ્યૂબની પહોંચ અને આવક

શરૂઆતી લોકપ્રિયતા

ગૂગલે યુટ્યૂબ ખરીદી તે પહેલાં, પહેલા જ વર્ષે સાઇટ પર રોજના ૬૫,૦૦૦ વીડિયો અપલોડ થવા લાગ્યા અને ડેઇલી વ્યૂ ૧૦ કરોડ થવા લાગ્યા. આ કારણે, www.utube.com નામની બીજી એક સાઇટને વણનોતર્યા વિઝિટર મળવા લાગ્યા. છેવટે એ કંપનીએ પોતાનું ડોમેઇન બદલીને www.utubeonline.com કરવું પડ્યું.

યુટ્યૂબની હાલની પહોંચ

  • સૌથી વધુ ટ્રાફિકની રીતે યુટ્યૂબ આખી દુનિયામાં બીજા નંબર છે.
  • દુનિયાના ૨ અબજથી વધુ લોકો દર મહિને યુટ્યૂબની સાઇટ કે એપની મુલાકાત લે છે.
  • એક દિવસમાં, યુટ્યૂબ પર કુલ ૧ અબજથી વધુ કલાકોના વીડિયો જોવામાં આવે છે.
  • યુટ્યૂબ પર સરેરાશ દર મિનિટે ૫૦૦ કલાકથી વધુ સમયના વીડિયો અપલોડ થાય છે.
  • યુટ્યૂબ ૧૦૦થી વધુ દેશોમાં યુટ્યૂબનાં લોકલ વર્ઝન્સ ચલાવે છે, જેમાં જે તે દેશના કન્ટેન્ટને આગળ કરાય છે.
  • યુટ્યૂબનો ૮૦ વિવિધ ભાષામાં ઉપયોગ કરી શકાય છે.

વર્ષ ૨૦૧૯માં યુટ્યૂબમાંથી ગૂગલ કંપનીને ૧૫ અબજ ડોલરની કમાણી થઈ હતી. યાદ રહે, ૨૦૦૬માં ગૂગલે યુટ્યૂબ ૧.૬૫ અબજ ડોલરમાં ખરીદી હતી.

કંપનીને આવક

ગૂગલે વર્ષ ૨૦૦૬ના અંત ભાગમાં યુટ્યૂબ સર્વિસ ખરીદી લીધી ત્યારથી ૨૦૧૯ સુધી યુટ્યૂબમાંથી થતી આવકના આંકડા શક્ય એટલા ખાનગી રાખવાની કોશિશ કરી હતી. એ પછી, ગૂગલમાંથી આલ્ફાબેટ નામની કંપનીનું સર્જન થયું, અને ફેબ્રુઆરી ૨૦૨૦માં ગૂગલે યુટ્યૂબમાંથી તેને કેટલી કમાણી થાય છે તે પહેલી વાર જાહેર કર્યું.

ગૂગલે જાહેર કર્યા અનુસાર, ગૂગલની વાર્ષિક આવકમાં યુટ્યૂબનો હિસ્સો માંડ દસ ટકા છે. યુટ્યૂબને જાહેરાતમાંથી થતી આવક, ફેસબુકની જાહેરાતમાંથી થતી આવક કરતાં માત્ર પાંચમા ભાગની છે.

વીડિયો અપલોડ કરતા લોકોની આવક

૧૦ કરોડ સબસ્ક્રાઇબર્સ

‘પ્યૂડાઇપાઇ’નામનો સ્વીડનનો એક ગેમ પ્લેયર યુટ્યૂબ પર સૌથી વધુ સબસ્ક્રાઇબર્સ ધરાવતો યુટ્યૂબર ગણાય છે.

તેની ચેનલના  સબસ્ક્રાઇબર્સની સંખ્યા ૧૦.૬ કરોડે પહોંચી છે અને તેેણે અપલોડ કરેલા વીડિયોની સંખ્યા છે ૪૨૦૦!

તેમ છતાં, આવકની દૃષ્ટિએ આ યુટ્યૂબર ટોચ પર નહીં, છેક સાતમા ક્રમે છે.

સ્ટાર યુટ્યૂબર

સૌથી સફળ યુટ્યૂબ સ્ટારનું બિરુદ રયાન કાજી નામના યુટ્યૂરને ફાળે છે. તેની ચેનલ (Ryan’s World)ના ૨.૫ કરોડ સબસ્ક્રાઇબર્સ છે. રયાન ટીચર મમ્મી ને પપ્પાની મદદથી તેની ચેનલ ચલાવે છે.

યુટ્યૂબ પર તમે પણ કમાણી કરી શકો

આટલું વાંચીને તમને પણ યુટ્યૂબમાં ઝંપલાવવાની ઇચ્છા થઈ આવી? તમે પણ પોતાની યુટ્યૂબ ચેનલ બનાવી, તેમાં વીડિયો અપલોડ કરી શકો છો અને પછી યુટ્યૂબ પાર્ટનર પ્રોગ્રામમાં જોડાઈ શકો છો. તમારી ચેનલ નીચેની શરતોનું પાલન કરતી હોય તો તમે યુટ્યૂબ પાર્ટનર પ્રોગ્રામમાં જોડાઈ શકો છોઃ

  • ચેનલના સબસ્ક્રાઇબર્સની સંખ્યા ૧૦૦૦ કરતાં વધુ
  • પાછલા ૧૨ મહિનામાં, તમારા વીડિયો કુલ ૪,૦૦૦ કલાકથી વધુ વાર જોવાયા હોવા જોઈએ (તમારા પોતાના સિવાય!)
  • તમારા દેશમાં આ પ્રોગ્રામ ઉપલબ્ધ (ભારતમા છે!)
  • યુટ્યૂબની મોનેટાઇઝેશનની તમામ શરતોનું પાલન
  • ગૂગલની એડસેન્સ સર્વિસમાં તમારું એકાઉન્ટ

૩૦ અબજ વ્યૂ

રયાન નવાં લોન્ચ થતાં રમકડાંના રીવ્યૂ આપે છે. તેના વીડિયોને કુલ ૩૦ અબજથી વધુ વ્યૂ મળ્યા છે અને ફક્ત એક વીડિયો ૨ અબજથી વધુ વાર જોવાયો છે.

માર્ચ ૨૦૧૫થી વીડિયો બનાવતો રયાન યુટ્યૂબના જોરે વર્ષે ૨.૬ કરોડ ડોલર (આશરે ૨ અબજ રૂપિયા) કમાય છે. રયાનની અત્યારે ઉંમર છે ૮ વર્ષ.

ઇન્ડિયન સ્ટાર

ભારતમાં ‘કેરી મિનાટી’ નામનો કોમેડિયન અને ગેમર સૌથી લોકપ્રિય યુટ્યૂબર ગણાય છે. તેની ચેનલા સબસ્ક્રાઇબર્સની સંખ્યા ૨.૪૧ કરોડ છે, પણ વીડિયોની સંખ્યા માત્ર ૧૭૧ છે. હમણાં જ તેનું યુટ્યૂબ એકાઉન્ટ હેક થયું છે, હેકર્સ બિટકોઇન્સમાં ખંડણી માગી રહ્યા છે.

યુટ્યૂબર પર કમાણી કરતી ચેનલ્સ

  • છ આંકડામાં કમાણી કરતી ચેનલ્સની સંખ્યા દર વર્ષે ૪૦ ટકા વધતી જાય છે.
  • પાંચ આંકડામાં કમાણી કરતી ચેનલ્સની સંખ્યા દર વર્ષ ૫૦ ટકા વધતી જાય છે.
  • ૧૦ લાખ કરતાં વધુ સબસ્ક્રાઇબર્સ ધરાવતી ચેનલ્સની સંખ્યા દર વર્ષ ૬૫ ટકા વધતી જાય છે.

યુટ્યૂબર માટેના રિસોર્સિસ

યુટ્યૂબની બધી આવક લોકપ્રિય યુટ્યૂબર્સ પર છે, એટલે તે વીડિયો ક્રિએશન માટે અનેક સગવડો આપે છે. જેમ કે ‘યુટ્યૂબ ક્રિએટર એકેડમી‘ (https://creatoracademy.youtube.com/) પર, યુટ્યૂબ પર ચેનલ તૈયાર કરવી, વીડિયો બનાવવા, અપલોડ કરવા, મોનેટાઇઝ કરવા વગેરે સંબંધિત સ્ટેપ-બાય-સ્ટેપ માહિતી આપતા વીડિયોઝ જોઈ શકાય છે. યુટ્યૂબ તેના સ્ટાર ક્રિએટર્સને મફત સ્ટુડિયો (માત્ર વર્ચ્યુઅલ નહીં) સહિત વિવિધ પ્રકારની સગવડો આપે છે.

યુટ્યૂબ પર તમારા વીડિયોના વ્યૂની સંખ્યાને આધારે તમે કેટલું કમાઈ શકો એની સંભાવના દર્શવતાં કેલ્ક્યુલેટર્સ ધરાવતી કેટલીક વેબસાઇટ્સ પણ ચાલે છે. યુટ્યૂબર હોવું એ હવે મુખ્ય કારકિર્દી બની શકે છે.

યુટ્યૂબની અન્ય ઘણી સર્વિસ પણ છે

એક યુટ્યૂબના સંખ્યાબંધ અવતાર

આપણે યુટ્યૂબને ફક્ત એક સર્વિસ તરીકે ઓળખીએ છીએ, પણ તે વિવિધ ઉપયોગ માટે વિવિધ પ્રકારની સર્વિસ ધરાવે છે. આમાંની કેટલીક ફ્રી છે તો કેટલીક પ્રીમિયમ અને પેઇડ વર્ઝન તરીકે વધારાના લાભ આપે છે, જેમ કે એડ્સના ત્રાસ વિના વીડિયો કે મ્યુઝિકનો લાભ!

વીડિયો સૂચવવા પાછળની કરામત

સર્ચ અને રેકમન્ડેશન

યુટ્યૂબ પર દર મિનિટે પૂરા ૫૦૦ કલાકની લંબાઇના નવા વીડિયો અપલોડ થતા હોય ત્યારે વીડિયોના આ વિરાટ ખડકલામાંથી, આપણને ગમે તેવા વીડિયો આપણે માટે જાતે શોધવા અશક્ય છે. આના યુટ્યૂબ બે ઉપાય આપે છે:

  1. સર્ચ
  2. રેકમેન્ડેશન

યુટ્યૂબના સર્ચ બોક્સની મદદથી આપણે જાતે, જુદા જુદા વીડિયો શોધી શકીએ અને યુટ્યૂબ પોતે આપણને ઉપયોગી લાગે કે ગમે તેવા વીડિયો સૂચવે. આ બંને પદ્ધતિ પાછળ, યુટ્યૂબની અનેક પ્રકારની જટિલ કામગીરીઓ કામે લાગે છે.

યુટ્યૂબનું આગવું અલ્ગોરિધમ

પીસી/લેપટોપમાં કે એપમાં યુટ્યૂબ જોનારી દરેક વ્યક્તિને સાઇટ કે એપ ઓપન કરતાં જુદા જુદા વીડિયો દેખાય છે. કેમ કે જે તે વ્યક્તિને કયા વીડિયો બતાવવા તે નક્કી કરવા માટે યુટ્યૂબ તેના આગવા અલ્ગોરિધમ (શરતો અને ગણતરીઓ)નો ઉપયોગ કરે છે.

આપણી પોતાની સર્ચ હિસ્ટ્રી, કયા વીડિયો આપણે કેટલા સમય માટે જોયા, કેટલા અડધેથી છોડી દીધા, અન્ય લોકોએ એ વીડિયો કેટલા સમય માટે જોયા કે અડધેથી છોડી દીધા વગેરે વગેરે અનેક બાબતો ધ્યાનમાં લેવાય છે.

યુટ્યૂબ પર લોકો જેટલો સમય પસાર કરે છે, તેમાંથી ૭૦ ટકાથી વધુ સમય લોકો, પોતે શોધેલા નહીં પરંતુ યુટ્યૂબે સામેથી સૂચવેલા વીડિયો જોવામાં પસાર કરે છે. યુટ્યૂબને પોતાની અને યુટ્યૂબર્સની કમાણી વધારવા આટલું જ જોઈએ છે!

વીડિયોની પસંદગી

યુટ્યૂબ મુખ્યત્વે ત્રણ બાબતોને આધારે આપણને વીડિયો બતાવે છેઃ

૧. રીલેવન્સ : આપણે સર્ચ કરેલી બાબતો સાથે જે વીડિયોનાં ટાઇટલ, ટેગ્સ, વર્ણન અને વીડિયોનું કન્ટેન્ટ સૌથી વધુ મેચ થતાં હોય તેને યુટ્યૂબ આપણા સર્ચ માટે રીલેવન્ટ (સંબંધિત) રિઝલ્ટ ગણે છે.

૨. એંગેજમેન્ટ : આપણે માટે રીલેવન્ટ ગણાય તેવા વીડિયો, એ જ પ્રકારની સર્ચ કરીને એ વીડિયો સુધી પહોંચેલા લોકોએ તે વીડિયો કેટલા સમય સુધી જોયો એ પણ યુટ્યૂબ ગણતરીમાં લે છે.

૩. ક્વોલિટી : યુટ્યૂબે એવી આગવી પદ્ધતિઓ વિક્સાવી છે, જેને આધારે કઈ ચેનલનું વીડિયો કન્ટેન્ટ જુદા જુદા વિષયની એક્સપર્ટાઇઝ અને વિશ્વસનીયતા ધરાવે છે તે નક્કી કરે છે.

દરેક યૂઝર જુદા, તેમ તેમને બતાવાતા વીડિયો પણ જુદા

યુટ્યૂબમાં દરેક યુઝરે સર્ચનાં પરિણામો કેવાં બદલાય છે એ જુઓ – બે અલગ અલગ વ્યક્તિ, યુટ્યૂબ પર એક જ શબ્દ સર્ચ કરે ‘ક્રિકેટ’ તો પણ બંનેને સાવ અલગ પ્રકારનાં રિઝલ્ટ જોવા મળે એવું બની શકે છે. જે વ્યક્તિએ અગાઉ સ્પોર્ટ્સના વીડિયો વધુ જોયા હોય તેને ક્રિકેટ રમતના વીડિયો બતાવવામાં આવે અને અગાઉ કુદરતી જીવશાસ્ત્રને લગતા વીડિયોમાં ઊંડો રસ ધરાવતી વ્યક્તિને કંસારી કે તમરાંના વીડિયો બતાવવામાં આવે એવું બની શકે છે!

‘મેઇડ ફોર કિડ્સ’ વીડિયો

‘મેઇડ ફોર કિડ્સ’ વીડિયો જ્યારે યુટ્યૂબર પોતાની ચેનલ પર વીડિયો અપલોડ કરે ત્યારે તેણે યુટ્યૂબને જણાવવું પડે છે કે તેનો વીડિયો સૌ કોઈ માટે છે કે પછી માત્ર બાળકો માટે છે. યુટ્યૂબ મશીન લર્નિંગની મદદથી પણ નક્કી કરે છે કે વીડિયો બાળકો માટે છે કે નહીં.

જો વીડિયો ‘મેઇડ ફોર કિડ્સ’ હોય તો આવા વીડિયોમાં મોટા લોકોએ પણ કેટલીક મર્યાદાનો સામનો કરવો પડે છે. આવા વીડિયો મિનિપ્લેયરમાં પ્લે કરી શકાતા નથી, પ્લેલિસ્ટમાં ઉમેરી શકાતા નથી. આવા વીડિયો હોમ સ્ક્રીન પર ઓટો પ્લે થતા નથી કે કોઈ વીડિયોના અંતે સૂચવવામાં આવતા નથી. તેના પર કમેન્ટ્સ પણ કરી શકાતી નથી. તેમાં પર્સનલાઇઝ્ડ એડ્સ બતાવી શકાતી અને લાઇવ ચેટ પણ કરી શકાતી નથી.

બાળકોના રક્ષણને લગતા કાયદાઓ બાબતે, ગૂગલે ભારે દંડ ચુકવવા પડ્યા પછી, આ બધી મર્યાદાઓ લાગુ કરી દેવામાં આવી છે.

સતત વધતો વ્યાપ

યુટ્યૂબ પર રોજના પાંચ અબજથી વધુ વીડિયો જોવાય છે અને મોબાઈલ વ્યૂઇંગ તેજ ગતિએ વધી રહ્યું છે.  યૂઝર્સમાં ૩૫થી વધુ અને ૫૫થી વધુ વયજૂથના લોકોનું પ્રમાણ સૌથી વધુ ઝડપે વધી રહ્યું છે.

બીજી તરફ પાંચ કરોડ લોકો જેટલા લોકો બહુ સક્રિય રીતે યુટ્યૂબ પર નવા વીડિયો ઉમેરતા રહે છે.

તમે જે જુઓ એ બધું જ યુટ્યૂબ પણ જુએ છે!

વ્યૂ હિસ્ટ્રી મુજબ નવા વીડિયોનાં સૂચન

યુટ્યૂબની વેબસાઇટ પર કે એપમાં તમે તમારા ગૂગલ એકાઉન્ટથી લોગ-ઇન થઈને જે કંઈ પણ જુઓ એ બધું જ ગૂગલ હંમેશ માટે યાદ રાખી લે છે. તમારી હિસ્ટ્રીની મદદથી, યુટ્યૂબ નક્કી કરે છે કે તમને કયા વીડિયો જોવા ગમશે.  એ અનુસાર તે તમને સર્ચ રિઝલ્ટ બતાવે, સામેથી જ વીડિયો સૂચવે અને ઓટો પ્લે પણ કરે! (તેને બંધ કરી શકાય છે) એટલે જ, તમે કોઈ એક વીડિયો જુઓ એ સાથે, યુટ્યૂબના હોમ પેજ પર જ પ્રકારના બીજા વીડિયોની હારમાળા દેખાવા લાગે છે! ઘણી વાર યુટ્યૂબ તમને અગાઉ જોયેલા વીડિયો ફરી જોવાનું પણ સૂચવે છે.

ઇનકોગ્નિટો મોડ

યુટ્યૂબ એપમાં પણ હવે ‘ઇનકોગ્નિટો’ મોડમાં વીડિયો જોવાની સગવડ છે. એપમાં પ્રોફાઇલ પિક્ચર પર ક્લિક કરી ‘ટર્ન ઓન ઇનકોગ્નિટો’ પર ક્લિક કરો. આ મોડમાં ગયા પછી લાંબો સમય તમે એપમાં કોઈ એક્ટિવિટી કરશો નહીં તો આ મોડ આપોઆપ બંધ થશે. આ મોડમાં તમારી વોચ કે સર્ચ હિસ્ટ્રી રેકોર્ડ થશે નહીં, પરંતુ આ રીતે પણ, તમારું વીડિયો વોચિંગ સાવ ખાનગી કે છૂપું રહેતું નથી એ પણ યાદ રાખશો.

તમે યુટ્યૂબના વેબ વર્ઝનમાં લોગ-ઇન વિના વીડિયો જુઓ તો પણ તમારું વીડિયો વોચિંગ સાવ ખાનગી રહી શકતું નથી.

તમારી સર્ચ હિસ્ટ્રી અને વોચ હિસ્ટ્રી ડિલીટ કરવી છે?

યુટ્યૂબમાં લોગ્ડ-ઇન હો ત્યારે તૈયાર થતી તમારી વોચ અને સર્ચ હિસ્ટ્રી તમે ઇચ્છો ત્યારે ડિલીટ કરી શકો છો. એ માટે, યુટ્યૂબમાં તમારા પ્રોફાઇલ પિક્ચર પર ક્લિક કરો અને ‘યોર ડેટા ઇન યુટ્યૂબ’ પસંદ કરો. અહીં તમારી વોચ હિસ્ટ્રી અને સર્ચ હિસ્ટ્રી જોઈ શકાશે.

મમ્મી-પપ્પાને મળતા કંટ્રોલ્સ

દરેક માતા-પિતાની દ્વિધા

યુટ્યૂબમાં બાળકોની જિજ્ઞાસા અને જ્ઞાનની ક્ષિતિજો વિસ્તારે એવું ઘણું બધું છે, તેમ તેમની ઉંમરને અનુરૂપ ન હોય એવું પણ ઘણું બધું છે. લગભગ દરેક માતા-પિતા આ જ કારણે બાળકોને યુટ્યૂબ એપનો ઉપયોગ કરવા દેવો કે નહીં તેની વિમાસણ અનુભવતાં હોય છે. પરિવારમાં ઘણાં નાનાં બાળકો હોય તો ફોનમાં ‘યુટ્યૂબ કિડ્સ’ એપ ઇન્સ્ટોલ કરીએ એ જ સૌથી સારો રસ્તો છે. આપણી સાથે જ નાનાં બાળકો યુટ્યૂબ જુએ અને આપણે તેમને ઉપયોગી થાય એવું કન્ટેન્ટ બતાવીએ એ વધુ સારું રહેશે.

યુટ્યૂબ કિડ્સ એપ ટ્રાય કરી દુઓ

જો નાનાં બાળકો માટે અલગ સ્માર્ટફોન હોય, તો તેમાંથી યુટ્યૂબ એપ દૂર કરી શકાય અને પ્લે સ્ટોરમાંથી, તમારી મંજૂરી વિના યુટ્યૂબ એપ ડાઉનલોડ કરી ન શકાય એવું સેટિંગ કરી શકાય. આ પછી, એમના ફોનમાં ‘યુટ્યૂબ કિડ્સ’ એપ ઇન્સ્ટોલ કરી શકાય. આ યુટ્યૂબનું માત્ર બાળકો માટેનું વર્ઝન છે અને તેમાં તેઓ, તેમની ઉંમરને અનુરૂપ વિવિધ વીડિયો જોઈ શકે છે. યુટ્યૂબ કિડ્સની ચેનલ કે વીડિયો પસંદ કરવા માટે યુટ્યૂબ ઓટોમેટેડ ફિલ્ટર્સ, હ્યુમન રીવ્યુ અને અન્ય યૂઝર્સ તરફથી મળતા ફીડબેકનો ઉપયોગ કરે છે.

રિસ્ટ્રિક્ટ મોડ

ફોન પરિવારનાં બાળકોના હાથમાં પણ રહેતો હોય અને એ પણ યુટ્યૂબ એપ ઓપન કરીને તેમાં વીડિયો જોતાં હોય તો માતા-પિતા તરીકે તેમની પ્રવૃત્તિ પર અંકુશ રાખી શકો – અલબત્ત થોડો! એ માટે, યુટ્યૂબમાં તમારા પ્રોફાઇલ પિક્ચર પર ક્લિક કરો અને ત્યાંથી સેટિંગ્સમાં જાઓ. અહીં ‘જનરલ’ સેક્શનમાં ‘રિસ્ટ્રીકટેડ મોડ’ ઓન કરો. આ રીતે, બાળકો માટે યોગ્ય ન હોય તેવા વીડિયો ફિલ્ટર થઈ શકે છે, પરંતુ અહીં જ કહેવામાં આવે છે તેમ આવું કોઈ ફિલ્ટર ૧૦૦ ટકા સચોટ હોતું નથી. ઉપરાંત, આ ફિલ્ટર, જે તે ડિવાઇસમાંની એપ પૂરતું જ લાગુ રહે છે.

યુટ્યૂબ કિડ્સમાં મળતી સુવિધાઓ

યુટ્યૂબ કિડ્સ એપનાં સેટિંગ્સ બરાબર સમજ્યા પછી, પેરેન્ટ્સને આ કંટ્રોલ્સ મળે છેઃ ૧. દરેક બાળક માટે અલગ પ્રોફાઇલ તૈયાર કરવા, તેના પર કંટ્રોલ રાખવો ૨. બાળકને કયા પ્રકારનું કન્ટેન્ટ ઉપલબ્ધ રહે તે નક્કી કરવું ૩. અમુક વીડિયો કે ચેનલ્સ બ્લોક કરવાં ૪. સ્ક્રીન ટાઇમની લિમિટ નક્કી કરી, ટાઇમર સેટ કરવું ૫. બાળકો કયા વીડિયો જોઈ રહ્યાં છે તે જોવા માટે, રીસન્ટ વીડિયો જોવા

યુટ્યૂબની પૂરી મજા લેવા માટે…

પ્લેલિસ્ટ ફક્ત સાંભળો નહીં, જાતે બનાવો

યુટ્યૂબમાં તમે રસના વિષય અનુસાર, વિવિધ પ્લેલિસ્ટ બનાવી શકો છો. પીસી/લેપટોપના વર્ઝન અને યુટ્યૂબ એપમાં આ માટેની વિધિ થોડી થોડી જુદી છે, પણ સહેલી છે.

પહેલાં તમને ગમતા કોઈ પણ વીડિયોને ઓપન કરો.  તેના ટાઇટલ નીચે, સેવ બટન ક્લિક કરો. જો તમારું કોઈ પ્લેલિસ્ટ બનેલું નહીં હોય તો તે ‘વોચ લેટર’ નામના પ્લે લિસ્ટમાં ઉમેરાશે અથવા છેલ્લે જે પ્લેલિસ્ટમાં કોઈ વીડિયો ઉમેર્યો હશે, તેમાં ઉમેરાશે. હવે ‘ચેન્જ’ બટન ક્લિક કરો અને ચાહો તો નવું પ્લેલિસ્ટ બનાવો અથવા અગાઉના કોઈ પ્લેલિસ્ટમાં આ વીડિયો ઉમેરો. પ્લેલિસ્ટ પબ્લિક, પ્રાઇવેટ કે અનલિસ્ટેડ રાખવું છે તે નક્કી કરી લેશો.

વીડિયો ક્યુમાં ઉમેરો, વારાફરતી જુઓ

નેટફ્લિક્સ, હોટસ્ટાર વગેરેમાં લોકો તેમને ગમતા શો કે સિરિયલ્સના એક સાથે બે-ચાર એપિસોડ્સ જોઈ નાખતા હોય છે. ‘બિંજ-વોચિંગ’ કહેવાતી આ સુવિધા યુટ્યૂબ માટે બહુ કામની નથી કેમ કે તેમાં સામાન્ય રીતે, સિરિયલાઇઝ્ડ વીડિયો હોતા નથી.

આમ છતાં, તમે એક ધડાકે બે-પાંચ વીડિયો વારાફરતી જોવા ઇચ્છતા હો તો હવે વેબ વર્ઝનમાં હોમ પેજ પર ‘એડ ટુ ક્યૂ’ બટન જોઈ શકાય છે. તેની મદદથી ગમતા વીડિયો ક્યુમાં ઉમેરતાં, એક વીડિયો પૂરો થતાં, ક્યુમાંનો બીજો વીડિયો તરત શરૂ થાય છે. યુટયૂબની એપમાં આ સુવિધા હજી ઉમેરાઈ નથી, પણ તમે ઇચ્છો તો ‘વોચ લેટર’ પ્લેલિસ્ટનો આ જ હેતુ માટે ઉપયોગ કરી શકો છો.

શેર્ડ પ્લેલિસ્ટ

તમે પ્લેલિસ્ટ બનાવી તેને મિત્રો સાથે શેર કરી શકો છો. શેર્ડ પ્લેલિસ્ટમાં, મિત્રો પણ તમારા સમાન રસના વીડિયો ઉમેરી શકે છે. એ માટે તમારું પ્લેલિસ્ટ બનાવી લો અને પછી તેમાં ‘કોલાબોરેટ’ પર ક્લિક કરી, ‘કોલાબોરેટર્સ કેન એડ વીડિયોઝ…’ ઓન કરી દો. હવે તમારા પ્લેલિસ્ટની એક લિંક મળશે, તેને તમારા મિત્રો સાથે શેર કરો.

ડાઉનલોડ

ડાઉનલોડ યુટ્યૂબમાં અગાઉ વીડિયો ડાઉનલોડ કરવાની સુવિધા નહોતી, પણ પછી એ સુવિધા ઉમેરાઈ ગઈ. તમને ગમતા વીડિયો તમે ડાઉનલોડ કરીને ઓફલાઇન પણ જોઈ શકો છો. ડાઉનલોડની કોઈ લિમિટ નથી, બસ ફોનમાં સ્પેસ જોઈએ.

આવા વીડિયોને ૪૮ કલાકમાં ફરી નેટ કનેક્શન નહીં મળે તો તે એપમાંથી ગાયબ થશે!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!