
આગળ શું વાંચશો?
- ઇન્ટરનેટ પર ગેમિંગનો તરખાટ
- ઓનલાઇન ગેમિંગનું નવું સ્વરૂપ
- ‘‘ગેમ રમો, રીયલ કેશ જીતો’’
- આખી વાતનું કાયદાકીય પાસું
- ડેટા એનવાલિટિક્સથી ઉમેરાતું જોખમ
- અહીં પણ ચીનનું આક્રમણ
- આ વાઇરસથી પણ ચેતજો
વોટ્સએપ પર ફરતો આ મેસેજ કદાચ તમારા સુધી પણ પહોંચ્યો હશે, ‘‘લોકડાઉન દરમિયાન, લૂડો રમવામાં એવી ફાવટ આવી ગઈ છે કે મહાભારતની જેમ આજે શકુનિમામા સામે રમવાનું થયું હોત તો અમે દુર્યોધનનું આખું રાજપાટ જીતી લીધું હોત…’’
હળવાશમાં કહેવાયેલા આ શબ્દોમાં બે-ત્રણ મહત્ત્વની વાત છુપાયેલી છે.
પહેલી વાત, લોકડાઉન દરમિયાન લૂડો જેવી એક જમાનાની ફેવરિટ ફેમિલી બોર્ડ ગેમ હવે ઓનલાઇન પણ જબરી પોપ્યુલર થઈ છે.
બીજી વાત, લૂડો અને મહાભારતની ‘ચોપાટ’, ‘ચોસર’ કે ‘દ્યુત’માં કોઈ ફેર નથી એ હવે દૂરદર્શન પર ફરી શરૂ થયેલી ‘મહાભારત’ સિરિયલને કારણે નવી પેઢી પણ જાણી ગઈ છે.
ત્રીજી સૌથી વધુ મહત્ત્વની વાત, લૂડો રમતા લોકો – ભલે મજાકમાં – એવું માનતા થઈ ગયા છે કે તેઓ ધારે તો શકુનિને પણ હરાવી શકે! યાદ રહે, શકુનિએ પહેલાં ઇન્દ્રપ્રસ્થમાં યુધિષ્ઠરને પણ જીતાડીને એવા ગુમાનમાં લાવી દીધા હતા કે તે શકુનિને હરાવી શકે છે.
મહાભારત યુદ્ધ થવાનાં ઘણાં કારણો હતાં, એમાંનું એક શકુનિ અને પાંડવો વચ્ચેની ‘દ્યુતક્રિડા’ હતી એ આપણે જાણીએ છીએ. ધાર્યા પાસા ફેંકવામાં માહેર શકુનિએ યુધિષ્ઠિરને ચોસર રમવા માટે આમંત્રણ મોકલ્યું કારણ કે એ જાણતો હતો કે જુગાર ખેલવો એ યુધિષ્ઠિરની નબળાઈ હતી.
હવે આ વાતમાં આજના સંદર્ભ અને કલ્પનાના રંગ ઉમેરીએ, પણ જરા ધ્યાન દઈને વાંચજો.
આજના સમયમાં, સાવ સસ્તા થયેલા સ્માર્ટફોન અને ઇન્ટરનેટના ડેટા પ્લાન તથા નવી ટેક્નોલોજીને કારણે અનેક લોકો ઓનલાઇન ગેમિંગનો સ્વાદ ચાખી ગયા છે એ આપણે જાણીએ છીએ.
કલ્પના કરો કે શકુનિને એવી ખબર હોય કે ગેમિંગ કે જુગાર જેમની નબળાઈ છે એવા એક નહીં, અનેક યુધિષ્ઠિર આ દેશમાં પડ્યા છે, તો? શકુનિને એ પણ બરાબર ખબર હોય કે રમતની બાબતે જે તે યુધિષ્ઠિરનાં સબળાં-નબળાં પાસાં કયાં છે, કોની સામે તે હારે છે અને કોની સામે તે જીતી શકે છે, તો?
યુધિષ્ઠિરને કઈ રીતે વધુ લલચાવી શકાય તેમ છે એ પણ શકુનિને બરાબર ખબર હોય તો?
તો યુધિષ્ઠિર બચવાની કોઈ શક્યતા ખરી? ઉપરાંત, આજના શકુનિએ યુધિષ્ઠિરને રમવા માટે આમંત્રણ પાઠવવા દૂત મોકલવાની કે યુધિષ્ઠિર ઇન્દ્રપ્રસ્થથી મુસાફરી કરીને હસ્તિનાપુર આવે ત્યાં સુધી રાહ જોવાની પણ જરૂર નથી. હવે શકુનિ અને યુધિષ્ઠિર વચ્ચે ફક્ત એક નોટિફિકેશન જેટલું જ અંતર છે.
|
‘સ્કિલ બેઝ્ડ ગેમિંગ’ને નામે ભારતમાં રોકડ રૂપિયા જીતવા લલચાવતી ગેમિંગ સાઇટ્સનો રાફડો ફાટ્યો છે, આ વાઇરસ પણ આપણા સમાજને ખોખલો બનાવી શકે છે. ભારતમાં ઓનલાઇન ગેમ્સ, ફેન્ટસી સ્પોર્સ્ટ, ક્વિઝ વગેરે નામે ‘રમવા’ની સગવડ આપતા ગેમિંગ પ્લેટફોર્મ્સમાં ધરખમ આવક હોવાથી, તેમને ચાઇનીઝ કંપનીઓ તરફથી વ્યાપક પ્રમાણમાં ફંડિંગ મળી રહ્યું છે. અલબત્ત, આ બધા જ પ્લેટફોર્મ ભારતના કાયદાનું પાલન કરીને ‘ઓનલાઇન રમત રમીને રોકડ જીતવાની તક’ આપે છે. ફી-જીતની રકમની આપલે પર કાયદેસરના પેમેન્ટ ગેટવેથી થાય છે. રમત અને જુગાર વચ્ચેની ભેદરેખા બહુ પાતળી હોવાથી નિર્દોષ લાગતી રમત ક્યારે વ્યસન બની જાય તે કહેવું મુશ્કેલ છે. |
ગેમિંગ જેની નબળાઈ છે એવા આજના અસંખ્ય યુધિષ્ઠિર, એમના સ્માર્ટફોનમાં એક નોટિફિકેશન આવતાંવેંત ચોસરના મેદાનમાં ઝંપલાવી દે છે અને પોતાનું – જે પણ હોય એ – રાજપાટ ગુમાવવાની હદ સુધી પહોંચી જાય છે.
નેત્રહીન ધ્રુતરાષ્ટ્રે શકુનિની બધી ચાલ ચલાવી લીધી, ભિષ્મ પિતામહ, ગુરુ દ્રોણ, વિદુર (એમના બોલકા વિરોધ છતાં) વગેરે પણ શકુનિ સામે ‘વિવશ’ હતા! એમ જ કંઈક, આજના કાયદાપાલકો પણ સરેઆમ ચાલી રહેલી આ દ્યુતક્રિડા સામે ‘વિવશ’ છે! કારણ ફક્ત એટલું કે રમત અને જુગાર વચ્ચેની ભેદરેખા બહુ ધૂંધળી છે અને વધુ ધૂંધળી બની રહી છે.
એ સ્પષ્ટ થાય તે પહેલાં અને આપણા દેશમાં કોરોના વાઇરસ ત્રાટક્યો તે અગાઉ દેશને ‘રીયલ મની ગેમિંગ’ નામનો વાઇરસ લાગી ચૂક્યો છે. મોટા ભાગે ચાઇનીઝ કંપનીઓના ફંડિગથી આ ઇન્ડસ્ટ્રી ફૂલીફાલી રહી છે. લોકડાઉનને કારણ કે તેનો પ્રસાર હજી વધુ ઝડપથી વધી રહ્યો છે, કારણ કે અહીં તો સોશિયલ ડિસ્ટન્સિંગ આ વાઇરસને મદદરૂપ થઈ રહ્યું છે!
ફન, ઓનલાઇન ગેમિંગ કે સ્કિલ બેઝ્ડ ગેમિંગને નામે ઇન્ટરનેટ પર શું ચાલી રહ્યું છે, તેની સામે કેવાં નિયંત્રણો છે કે નથી, તેમાં ડેટા એનાલિટિક્સની ટેક્નોલોજી કેવો ભાગ ભજવી રહી છે એ બધું અહીં જાણીએ, જેથી તમારા પરિવારને આ વાઇરસ વળગે તે પહેલાં તમે રોગપ્રતિકારક શક્તિ કેળવી શકો!
આ આખી વાતનાં વિવિધ પાસાં વિગતવાર તપાસીએ.
ઇન્ટરનેટ પર ગેમિંગનો તરખાટ
આ વર્ષની શરૂઆતમાં, અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અમદાવાદ આવ્યા એ જ ૨૪ ફેબ્રુઆરીના દિવસે મુંબઈમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી અને માઇક્રોસોફ્ટના સીઇઓ સત્ય નડેલા વચ્ચે એક મુલાકાત યોજાઈ હતી. બંનેએ નવા ટેક્નોલોજી યુગ અને ભારતના અસાધારણ પોટેન્શિયલ વિશે ખુલ્લા દિલે ઘણી વાતો કરી.
આ મુલાકાતના સમાપનમાં સત્ય નડેલાના એક પ્રશ્નના જવાબમાં મુકેશભાઈ કહ્યું હતું કે ભારતમાં ગેમિંગનું હજી લગભગ અસ્તિત્વ જ નથી… પણ પોટેન્શિયલ ગજબ છે. ગેમિંંગ શું છે એ જાણતા જ નથી એવા લોકો માટે એવી કલ્પના કરવી પણ મુશ્કેલ છે કે ગેમિંગ ઇન્ડસ્ટ્રી મ્યુઝિક, મૂવીઝ અને ટીવી ત્રણેના સરવાળા કરતાં પણ વધી જવાની છે!
આ બંને દિગ્ગજો કદાચ ગેમિંગની વાત ઇલેક્ટ્રોનિક સ્પોર્ટ્સ-ઇસ્પોર્ટ્સના સંદર્ભે કરતા હતા. સમગ્ર વિશ્ર્વમાં આ પ્રકારનું ગેમિંગ તરખાટ મચાવી રહ્યું છે. ઇસ્પોર્ટ્સમાં જુદા જુદા પ્રકારની ગેમ્સ વીડિયો ગેમ્સ સ્વરૂપે ઓનલાઇન રમાય છે, લોકો તેને માટે બનેલા ખાસ પ્રકારના સ્ટેડિયમમાં આવી ટુર્નામેન્ટ જુએ છે.
તે ઉપરાંત લાખો લોકો પોતપોતાના કમ્પ્યુટર કે મોબાઇલમાં તેની મજા માણે છે. ઇસ્પોર્ટ્સ મોટા ભાગે જે તે ગેમના એક્સપર્ટ, પ્રોફેશનલ પ્લેયર્સ વ્યક્તિગત રીતે કે પછી ટીમ સ્વરૂપે રમે છે. સ્માર્ટ માર્કેટિંગ, તેને કારણે વિશાળ વ્યૂઅરશીપ અને તેને કારણે તગડી સ્પોન્સરશીપ્સથી ઇસ્પોર્ટ્સને એક જબરજસ્ત બિઝનેસનું સ્વરૂપ મળવા લાગ્યું છે.
ભારતમાં ઇસ્પોર્ટ્સ ધીમી ગતિએ વેગ પકડી રહ્યું છે, પણ, એ ઉપરાંત આપણા દેશમાં જરા અલગ પ્રકારનું ઓનલાઇન ગેમિંગ ફેલાઈ રહ્યું છે. એમાં ગેમના એક્સપર્ટ્સ અને પ્રોફેશનલ્સ કરતાં સામાન્ય, સરેરાશ લોકો પ્લેયર તરીકે વધુ ને વધુ પ્રમાણમાં જોડાઈ રહ્યા છે. નિષ્ણાતો કહે છે કે એનાં મુખ્ય ત્રણ કારણ છે. ભારતમાં સસ્તા થતા જતા સ્માર્ટફોન, વધુ ને વધુ ઝડપી અને સસ્તી થતી જતી ઇન્ટરનેટ કનેક્ટિવિટી અને ઓનલાઇન પેમેન્ટનું સતત વધતું ચલણ.
આ ત્રણ ઉપરાંત ચોથું કારણ એ પણ ખરું કે મ્યુઝિક, મૂવીઝ અને ટીવી જેવાં અન્ય સેક્ટરમાં, યૂઝરને ફક્ત આનંદ મળે છે, રૂપિયા નહીં! ગેમિંગમાં એને રૂપિયા મેળવવાની તક પણ દેખાય છે! રિપોર્ટ્સ બતાવે છે કે લોકડાઉન દરમિયાન આ પ્રકારના ગેમિંગમાં રીતસર ઉછાળો આવ્યો છે.
ઓનલાઇન ગેમિંગનું નવું સ્વરૂપ
પહેલાં એક ખાસ સ્પષ્ટતા – ગેમિંગ એટલે જુગાર જ એવું બિલકુલ નથી.
ચાર મિત્રો સાથે બેસીને કે ઓનલાઇન ફક્ત આનંદ ખાતર લૂડો ગેમ રમે કે પરિવારના સભ્યો પત્તાં રમે એ ગેમિંગ જ છે. ઇન્ટરસ્કૂલ લેવલે ચેસ કે ટેબલ-ટેનિસ જેવી કોઈ ગેમની ટુર્નામેન્ટ યોજાય, તેના પ્લેયર્સ નિશ્ચિત એન્ટ્રી ફી ભરીને ટુર્નામેન્ટમાં ભાગ લે અને પોતાની આવડતના જોરે ટુર્નામેન્ટ જીતીને શિલ્ડ સાથે રોકડ ઇનામ જીતે તો એ પણ ગેમિંગ જ છે.
આઇપીએલમાં વિવિધ ક્રિકેટ ટીમ્સ મેદાનમાં ઉતરે, વિવિધ પ્લેયર્સને તેમની સ્કિલ અનુસાર કરોડોની ફી ચૂકવાય અને ક્રિકેટની સાથોસાથ ગેમનું જબરજસ્ત માર્કેટિંગ થાય, બ્રોડકાસ્ટિંગના મોટા બિઝનેસ ઊભા થાય એ બધું ભલે નવું, પણ આખરે ગેમનું જ એક સ્વરૂપ છે.
ઇન્ટરનેટ ટેકનોલોજી મેદાનમાં આવ્યા પછી ગેમિંગ, વર્ચ્યુઅલ સ્પોર્ટ્સ વગેરેમાં નવાં પરિમાણો ઉમેરાયાં છે.
ગયા વર્ષે ભારતમાં ગેમિંગ પ્લેટફોર્મ ઊભું કરનારા એક સ્ટાર્ટઅપે ઓનલાઇન મોટી ચેસ ટુર્નામેન્ટ યોજી ત્યારે તેમાં પ્રમોશનમાં ચેસ ગ્રાન્ડ માસ્ટર વિશ્વનાથ આનંદ પણ સંકળાયા હતા. ઓનલાઇન રમાયેલી એ ટુર્નામેન્ટમાં ૩ લાખ ચેસ પ્લેયર્સે ભાગ લીધો અને ફક્ત ૧૨ કલાકમાં ૧૨ લાખ ચેસ ગેમ્સ રમાઈ! ગેમના અંતે ૫૦,૦૦૦ જેટલા વિજેતાઓને કુલ ૧૧ લાખ રૂપિયાનાં ઇનામ મળવાનાં હતા. આ ગેમિંગનું નવું સ્વરૂપ છે. નિષ્ણાતો અંદાજ મૂકે છે કે આ ટુર્નામેન્ટ પછી, તેના આયોજક સ્ટાર્ટઅપની ગ્રોસ મર્ચન્ડાઇઝ વેલ્યૂમાં ૨૦૦૦ ટકાનો વધારો થયો છે.
ચેસ ટુર્નામેન્ટમાં દેખીતી રીતે, મગજનું દહીં કરતી આ ગેમ રમતાં જેને આવડે એ જ ભાગ લઈ શકે. પરંતુ એ સિવાયની ઘણી બધી ગેમ્સ હવે ઓનલાઇન એ રીતે રમાય છે, જેમાં તમારી ખાસ માસ્ટરી ન હોય તો પણ તમે રમી શકો, એટલું જ નહીં, રૂપિયા ચૂકવીને ખાસ ગેમ્સમાં ભાગ લઈ શકો અને આવડત સાથે નસીબ જોર કરતું હોય તો રોકડ રૂપિયા જીતી પણ શકો. ક્રિકેટ જગતના અનેક દિગ્ગજ અત્યારે આવી એપ્સનું પ્રમોશન કરી રહ્યા છે.
‘‘ગેમ રમો, રીયલ કેશ જીતો’’
ઓનલાઇન ગેમિંગમાં, રોકડ ઇનામ જીતવાનો મુદ્દો ઉમેરાયા પછી વાત ધૂંધળી બનવા લાગે છે. ગેમિંગ, ઇસ્પોર્ટ્સ, ડિજિટલ ગેમ્સ, ફેન્ટસી સ્પોર્ટસ વગેરે જુદા જુદા નામે ઓળખાતી આ આખી ઇન્ડસ્ટ્રીમાં હવે બધો ભાર ‘રીયલ કેશ’ જીતવા પર મૂકાઈ રહ્યો છે.
તમે તમારા મોબાઇલમાં કોઈ એપમાં પારિવારિક સિરિયલના જૂના એપિસોડ્સ જોઈ રહ્યા હો ત્યારે પણ વચ્ચે સતત રમી કે પોકર જેવી ઓનલાઇન ગેમ્સની જાહેરાતોનો મારો સહન કરવો પડે. ભારતમાં કે વિશ્વમાં રમત અને જુગારનો વર્ષોથી બહુ નજીકનો સંબંધ રહ્યો છે. ક્રિકેટમાં ‘બેટિંગ’નો જુદો અર્થ પણ થાય છે! ક્રિકેટ પર સટ્ટો રમીને ખુવાર થનારા અનેક લોકો છે. પરંતુ આવું બેટિંગ ગેરકાયદે છે. લોકો પોલીસથી બચવા ચાલતી કારમાં લેપટોપની મદદથી સટ્ટો રમાડતાં પકડાયા હોય એવા કિસ્સાઓ પણ અખબારોમાં ચમકે છે.જ્યારે ઇન્ટરનેટ પર આ જ વાતને ‘ખેલો દિમાગ સે’ એવા લલચાવનારા સ્વરૂપે પ્રમોટ કરવામાં આવે છે.
ભારતનાં અમુક રાજ્યોમાં ઓનલાઇન ગેમિંગ સાઇટ્સ પર પ્રતિબંધ છે. ગોઆમાં કેસિનો ચલાવી શકાય છે, પણ સ્થાનિક લોકોને તેમાં પ્રવેશવા પર હમણાં પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
બે દેશ વચ્ચે કે આઇપીએલની બે ટીમ વચ્ચે ક્રિકેટ મેચ રમાઈ રહી હોય ત્યારે તમે વિવિધ એપ્સની મદદથી મોબાઇલમાં એ મેચને સમાંતર, તમારી પોતાની ટીમ બનાવીને મેચ રમી શકો છો. ક્રિકેટની તમારી સમજ અને તમારી આર્થિક ક્ષમતા અનુસાર, તમે જુદા જુદા લેવલની ફી ભરીને રમતા લોકો સાથે વર્ચ્યુઅલ મેચ રમી શકો અને તમારી ટીમના સ્કોર અનુસાર તમે ‘રીયલ કેશ’ જીતી શકો. ક્રિકેટના ખરા રસિયાઓ ઉપરાંત કોલેજિયન્સ, ટીનેજર્સ અને ઘણી ગૃહિણીઓને પણ આ રીતે મોબાઇલમાં ક્રિકેટ રમવાનો અને હારજીતનો ચસકો લાગી ગયો હતો. લોકડાઉન દરમિયાન ક્રિકેટ મેચ અટકી પડી છે એટલે અન્ય ‘રીયલ મની ગેમિંગ’ વધી રહ્યું છે.
મોટા ભાગનાં ગેમિંગ પ્લેટફોર્મ્સ તેના વિવિધ પ્લેયર્સ પાસેથી રકમ મેળવે છે અને જે કુલ રકમ એકઠી થાય તેમાંથી ૧૦થી ૨૫ ટકા રકમ પોતાના માટે રાખીને બાકીની રકમ અમુક ગણતરીના વિજેતાઓમાં વહેંચે છે. એટલે જ આ હવે બહુ મોટો બિઝનેસ બની રહ્યો છે. અહેવાલો અનુસાર અત્યારે આવી એપ્સના ૬૦ ટકાથી વધુ યૂઝર્સ ૨૪ વર્ષથી નાની ઉઁમરના છે. આવી એપ્સ ચિંતા એ વાતની છે કે આ ઉંમરના લોકો પાસે ગેમ્સ પાછળ ખર્ચવા માટે પૂરતા રૂપિયા હોતા નથી! આથી એપ્સ વધુ ને વધુ યૂઝર્સ ખેંચવા પર જોર આપી રહી છે.
આખી વાતનું કાયદાકીય પાસું
ભારતમાં જુગાર સામેનો મુખ્ય કાયદો ‘પબ્લિક ગેમ્બલિંગ એક્ટ’ છે, જે ૧૮૬૭માં ઘડાયો હતો. ભારતના બંધારણ અનુસાર જુગાર સામે પ્રતિબંધ મૂકવાની કે તેને કાયદાકીય સ્વરૂપ આપવાની સત્તા રાજ્યોના હાથમાં છે. એટલે જ કેટલાંક રાજ્યોમાં લોટરી ચાલે છે તો ઘણાં રાજ્યોમાં તેના પર પ્રતિબંધ છે. ગોઆમાં કેસિનો ચાલે છે. પરંતુ મોટા ભાગનાં રાજ્યોમાં ઓનલાઇન ગેમિંગને જુગાર ગણવો કે નહીં એ બે માપદંડને આધારે નક્કી કરવામાં આવે છે. ફક્ત ચાન્સ આધારિત ગેમ રૂપિયા મૂકીને રમવામાં આવે તો એ જુગાર ગણાય છે, પણ જે ગેમમાં તમારી સ્કિલનો ઉપયોગ થાય એમાં રૂપિયા મૂકીને રમવામાં આવે તો એ જુગાર ગણાતો નથી.
સ્માર્ટ ડેટા એનાલિટિક્સ અજમાવી ગેમિંગ સાઇટ બરાબર જાણી શકે છે કે કઈ વ્યક્તિ સાઇટ પર કેટલું રમે છે, કેટલું, કોનું સામે અને ક્યારે જીતે કે હારે છે – પરિણામે સાઇટ તેને વિવિધ રીતે લલચાવી શકે છે.
બીજા શબ્દોમાં, સાપ-સીડી જેવી ગેમમાં જીતવાનો બધો આધાર નસીબ પર છે, એમાં રૂપિયા ઉમેરાય તો એ જુગાર થયો. પણ લૂડો જેવી જેવી ગેમમાં તમે ચાર કૂકરીને સાથે ચલાવી શકતા હોવાથી, તમે પાસા ઉપરાંત ધારો તો તમારી બુદ્ધિથી હારની બાજી જીતમાં પલટી શકો. આવા સ્કિલ આધારિત ગેમિંગમાં રૂપિયા ઉમેરાય તો એ જુગાર ગણાતો નથી. ઘોડાની રેસ ઘણાં રાજ્યોમાં જુગાર ગણાતી નથી, કેમ કે તેમાં ઘોડા અને જોકીની આવડતની સમજ જીતવા માટે જરૂરી મનાય છે. એટલે જ તો મોબાઇલમાં ક્રિકેટ રમાડતી પેલી એપ માટે ધોની આપણને ભારપૂર્વક કહે છે કે ‘ખેલો દિમાગ સે’! મોબાઇલમાં ક્રિકેટ રમાડતી એપ્સ સામે અગાઉ અદાલતોમાં કેસ ચાલ્યા છે, પણ એ ‘સ્કિલ બેઝ્ડ’ અને ‘ચાન્સ બેઝ્ડ’ ગેમિંગના મુદ્દે જ ટકી શક્યા નથી. મોટા ભાગની મોબાઇલ ગેમિંગ એપ્સમાં કહેવામાં આવે છે તેના યૂઝર ૧૮ વર્ષથી વધુ ઉંમરના હોવા જોઈએ. ઉપરાંત, અમુક રાજ્યોમાં આ એપ્સ એક્સેસ કરી શકાતી નથી.
આવી એપ્સ પર રમનારી વ્યક્તિ જે રકમ જીતે છે તે રકમની ચુકવણી તેને કાયદેસરનાં મોબાઇલ વોલેટ્સ, પેમેન્ટ્સ એપ્સ, યુપીઆઇ કે બેન્ક ટ્રાન્સફર દ્વારા કરવામાં આવે છે. એટલે કાયદાની દૃષ્ટિએ આમાંનું કશું જ ખોટું નથી.
ડેટા એનવાલિટિક્સથી ઉમેરાતું જોખમ
હવે આ વાત ફક્ત ફુરસદનો સમય આનંદથી પસાર કરવાની અને પોતાના ગેમ્સના પેશનને મોબાઇલ એપ્સમાં આગળ વધારવાની રહી નથી.
આપણને ક્રિકેટની ખરેખર સારી સમજ હોય, દરેક પ્લેયરનાં પ્લસ-માઇનસ પોઇન્ટ્સ આપણે સમજતા હોઇએ અને પછી પોતાની ટીમ બનાવીને કોઈ એપ પર નિજાનંદ માટે ક્રિકેટ રમીએ એ એક વાત થઈ, પણ પ્લેયર્સની બેટિંગ સ્ટાઇલને બદલે હેરસ્ટાઇલ્સમાં જ રસ હોય છતાં, અને ખાસ તો, રૂપિયા જીતવાના ચસકા સાથે એપમાં ક્રિકેટ રમવા લાગીએ એ બીજી વાત થઈ.
આ લેખના પ્રારંભે કહ્યું તેમ, આ આપણી યુધિષ્ઠિર જેવી નબળાઈ થઈ અને ડેટા એનાલિટિક્સને કારણે ગેમિંગ પ્લેટફોર્મ્સ આપણી આ નબળાઈનો પૂરેપૂરો લાભ ઉઠાવી શકે છે. આપણે સામાન્ય રીતે ડેટાની વાત આવે ત્યારે એમ જ માનતા હોઈએ છીએ કે કોઈ હેકર આપણા બેન્ક એકાઉન્ટની વિગતો ચોરીને આપણું ખાતું ખાલી કરી નાખે એ જ આપણા ડેટાનો દુરુપયોગ થયો. વાસ્તવમાં, બીજી ઘણી રીતે આપણા ડેટાનો આપણી વિરુદ્ધ ઉપયોગ થઈ શકે છે.
કોઈ વ્યક્તિ ઓનલાઇન ગેમિંગ સાઇટ કે એપ પર રૂપિયા ભરીને ફેન્ટસી ક્રિકેટ, કેરમ, લૂડો, પોકર કે રમી જેવી ‘રમત’ રમે અને પછી હારે કે જીતે ત્યારે સાઇટની સિસ્ટમમાં તેના વિશે પાર વગરનો ડેટા એકઠો થાય છે. કઈ વ્યક્તિ સરેરાશ કેટલા રૂપિયાની ફી સાથે રમવાનું પસંદ કરે છે, બીજા કયા પ્લેયર સાથે રમે ત્યારે હારે છે કે જીતે છે, તેના પરફોર્મન્સનો ગ્રાફ કેવો રહે છે, દિવસમાં કેટલો સમય કે સપ્તાહ-મહિનાના કેટલા દિવસ એ વ્યક્તિ ગેમિંગ સાઇટ પર એક્ટિવ રહે છે વગેરે બધું સિસ્ટમમાં નોંધાય છે.
ગેમિંગ માટેની ફી કે પછી જીતેલી રકમની ચૂકવણી ડિજિટલ વોલેટ્સ મારફત થાય છે અને આ એપ્સ કે વોલેટ્સ પાછાં, એ વ્યક્તિની આર્થિક સદ્ધરતા કેવીક છે, એ ગેમિંગ અને અન્ય બાબતો પાછળ કેટલો ખર્ચ કરે છે વગેરે વગેરે પ્રકારનો ડેટા એકઠો કરતાં જ રહે છે. છોગામાં, લગભગ દરેક ગેમિંગ એપમાં ફેસબુક કે ગૂગલની મદદથી સાઇન-ઇન કરી શકાય છે.
પરિણામે આ કંપનીઝ પાસેના આપણા વિશેના ડેટામાં ઉમેરો થતો જ રહે છે. જેમ આપણે કોઈ એક ઈ-શોપિંગ સાઇટ પર ખરીદી કરીએ એ સાથે તેની અન્ય પ્રોડક્ટ્સમાં વિવિધ સ્કીમ્સ કે ઓફરની મદદથી આપણને લલચાવવામાં આવે છે.
એ જ રીતે, ગેમિંગની કોઈ સાઇટ પર એક વાર રમ્યા પછી આપણા બધા પ્રકારના ડેટાનું ઝીણવટભર્યંુ એનાલિસિસ થઈ શકે છે.
એ પછી, એ સાઇટ તરફથી આપણને વારંવાર વિવિધ ઓફર્સ આપવામાં આવી શકે છે. ક્યારેક ફીમાં ડિસ્કાઉન્ટ તો ક્યારેક બિલકુલ ફ્રીમાં રમવાની ઓફરથી લઈને મોટાં મોટાં ઇનામોની લાલચ સતત બતાવવામાં આવી શકે છે. નવા આઇફોન કે ફોરેન ટ્રીપની ઓફર ભલભલાને પીગળાવી શકે છે.
અહીં પણ ચીનનું આક્રમણ
હમણાં ચીનની સેન્ટ્રલ બેંકે ભારતની એચડીએફસી બેન્કમાં ૧ ટકો હિસ્સો ખરીદ્યા પછી સરકાર જાગી છે. સરકારે ભારતીય કંપનીઓમાં ચાઇનીઝ ઇન્વેસ્ટમેન્ટ પર અંકુશો લાદવાનું શરૂ કર્યું છે. પરંતુ ભારતીય કાયદાઓમાંની છટકબારીઓને કારણે ભારતમાં જે રીતે ‘રીયલ મની ગેમિંગ’ બેફામ વધી રહ્યું છે તે જોઈને ચાઇનીઝ કંપનીઓ અહીં પણ મેદાનમાં આવી ગઈ છે.
ટેન્સેન્ટ હોલ્ડિંગ્સ, અલીબાબા ગ્રૂપ હોલ્ડિંગ, સોફ્ટબેન્ક ગ્રૂપ વગેરે ચાઇનીઝ કોર્પોરેશન્સ ભારતની ગેમિંગ એપ્સમાં લાખો-કરોડો ડોલર્સનું રોકાણ કરવા લાગી છે કારણ કે આ ક્ષેત્રમાં કરેલું રોકાણ બહુ ટૂંકા સમયમાં તેમને ચાર-પાંચ ગણું વળતર અપાવે તેવી શક્યતાઓ જોવાઈ રહી છે.
ઉપરાંત આવી ઘણી ખરી ચાઇનીઝ કંપનીનાં આખાં તંત્ર મોબાઇલ ફોન્સની આસપાસ જ ઊભાં થયાં છે. ભારતનો મોબાઇલ યૂઝર પોતાનો વધુમાં વધુ સમય મોબાઇલમાં ગાળે એમાં આ કંપનીઓને સીધો ફાયદો છે.
મોબાઇલમાં ઇ-કોમર્સ, વીડિયો સ્ટ્રીમિંગ, મ્યુઝિક, મૂવીઝ વગેરે પણ મોટા બિઝનેસ છે, પણ એ બધામાં વાસ્તવિક ચીજવસ્તુઓનું ઉત્પાદન, ડિલિવરી નેટવર્ક અથવા કન્ટેન્ટ ક્રિએશન વગેરેમાં ગંજાવર રોકાણ કરવું જરૂરી છે.
જ્યારે ગેમિંગ એપ્સમાં એક વાર પ્લેટફોર્મ ઊભું કરી લીધા પછી, તેમાં રૂપિયો આપોઆપ ફરતો રહે છે. ફક્ત બધું જોર યૂઝર્સને વારંવાર પોતાના પ્લેટફોર્મ પર લાવવામાં જ લગાવવું પડે છે! એટલે આ વધુ કસદાર બિઝનેસ બની રહ્યો છે.
આ વાઇરસથી પણ ચેતજો
યાદ રહે, વર્ષ ૨૦૧૮માં વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને ઓનલાઇન વીડિયો ગેમિંગની લતને એક પ્રકારની માનસિક બીમારી ગણાવી હતી.
અત્યારે આપણા દેશમાં સહેલાઇથી રૂપિયા કમાવાની લાલચે, રોજનું કમાઈને ખાનારા લોકો દારૂની જેમ પોતાની કમાણી પોતાના સસ્તા એન્ડ્રોઇડ ફોન પર લૂંટાવી રહ્યા છે. ઘણા વિદ્યાર્થીઓ દોસ્તોની સંગતમાં, બે-ઘડી ગમ્મતને નામે પોતાનું ભવિષ્ય બગાડી રહ્યા છે.
બીજે છેડે, કારકિર્દીમાં ઠરીઠામ બિઝનેસ એક્ઝિક્યૂટિવ્સ પોતાના લેપટોપમાં કે ઘણી હાઉસવાઇવ્સ પોતાના આઇફોનમાં ઇઝી-મની ઉડાડી રહી છે. ચીનથી આવેલા કોરોના વાઇરસની જેમ, આ બીજા પ્રકારનો વાઇરસ પણ તેજ ગતિએ આપણા દેશમાં ફેલાઇ રહ્યો છે.
તમને કે નિકટની વ્યક્તિને તેનો ચેપ ન લાગે એનું ધ્યાન રાખજો!


