ડ્રોઇંગ કે પેઇન્ટિંગ એક કલા છે અને એ સૌને હસ્તગત હોતી નથી. આપણામાંના ઘણા ખરાને સાદા કાગળ પર એક સીધી કે સરસ વળાંકવાળી રેખા દોરવાનાં ફાંફાં હોય છે, તો એ જ કામ પીસી કે મોબાઇલના સ્ક્રીન પર માઉસ કે આંગળીના સ્પર્શથી કરવાનું તો હજી વધુ મુશ્કેલ બને.
પરિણામે આપણે મોટા ભાગે કંઈ પણ દોરવાની વાતને ટાળતા રહીએ, પણ ક્યારેક નાના બાળકને કંઈક દોરતાં શીખવું હોય તો કાગળ-પેન્સિલ ઉપરાંત તેને તમે www.autodraw.com સાઇટ પર લઈ જઈ શકો.
બાળકને તમે ડ્રોઇંગ ઉપરાંત, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (એઆઇ) કે મશીન લર્નિંગ કેવી રીતે કામ કરે છે એ પણ શીખવી શકશો!
એક એઆઇ એક્સપરિમેન્ટ તરીકે જ તૈયાર થયેલી આ સાઇટ પર તમે પહોંચશો એટલે ‘ઓટોડ્રો – ફાસ્ટ ડ્રોઇંગ ફોર એવરીવન’ એવી લાઇન તમારું ધ્યાન ખેંચશે. પછી ઇચ્છો તો ‘સ્ટાર્ડ ડ્રોઇંગ’ બટન ક્લિક કરીને સીધું જ કંઈક દોરવાનું શરૂ કરો અથવા ‘ફાસ્ટ હાઉ-ટુ’ ગાઇડ્સ જુઓ. આખી સાઇટ તદ્દન સિમ્પલ છે, એટલે તેની હાઉ-ટુ ગાઇડ્સ પણ તમે ફટાફટ પૂરી કરી શકો છો. આમ જુઓ તો વાત માત્ર એટલી જ છે કે આ સાઇટ પર તમને એક કોરો કેનવાસ મળે છે, જેના પર તમે માઉસ, મોબાઇલના સ્ટાઇલસ કે આંગળીના લસરકે, મનમાં જે આવે તે દોરવાનો પ્રયાસ કરી જુઓ. હાઉ-ટુ ગાઇડમાં બતાવ્યું છે તેમ સાઇકલનાં બે પૈડાં બનાવીને વચ્ચેની ફ્રેમ દોરી જુઓ. દેખીતું છે કે આપણું ચિત્ર કાગળ કરતાંય સ્ક્રીન પર વધુ ગરબડિયું બનશે.
એઆઇની કરામત હવે શરૂ થશે.
આ સર્વિસ પાસે, વિવિધ આર્ટિસ્ટે તૈયાર કરેલાં, જુદી જુદી બાબતોનાં સંખ્યાબંધ લાઇન-ડ્રોઇંગ્સનો ખજાનો છે (ઇચ્છો તો તમે પણ તમારાં ચિત્રોનો તેમાં ઉમેરો કરી શકો છો). આપણે સ્ક્રીન પર કંઈ પણ દોરવાનો પ્રયાસ કરીએ એટલે સિસ્ટમ તેને, તેની પાસેનાં ચિત્રો સાથે સરખાવવા લાગે છે અને પછી આપણા ચિત્રની સૌથી નજીકનાં, પણ પ્રોફેશનલ આર્ટિસ્ટ્સે તૈયાર કરેલાં ચિત્રો બતાવવા લાગે છે!
તમે તેમાંથી કોઈ પણ પસંદ કરો એટલે આપણા ચિત્રના સ્થાને એ ચિત્ર ગોઠવાઇ જાય. આપણે તેમાં જુદા જુદા રંગો પૂરી શકીએ અને પછી ડાઉનલોડ કરી શકીએ કે મિત્રો સાથે શેર કરી શકીએ.
અલબત્ત, આપણા ચિત્રને સ્થાને બીજાનું ચિત્ર આવી જાય પછી આખી વાતમાં બહુ મજા રહેતી નથી કેમ કે એ ચિત્રમાં આપણે ખાસ કંઈ ફેરફાર કરી શકતા નથી. ફક્ત આપણે દોરેલા ‘મોર’ને કમ્પ્યુટરની સિસ્ટમ કઈ રીતે જુએ છે એ જોવાની મજા પડે તેવું છે.
(‘સાયબરસફર’ના જુલાઈ, ૨૦૧૯ અંકમાંથી ટૂંકાવીને. આખો લેખ વાંચો ‘સાયબરસફર’ની વેબસાઇટ પર)
આ મજાની પ્રયોગાત્મક સાઇટ જુઓ અહીં www.autodraw.com

