આપણે નાની-મોટી દરેક પ્રકારની માહિતી શોધવા માટે ગૂગલનો આશરો લઈએ છીએ, પણ ગૂગલ પરની દરેક બાબત સાચી માનશો નહીં. ગૂગલ મેપ્સમાં બનાવટી લિસ્ટિંગ બહુ મોટા પ્રમાણમાં વધી રહ્યું છે.
કોઈ પણ ઉપયોગી સર્વિસનો ગેરલાભ લેવામાં આપણે માસ્ટરી મેળવી લીધી હોય એવું લાગે છે! તાજું ઉદાહરણ છે ગૂગલ મેપ્સ. અજાણ્યા કે પોતાના જ શહેરમાં જુદી જુદી જગ્યાએ પહોંચવા માટે તો મેપ્સ હાથવગા છે જ, આપણે જેની જરૂર હોય તેવી વિવિધ સર્વિસીઝ શોધવામાં, તેની સંપર્ક માહિતી મેળવવા કે તેના સુધી પહોંચવામાં પણ મેપ્સ એપ આપણને ખાસ્સી ઉપયોગી થાય છે.
પણ હમણાં ‘વોલ સ્ટ્રીટ જર્નલ’એ કરેલા એક અભ્યાસમાં બહાર આવ્યું કે ગૂગલ મેપ્સ પરનાં લાખો લિસ્ટિંગ્સ બનાવટી છે. તમને પણ આવો અનુભવ ઘણી વાર થયો હશે – મેપ્સ પર કોઈ સર્વિસ વિશે જાણીને ત્યાં લિસ્ટેડ ફોન નંબર પર કોન્ટેક્ટ કરીએ ત્યારે ખબર પડે કે નંબર ખોટો છે!
તમે કદાચ જાણતા હશો કે ગૂગલ મેપ્સમાં આપણા બિઝનેસનું લિસ્ટિંગ કરવું બહુ સહેલું છે. જેમ ફેસબુક પર આપણે પોતાના બિઝનેસનું પેજ ક્રિએટ કરી શકીએ છીએ એ જ રીતે, ગૂગલની માય બિઝનેસ સર્વિસમાં પોતાના બિઝનેસનું લિસ્ટિંગ કરીને તેને સંબંધિત ઘણી બધી માહિતી (એડ્રેસ, સંપર્ક નંબર, કામકાજના કલાક, કઈ કઈ રીતે પેમેન્ટ સ્વીકારીએ છીએ, બિઝનેસને સંબંધિત ફોટોઝ વગેરે) અપલોડ કરી શકાય છે. આ માટે, આપણે આપેલા કોન્ટેક્ટ નંબર કે ઈ-મેઇલની મદદથી માય બિઝનેસ સર્વિસ એક વાર આપણો બિઝનેસ જેન્યુઇન હોવાની ખરાઈ કરે છે અને પછી જ્યારે કોઈ આપણા બિઝનેસ સંબંધિત કંઈ પણ ગૂગલ સર્ચમાં કે મેપ્સમાં સર્ચ કરે ત્યારે તેને આપણા બિઝનેસનું લિસ્ટિંગ જોવા મળે છે.
નાના બિઝનેસીસ માટે આ લિસ્ટિંગ પેજ એક નાની વેબસાઇટની ગરજ સારી શકે છે. તમે ધારો તો પાંચ-મિનિટમાં આ પેજ લાઇવ કરી શકો.
આટલી સરળતાને કારણે જ ગૂગલ માય બિઝનેસ સર્વિસનો હવે દુરુપયોગ થઈ રહ્યો છે! ઘણા બિઝનેસ, પોતાના હરીફ બિઝનેસના નામે મેપ પર ખોટાં લિસ્ટિંગ કરીને ખોટી વિગતો આપે છે, જેથી એ હરીફ પ્રત્યે ગ્રાહકો નારાજ થાય! જાણીતી બ્રાન્ડ્સના નામે બિલકુલ ખોટાં લિસ્ટિંગ કરીને ગ્રાહકોને છેતરવાના કિસ્સા પણ બને છે. ખાસ કરીને ઓનલાઇન શોપિંગ સાઇટ્સ કે મોબાઇલ કંપનીઝના કસ્ટમર સપોર્ટ સેન્ટર તરીકે ખોટા ફોનનંબર આપીને લિસ્ટિંગ કરવામાં આવે છે અને આ બધી આંટીઘૂંટીની પૂરતી સમજ ન ધરાવતા લોકો, ગૂગલ પર કસ્ટમર સપોર્ટ નંબર શોધીને, આવા ખોટા લિસ્ટિંગ સુધી પહોંચે અને પછી કોઈ ને કોઈ પ્રકારના ફ્રોડનો ભોગ બને.
વોલ સ્ટ્રીટ જર્નલમાં આ બધું બહાર આવ્યા પછી ગૂગલે પગલાં લેવાનું શરૂ કર્યું છે. ગૂગલ કહે છે કે તેણે આ પહેલાં પણ, ગયા વર્ષે ૩૦ લાખ જેટલાં બનાવટી બિઝનેસ લિસ્ટિંગ દૂર કર્યાં હતાં.
ગૂગલ મેપ્સ પર આશરે ૧૫ કરોડ બિઝનેસ લિસ્ટિંગ છે અને વોલ સ્ટ્રીટ જર્નલના દાવા મુજબ તેમાંથી ૧.૧ કરોડ નકલી છે.
ગૂગલ મેપ્સ પર એવી વ્યવસ્થા છે કે કોઈ બિઝનેસના લિસ્ટિંગમાં જણાવેલી વિગતો કરતાં જુદો જ અનુભવ કોઈ યૂઝરને થાય તો એ પણ તેમાં ફેરફાર સૂચવી શકે છે. કોઈ બિઝનેસ બંધ જ થઈ ગયો હોય તો એ પણ સૂચવી શકાય છે. ગૂગલના કહેવા મુજબ, ગયા વર્ષે આ રીતે યૂઝર્સના રિપોર્ટિંગને આધારે ગૂગલે અઢી લાખ જેટલા બનાવટી લિસ્ટિંગ્સ દૂર કર્યાં હતાં.
ગૂગલની જેમ, ફ્રી લિસ્ટિંગ કરવાની સગવડ આપતી લગભગ તમામ સર્વિસ પર ફેક લિસ્ટિંગ કે પ્રોફાઇલ્સનું દૂષણ સતત વધી રહ્યું છે. લોકો તદ્દન બનાવટી એપ્સ ઊભી કરવાની મહેનત કરીને તરકટ રચી શકે છે તો મેપ્સ પર બનાવટી બિઝનેસ ઊભો કરવો એ તો રમત વાત છે! ગૂગલે તેના બ્લોગમાં આ વાસ્તવિકતા સ્વીકારીને લખ્યું છે કે ‘‘અમે જાણીએ છીએ કે ભલે ઓછી સંખ્યામાં, પણ લોકો બીજાને છેતરવાનું ચાલુ જ રાખવાના છે, એટલે અમારે માથે કામ રહેવાનું જ છે. અમે એ માટે પ્રયાસો સુધારવા સતત પ્રયત્નશીલ રહીશું.’’
અલબત્ત, ગૂગલ મેપ્સ પર આશરે ૧૫ કરોડ બિઝનેસ લિસ્ટિંગ છે અને વોલ સ્ટ્રીટ જર્નલના દાવા મુજબ તેમાંથી ૧.૧ કરોડ નકલી છે – આંકડો બહુ નાનો નથી!
|
ગૂગલની ‘માય બિઝનેસ’ સર્વિસથી કોઈ પણ બિઝનેસનું ગૂગલમાં લિસ્ટિંગ કરવું બહુ સરળ છે. આ સરળતાને કારણે તેનો દુરુપયોગ થઈ રહ્યો છે. જાણીતી બ્રાન્ડ્સને નામે ખોટાં લિસ્ટિંગ કરવામાં આવે છે અને કસ્ટમર સપોર્ટ સેન્ટરને નામે ખોટા ફોનનંબર આપી લોકોને છેતરવામાં આવે છે. આ બધું બહાર આવ્યા પછી ગૂગલે પાછલા થોડા સમયમાં ૩૦ લાખથી વધુ બનાવટી લિસ્ટિંગ દૂર કર્યાં છે. તમારે કોઈ પણ કંપનીના સપોર્ટ સેન્ટરનો સંપર્ક કરવો હોય તો હંમેશા એ કંપની વેબસાઇટ પર એ નંબર શોધશો – નંબર ગૂગલ પર સર્ચ કરશો નહીં. |


